Friday, 23 June 2023

ત્રણ ત્રણ ભાષાઓનું શિક્ષણ ... ભારતનું ભાવિ વર્ગખંડોમાં ‘મૂંઝાય’ રહ્યું છે....

 

ત્રણ ત્રણ ભાષાઓનું શિક્ષણ ... ભારતનું ભાવિ વર્ગખંડોમાં ‘મૂંઝાય’ રહ્યું છે....

 Describing language - OpenLearn - Open University

 

      બાળક આજે ઘરમાં માતૃભાષા, નિશાળમાં આંતરાષ્ટ્રિયભાષા અને ટી.વી. અને બીજા સોસિયલ પ્લેટફોર્મ્સ પર રાષ્ટ્ર-ભાષા ભણીને એટલું બધુ કંફ્યૂઝ થઈ રહ્યું છે કે એક પણ ભાષા વ્યવસ્થિત રીતે શીખી નથી રહ્યું! ઘર નજીક ગાય આવે, તો મમ્મી એને કાઉ કહે છે, અને દાદી ગાય બોલતા શીખવે છે. ઘરમાં બાળક પાણીને ભૂ કહે છે, તો નિશાળમાં સોરી સ્કૂલમાં વોટર બોલવું પડે છે, તો ટી.વી.માં એ જ બાળક પાણી માટે પાની શબ્દ સાંભળે છે. એટલું જ નહી, શાળામાં પણ બાળકોને પ્રી-સ્કૂલથી આ ત્રણેય ભાષાઓ શીખવી દેવાની ઉતાવળ આજકાલ સૌને આવી ગઈ છે!  આવું આજે ભારતના તમામ રાજ્યોમાં થઈ રહ્યું છે.

     પ્રી-સ્કૂલ અને પ્રાથમિક સ્કૂલ લેવલે બાળકો સૌથી વધુ અવલોકન, પ્રશ્નપદ્ધતિ, પ્રાયોગિક પદ્ધતિ અને ચિત્રો થકી શીખે છે, પણ આ બાબતો જે શૈક્ષણિક મનોવિજ્ઞાને આપણને સમજાવી છે, તે આપણે સૌ વાલી કે શિક્ષક તરીકે શીખી નથી રહ્યા. આપણે તો બસ ગમે તે રીતે બાળકોને આ ત્રણેય ભાષાઓ લખતા, બોલતા અને વાંચતાં આવડી જાય તે જ જોઈ રહ્યા છીએ. એમાં પણ આજકાલ માતૃભાષાને અવગણી અંગ્રેજી માધ્યમમાં બાળકોને ભણાવવાની જીદ લઈને આપણે બેસી ગયા છીએ, તે આપણે સૌ આપણાં જ પગ પર કુહાડી મારી રહ્યા છીએ. વળી ઘણી શાળાઓમાં ચોથી ભાષા તરીકે સંસ્કૃત પણ શિખવવામાં આવી રહ્યું છે. હવે વિચારો તો ખરા એક જ શબ્દને ચાર અલગ અલગ ભાષાઓમાં વિદ્યાર્થીઓએ કેવી રીતે યાદ રાખી શકે?

   ભારતમાં ઇ.સ. 1968ની નવી શિક્ષણનીતિ અંતર્ગત આ ત્રણ ભાષાઓની ફોર્મ્યુલા દાખલ થઈ હતી. પણ તેમાં પણ એવું સ્પષ્ટ લખ્યું છે કે બાળક માતૃભાષા શીખી લે પછી જ બીજી ભાષાઓ તેને શિખવવી. યાદ કરો આપણે ભણતા હતા ત્યારે પાંચમા ધોરણ સુધી અંગ્રેજી કે બીજી કોઈ ભાષા શિખવવામાં જ નહોતી આવતી. પણ હવે માતા-પિતા પર બાળકોને બધુ જ ખૂબ જ ઝડપથી શીખવી દેવાની ધૂન સવાર થઈ ગઈ છે, ને પરિણામે બાળકો વર્ગખંડોમાં જઈને નવું નવું શીખવાને બદલે વધુ ને વધુ મૂંઝાય રહ્યા છે.

 યુનેસ્કો પણ કહી રહ્યું છે કે બાળકોનું શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ. યુનેસ્કોના લેટેસ્ટ રીપોર્ટ મુજબ મોટા ભાગના દેશોમાં માતૃભાષા સિવાયની ભાષામાં શિક્ષણ અપાય રહ્યું છે. વિશ્વની કુલ વસ્તીના 40% લોકો માતૃભાષામાં શિક્ષણ નથી લઈ રહ્યા. તેઓને પોતાની માતૃભાષામાં લખતા કે વાંચતાં નથી આવડતું! વિશ્વમાં કુલ 7000 ભાષાઓ છે, જેમાની ઘણી બધી આજે આપણી જિદને લીધે અદ્રશ્ય થઈ જવાની તૈયારીમાં છે.

  સંશોધનો મુજબ માતૃભાષા એ ગુણવત્તાયુક્ત શિક્ષણનું સૌથી મહત્વનુ પરિબળ છે. જે બાળકો માતૃભાષામાં ભણે છે, તેઓનો એકેડેમીક રેકોર્ડ સારો રહે છે, તેઓ કોઈપણ વિષયને સમજીને ભણી શકે છે. જેથી તેઓનું શીખવાનું આઉટપુટ પણ વધે છે અને શીખવાની ઝડપ પણ વધે છે. વળી માતૃભાષામાં શિખનાર બાળક પોતાની સંસ્કૃતિ અને પોતાની ઓળખને બીજા કરતાં સારી રીતે સમજી શકે છે. માતૃભાષા આસપાસ સૌથી વધુ બોલાતી ભાષા હોય છે, માટે આસપાસના લોકો સાથે પ્રત્યાયન કરવામાં એ જ ઉપયોગી સાબિત થતી હોય છે. અને હા આ હકીકત તો આપણે સૌએ સ્વીકારવા જેવી છે કે માતૃભાષા શિખીને જ બીજી ભાષાઓ વધુ સારી રીતે શીખી શકાય છે.

 માતૃભાષામાં નહી ભણનાર વિદ્યાર્થીઓનાં ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયો કાચા રહી જતાં હોય છે. આ બંને વિષયોમાં અમુક સંકલ્પનાઓ માત્રને માત્ર માતૃભાષામાં જ સમજી શકાય છે. પાંચમા ધોરણ સુધી માતૃભાષા ને પછી જ અંગ્રેજી કે હિન્દી ભાષા તરીકે શિખવવી જોઈએ. એકસાથે ત્રણેય ભાષાઓ અને એ પણ હજી ભણવા બેસતું બાળક કેવી રીતે ગ્રહણ કરી શકે?

   પ્રી-સ્કૂલ, પ્રાથમિક લેવલે આ ત્રણ ભાષાઓનું દબાણ બાળકો લઈ શકતા નથી, ને પરિણામે તેઓને ઘણીવાર શિક્ષણ પ્રત્યે જ નફરત થઈ જતી હોય છે. એના કુમળા મન પર જે ભાષા દબાણ નહી ,પણ હળવાશ લાવી શકે તે ભાષા તેઓને શીખવીએ. દફતરનો બોજ, જુદી જુદી પ્રવૃતિઓનો બોજ, માતા-પિતાની જિદનો બોજ, અને આ ત્રણ ત્રણ ભાષાઓ શીખવાનો બોજ....

 વાલીઓ તરીકે આજે આપણે જાગૃત થયા છીએ કે બાળકોને ભણાવવા જોઈએ તો એ બાબતે પણ જાગૃત થઈએ કે તેઓને શું અને કેવી રીતે ભણાવવા જોઈએ?

 

 

 

 

 

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...