Wednesday 28 February 2024

અમીન સયાની, ઓલ ઈન્ડિયા રેડિયો અને આખો દેશ......

 

અમીન સયાની, ઓલ ઈન્ડિયા રેડિયો અને આખો દેશ......

Amin Sayani was the 'king' of the radio world.

              એક એવી વ્યક્તિ જેના અવાજે આ દેશની એક આખી જનરેશનને રેડિયો પાસે લાવી ભેગી કરી દીધી. માત્ર એટલું બોલાય બહેનો ઓર ભાઈઓ એટલે ઘરના ખૂણે ખૂણેથી  સભ્યો આવીને રેડિયો સામે ભેગા થઈ જાય. જેમના શો બિનાકા ગીતમાલા એ 42 વર્ષો સુધી લોકોના હ્રદય પર રાજ કર્યું. જેમને લીધે બોલિવૂડ સંગીત આ દેશના ઘરે ઘરે, ઓફોસે ઓફીસે, શેરીએ શેરીએ પહોંચ્યું. જેમનો શો શરૂ થતાં જ હજારો લોકો કાગળ અને પેન લઈને ગીત અને ગીત વિષેની માહિતી લખવા બેસી જતાં!

     ભારતમાં રેડિયોની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં જે મખમલી અવાજ સૌથી વધુ વખત સુધી ગુંજતો રહ્યો છે, એ છે, “અમીન સયાની.” માત્ર ને માત્ર અવાજના માધ્યમથી તેઓ વર્ષો સુધી આ દેશના લાખો કરોડો લોકોના હ્રદયમાં સંગીતની જ્યોત પ્રગટાવતા રહ્યા. એટલું જ નહી, પોતાની સફળ કારકિર્દી દરમિયાન તેમણે 54000થી વધુ રેડિયો કાર્યક્રમો કર્યા. 19000 જિંગલ્સમાં પોતાનો અવાજ આપ્યો. અનેક ટી.વી. શો હોસ્ટ કર્યા. અને ફિલ્મોમાં પણ રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું.

   અમીન સયાની જેમનો સમય ભારતીય રેડિયોનો સુવર્ણકાળ ગણાય છે, તેમનો જન્મ ઇ.સ. 1932ની 21મી ડીસેમ્બરે મૂંબઈમાં થયેલો. તેમના માતા-પિતા બંને સ્વાતંત્ર્ય-સેનાનીઓ હતા. તેઓ પોતાને ગાંધીવાદી ગણાવતા. પ્રથમવાર તેઓ રેડિયો એનાઉન્સર તરીકે રીજેક્ટ થયા. કારણકે તેઓની બોલીમાં ગુજરાતી અને અંગ્રેજી શબ્દોનું ઉચ્ચારણ વધુ હતું. પછી તેમણે પોતાની બોલી સુધારવા પર ધ્યાન આપ્યું અને ઇ.સ. 1951માં તેઓ રેડિયો પર એનાઉન્સર તરીકે પસંદગી પામ્યા.

  હજી તેઓનો અવાજ થોડો લાઉડ ગણાતો. જ્યારે અવાજ કલાકાર અને ગાયક રમા મટ્ટુએ તેઓનો અવાજ પ્રથમવાર સાંભળ્યો તો તેણીએ પોતાના ભાઈને કહ્યું કે બંધ કર આ ઘોઘરો અવાજ.  આ બાબતથી અમીન સયાનીને સમજાયું કે જો લોકોના લિવિંગરૂમમા તેઓની સાથે જીવવું હશે તો અવાજની ક્વોલોટી સુધારવી પડશે. અને તેમણે તેના માટે ભરપૂર પ્રયાસો કર્યા. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ પોતાના સામાન્ય ટોનમાં જ રેડિયો પર કાર્યક્રમ આપશે. આ જ રમા મટ્ટુ સાથે તેમના લગ્ન થયેલા!   

  ઇ.સ. 1952માં RAS રેડિયો સિલોન માટે 'બિનાકા ગીતમાલા' નામનો રેડિયો શો લખવા, પ્રસ્તુત કરવા અને પ્રોડ્યુસ કરવા માટે કોઈની શોધમાં હતો, જે લોકપ્રિય હિન્દી ફિલ્મ ગીતો વિશેનો કાર્યક્રમ હતો. પણ ઓફર કરાયેલો પગાર શો દીઠ માત્ર 25રૂ હતો, તેથી કોઈ એ કાર્યક્રમ કરવા તૈયાર ના થયું. પણ અમીનજી એ ઓફર સ્વીકારી લીધી. અને પછી જે થયું તે આખા દેશ માટે અભૂતપૂર્વ બની રહ્યું.

  ઇ.સ. 1952માં શરૂ થયેલો અડધા કલાકનો એ કાર્યક્રમે આખા દેશને રેડિયો સાથે જોડી દીધા. પણ થોડા જ સમયમાં ત્યારની સરકારને આ કાર્યક્રમ "પશ્ચિમી" મૂલ્યોથી અસ્વસ્થ લાગ્યો!  અને  સરકારને લાગ્યું કે તેઓ એક પેઢીને બરબાદ કરી શકે છે. બી વી કેસકર, ત્યારના I&B પ્રધાને, રેડિયો પર ફિલ્મ સંગીત પર પ્રતિબંધ મૂક્યો.  તેને "શૃંગારિક અને અભદ્ર" ગણાવી અને માત્ર શાસ્ત્રીય સંગીતને પ્રસારિત કરવાની મંજૂરી આપી!

   પ્રતિબંધ પછી, સાયનીએ રેડિયો સિલોન પરથી તેના શોનું પ્રસારણ કરવાનું શરૂ કર્યું, જે શરૂઆતમાં હિટ પરેડ માટે જાણીતું હતું. માધ્યમ બદલાયું પણ શોની લોકપ્રિયતામાં કોઈ ફેર ના પડ્યો. તે સમયે કોઈપણ રેડિયો કાર્યક્રમની સફળતા તેને મળતા પત્રો પરથી નક્કી થતી. પહેલા જ અઠવાડિયે આ શોને 9000 પત્રો મળ્યા! જે સંખ્યા બાકીના અઠવાડીયા દરમિયાન 65000 પત્રો સુધી પહોંચી ગઈ. આ કાર્યક્રમમાં પોતાનો પત્ર વંચાય અને અમીનજીના મોઢે પોતાનું નામ બોલાય તે માટે લોકો ગામના ટપાલીને કહેતા કે બીજા કોઈના પત્રો ના લઈ જાય!

    તેઓ કાર્યક્રમમાં દરેક ગીતો સાથે જોડાયેલો ઇતિહાસ કહેતા અને પત્રોને આધારે હિન્દી ફીલ્મોના ગીતોને રેંકિંગ આપતા. બિનાકા ગીતમાલામાં પોતાની ફિલ્મનુ ગીત વાગે, તે માટે ગાયક કલાકારો અને ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારો પણ પોતાને ધન્ય સમજતા! બિનાકા ગીતમાલા ની સફળતા સમજીને ત્યારના  જાણીતા શિક્ષણશાસ્ત્રી અને રાજકીય કાર્યકર અરુણા અસફ અલીએ સયાનીને કહ્યું કે તેમને આ લોકપ્રિય શો AIR પર કરવાની જરૂર છે, શ્રીલંકાથી નહીં. અમીનજી એ કહ્યું મને મંજૂરી લાવી આપો, હું આ કાર્યક્રમ AIR પરથી કરીશ. અરુણાજીના પ્રયાસોથી ઇ.સ. 1957થી હિન્દી ફિલ્મ સંગીત રેડિયો પર પાછું ફર્યું અને અમીનજી પણ! પછી તો આ કાર્યક્રમ ઇ.સ.1994 સુધી ચાલુ રહ્યો.

 આ શો સિવાય તેમણે રેડિયો પર અનેક નામી કલાકારોના ઇન્ટરવ્યુ પણ લીધેલા. હિન્દી ફિલ્મ-ઉદ્યોગમાં લોકો પોતાનું ઇન્ટરવ્યુ અમીન સયાની દ્વારા લેવામાં આવે તેને પોતાનું સન્માન માનતા. તેમણે લતા મંગેશકર સાથેના પોતાના ઇન્ટરવ્યૂમાં તેમની પાસેથી ઘણી અંગત વાતો પણ સિફતપૂર્વર્ક લોકો સમક્ષ રજૂ કરાવેલી. કોઈપણ મહાન કલાકર પાસેથી તેમના અંગત જીવનની વાતો અત્યંત સહેલાઇથી કઢાવી લેવાની અમીનજીમાં આવડત હતી.

  20મી ફેબ્રુઆરી,2024 ના રોજ આ અવાજ કાયમ માટે શાંત થઈ ગયો, પણ લોકોના હ્રદયમાં અને જીવનમાં એ કાયમ ગુંજતો રહેશે.

  

 

  

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...