# UCC કાયદો મોટો કે ધર્મ??
યુનિફોર્મ શબ્દ આમ તો આપણાં સૌ માટે કઈ નવો નથી. નિશાળમાં બાળકોને ભણવા મૂકીએ એટલે આપણે તેઓને નિશાળે નક્કી કરેલા યુનિફોર્મમાં જ મોકલતા હોઈએ છીએ. નિશાળે ભણવા જતો દરેક વિદ્યાર્થી પછી એ ગરીબ હોય કે ધનિક, કોઈપણ જ્ઞાતિનો હોય કે ગમે તે ધર્મને અનુસરતો હોય, નિશાળે નક્કી કરેલો યુનિફોર્મ પહેરવો ફરજિયાત હોય છે. કોઈ વિદ્યાર્થી યુનિફોર્મ પહેરે એટલે તેને તે નિશાળનાં તમામ નિયમોનું પાલન કરવાનું હોય છે.
હમણાં હમણાં દેશમાં આ યુનિફોર્મ શબ્દને લઈને બહુ ધમાલ ચાલી રહી છે. ચારે તરફ આ UCC ની વાતો જ થઈ રહી છે. UCC એટલે ધર્મ આધારિત જે કોઈપણ અલગ અલગ કાયદાઓ છે, તેની જગ્યાએ દરેક ધર્મના લોકોને અલગ અલગ રીતરિવાજો અને પરંપરાઓ ધરાવતા લોકોને કોઈપણ જાતના ધર્મ,જ્ઞાતિ,સંપ્રદાય,જાતિય ભેદભાવ વિના એક જ સરખો કાયદો લાગુ પાડવો તે.
ભારતમાં સ્ત્રીઓના હક બાબતે જુદા જુદા ધર્મોમાં અલગ અલગ કાયદાઓ જોવા મળે છે. ભારતમાં ‘ હિન્દુ કાયદા 1956 હેઠળ જેમાં હિન્દુ, બૌદ્ધ, જૈન અને સિખનો સમાવેશ થાય છે. તે મુજબ હિન્દુ સ્ત્રીઓને તેઓના માતા-પિતાની સંપતિમાં પુરુષો જેટલો જ હક મળે છે. પરિણીત અને અપરિણીત દિકરીઓના હકો એકસરખા હોય છે. પરિણીત હિન્દુ સ્ત્રીઓને પતિની સંપતિમાં પણ સરખો ભાગ મળે છે. અને છુટ્ટા-છેડા થાય ત્યારે કોર્ટ નક્કી કરે તે મુજબ ભરણ-પોષણ પણ મળે છે. જ્યારે મુસ્લિમ સ્ત્રીઓ કે જેઓને મુસ્લિમ લો લાગુ પડે છે, તેઓને પતિની સંપતિમમાં ¼ કે 1/8 ભાગ મળે છે, એ પણ બાળકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને!
ખ્રિસ્તી, પારસીઑ અને બીજી કોમોને ઇંડિયન સક્સેશન એક્ટ 1925 લાગુ પડે છે. જે અનુસાર ખ્રિસ્તી સ્ત્રીઓને તેઓના બાળકો અને સગાવહાલાની હાજરીમા અગાઉ નક્કી કરેલો ભાગ મળે છે. પારસી વિધવા સ્ત્રીઓને સરખો હિસ્સો મળે છે. એક જ દેશમાં વસતા નાગરિકો કે જેઓ કાયદાની દ્રષ્ટિએ એકસમાન ગણાય છે, તેઓને અલગ અલગ કાયદો લાગુ પડે છે! ભારત જેટલો વિશિષ્ટ દેશ છે, એટલો જ વિચિત્ર પણ છે....
ઇ.સ. 1985માં ‘શાહબાનો’ કેસને લીધે UCC પહેલીવાર લાઈમ-લાઇટમાં આવેલ. એક મુસ્લિમ સ્ત્રીએ ભુતપૂર્વ પતિ પાસેથી ભરણ-પોષણ મેળવવા આ કેસ કરેલો. સુપ્રિમકોર્ટે શાહબાનોની તરફેણમાં ચુકાદો આપેલો જેનો ઘણા બુદ્ધિજીવીઓએ વિરોધ કરેલ! અને તેને લીધે કોંગ્રેસ સરકારે જે તે સમયે ‘ઈદત’ ની મુદત મુજબ મુસ્લિમ મહિલાનું ભરણ-પોષણ નક્કી કરેલું. એટલું જ નહી, કોંગ્રેસ સરકારે સાહબાનોનું ભરણ-પોષણ નક્કી કરવાની જવાબદારી ‘વફ બોર્ડ’ ને આપી દીધેલી!
ઇ.સ. 1985માં એવો જ બીજો કેસ મિસ.જોર્ડન અને એસ.એસ.ચોપરાના છુટ્ટાછેડાનો થયેલો જેમાં પત્ની ખ્રિસ્તી અને પતિ સિખ હતા. તેમણે The Indian Christian Marriage Act, 1872 અંતર્ગત લગ્ન કરેલા. અમુક સમય બાદ પત્નીએ પતિની નપુસંકતાને લીધે છુટ્ટાછેડા માટે અરજી કરેલી. સુપ્રીમકોર્ટે એ બેઝ પર તો નહી, પણ ક્રૂરતાના બેઝ પર એ છુટ્ટાછેડા મંજૂર કરેલા અને રેફરન્સ આપેલો ભારતીય બંધારણના આર્ટીકલ 44 પ્રમાણે યુનિફોર્મ સિવિલ કોર્ડનો!
જ્યારે ઇ.સ. 1988માં એક અલગ જ પ્રકારનો કેસ થયેલો, જેમાં એક એન.જી.ઑ. વતી સરલા મુદગલ નામની મહિલા વકીલે, અને મીના માથુર નામની સ્ત્રીએ પોતાના પતિ જીતેન્દ્ર માથુરના વિરોધમાં કેસ કરેલો. જીતેન્દ્ર માથુરે ફાતિમા નામની મહિલાને પરણવા ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધેલો. તો ઇ.સ. 1991માં ગીતા રાની નામની મહિલાએ આવા જ એક કેસમાં પોતાના પતિ વિરુદ્ધ કેસ કરેલો, જે એક મુસ્લિમ મહિલા સાથે પરણવા ગીતાને મારતો. તો ઇ.સ. 1984માં સુષ્મિતા ઘોષ નામની મહિલાએ પોતાના હિન્દુ પતિ સામે પણ આવી જ ફરિયાદ કરેલી.
ઇ.સ. 1995માં સરલા મુદગલે પોતાની અસીલને ન્યાય અપાવવા યુનિફોર્મ સિવિલ કોડનો સહારો લીધેલ. તેમણે દલીલ કરેલી કે જ્યારે કોઈ દેશની વસ્તીનો 80% હિસ્સો એક જ સમાન કાયદા હેઠળ આવતો હોય તો બાકીની 20% વસ્તી માટે અલગ કાયદો શા માટે? ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક છે, આપણે જ્યારે ભારતીય બંધારણની વાતો કરીએ છીએ તો એક વાત તો આપણે બાળકોને પણ શીખવીએ છીએ કે આ દેશનો દરેક નાગરિક બંધારણની દ્રષ્ટિએ એકસમાન છે, તો પછી તો અમુક લોકોને આ કાયદો લાગુ પડે અને અમુકને પેલો એવું ના હોવું જોઈએ.
આપણે ધર્મ આધારિત બંધારણ નથી ઘડ્યું, તો પછી કાયદાઓ ધર્મ આધારિત કેમ? યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરતાં પહેલા કે તેના વિષે બિનજરૂરી ચર્ચાઓ કરતાં પહેલા એકવખત એ શું છે? એ સમજી લેવાની જરૂર છે.
No comments:
Post a Comment