Wednesday, 14 June 2023

શિક્ષણનીતિઓ, શિક્ષણપંચો, આ બધામાં ‘શિક્ષક’ ક્યાં???

 

શિક્ષણનીતિઓ, શિક્ષણપંચો, આ બધામાં ‘શિક્ષક’ ક્યાં???

Pin on Inspirational quotes

       બાળક જન્મે એટલે માતા-પિતા હવે તેના શિક્ષણની ચિંતા કરતાં હોય છે.  બાળક નહી ભણે તો શું કરશે? એ પ્રશ્ન મોટા ભાગના માતા-પિતાના મગજમાં ઘૂમરાતો રહે છે. 2 કે 3 વર્ષે બાળકોને શાળાએ મૂકી દેવાની આજકાલ ફેશન છે, અને વળી આ ફેશન ટ્રેન્ડમાં છે. આપણે સોસિયલ ગેધરિંગમાં મળીએ એટલે શિક્ષણના ટોપીક પર ચર્ચા થયા વિના રહેતી નથી!  શિક્ષણ એ માનવજીવનની સૌથી આહલાદક વસંત છે, પણ આપણે સૌએ તેને પાનખરની સજા આપી દિધી છે. શિક્ષણ આજે કાળાપાણીની સજા ભોગવી રહ્યું છે.

  આઝાદી પહેલા અંગ્રેજોએ, પોતાની વહીવટી સેવામાં મદદરૂપ થઈ શકે એવા નોકરો અને ગુલામો ઊભા કરવા માટે આધુનિક શિક્ષણ-પદ્ધતિની શરૂઆત કરી! ઇ.સ. 1781માં વોરન હેસ્ટિંગ્સે કલકત્તા મદરેસાની સ્થાપના કરી, તો 1791માં જોનાથન ડનકન દ્વારા વારાણસીમાં સંસ્કૃત કોલેજની ની શરૂઆત થઈ. ઇ.સ. 1813માં ચાર્ટર એક્ટ મુજબ શિક્ષણનો સમાવેશ સરકારી હેતુઓમાં થયો. તો 1835માં લોર્ડ વિલિયમ બેંટિકે અંગ્રેજી ભાષાને સરકારી વહિવટમાં દાખલ કરી.

  ઇ.સ. 1854માં ચાર્લસ વૂડ્સનો ખરીતો આવ્યો, તો 1857માં મુંબઈ, દીલ્હી અને કલકત્તામાં યુનિવર્સિટીઓ સ્થપાઈ. 1882/83માં હંટર કમિશન, 1917માં સેડલર કમિશન, 1937માં વર્ધા શિક્ષણ પદ્ધતિ તો 1944માં સાર્જંટ કમિશન જેણે UGCની સ્થાપના કરી. આઝાદી પછી, 1948/49માં રાધા-કૃષ્ણ કમિશન, 1964/66 માં કોઠારી કમિશન, 1968માં નવી શિક્ષણ નીતિ, 1986માં નવી શિક્ષણ નીતિ, અને 1990 સુધી રામમુર્તિ કમિશન, તેજ વર્ષમાં જ્ઞાનમ કમિટીની સ્થાપના, 1992માં પુનૈયા કમિટી, 2000માં અંબાણી-બિરલા કમિટી, 2006માં સામ પીટ્રોડાના અધ્યક્ષપદે નોલેજ કમિશન, 2009માં યશપાલ કમિટી, અને 2014 પછી શિક્ષણમાં થયેલા ફેરફારો, અને હમણાં હમણાં ગાજી રહેલી નવી શિક્ષણ નીતિ-2020....

   આપણે કોઈપણ ક્ષેત્ર કરતાં સૌથી વધુ ફેરફારો શિક્ષણમાં કર્યા છે, પણ છતાં આજે આપણાં શિક્ષણની જે હાલત છે, એ આપણે સૌ જાણીએ જ છીએ. હજી આપણી શિક્ષણપદ્ધતિમાં સતત કઈક ખૂંટતું રહે છે. કારણકે જે લોકો આ કમિશનમાં બેસીને પોતાના રીપોર્ટ સરકારને આપે છે, તેઓ વિદ્યાર્થીઓ સાથે સીધા સંપર્કમાં બહુ ઓછા હોય છે. ક્લાસરૂમ શિક્ષણથી તેઓ કોંસો દૂર હોય છે. હકીકત તો એ છે કે તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો, કે વાલીઓ શું ઈચ્છે છે, કે તેઓ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેનાથી અજાણ હોય છે.

 એટલે શિક્ષણમાં ફેરફારો તો બહુ થયા, પણ જે મુજબનું શિક્ષણ થવું જોઈએ એ ના થયું! આટલા બધા કમિશનો માથી કોઈ કમિશને એવું ના કહ્યું કે મેકોલની શિક્ષણ પદ્ધતિ બંધ થવી જોઈએ. એના કરતાં વધુ ફ્લેક્સિબલ પદ્ધતિ આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ હતી, તેને આપણે શા માટે અમલમાં ના મૂકી? હજી આજે પણ આપણા વિદ્યાર્થીઓ અને નિશાળો પ્રયોગો અને પ્રકટીકલ જ્ઞાન આધારિત શિક્ષણ-પદ્ધતિની રાહ જોઈ રહ્યા છે!

  રમવાની ઉંમરે બાળકો સ્કૂલની ચાર દિવાલોમાં કેદ થઈ રહ્યાં છે. દફતરના બોજ હેઠળ તેઓની જિંદગી કચડાઈ રહી છે. એવો અભ્યાસક્રમ તેઓ શિખી રહ્યા છે, જેને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા-દેવા જ નથી. વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે 10માં કે 12માં ધોરણનો વિદ્યાર્થી કે પછી કોલેજમાં ભણતો વિદ્યાર્થી નથી લખી વાંચી શકતો કે નથી સામાન્ય એવું ફોર્મ ભરી શકતો. તેને બેંકના રૂટિન કામો પણ નથી આવડતાં હોતા! એકપણ પ્રયોગ વિના તેઓ વિજ્ઞાન ભણી રહ્યા છે અને એક પણ શૈક્ષણિક પ્રવાસ વિના સામાજિક વિજ્ઞાન ભણી રહ્યા છે! આવું લગભગ દરેક વિષયોમાં જોવા મળે છે.

 જ્યારે પણ નવી શિક્ષણનીતિ ઘડાય તેમાં શિક્ષકોને કોઈ સ્થાન નથી આપવામાં આવતું! જે વ્યક્તિઓ સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં રહે છે, તેઓ સાથે જોડાયેલા રહે છે, તેઓને જ અવગણવામાં આવે છે. નિષ્ણાતો પોતે જે પદ્ધતિને યોગ્ય માને છે, એ પદ્ધતિને અમલમાં મૂકવાનો રીપોર્ટ આપી દેતાં હોય છે. શિક્ષક એ શિક્ષણપ્રક્રિયાનો સૌથી અગત્યનો આધારસ્તંભ છે, પણ એ સ્તંભને કમજોર સમજી લઈ તેઓને ક્યાંય સ્થાન આપવામાં આવતું નથી!

 જે અભ્યાસક્રમ શિક્ષકોએ વિદ્યાર્થીઓને શિખવવાનો હોય છે, એ જ અભ્યાસક્રમ બાબતે શિક્ષકોનો કોઈ જ અભિપ્રાય લેવામાં આવતો નથી! કેટલાક સરકારના ખાસ માણસો છે, જેઓ આ બધુ નકકી કરી લેતા હોય છે. દરેક રાજયમાથી શિક્ષકોને પસંદ કરી તેઓની મદદ લઈ નવી શિક્ષણનીતિઓ નક્કી થવી જોઈએ. પણ એવું થતું નથી ને પરિણામે આપણું શિક્ષણ ગઇકાલે જ્યાં હતું, આજે પણ ત્યાં જ આવીને ઊભું રહી ગયું છે.

 

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...