જનનાયક કર્પૂરી ઠાકુરજી
23મી જાન્યુઆરી,2024ના રોજ આપણાં આદરણીય રાષ્ટ્રપતિ શ્રી.દ્રૌપદી મુર્મુજીએ 49માં ભારત-રત્નની જાહેરાત કરી અને એક નવું વ્યક્તિવ આપણી સમક્ષ રજૂ થયું. આ જાહેરાત પહેલા કર્પૂરી ઠાકુરજીને કોઈ ઓળખતા નહોતા, પણ 23મી તારીખ બાદ દર ત્રીજો લેખ તેઓ વિષે લખાયો. આઝાદ ભારતમાં સૌપ્રથમ વખત ઇ.સ. 1954ની સાલમાં આ એવોર્ડ આપવાની શરૂઆત થયેલી. દર વર્ષે વધુમાં વધુ 3 લોકોને તેઓના કળા, સમાજસેવા,સાહિત્ય, વિજ્ઞાન, ક્ષેત્રમાં પ્રદાન બદલ આપવામાં આવે છે. જો કે ઇ.સ. 2011માં થયેલા સુધારા બાદ કોઈપણ ક્ષેત્ર જે માનવવિકાસ તરફ લઈ જતું હોય તેવા દરેક ક્ષેત્રમાં આ એવાર્ડ આપવાનું શરૂ થયું.
કર્પૂરીજીને આ એવાર્ડ ‘મરણોત્તર’ આપવાની જાહેરાત થઈ છે. અત્યાર સુધીમાં 15 લોકોને આ એવાર્ડ ‘મરણોત્તર’ મળેલ છે. કર્પૂરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતુઝિયા ગામમાં 24 જાન્યુઆરી, 1924ના રોજ થયો હતો. તેમણે 1940માં પટનાથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી અને સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા હતા. કર્પૂરી ઠાકુરે આચાર્ય નરેન્દ્ર દેવ સાથે ચાલવાનું પસંદ કર્યું હતું. આ પછી તેમણે સમાજવાદનો માર્ગ પસંદ કર્યો અને 1942માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો. જેના કારણે તેમને જેલમાં પણ રહેવું પડ્યું હતું.
ભારતને આઝાદી મળી, પછી તેમણે ગામડાની એક નિશાળમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. ઇ.સ. 1952માં તેઓ તેજપુર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ઇ.સ.1960માં કેન્દ્ર સરકારના કર્મચારીઓની સામાન્ય હડતાળ દરમિયાન પી એન્ડ ટી કર્મચારીઓની આગેવાની કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 1970માં, તેમણે ટેલ્કો મજૂરોના ઉદ્દેશ્યને પ્રોત્સાહન આપવા માટે 28 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કર્યા હતા.
તેઓ બિહારના શિક્ષણમંત્રી પણ બન્યા અને અંગ્રેજી ભાષાના ફરજિયાત શિક્ષણ પર તેમણે રોક લગાવી હતી. સરકારી ઓફિસોમાં અંગ્રેજીને બદલે હિંદીને મહત્વ આપનાર તેઓ પ્રથમ રાજનેતા હતા. ઇ.સ. 1970માં તેઓ બિહારના મુખ્યમંત્રી બન્યા. તે સમયે તેમણે બિહારમાં દારૂબંધી માટે ઘણા પ્રયાસો કરેલા. એટલું જ નહી તે સમયે તેમણે પછાત જાતિના વિસ્તારોમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના પણ કરેલી. આ સમયગાળા દરમિયાન તેઓ છ મહિના સુધી સત્તામાં રહ્યા. તેમણે એવા ક્ષેત્રો પરની મહેસૂલ નાબૂદ કરી જે ખેડૂતોને કોઈ નફો આપતી ન હતી, 5 એકરથી ઓછી જમીન ધરાવતી જમીન પરની આવક પણ નાબૂદ કરી અને ઉર્દૂને રાજ્ય ભાષાનો દરજ્જો પણ આપ્યો. આ પછી તેમની રાજકીય શક્તિમાં જબરદસ્ત વધારો થયો અને કર્પૂરી ઠાકુર બિહારના રાજકારણમાં સમાજવાદનો મોટો ચહેરો બની ગયા. ઇ.સ. 1977માં તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા.
કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. તેમના અઢી વર્ષના શાસન દરમિયાન તેમણે ગરીબો, દલિતો અને પછાત લોકો માટે ઐતિહાસિક નિર્ણયો લીધા હતા. 1952 થી 1984 સુધી તેઓ ક્યારેય વિધાનસભાની ચૂંટણી હાર્યા નથી. આ પછી પણ તેણે પોતાની જાતિના વાળંદના વ્યવસાયનું સન્માન જાળવી રાખ્યું. સીએમ બન્યા પછી પણ તેમના પિતા ગોકુલ ઠાકુર વાળંદના પરંપરાગત વ્યવસાયથી પોતાનું ગુજરાન ચલાવતા રહ્યા. એકવાર કર્પૂરી ઠાકુરે પોતે ગામડાના લગ્નમાં વાળંદની ભૂમિકા ભજવી હતી.
તેઓ સરકારી નોકરીની લાગવગ લઈને આવનાર દરેકને પોતાનો પરંપરાગત વ્યવસાય કોઈપણ જાતની શરમ રાખ્યા વિના કરવાનું કહેતા. તેઓ મુખ્યમંત્રી હોવા છતાં એકદમ સાદું જીવન જીવતા. તેમના પિતાનું અપમાન કરનાર એક માથાભારે વ્યકિતના ઘરે જઈને તેમણે વાણંદનું કામ કરવાનું કહેલ. તેમણે ક્યારેય પોતાના પદનો ગલત લાભ નહોતો ઉઠાવ્યો. ઇ.સ. 1988માં તેઓનું મૃત્યુ થયા બાદ આજે પણ બિહારના ઘર ઘરમાં તેઓના આદર્શો અને સાદગીની ચર્ચા થતી રહે છે.
ઠાકુર ગરીબોના ચેમ્પિયન તરીકે જાણીતા હતા. 1978 માં, કર્પૂરી ઠાકુરે બિહારમાં સરકારી નોકરીઓમાં પછાત વર્ગો માટે 26% અનામત મોડલ રજૂ કર્યું. આ સ્તરીય આરક્ષણ શાસનમાં, અન્ય પછાત વર્ગને 12%, સૌથી વધુ પછાત વર્ગને 8%, સ્ત્રીઓને 3%, અને ઉચ્ચ જાતિઓમાંથી આર્થિક રીતે પછાત વર્ગને રાજ્ય સરકારની નોકરીઓમાં 3% અનામત મળી. ભારતમાં આવું કરનાર તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતા.
ઠાકુરે સંયુક્ત સમાજવાદી પાર્ટીના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમને લાલુ પ્રસાદ યાદવ, રામવિલાસ પાસવાન, દેવેન્દ્ર પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર જેવા અગ્રણી બિહારી નેતાઓના માર્ગદર્શક કહેવામાં આવે છે. બિહારના નેતાઓ તેઓના આદર્શો અને સિદ્ધાંતો પર આજે પણ ચાલે છે.
No comments:
Post a Comment