વસ્તી-વધારો દરેક સમસ્યાનું મૂળ.... આ હવે સાચું નથી....
છેલ્લા બ્લુમબર્ગના રીપોર્ટ મુજબ ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ચૂક્યો છે. આપણે આઝાદ થયા એ વર્ષે આપણી વસ્તી 33 કરોડ હતી અને 76માં વર્ષે આપણે તેમાં ચોખ્ખો 100 કરોડનો વધારો નોંધાવી ચૂક્યા છીએ. છેલ્લા રીપોર્ટ મુજબ ભારતની વસ્તી 143 કરોડ થઈ ગઇ છે. વિશ્વની કુલ વસ્તીના 17.7% હવે ભારતીયો છે.
અત્યાર સુધી આપણે આપણી દરેક સમસ્યાનું કારણ વસ્તી-વધારાને માનતા હતા. ગરીબી, બેકારી, પ્રદૂષણ, ગંદકી, નીચી માથાદીઠ આવક, વગેરે વગેરે સમસ્યાઓના મૂળમાં વસ્તી-વધારો છે, એવું આપણે સામાજિક વિજ્ઞાનોમાં ભણાવતા આવ્યા છીએ. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આ જ વસ્તી આપણા દેશ માટે સમસ્યાને બદલે વિકાસનું માધ્યમ બની ગઈ છે!
વિશ્વના વિકસિત રાષ્ટ્રોની નજર આજે ભારતના બજારો પર છે. આજે વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો ભારત સાથે વેપાર કરવા ઊંચા-નીચા થઈ ગયા છે, કારણકે ભારત જેવડું વિશાળ બજાર તેઓને ક્યાં મળવાનું? વસ્તી-વધારાને લીધે ભારતમાં માનવ-શ્રમ ખુબ સસ્તા દરે મળી રહ્યો છે, જેને લીધે વસ્તુઓની પડતર પણ ઘટાડી શકાય છે. વિશ્વની ઘણી બધી એવી કંપનીઓ છે, જેને પોતાના દેશ કરતાં પણ વધુ નફો આ દેશ રળી આપે છે. અને એટલે જ તેઓ કોઈપણ ભોગે ‘ભારતીય બજાર’ કેપ્ચર કરવા માંગે છે.
આટલી વિશાળ વસ્તી હોવા છતાં આપણે વૈશ્વિક મંદી સામે ટકી ગયા, કારણકે આપણી વસ્તીનો મોટો ભાગ આજે ઉત્પાદક પ્રવૃતિઓમાં રોકાઇ ગયો છે. વિશ્વના મોટા ભાગના દેશો આજે મંદીમાં સપડાય ગયા છે. ત્યારે ભારતીયો જે કામ મળે તે કરી રહ્યા છે. તમે આજે નાના શહેરોની ગલીઓમાં જઈને જોશો તો ખ્યાલ આવશે કે મધ્યમ વર્ગના ઘરોની મોટા ભાગની સ્ત્રીઓ ભરત-ગૂંથણ, કે પછી સાડી ભરવાના કે ઇમિટેશનના કે બીજા કોઈ કામો કરી રહી છે. શેરીઓમાં બેઠા બેઠા આસપાસની સ્ત્રીઓ સાથે વાતો કરતાં કરતાં તેઓ ભારતના અર્થતંત્રને પરોક્ષ રીતે મજબૂત ટેકો આપી રહી છે.
યુવાનો અને યુવતીઓની સંખ્યા આપણા દેશમાં સૌથી વધુ છે. ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે. અને આ યંગ-જનરેશન આજે અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું કામ અને ક્ષમતા બતાવી રહી છે.‘સાર્ક-ટેન્ક’માં આપણે આપણી યંગ-જનરેશનની કમાલ જોઈ જ રહ્યા છીએ. ગામડાઓમાં યંગ-જનરેશન શિક્ષણ સાથે ખેતીને ટેકો આપી રહી છે. સવારે ચાર કલાકે ઊઠીને બે કલાક ખેતરમાં કામ કરીને છ વાગ્યાની બસ પકડીને 8 વાગ્યે કોલેજે પહોંચી શિક્ષણ મેળવી રહી છે!
ભારતનો માનવ-શ્રમ આજે વિશ્વના ખૂણે ખૂણે પોતાનો પસીનો વહાવી રહ્યો છે. વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો વિકસિત દેશ હશે, જ્યાં ભારતીયોની વસ્તી નહી હોય. હકીકત તો એ છે કે ભારતીયો કોઈપણ પરિસ્થિતિમાં પોતાના કુટુંબ પૂરતી રોજગારી મેળવી લેવામાં માસ્ટરી ધરાવે છે. ફૂટપાથ પર બેસીને ધંધો કરી લેતા લોકો પણ આ દેશમાં છે અને રેંકડી, કેબિન કલ્ચર પણ છે. તો રસ્તાની ધારે ઊભા રહીને પાણી-પૂરી કે બીજી કોઈ વાનગીઓ કે વસ્તુઓ વહેંચીને કમાઈ લેવા વાળાથી આ દેશનું અર્થતંત્ર ધબકતું રહે છે.
વિશ્વના કુલ મોબાઈલ ધારકોમાં 46.5% એકલા આ દેશના છે. તો સૌથી વધુ સોનામાં રોકાણ ચીન પછી આ વસ્તી જ કરે છે. વિશ્વની મોટી મોટી કંપનીઓમાં આ જ દેશના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કૃષિ-પેદાશોમાં પણ આપણે એક મોટા ઉત્પાદક રાષ્ટ્ર તરીકે ઊભરી રહયા છીએ. ભારત આજે વિશ્વનું પાંચમું મોટું અર્થતંત્ર બની ગયું છે. ઘણી બધી વસ્તુઓના ઉત્પાદનમાં આજે આપણે આત્મ-નિર્ભર બની રહ્યા છીએ.
આઈ.પી.એલ. ની મેચોમાં સ્ટેડિયમ જોઈને ભલે એવું લાગે, આ દેશમાં નવરા માણસો વધારે છે, પણ એ જ દર્શકોને લીધે એ લીગ આજે વિશ્વની નંબર વન ક્રિકેટ લીગ બની ગઈ છે. ભલે આપણી પાસે પ્લાન્ડ વસ્તી નથી, પણ એવી વસ્તી જરૂર છે જે મુશ્કેલીના સમયે કદમ થી કદમ મેળવીને એકબીજાને સહારો આપી શકે.
આપણી સરકારના ઘણા પ્રયાસો છતાં આપણે વસ્તીને કંટ્રોલ નથી કરી શક્યા. વસ્તી વધવી જોઈએ હું એવું પણ નથી કહતી પણ એ વસ્તીને હજી વધુ ઉત્પાદક રસ્તે આપણે વાળી શકીએ એમ છીએ. એ સિગ્નલો ઘણા સમયથી આપણને મળી રહ્યાં છે.
No comments:
Post a Comment