Monday, 26 February 2024

સોસિયલ પ્લેટફોર્મ્સ - જૂની પેઢીની આવડત અને નવી પેઢીના ટેક્નોલોજી અંગેના જ્ઞાનનું અદભૂત જોડાણ!!!

 

સોસિયલ પ્લેટફોર્મ્સ - જૂની પેઢીની આવડત અને નવી પેઢીના ટેક્નોલોજી અંગેના જ્ઞાનનું અદભૂત જોડાણ!!!

 16 Reasons Why Social Media Is Important to Your Company

 

હમણાં એક દરજી બહનને મળવાનું થયું. દરજીકામમાં તેઓ બહુ હોશિયાર છે. અત્યારના ટ્રેન્ડ મુજબ તમે કહો એવી ફેશનના કપડાં તેઓ સીવી આપે. છેલ્લી વખત હું તેઓની પાસે મારા સીવેલા કપડાં લેવા ગઈ ત્યારે તેમણે મને કહ્યું, મે એક યુ-ટ્યુબ ચેનલ બનાવી છે, તમે એને સબ્સ્ક્રાઈબ કરીને વિડીયો જો જો અને તમારા ગ્રૂપમાં બધાને કહેજો કે મારી ચેનલ જુએ.

  મે કહ્યું, તમને આવડે છે? આ ચેનલ બનાવતા અને વિડીયો મૂકતાં, તો તેમણે કહ્યું કે મારા દીકરાએ અને દીકરીએ મને આમાં મદદ કરે છે. એક વિડીયો બનાવી આપે, એક એડિટ કરે અને બંને ભેગા થઈને ચેનલ બનાવી અને વિડીયો પણ તેજ અપલોડ કરે છે. હવે એ મને ઇન્સ્ટાપેજ પણ બનાવી આપશે. મારા દીકરા-દીકરીએ કહ્યું મોમ તારી આ આવડતને સોસિયલ મીડિયાના ઉપયોગ થકી આપણે આગળ લઈ જઈએ.

   આ એક ઉદાહરણ અહી મે લખ્યું છે, પણ આવા ઘણા ઉદાહરણો આજકાલ આપણે આપણી આસપાસ જોઈએ છીએ, જ્યાં યંગ જનરેશન પોતાના માતા-પિતા કે પોતાના સગાવહાલાની કે પોતાની આવડતને સોસિયલ પ્લેટફોર્મ પર રજૂ કરીને એ આવડતને લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ઢાળી રહ્યા છે.

  જૂની પેઢીની આંખો (અનુભવ) અને નવી પેઢીના ટેક્નોલોજી અંગેના જ્ઞાનનો સમન્વય થઈ રહ્યો છે. અને એના ઘણા સારા પરિણામો આપણને મળી રહ્યા છે. હકીકત તો એ છે કે સોસિયલ મીડિયા એ પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં કોઈપણ જાતના જ્ઞાતી, જાતિ કે ધર્મના ભેદભાવ વગર આપણે આપણી પ્રોડક્ટ અને આવડતને લાખો-કરોડો લોકો સમક્ષ મૂકી શકીએ છીએ.

  આવી રીતે કેટલીયે માતાઓએ પોતાની જે આવડતને અભેરાઈએ ચડાવી દીધી હતી, તેને નીચે ઉતારીને પોતાની એ આવડતને સારામાં સારા ધંધામાં ફેરવી દીધી છે. વળી આવું કરીને આપણે આપણી જૂની સંસ્કૃતિને આજની જનરેશન સુધી પહોંચાડી પણ શકીએ છીએ. યુ-ટ્યુબ, ઇનસ્ટા, વોટ્સએપ, એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે વગેરે ઓનલાઈન પ્લેટફોર્મ થકી લાખો લોકોની આવડત રજુ થઈ રહી છે અને રોજીરોટી મેળવી રહી છે.

 ખાખરા, નાસ્તા, ટિફિન, લેટેસ્ટ ફેશનવાળા કપડાં, ચણિયાચોળી, લગ્નના લેટેસ્ટ કપડાં, હેંડીક્રાફ્ટની વસ્તુઓ, અથાણાં, મસાલા, વગેરે વગેરે આજે આ સમન્વય થકી જુદા જુદા સોસિયલ મીડિયાના ઉપયોગ થકી કરોડો લોકો સુધી પહોંચી રહ્યું છે. ઘણા લોકો પોતાના આખા કુટુંબનું ભરણ-પોષણ આવી રીતે ઓનલાઈન બિઝનેસ થકી કરી લેતા હોય છે. માતા-પિતાએ પોતાના સંતાનોને નાના હતા ત્યારે નવી દુનિયામાં ડગ માંડીને ચાલતા શીખવ્યું હવે સંતાનો તેઓને ટેક્નોલોજીની દુનિયામાં ડગ માંડતા અને ચાલતા શીખવી રહ્યા છે.

 

  ઘણી મહિલાઓ પોતાની રસોઈની આવડતને યુ-ટ્યૂબના માધ્યમ થકી લાખો લોકો સુધી પહોંચાડી શકી છે. તેઓની ચેનલ આજે લાખો સબ્સક્રાઈબર્સ સુધી પહોંચી ગઈ છે. આ મહિલાઓને પણ તેઓના સંતાનો ચેનલ અપડેટ કરવામાં મદદ કરી રહ્યા છે. ક્રાફ્ટ, આર્ટ વગેરે વગેરે આજે યંગ-જનરેશન થકી આવા જ માધ્યમો થકી પહોંચી રહ્યું છે. અને તેઓ તેમાથી ઘણું બધુ શીખીને આગળ વધી પણ રહ્યા છે!

  ભારતમાં દર પાંચમાથી એક વ્યક્તિ ફેસબૂક કે બીજા કોઈપણ સોસિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. દર મહિને લગભગ 2.5 મિલિયન લોકો યુ-ટ્યુબ જુએ છે, અને હજી આ સંખ્યા વધતી જ જાય છે. એક સર્વે મુજબ ભારતની કુલ વસ્તીના 67.5% લોકો કોઈને કોઈ સોસિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. (દેશની આટલી વસ્તી ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે!) હવે વિચારો આવડું મોટું માર્કેટ આપણને બીજે ક્યાં મળવાનું?

   આપણાં દેશમાં સોસિયલ મીડિયા હવે માત્ર ટાઈમ-પાસ કે મિત્રો કે સગા-સંબંધીઓ સાથે જોડાવાનું માધ્યમ નથી રહ્યું, પણ દેશની જીડીપીને બુસ્ટ આપનાર માધ્યમ પણ બની રહ્યું છે. ઘણી મમ્મીઓ માટે આ માધ્યમ પોતાની આવડત અને શોખને નવી ઊંચાઈઓ આપવાના માધ્યમ બની રહ્યા છે.

    આપણે મોટા ભાગે સોસિયલ મીડિયાને બે જનરેશન વચ્ચેના ગેપ તરીકે જ પ્રમોટ કરી રહ્યા છીએ. લગભગ દર ત્રીજા લેખમાં કે રીપોર્ટમાં આપણે સોસિયલ મીડિયાની યંગ જનરેશન પર પડી રહેલી ખરાબ અસરો વિષે લખતા વાંચતાં રહીએ છીએ. ચારેબાજુ સોસિયલ મીડિયાના દુરુપયોગ વિષે રાડો પડતી રહે છે. પણ આપણે સોસિયલ પ્લેટફોર્મ્સની આ સારી બાબતોને હાઇલાઇટ કરવાનું ભૂલી રહ્યા છીએ.

  આજ માધ્યમ થકી આજે બે જનરેશન વચ્ચેનો ગેપ ઘટી રહ્યો છે. જૂના જ્ઞાન અને નવી ટેક્નોલૉજી વચ્ચે પુલ બંધાઈ રહ્યો છે અને એ પુલ આપણને લેટેસ્ટ સંબંધો તરફ લઈ જઇ રહ્યો છે. કોઈપણ મમ્મીની ઇન્સ્ટા-રીલ જુઓ તો તમને દીકરા કે દીકરીની મહેનત જરૂર દેખાશે.

    

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...