ક્લાઇમેટ ચેન્જ’ બધુ બદલાઈ રહ્યું છે, બસ આપણે નથી બદલાઈ રહ્યા!
શું તમે જાણો છો? પંજાબ આજે ‘કેન્સર કેપિટલ’ બની ચૂક્યું છે. એટલું જ નહી, ત્યાનાં લોકોમાં પ્રજનન વિકૃતિ અને બાળકોમાં માનસિક મંદતા જેવા રોગો વધી રહ્યા છે, કારણ છે, જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ! વિશ્વમાં પૂર આજે કોમન કુદરતી આફત બનતી જાય છે, વધુ પડતી ગરમીને લીધે જંગલોમાં દાવાનળ ફેલાઈ રહ્યો છે, જુદા જુદા દેશોમાં વારંવાર ધરતીકંપ થઈ રહયા છે, ધ્રુવ પ્રદેશોમાં રહેલો બરફ પીગળી રહ્યો છે, ખેતીના પાક માટે અટકીને અટકીને પડવાને બદલે વરસાદ એકસાથે ખાબકી રહ્યો છે, રણ-વિસ્તાર સતત વધી રહ્યો છે. હજી તો લિસ્ટ બહુ લાંબુ છે, શબ્દો ખૂંટી પડે એટલું...
શાળા, કોલેજોના કાર્યક્રમોમાં કે પછી બીજી કોઈપણ ઇવેન્ટમાં ‘પર્યાવરણ બચાવો’ એ થીમ પર એક કાર્યક્રમ તો હોય જ છે. પણ એ કાર્યક્રમને આપણે આપણાં જીવનમાં સ્થાન નથી આપી રહ્યા! નથી સમજી રહ્યા કે જો પર્યાવરણને નહી બચાવીએ તો આપણાં સૌનું અસ્તિત્વ જોખમમાં મુકાય જવાનું છે. દર વર્ષે 5મી જૂનના દિવસને આપણે 'વિશ્વ પર્યાવરણ દિવસ' તરીકે ઉજવીએ છીએ. તે દિવસ પૂરતો આપણાં બધાનો ‘વૃક્ષ-પ્રેમ’ છલકાઈ જતો હોય છે. કેટલી બધી જગ્યાએ ‘વૃક્ષરોપણ’ ફોર્માલિટી થતી હોય છે, પછી એમાથી 99% વૃક્ષોનો ઉછેર થતો નથી, તેઓનું બાળમરણ થઈ જતું હોય છે. બસ બધા ફોટા પડાવી લે છે, સોસિયલ મીડિયા પર પોસ્ટ કરતાં રહે છે અને બીજા દિવસથી વાવેલા છોડવાઓ બિચારા પાણીની રાહ જોતાં જોતાં, અંતે થોડા દિવસો પછી મૂરઝાઇ જતાં હોય છે.
આપણે આ દિવસ છેક ઇ.સ. 1972થી એટલે કે 51 વર્ષો જેટલા સમયથી ઊજવતાં આવીએ છીએ, શું ફર્ક પડ્યો કોઈ આપણી પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓમાં? આજે પર્યાવરણની જે કઈ હાલત છે, આપણે સૌ જાણીએ જ છીએ. પૃથ્વીને આપણે એટલી બધી ગરમ કરી દીધી છે કે ઋતુઓનો ઓરિજિનલ અનુભવ જ આપણે ગુમાવી બેઠા છીએ. ઓઝોનના પડમાં આપણે ગાબડાં પાડી દીધા છે, દરિયાઈ જીવો બિચારા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહ્યા છે, જંગલો કપાઇને સિંગલ ડીજીટમાં આવી ગયા છે, પક્ષીઓ કે પશુઓની રેડ-ડેટાબુકના પાનાઓ વધતાં જ જાય છે.
આપણે શ્વાસમાં જે હવા લઈ છીએ તે પણ શુદ્ધ નથી રહી! શહેરોમાં આંટા મારીશું તો ખ્યાલ આવશે કે આપણે કેટલું બધુ પાછળ છોડી આવ્યા છીએ, જે કઈ આપણાં સૌ માટે સારું સારું હતું તેને પણ આપણે શહેરોમાથી આઉટ કરી દીધું છે. વાહનોના ધુમાડાને લીધે રોજ સાંજ પડતાં ઘરે પરત ફરનાર મોટા ભાગની વ્યક્તિઓને આંખોમાં બળતરા થઈ રહી છે. આંખને ઠંડક આપે એવું કશું આપણી આસપાસ નથી! આપણાં મોટા ભાગના શહેરો પ્રદૂષણઆંકમાં વિશ્વમાં ટોપટેનમાં સ્થાન ધરાવે છે! ઘોંઘાટોથી ભરેલા શહેરોમાં લોકો શાંતિ શોધવા મથતા રહે છે. લાઉડ-સ્પીકરો વધુ ને વધુ લોકોને બહેરા બનાવી રહ્યા છે, લોકોમાં બી.પી. અને હ્રદયરોગનું પ્રમાણ વધારી રહ્યા છે, પણ કોઈને તેના અવાજો ધીમા કરવામાં રસ જ નથી. વાહનોના ધુમાડામાં આપણાં સૌનું ભાવિ ધૂંધળું બની રહ્યું છે.
જેમ જેમ શહેરો વિકસતા ગયા તેમ તેમ આપણો પર્યાવરણ સાથેનો સંબંધ તૂટતો જ ગયો છે. પર્યાવરણ સાથે આપણો ‘ગીવ અને ટેક’ નો સંબંધ છે, પણ આપણે તો માત્ર લેતા જ રહીએ છીએ, આપતા કશું નથી અને પરિણામે હવે પર્યાવરણ પણ આપણને સબક શીખવી રહ્યું છે. છતા આપણે જાગી નથી રહ્યા! આપણને વારસામાં જે કઈ પ્રાકૃતિક સંપતિ મળી હતી, તેમાં આપણે એટલો બધો ઘટાડો કરી દીધો છે કે હવે આપણી પાસે આ પર્યાવરણને અને પૃથ્વીને બચાવવાની છેલ્લી તક રહી છે.
ટકાઉ વિકાસની વ્યાખ્યાઓ આપણે છેલ્લા 25વર્ષોથી કરી રહ્યા છીએ, પણ એ વાતો જ બહુ ટકાઉ નથી રહેતી! પછી એ પ્લાસ્ટિકના વપરાશની હોય કે પછી વૃક્ષોને ઉગાડીને ઉછેરવાની હોય, કે પછી પ્રદૂષણ ઘટાડવાની હોય કે પછી ઓર્ગેનિક વસ્તુઓના વપરાશની હોય કે પછી પશુ-પક્ષીઓની સંખ્યા વધારવાની હોય, કે પછી આપણી આસપાસની ગંદકીને સાફ કરવાની હોય, નદીઓ કે સમુદ્રોમાં કચરો ફેંકવાની તો જાણે કે સ્પર્ધા ચાલી રહી છે. આપણે કોઈપણ એંગલથી પર્યાવરણને મદદ કરી નથી રહ્યા.
. વિકાસની દ્રષ્ટિએ આપણે સૌ 2030 કે 2050 નું વિશ્વ કેવું હશે, તેની કલ્પનાઓ કરી રહ્યા છીએ, પણ ત્યારે આપણી ભાવિ પેઢી પાસે શુદ્ધ હવા, પાણી કે શુદ્ધ પર્યાવરણ નહી હોય તો? આ વિશ્વ ટકેલું રહેશે ખરા!!!
No comments:
Post a Comment