મોટીવેશનનો ધસમસતો પ્રવાહ 'યંગ જનરેશન' ને ડૂબાડી રહ્યો છે........
હમણાં F.Y.B.A. ના ક્લાસમાં ચર્ચા દરમિયાન એક છોકરીએ કહ્યું, મેડમ મારે બેંકમાં નોકરી લેવી છે, અને મે આર્ટ્સ રાખી લીધું છે. હવે હું બેન્કની નોકરી કરી શકીશ? એટલે મે એને પૂંછયું કે જો તારે બેંકમાં જ જવું હતું, તો પછી આર્ટ્સ શા માટે રાખ્યું? તો કહે મેડમ અમે સ્કૂલમાં ભણતા ત્યારે એક મોટીવેશનલ સ્પીકરે અને એક ક્લાસીસ વાળાએ એવું કીધેલું કે I.A.S. કે I.P.S. બનવું હોય તો આર્ટ્સ રખાય. તેમણે એવા મોટા મોટા ઉદાહરણો આપ્યા કે મે ભ્રમમાં પડી મારૂ ગણિત સારું હતું, છતાં આર્ટ્સ રાખી લીધું! હવે મને પણ અફસોસ થાય છે,પણ શું થાય?
મોટીવેશન આજકાલ આ શબ્દ બહુ ટ્રેન્ડમાં છે. જેની પાસે જેટલું જ્ઞાન છે, તેને લોકો વોટ્સ-એપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ કે બીજા કોઈ સોસિયલ મીડિયા પર ઠલવતાં જ રહે છે. બાકીનું વધે એ સેમિનારો દ્વારા ઠલવાતું રહે છે. તેઓ વોટસએપ પર મેસેજ બનીને, ફેસબૂક પર પોસ્ટ બનીને, ઇનસ્ટા પર રીલ બનીને કે પછી યુ-ટ્યુબ પર વિડીયો કે શોર્ટ્સ દ્વારા પ્રગટતાં જ રહે છે.
કોઈને પ્રેરણા આપતા રહેવી એ સારી બાબત છે, પણ હવે આ મોટીવેશન નો ઓવરડોઝ થઈ રહ્યો છે. ઘણીવાર તો એવું લાગે છે કે આ ઓવરડોઝને લીધે આજના લોકો વધુ સ્ટ્રેસ અનુભવતા થઈ ગયા છે. મોટીવેશન લોકોમાં રહેલી ક્ષમતાઓને બહાર લઈ આવવા માટે હોય છે, નહી કે જે ક્ષમતાઓ તેઓમાં છે જ નહી, તેના વિશે તેઓમાં ગલતફેમી એન્ટર કરવામાં!
હવે જે વિદ્યાર્થી માંડ માંડ પાસ થઈ શકે એમ છે, તેને વિજ્ઞાન પ્રવાહમાં તું જઇ શકે એમ છો, એવી પ્રેરણા આપવાનો શો અર્થ? આ મોટીવેશનલ સેમિનારોને કારણે આજે યુવાનો અને યુવતીઓ ઓવર એમ્બીસિયસ બની રહ્યા છે. તેઓની પોતાની જાત પાસેથી અપેક્ષાઓ વધી રહી છે, જે પૂરી ના થતાં તેઓ વધુ હતાશા અને નિરાશા ફીલ કરી રહ્યા છે.
‘નથિંગ ઇઝ ઇમ્પોસિબલ’ આ વધુ પડતું નથી, જિંદગીમાં ઘણા લોકો માટે ઘણું શકય નથી હોતું. પ્રેરણાનો એક અર્થ એ પણ છે કે લોકોને એ જે કરી શકે એમ નથી, તે મર્યાદાઓ પણ જણાવવી. પણ આજકાલ આ વધુ પડતી પ્રેરણા આપનારા લોકો ખાસ કરીને યંગ જનરેશનને ગલત રસ્તે લઇ જઇ રહ્યા છે. આવી મોટી મોટી વાતો સાંભળીને તેઓ પોતાની જાતને ઓવરસ્માર્ટ સમજવા લાગતાં હોય છે અને એ બાબત જ તેઓ માટે ખતરનાક સાબિત થતી હોય છે.
કા તો એવી વાતો ચાલતી હોય છે કે ભણે એ જ આગળ વધે એવું જરૂરી નથી, તમારી અંદર બીજી કોઈ ક્ષમતા હોય તો પણ તમે આગળ વધી શકો છો, અરે યાર ક્ષમતા હોય તો… ના હોય તો..... તો ફરજિયાત ભણવું જ પડે છે. ડીગ્રીઓ લેવી જ પડે છે. સચિન તેંડુલકર, લતા મંગેશકર, ધીરુભાઈ અંબાણી, ભલે ઓછું ભણીને સફળ થયા છે, પણ એવી ક્ષમતા પણ હોવી જરૂરી છે ને? તેઓ સમાજથી અલગ રહીને આપણને જીવવાનું કે સમાજથી અલગ રસ્તાઓ પકડીને આગળ વધવાનું શીખવે છે, પણ બધામાં એ ક્ષમતા હોતી નથી.
જેવી રીતે આજના યુવાનો અને બાળકો પર માતા-પિતાની અપેક્ષાઓનું દબાણ હોય છે, તેમજ આવા મોટા મોટા વાક્યો પણ દબાણ ઊભું કરતાં રહે છે. માઇન્ડ મેનેજમેન્ટ શીખવતા શીખવતા તેઓ જ લોકોના માઇન્ડ પર હાવી થઈ રહ્યા છે.
સંબંધોના મેનેજમેન્ટ બાબતે પણ આ લોકો પોતાના જ્ઞાનના ઓવરડોઝ લોકોને આપતા રહે છે. આમ કરાય અને આમ ના કરાય એની લાંબી યાદી તેઓ લોકો પર થોપતા રહે છે. જેઓ આપણને માફ કરીને શાંતિ મેળવી લેવાનું શીખવતા હોય છે, તેઓ પાછા તેઓની આસપાસ કામ કરતાં લોકોને નાની ભૂલ માટે પણ માફ કરવા તૈયાર નથી હોતા!
જેમ દવાનો ઓવરડોઝ આપણને નુકસાન કરે છે, તેમજ મોટીવેશનનો ઓવરડોઝ પણ નુકસાન જ કરે છે. કોઈ શીખવે એમ જિંદગી જીવી શકાતી નથી. કારણકે દરેકની પરિસ્થિતી અને સમસ્યાઓ અલગ અલગ હોય છે.
એમાં પણ જે ક્ષમતાઓ બાળકોમાં કે યુવાનોમાં છે જે નહી, એને તમે પ્રેરણા આપી આપીને કેવી રીતે બહાર લાવી શકશો? આ સોસિયલ મીડિયા ને સેમિનાર્સના ચક્કરમાથી બહાર આવી જવાની જરૂર છે. ખુદને ઓળખી લઈએ બસ એટલું પૂરતું છે. તમને થશે તમે પણ મોટીવેશન આપવાનું ચાલુ કર્યું કે શું?