Tuesday 6 February 2024

શ્રીપંચમી, 'હરી રયા સરસ્વતી'.માણસની જિંદગી પ્રત્યેની શ્રદ્ધાને જીવંત કરવાનો દિવસ!

 

શ્રીપંચમી, 'હરી રયા સરસ્વતી'.માણસની જિંદગી પ્રત્યેની શ્રદ્ધાને જીવંત કરવાનો દિવસ! 

 Basant Panchami 2023: Date, history, significance, puja timings,  celebrations - Hindustan Times

 

       વસંતઋતુની વાત આવે એટલે જિંદગીમાં કશુંક નવું થવાના એંધાણ મળે. મને ઘણીવાર વિચારો આવે છે કે વસંતઋતુ ના હોત તો, કાલિદાસ ના હોત, ઘણા બધા લેખકો અને મોસ્ટ ઓફ કવિઓ અને શાયરોની કલ્પનાઓ અધૂરી રહી ગઈ હોત. આજની આ પૂર્તિ પણ વસંતના આગમનથી બદલાયી છે. તેમાં પણ નવીનતા આવી છે, નવી નવી કૂંપળો ફૂંટી છે. નવા શબ્દોનો પગરવ વસંત સિવાય કોણ ફીલ કરાવી શકે?

  વસંત આપણને કશુંક એવું ફીલ કરાવે છે, જેને લીધે આપણે ધબકતા રહીએ છીએ. હ્રદય એકાદ ધબકારો ચૂંકી જાય એવો વૈભવ વસંતનો હોય છે. આ દિવસે પ્રકૃતિની હલ્દી રસમ હોય છે. હવે ખળામાં નવું ધાન આવશે, હવે જિંદગીમાં નવા રંગો આવશે, જે કઈ ખરી જવાનું હતું, તે ખરી ગયું, હવે તો વૃક્ષે, વૃક્ષે અને ડાળીએ ડાળીએ નવી કૂંપળો પોતાની પોસ્ટ અપલોડ કરશે. જો કે વસંતઋતુની ફીલિંગ મન અને હ્રદય પર વધુ પોસ્ટ થતી રહે છે. અને એ પોસ્ટ કોઈપણ પ્રકારની લાઈક,કમેંટ કે શેર ને આધીન નથી હોતી.

  વસંત એ પ્રકૃતિના માણસ પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ છે. આપણે જો કે આજકાલ પ્રકૃતિ સાથેનો આપણો ઘનિષ્ઠ સંબંધ ભૂલી ગયા છીએ, વસંતઋતુ આપણને દર વર્ષે એ સંબંધ રીફ્રેશ કરાવતી રહે છે. એ આપણને હળવેકથી કહેતી જાય છે, કે પ્રકૃતિ સાથે જોડાવાનું આ વણજોયું મુહૂર્ત છે. એને ફીલ કરો અને કુદરત તરફ પાછા વાળો જિંદગીમાં નવીનતા અને વિવિધતાનું મહત્વ વસંત-પંચમી સિવાય આપણને કોણ ફીલ કરાવી શકે કે કોણ સમજાવી શકે? બસ આપણે એ તરફની બારી ખુલ્લી રાખવાની છે.

  સૂફી પરંપરા મુજબ વસંત પંચમીના દિવસે હિન્દુ સ્ત્રીઓને ફૂલો લઈને મંદિરમાં જતી જોયા બાદ, તેઓના ચહેરા પર પ્રેમની અભિવ્યક્તિ જોઈને પોતાના ઓલિયા નિઝાનુદિનને પોતાના ભત્રીજાના મૃત્યુના દૂ:ખમાથી બહાર લઈ આવવા તેમણે પણ વસંતઋતુની ઉજવણીનો ઉત્સાહ પોતાના ગાયનમાં સમાવ્યો. ભારતનું દરેક રાજય અલગ જિંદગી જીવે છે, પણ વસંતનો આનંદ લગભગ દરેક રાજ્યમાં જુદા જુદા નામે ઉજવાતો રહે છે. ઋતુરાજ વસંતની અસરથી વળી કોણ બાકાત રહી શકે?

 આ દિવસ  મા સરસ્વતીની પૂજાનો દિવસ પણ છે. આજના દિવસે વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આજના દિવસે બાળક પોતાની જીંદગીનો પ્રથમ અક્ષર માંડતા શીખે છે. મા સરસ્વતી આપણાં સૌની જ્ઞાન, ભાષા, અને બધી જ કલાની દેવી છે, આજના દિવસે મા સરસ્વતીના ચરણોમાં વંદન કરીને સૌ પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરે છે. કશુંક નવું એ વસંતઋતુના આગમનનો ઘંટારવ છે. જે લોકોના હ્રદય અને જીવનમાં કાયમ ગુંજતો રહે છે.

  શિક્ષણ વ્યક્તિના જીવનની પાનખરને દૂર કરી તેને નવા જ્ઞાન તરફ લઈ જાય છે. શિક્ષણને આપણે આપણાં તમામ પ્રશ્નોનો ઉકેલ માનીએ છીએ. પરિવર્તનનું સૌથી શ્રેસ્ઠ માધ્યમ માનીએ છીએ. હકીકત તો છે કે શિક્ષણ વ્યક્તિના જીવનની વસંત છે, જે તેને જીંદગીનો સાચો આનંદ ફીલ કરતા શીખવે છે. માણસના જીવનમાં પાનખર ભલે આવે જો આપણે નવા નવા રસ્તાઓ શોધતા રહીશું તો પાનખર પછી વસંતના પગરવ થશે જ! જ્ઞાન એ ધન છે, જે આપણી પાસેથી કોઈ છીનવી શકતું નથી અને જ્ઞાનના આરંભનો દિવસ એટલે વસંત પંચમી.

 સૃષ્ટિ નવા નવા રંગો આપણાં જીવનમાં ઉમેરતી રહે છે, બસ આપણે એ રંગોથી જિંદગીની રંગોળીને સભર બનાવતા શીખી જઈએ. વસંતપંચમી એટલે નવા જીવનની શરૂઆત માટેનું વણજોયું મુહૂર્ત. ગમે તેટલા હતાશ-નિરાશ થઈ જઈએ, પણ જીવન પ્રત્યેની આપણી શ્રદ્ધા જીવંત રહેવી જોઈએ. વસંત આપણને એ વાતનો અહેસાસ કરાવે છે, કે ગમે તેવી વિપરીત પરિસ્થિતી વચ્ચે પણ ખિલતા રહીએ.

  વળી આ એ દિવસ છે, જ્યારે શિવે પોતાના ત્રીજા નેત્ર દ્વારા કામદેવને બાળીને ભસ્મ કરી દીધેલાં. અને એ ભસ્મ થયેલા કામદેવને તેની રાખમાથી પુનર્જન્મ તરફ વાળવાનું કામ રતીએ કરેલું. એવી માન્યતા છે કે આ દિવસે કામદેવ અને રતી પૃથ્વી પર આવે છે. અને માટે આ પ્રેમનો એ દિવસ છે, જ્યારે પ્રેમીઓના હૈયા એકબીજાને જોઈને ધબકતા રહે છે. રાધા અને કૃષ્ણના હ્રદયમાં થયેલ વસંતના આગમનનો પગરવ આજે પણ પ્રેમીઓના હ્રદયમાં સંભળાતો રહે છે. પ્રેમ જ સમગ્ર વિશ્વનું સૌથી મોટું પાવર-હાઉસ છે, તેની ઉર્જા થકી જ આ વિશ્વ ધબકતું રહે છે. અને એટલે જ પ્રેમ ક્યારેય સફળ કે નિષ્ફળ, સાચો કે ખોટો નથી હોતો. પ્રેમ એટલે પ્રેમ

 વસંતઋતુ એ પ્રકૃતિનું બ્યુટી પાર્લર છે, જે પ્રકૃતિને સોળે કળાએ ખિલવવાનું કામ કરે છે. અને સાથે સાથે આપણને પણ જિંદગીના સાચા સૌંદર્યનો પરિચય કરાવે છે.

 

No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...