સંતાનોની ખોટી ફરિયાદોની ચકાસણી કર્યા વિના હોબાળો...... થોડું વિચારી લઈએ.
હમણાં રાજકોટની એક નિશાળમાં ધોરણ 8માં ભણતી એક છોકરીએ ઘરે જઈને માતા-પિતા પાસે ફરિયાદ કરી કે ગણિતના સરે આજે મને ગણિતના પિરિયડમાં ‘I love યૂ’ કહ્યું. અને માતાશ્રીએ સાચું ખોટું કશું જાણ્યા સમજ્યા વિના નિશાળમાં જઈને હોબાળો મચાવી દીધો. શાળાના સ્ટાફ અને ગણિતના સર સાથે બોલા-ચાલી કરી અને સરને જેવુ-તેવું કહેવા લાગ્યા. સરે કહ્યું કે હું ક્લાસમાં રીવિઝન કરાવી રહ્યો હતો, ગણિતના એક સ્વાધ્યાય માટે જરૂરી ફોર્મ્યુલા શીખવી રહ્યો હતો. શિખવ્યા બાદ આ સૂત્ર મે બધાને વારા-ફરતી પૂંછયું, આખા ક્લાસમાં માત્ર તમારી દીકરીને ના આવડ્યુ એટલે મે તેને મોટીવેટ કરવા કહ્યું કે તું બોર્ડ પાસે જઈને બોલ કે, ‘ I love this formula’
શાળાના આચાર્યએ સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કર્યું, તો ગણિતના સરે કહ્યું હતું એવું જ થયું હતું. હવે વિચારો શાળામાં સી.સી.ટી.વી. ફૂટેજ ના હોત તો પેલા સરનું શું થાત? ક્લાસના બીજા વિદ્યાર્થીઓએ પણ કહ્યું કે હા સરે તેને ‘ I love this formula’ એવું જ બોલવાનું કહ્યું હતું! હવે શું પેલા માતાશ્રી દીકરીને સમજાવી શકશે કે સરને અને શાળાના સ્ટાફને ‘સોરી’ કહેવાનું શિખવશે ખરા?
ક્યાં સુધી આપણે આપણાં સંતાનોની આવી ખોટી બાબતોને સાચું-ખોટું જાણ્યા-સમજ્યા વિના પ્રોત્સાહન આપતા રહીશું? જે માતા-પિતા જાણ્યા-સમજ્યા વિના પોતાના સંતાનોનું આવું ઉપરાણું લીધા કરે છે, તેઓ પોતાના સંતાનોને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે.
આવા સંતાનો બહુ ઝડપથી ગલત રસ્તે જતાં રહેતા હોય છે. અને એકદિવસ આ બાબત ખુદ માતા-પિતા માટે ખતરનાક બની રહેતી હોય છે. જરૂર પડ્યે સંતાનોની સાઈડ લઈએ, પણ જરૂર પડે તો તેને ટોકતાં અને રોકતા રહીએ. તેઓની ખોટી ફરિયાદોને પ્રોત્સાહન આપતા રહીશું તો તેના ઉછેરમાં મોટી ખામી રહી જશે. આવા સંતાનો જ આગળ જઈને માતા-પિતાના દૂ:ખોનું કારણ બની રહેતા હોય છે
આવા સમયે આપણે સંતાનોને પ્રોત્સાહન આપતા રહીશું તો તેઓના મનમાં એવું ઠસી જશે કે હું ગમે તેટલું ખોટું કરીશ કે બોલીશ મારા માતા-પિતા મારી પડખે ઊભા છે, એટલે મને કોઈ તકલીફ નહી પડે. અને તેઓ સાવ ખોટા રસ્તે ચડી જશે. આવા સંતાનો પોતાની ખામીઓ છુપાવવા હમેંશા બીજા પર આરોપો મૂકતાં રહે છે. તેઓ પોતાની નિષ્ફળતા માટે બિજા લોકો પર આરોપો મૂકતાં રહેશે. જેવી રીતે આપણે આપણાં સંતાનોને કોઈ બીજા સાથે લડતા ઝઘડતા શીખવીએ છીએ, એવી જ રીતે આપણે તેઓને શીખવતા હોતા નથી કે આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો માફી પણ માંગી લેવી.
ઘણીવાર શાળામાં કોઈ શિક્ષક વિદ્યાર્થીને મારે તો પણ હવે આપણે સૌ હોબાળો કરી મૂકતાં હોઈએ છીએ, પણ આપણે એ જાણવાની કોશિશ નથી કરતાં હોતા કે શા માટે માર્યું? વિદ્યાર્થીઓને ના જ મારવા જોઈએ, પણ ક્યારેક વિદ્યાર્થીઓએ એટલા બધા અવિવેકી થઈ જતાં હોય છે કે તેઓને શિસ્ત શીખવવા માટે મારવા પણ પડતાં હોય છે. તેને લીધે હવે શાળાઓમાં બાળકોને શિક્ષકો કશું કહેતા જ હોતા નથી.
બાળક ભણે તોય ભલે અને ના ભણે તોય ભલે! આવા સંતાનો પોતાની જાતને કઈક સમજવા લાગે છે. દરેક જગ્યાએ શિસ્તને લઈને આજકાલ એટલે જ પ્રશ્નો વધુ ઊભા થતાં જાય છે. શાળામાં આપણે ફી ભરીએ છીએ, એટલે શાળાના સંચાલકો, સ્ટાફ અને ખાસ કરીને શિક્ષકને આપણે ખરીદી લેતા હોતા નથી.
મહાભારતમાં ગુરુ દ્રોણે અશ્વત્થામાની દરેક ખોટી બાબતોને પુત્ર મોહમાં સ્વીકારી અને પછી જે થયું હતું, તે આપણે સૌ જાણીએ જ છીએ. માત્ર પુત્રમોહને લીધે તેમણે અધર્મનો સાથ દેવો પડ્યો હતો. આપણે પણ ક્યાંક એ જ તો નથી કરી રહ્યા ને?