Wednesday 3 January 2024

સામેના પાત્રની ‘પ્રાયોરિટી’ બનો, ‘સેકન્ડ ચોઈસ’ નહી.....

 

સામેના પાત્રની ‘પ્રાયોરિટી’ બનો, ‘સેકન્ડ ચોઈસ’ નહી.....

Sexless Relationships Are More Common Than You Think

 

 

         હમણાં એક મિત્ર પાસેથી એક દીકરી વિષે વાત સાંભળી. તેના સગામાં કોઈ દીકરીએ  સગાઈ કરી, થોડા જ સમયમાં સગાઈ બંને વચ્ચે મનમેળ ના થતાં તૂટી ગઈ. સગાઈ તૂટે, એટલે સામસામા આક્ષેપો થાય, આમાં પણ આવું જ થયું. થોડા સમય બાદ આ દીકરીનું બીજે સગપણ કરી, લગ્ન પણ કરી દેવામાં આવ્યા. અને અહીથી જોજો વાર્તામાં કેવો વળાંક આવે છે!

   લગ્નની પ્રથમ રાત્રે જ દીકરીએ એ યુવાન સામે ધડાકો કર્યો કે હું એક વ્યક્તિના પ્રેમમાં છુ અને મારે તારી સાથે નથી રહેવું.  પેલા યુવાનને એમ થયુ થોડો સમય જશે એટલે બધુ ઠીક થઈ જશે, પણ એવું ના થયું. પેલી દીકરી માની જ નહી. પેલા છોકરાએ ઘણું સમજાવી જોઈ,પણ પેલી ના માની. એકદિવસ છોકરાએ ગુસ્સે થઇ પેલી દીકરીનો મોબાઇલ ચેક કર્યો તો ખબર પડી કે તેણી પેલા છોકરા સાથે રોજ વાતો કરતી અને ચેટ પણ કરતી હતી!

  તે દિવસે રાત્રે તેણે પેલી છોકરીને છેલ્લી વાર સમજાવી જોવાની કોશિશ કરી. પણ પેલી ના માની. અને કહ્યું કે મારે છૂટા-છેડ્ડા લેવા છે. પેલા છોકરાએ દીકરીના માતા-પિતાને બોલાવ્યા અને બધી વાત કરી. માતા-પિતાએ પણ સમજાવી પણ છોકરી ના માની. પેલા યુવાન સાથે છુટ્ટાછેડા લઈ તેણી પિયર પાછી આવી. માતા-પિતાએ કહ્યું, બોલાવ એ છોકરાને અમે તેની સાથે તારા લગ્ન કરી દઈએ.

  અને દીકરીએ કહ્યું, હું જ્યાં પહેલા નોકરી કરતી હતી, ત્યાં એ છોકરો મને મળ્યો હતો અને એ પરણેલો છે. તેને બે બાળકો છે. પણ તેને મને કહ્યું છે કે તે બધુ છોડીને મારી સાથે રહેવા આવશે. ઘરે બધાએ બહુ સમજાવી, પણ તેણી ના માની. આજે આ વાતને 3વર્ષો વીતી ગયા છે. નથી પેલો પરણેલો પુરુષ પાછો આવ્યો કે નથી આ છોકરી માની રહી. હવે તો તેણીને સરકારી નોકરી પણ મળી ગઈ છે અને તેણે એકલી રહેવા ચાલી ગઈ છે. પેલો તેણી સાથે સંપર્ક રાખે છે, પણ તે પોતાના કુટુંબને છોડીને આ છોકરી સાથે પરણવા માંગતો નથી. અને પેલી છોકરીને હજી એવો ભ્રમ છે કે પેલો એકદિવસ તેને સ્વીકારશે.

  આવા કિસ્સાઓ આજે સમાજમાં કોમન થઈ ગયા છે, ત્યારે માતા-પિતા અને ઘરના સભ્યોએ દીકરીઓને પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ પારખતા શીખવવાની ખાસ જરૂર છે. હવે દીકરીઓ ઘરની દીવાલો બહાર નીકળતી થઈ છે, એટલે આ બાબત શિખવવી ખાસ જરૂરી છે. દીકરીઓ પણ ઘરનો એક અગત્યનો હિસ્સો છે. આવું થાય છે, કારણકે તેણીને ઘરમાં પ્રેમ નથી મળતો અને પછી દીકરીઓ એ પ્રેમ બહાર શોધતી થઈ જાય છે.

  ઘણીવાર તો માત્ર ને માત્ર જરૂરિયાતો માટે દીકરીઓ આવા પરણેલા પુરુષના આકર્ષણમાં ખોવાય જતી હોય છે. અને આખી જિંદગી તેઓની બગડી જતી હોય છે. દીકરીઓને પાસે બેસાડીને સમજાવીએ કે પરણિત પુરુષ ક્યારેય તેને પત્ની તરીકેની પદવી આપી શકે એમ જ હોતા નથી. તેઓ માટે આવા સંબંધો માત્ર ટાઇમપાસ હોય છે. અને જો કદાચ આવા સંબંધોમાં બંધાયેલો પુરુષ પોતાનું કુટુંબ છોડીને આવે, તો પણ આ બંધન લાંબો સમય ટકતું નથી.

     સાથે સાથે એ પણ સમજાવીએ કે આવા સંબંધોનું કોઈ ભવિષ્ય નથી હોતું, પરિણીત પુરુષો આવા સંબંધો પ્રત્યે ક્યારેય સીરિયસ નથી હોતા, આવા અફેર્સમાં ક્યારેય વિશ્વાસ કે વફાદારીની લાગણી નથી હોતી, આવા સંબંધોની એક્સપાયરી ડેટ પહેલેથી નક્કી જ હોય છે, ઉત્સવોમાં, પ્રસંગોમાં દરેક જગ્યાએ એકલા જ રહેવું પડે છે, આવા સંબંધો સ્ત્રીઓને અંદરથી તોડી નાખતા હોય છે, સમાજ સામે પણ એકલા હાથે લડવું પડે છે, આવા સમયે પેલો પુરુષ ક્યારેય સાથે રહેતો નથી. આવા પુરુષોનું કુટુંબ ક્યારેય આ દીકરીઓને સન્માન આપવાનું નથી.

 આવા અફેર્સમાં સૌથી વધુ નુકસાન દીકરીઓને જ થતું હોય છે. ઘણીવાર તો આવી રીતે ભૂલ કરીને આવેલી દીકરીને કુટુંબ ફરીથી સ્વીકારતું પણ નથી. અને તેણી પાસે આપઘાત સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. વળી આવા અફેર્સને લીધે સ્ત્રીને બીજા ઘણા સારા પાત્રો પણ ગુમાવવા પડે છે. દીકરીઓને સ્વસ્થ સંબંધનું મહત્વ સમજાવો અને આવા રસ્તે જતાં રોકો.......

No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...