Thursday, 25 January 2024

‘રામ-મુર્તિ’ સ્થપાશે, રામના આદર્શો અને સિદ્ધાંતોનું સ્થાપન કયારે?

 

‘રામ-મુર્તિ’ સ્થપાશે, રામના આદર્શો અને સિદ્ધાંતોનું સ્થાપન કયારે? 

10 qualities of Lord Ram Everyone should learn - BHU Express

          આ લેખ પ્રસિદ્ધ થશે, ત્યારે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં 500 વર્ષો પછી શ્રી રામ નો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થઈ ચૂક્યો હશે. છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં રામ-ફીવર છવાઈ ગયો છે. બધા પોતપોતાની રીતે આ ઉત્સવને ઉજવી લેવાના રસ્તાઓ પસંદ કરી રહયા છે. એવું લાગી રહ્યું છે કે આજે ફરીથી શ્રી રામ પોતાનો વનવાસ પૂરો કરીને અયોધ્યામાં પાછા ફરી રહ્યા છે. સોસિયલ મીડિયાની પરિભાષામાં કહીએ તો રામ અને રામાયણ આજે સૌથી વધુ વાઇરલ થઈ રહ્યા છે.

  રામાયણ અને રામ ભારતીય પ્રજા માટે કોઈ મહાકાવ્ય કે કોઈ મહાન પાત્ર નહી, પણ લાગણીઓ છે, સંવેદનાઓ છે. આ એવી વાર્તા છે, જેને ભારતીય પ્રજા વર્ષોથી ભજવતી આવી છે, સાંભળતી આવી છે, વાંચતી આવી છે. ભાગ્યે જ ભારતનું કોઈ ઘર એવું હશે, જેમાં રામાયણનું પુસ્તક નહી હોય! રામ કથા ઓલ ટાઈમ હીટ કથા છે. જ્યારે પણ જોઈએ કે સાંભળીએ કે વાંચીએ આપણને નવી જ લાગતી રહે. જેટલું સમજતા જઈએ એટલી નવી નવી સમજણો એમાથી નીતરતી રહે.

  રામ,સીતા, ભરત, લક્ષ્મણ, હનુમાન, રાવણ, જટાયું, શબરી, કૈકેયી, વગેરે વગેરે પાત્રો આપણને કશું ને કશું શીખવતા જ રહે છે. રામકથા એ દૂધ જેવી છે, જેની નવી નવી પ્રોડક્ટસ બજારમાં મુકાતી જ રહે છે. એ સફેદ રંગ જેવી છે, જેમાં જિંદગીના દરેક રંગો જીલાય જતાં હોય એવું લાગતું રહે છે. એના થકી જે પ્રકાશ ફેલાય છે, તે આપણી જીંદગીની દરેક ક્ષણોને પ્રકાશિત કરતી રહે છે. ટૂંકમાં રામાયણ અને રામ વગરના ભારતની કલ્પના જ થઈ શકે એમ નથી.

  પણ મારે આજે તમને બધાને એક પ્રશ્ન પૂંછવો છે, શું ખરેખર આ કથા આપણે જીવી રહ્યા છીએ ખરા? રામ મંદિરમાં રામની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ જશે, પણ આપણાં સૌના જીવનમાં અને ઘરમાં રામાયણના આદર્શો અને સિદ્ધાંતોની એન્ટ્રી થશે ખરી? શું કોઈ ભરત બનવા તૈયાર થશે, જેણે મોટા ભાઈ માટે અયોધ્યાની રાજગાદીને પણ છોડી દીધી હતી? છે કોઈ લક્ષ્મણ જે મોટા ભાઈ માટે ચૌદ વર્ષોનો વનવાસ ભોગવવા તૈયાર થઈ જશે?  બનશે, કોઈ જટાયું જે ખોટી  બાબતો સામે અવાજ ઉઠાવવા પોતાનો જીવ આપી દેવા તૈયાર થશે? હનુમાન જેવી સેવા કરવા છે કોઈ તૈયાર? છે કોઈ શબરીની જેમ શ્રદ્ધાનો પર્યાય બનવા તૈયાર? રામના આદર્શો અને સિદ્ધાંતો પર ચાલવા કોઈ છે તૈયાર?  

  મિલકતો માટે લડતા ભાઈઓને અને બહેનોને જોઈને એવું નથી લાગી રહ્યું કે આપણે રામાયણને માત્ર વાંચી કે સાંભળી રહ્યા છીએ, જીવનમાં નથી ઉતારી રહ્યા? સંબંધોમાં રહેલી શ્રદ્ધા ઘટી રહી છે, નાનપણમાં એકબીજાનો હાથ ઝાલીને મોટા થયેલા ભાઈ-ભાઈ મિલકતોની વહેંચણી સમયે એકબીજાનો જીવ લેવા પણ તૈયાર થઈ જતાં હોય છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં પણ શ્રદ્ધાનું જીવંત તત્વ ખોવાઈ રહ્યુ છે. મોટા ભાગના સંબંધો આજે શંકાની એરણ પર ચકાસાય રહ્યા છે, ત્યારે રામાયણ થકી એ સંબંધોને પુન:જીવિત કરીશું તો સાચા અર્થમાં કશુંક સ્થાપિત થયેલું ગણાશે!

 હકીકત તો એ છે કે આપણે કુટુંબ-વ્યવસ્થા ને જ સમાપ્ત કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. રામાયણમાં રહેલા સારા સારા તત્વોને આપણે જરૂરિયાતોના ઢગલામાં ઢાંકી દીધા છે. આ ધર્મગ્રંથે આપણને ધર્મના રસ્તાઓ પર ચાલતા શીખવ્યું છે, પણ આપણે એ રસ્તે જઇ રહ્યા છીએ ખરા? રામરાજય માત્ર મુર્તિ સ્થાપિત કરી દેવાથી નથી આવવાનું. એના માટે રામાયણે અને રામે આપેલા સત્ય અને પ્રામાણિકતાના રસ્તે ચાલવું જરૂરી છે. રામની જેમ જેની પાસેથી જે કઈ સારું શીખવા મળે એ શીખી લેવા તૈયાર રહીશું તો શુશાસન લાવી શકીશું.

  સમાજની સમસ્યાઓ સામે લડવા રામાયણના પાત્રો પાસેથી આપણે કશું જ નથી શીખી રહ્યા. રામરાજય એટલે જ્યાં કોઈ કોઈને છેતરે નહી, એક એવી વ્યવસ્થા જ્યાં બધા જ વ્યવહારો શ્રદ્ધા પર ચાલે. પણ આપણે તો ડગલે ને પગલે એકબીજાને છેતરી રહ્યા છીએ. આપણે તો એવું જ માની લીધું છે કે કોઈને છેતર્યા વિના જિંદગીમાં આગળ વધી જ ના શકાય! આમાં ક્યાં રામ અને ક્યાં રામાયણ?

    આપણે રામાયણને એક કાલ્પનિક કથા તરીકે માત્ર સાંભળી રહ્યા છીએ, જીવનમાં ઉતારી નથી રહ્યા. રામની મુર્તિ પ્રતિષ્ઠા માટે આપણે જેટલો સંઘર્ષ કર્યો એટલો સંઘર્ષ  રામના આદર્શોને સ્થાપિત કરવા માટે કરવાની જરૂર છે. રામાયણ અને રામ  એક આખી વિચારધારા છે, જેને આપણે માત્ર ધર્મસ્થાનોમાં જ નહી પણ વાસ્તવિક જીવનમાં પણ ઉતારવાની છે.

  રામ માત્ર ત્રેતાયુગ પૂરતા મર્યાદિત ના હોય શકે, એ તો આજે પણ એટલા જ પ્રસ્તુત છે, બસ જરૂર છે, માત્ર તેઓના વિચારોને આપણાં સૌના જીવનમાં અને સમાજવ્યવસ્થામાં એન્ટર કરવાની...... સાચું સ્થાપન તો એ જ કહેવાશે ને?  

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...