લગ્ન, કુટુંબ, બાળઉછેર .........કરિયર આ વધુ સારો વિકલ્પ છે!!
7 મી જુલાઈએ ભારતની પ્રથમ પ્રખ્યાત માસ્ટરશેફ તરલા દલાલ ના જીવન પર હુમાં કુરેશી અભિનીત એક મૂવી આવી રહ્યું છે. એક એવી સ્ત્રી જેણે 30 વર્ષની ઉંમરે પોતાના શોખને અભેરાઈએથી ઉતારીને ઘરમાં કૂકિંગ કલાસ ચાલુ કરેલા. અને એ ક્લાસ સફળ જતાં ઇ.સ. 1974માં પોતાનું પ્રથમ પુસ્તક બહાર પાડ્યું જેનું નામ હતું, ‘The Pleasures of Vegetarian Cooking’જેની 1.5 મિલિયન કોપીઝ વહેંચાયેલી! ત્યારબાદ તો ધીમે ધીમે આપણાં દેશના પ્રત્યેક રસોડામાં જ્યાં જ્યાં નવી નવી વાનગીઓ બનાવવાનો શોખ ગૃહિણીઓને હતો, ત્યાં તરલા દલાલના પુસ્તકો અને તેમની રેસિપીઓ પહોંચી ગઈ હતી.
ઉપરની ટૂંકી બાયોપિકમાં મારે જો એક શબ્દ અત્યારના સંદર્ભમાં હાઇલાઇટ કરવો હોય તો એ છે, ‘30વર્ષનીઉંમરે’ તમને થશે તેઓની તો આખી જિંદગી જ હાઇલાઇટ કરવા જેવી છે, તો પછી માત્ર એ ઉંમર જ શા માટે? તો એ એટલા માટે કે આજકાલ મોટા ભાગની યુવતીઓના મનમાં એક લઘુતાગ્રંથિ બંધાઈ ગઈ છે કે ‘માત્ર ગૃહિણી’ બનીને રહી જઈશું તો આપણાં કામની કોઈ કદર નહી રહે. અને એટલે તેઓ કરિયર બનાવવા માટે બહુ મોટી ઉંમરે લગ્ન કરી રહી છે અને કા તો બાળઉછેર બાબતે મૂંઝાઇ રહી છે.
કરિયર કે લગ્ન? આ પ્રશ્ન આજકાલ મોટાભાગની સ્ત્રીઓને હેરાન કરી રહ્યો છે. સ્ત્રીઓ કરિયર બાબતે સભાન થઈ રહી છે, એ આપણાં સમાજ માટે સારી બાબત છે. તે ઘરની ચાર દીવાલોમાથી બહાર નીકળીને દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. જે જે ક્ષેત્રોમાં તેના માટે પ્રવેશ નિષેધ હતો, એવા દરેક ક્ષેત્રે તે આજે આગળ ને આગળ વધી રહી છે. તે પ્લેન ઉડાડી રહી છે, તે રિક્ષા કે ટેક્સી ચલાવી રહી છે, તે હવે આર્મીમાં પણ જોડાઈ રહી છે. આજથી થોડા વર્ષો પહેલા જ્યાં જ્યાં એક ક્લાસરૂમમાં કે સ્ટેજ પર ઘણા બધા પુરુષોની વચ્ચે એકલ દોકલ સ્ત્રીઓ જ જોવા મળતી, એને બદલે તે સ્થાનોમાં પણ સ્ત્રીઑ પુરુષોની લગોલગ આવીને ઊભી રહી ગઈ છે.
પણ આ બધા પાછળ યુવતીઓ એટલી બધી દોડી રહી છે કે એ પોતાના કુટુંબને કે ઘરને ભૂલી રહી છે. આ બધી દોડધામ વચ્ચે એ લગ્નને ટાળતી રહે છે અને પછી મોટી ઉંમરે થતાં લગ્નો તેણી માટે અને કુટુંબ માટે બહુ બધા પ્રશ્નો લઈને આવે છે. બહુ મોટી ઉંમરે થતાં લગ્નો બાદ સૌથી મોટો પ્રશ્ન ‘બાળકનો’ અને ‘બાળઉછેરનો’ આવીને ઊભો રહી જાય છે. મોટી ઉંમરે પ્રેગ્નેન્સી રહેવાથી સ્ત્રીઓના સ્વાસ્થ્ય સંબંધી અનેક પ્રશ્નો ઉભા થાય છે. વળી અમુક ઉંમર બાદ પ્રેગ્નેન્સીની તકો ઘટી જતાં, આઈ.વી.એફ. જેવી મોંઘી ટેકનિકનો સહારો લેવો પડે છે. બાળક અને માતા વચ્ચે ઉંમરનો ગેપ વધી જતાં બાળઉછેરના પ્રશ્નો પણ નડતાં રહે છે.
ટેકનૉલોજિ ગમે તેટલી લેટેસ્ટ થઈ જાય પણ કુદરતે સ્ત્રીઓને ‘માતા’ બનવાની જે ઓથોરીટી આપી છે, તેને કોઈ બદલી શકે એમ નથી. માતા તરીકે સ્ત્રીઓએ કેટલીક વિશેષ જવાબદારીઓ નિભાવવાની હોય છે, તેને ટાળીને જો આપણે કરિયર પાછળ દોડતા રહીશું તો, બાળકો ઘરમાં એકલા થઈ જશે. તેઓના પાયાના ઉછેરમાં ખામીઓ રહી જશે. હવે આપણે ઘરોમાથી દાદા-દાદીની બાદબાકી કરી દીધી છે, એટલે ફરજિયાત બાળકો કા તો આયા પાસે અને કા તો ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ પાસે મોટા થશે. હવે વિચારો એ ઘડતર કેવું થશે?
આજે ટીન એજ યુવાનો જે રીતે ઉછરી રહ્યા છે, જે રીતે મૂંઝવણમાં મુકાય રહ્યા છે, ઉકેલો શોધવા માટે જે રીતે ફાંફા મારી રહ્યા છે, આપઘાત કરી રહ્યા છે, એના માટે ‘ગૃહિણી’ ની ઘરમાં ગેરહાજરી પણ એટલી જ જવાબદાર છે. તેઓને માતાનો ખોળો નથી મળી રહયો એટલે તેઓ એકલા એકલા થઈ રહ્યા છે, અને એ એકલતા જ તેઓને અંદરથી નબળા બનાવી રહી છે. કારણકે જીવનના સંઘર્ષોનો સામનો કરવાનું બળ જેટલું સ્ત્રીઓ પૂરું પાડે શકે છે, એટલું કોઈ સિંચી શકતું નથી.
આર્થિક સ્વતંત્રતા માટે કરિયર બનાવવું જરૂરી છે, પોતાના સપનાઓને જીવવા પણ એટલા જ જરૂરી છે, પણ એ બધુ અમુક ઉંમર બાદ પણ કરી શકાય એમ હોય છે. એવી ઘણી સ્ત્રીઓ છે, જેમણે મોટી ઉંમરે ભણવાનું શરૂ કર્યું હોય કે પછી મોટી ઉંમરે પોતાના પેશનને જીવવાનું શરૂ કર્યું હોય અને સફળ પણ થઈ હોય. ત્રીસ વર્ષની ઉંમર બાદ પણ કરિયર બની શકે છે. માટે ઘાંઘા ના થાવ, ઘરને કે કુટુંબને સાઈડલાઇન ના કરો. બધુ મળશે બસ થોડી ધીરજ અને સમજણ રાખીએ અને યોગ્ય ઉંમરે લગ્ન અને બાળકો કરી લઈએ.
No comments:
Post a Comment