Wednesday 28 June 2023

કટકામાં ફેંકાતી સ્ત્રી, આ કેવી રીલેશનશીપ!

 

 

 

 

 

 

 

 

 

 

 કટકામાં ફેંકાતી સ્ત્રી, આ કેવી રીલેશનશીપ!

 સુરતના મહુવામાં પ્રેમી યુગલનો ગળે ફાંસો ખાઈ આપઘાત, 2 વર્ષથી લીવ-ઈનમાં રહેતા  હતા

 

ઉત્તરપ્રદેશના મુરાદાબાદ ગામમાં અનુરાધાકુમારીએ તેની સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતા અનવરખાનને લગ્ન કરવાનું કહ્યું, પણ અનવરખાને ના પાડી, એટલે તેણીએ આપઘાત કરી લીધો. અનવરખાનને પહેલેથી બે પત્નીઓ હતી! મહારાષ્ટ્રમાં પાલઘરમાં મનોજ સાહની નામના 54 વર્ષના વૃદ્ધે લીવ ઇનમાં રહેતી પોતાની પાર્ટનર સરસ્વતી વૈધને મારીને તેના ટુકડા કરીને કૂકરમાં બાફી નાખી. એ ટુકડા થેલીમાં ભરી દીધા, વાસને કારણે પાડોશીએ ફરિયાદ કરી અને આખો કેસ સામે આવ્યો!

  બેંગલુરુમાં સંતોષધામી નામના માણસે પોતાની પાર્ટનર ક્રિશ્નાકુમારીને દીવાલ સાથે માથું અફળાવીને મારી નાખી. બંને વચ્ચે ખૂબ ઝઘડા થતા. કૃષ્ણાકુમારીએ વારંવાર પોતાની નજીકના માણસોને કોલ કરીને વારંવાર થતાં ઝઘડાની જાણ કરી હતી. એક મિત્ર તેને બચાવવા પણ દોડ્યા પણ માત્ર લોહીમાં તરફડતું તેનું શરીર જ મળ્યું, તો દિલ્હીમાં એક યુવાને નિક્કી યાદવ નામની પોતાની લીવ ઇન પાર્ટનરને મારી તેના ટુકડા કરી પોતાના ધાબાના ફ્રીજમાં સ્ટોર કરી દીધી. દિલ્હીમાં આફતાબ નામના એક યુવાને શ્રદ્ધા નામની પોતાની પાર્ટનરને મારી તેના 35 ટુકડા કરી નાખ્યા!

 આ બધામાં એક સંબંધ કોમન છે અને એ છે લીવ ઇન રીલેશનશીપ’. લગ્ન ના કરવા માંગતા લોકો આજકાલના આ ટ્રેન્ડ મુજબ લગ્ન વગર સાથે રહેવા માટે કે પછી પોતાના લગ્નેતર સંબંધને છુપાવવા માટે અને કા તો લગ્નને ટાળવા માટે આ સિસ્ટમનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. પણ છેલ્લા કેટલાક મહિનાઓના છાપાઓ અને ટી.વી. કે મોબાઇલની સ્ક્રીનો લીવ ઇન ના ઘાતક સમાચારોથી ઉભરાઇ રહી છે.

  બે વ્યક્તિઑ એકબીજા સાથે પ્રેમથી જોડાય છે, પણ નિભાવી ના શકતા કે પુરુષને એ સંબંધ અબખે પડી જતાં, તે એકદમ ક્રૂરતાથી પોતાની લીવ ઇન પાર્ટનરને મારી નાખી રહ્યો છે. કોઈ પોતાના દુશ્મનને પણ ના મારે એ રીતે તે એકવખત જેને પ્રેમ કરતો હતો કે પ્રેમ કરતો હતો ,એવા દેખાડા કરતો હતો, તેને મારી રહ્યો છે. દરેક રાજયમાં દિન-પ્રતિદિન આવા કિસ્સાઓ વધી જ રહ્યા છે.

   સ્ત્રીઓ શા માટે આવા સંબંધોને ઝકડીને રાખતી હોય છે? કારણકે તેને ડર હોય છે, કે એક વાર આવી રીતે કોઈ પુરુષ સાથે રહ્યા બાદ કુટુંબ કે સમાજ તેનો સ્વીકાર કદી નહી કરે. જેમ લગ્નથી જોડાયેલી સ્ત્રીઓ પાસે પુરુષ ગમે તેટલો ત્રાસ ગુજારે પાછા ફરવાનો કોઈ વિકલ્પ નથી અને જે વિકલ્પો છે, એ એટલા બધા અટપટા છે કે એ લગ્ન નિભાવવાનું જ પસંદ કરી લેતી હોય છે. આપણાં સમાજમાં હજી આજની તારીખે છુટ્ટાછેડા માટે સ્ત્રીઓને જ જવાબદાર ગણવામાં આવે છે. હવે સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતા પર છુટ્ટાછેડાની જવાબદારી આવી ગઈ છે!

  લીવ ઇન રીલેશનશિપમાં પણ સ્ત્રીઓ પાસે બહુ ઝાઝા વિકલ્પો નથી હોતા. હા જે સ્ત્રીઓ પરિણીત પુરુષો પાસેથી પ્રેમ અને સાથની અપેક્ષા રાખે છે, એ સાવ ખોટી છે. કુટુંબ સાથે સંકળાયેલો પુરુષ કદી પોતાના લગ્નેતર અફેરને સામાજિક સ્વીકૃતિ આપતો નથી. તે એ બીજી સ્ત્રી સાથે કદી લગ્ન કરવાનો નથી, તેથી સ્ત્રીઓ એ જ આવા સંબંધોથી દૂર રહેવાની જરૂર છે.

  વારંવાર લગ્ન કરવાનું કહેવા છતાં લગ્નને જો પુરુષ ટાળતો રહે તો એ સંબંધથી સ્ત્રીઓએ દૂર થઈ જવાની જરૂર હોય છે, પણ સ્ત્રીઓ લાગણીઓના ખોટા પૂરમાં તણાઈને આવું નથી કરતી અને પરિણામે કપાઇ રહી છે, બફાઈ રહી છે કે પછી પંખે ટિંગાઈ રહી છે. ઉપરના દરેક કિસ્સામાં જો સ્ત્રીઓ વહેલાસર સમજીને સંબંધમાથી દૂર થઈ ગઈ હૉત, તો અત્યારે જીવતી હૉત અને નરક સમાન જિંદગીમાથી આઝાદ પણ થઈ ગઈ હોત.

  વારંવાર પાર્ટનરના હાથનો માર ખાવા છતા, ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનવા છતાં, સ્ત્રીઓ શા માટે મારનારને છોડી નથી રહી. ઈમોશનલ બેવકૂફ બનીને સામેથી મૃત્યુને શા માટે બોલાવી રહી છે? હવે તો લીવ ઇન રીલેશનશીપ અંગેના કાયદાઑ પણ સુપ્રીમકોર્ટે ઘડયા છે, તેનો ઉપયોગ શા માટે નથી કરી રહી? એકવાર કોઈની સાથે વગર લગ્ને રહેવાનુ સ્વીકારી લીધું એનો અર્થ એ નથી કે એ વ્યક્તિને છોડી ના શકાય.

 સમાજ સ્વીકારે કે ના સ્વીકારે, કુટુંબ અપનાવે કે ના અપનાવે, અસ્તિત્વના સંઘર્ષમાથી પસાર થવું પડે તો ભલે પણ આવા સંબંધોમાં ગૂંગળાઇને રહેવાની કોઈ જ જરૂર નથી હોતી. આવી ક્રૂરતાનો ભોગ બનવું એના કરતાં તો લીવ ઇન રીલેશનશીપમાથી લીવ જ થઈ જવું સારું.....

No comments:

Post a Comment

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...