[Enter Post Title Here]
હમણાં થોડા દિવસો પછી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ શરૂ થશે. છેલ્લું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બધાને એક જ પ્રશ્ન સતાવતો હશે, પેપર્સ કેવા નીકળશે? લાસ્ટ મિનિટ રીવિઝનની સાથે સાથે વિદ્યાર્થીઓની માનસિક હાલત પણ બગડી રહી છે. પ્રાચીન સમયમાં જ્યારે કોઈ યોદ્ધો લડાઈ લડવા જતો, તો તેના માથે તિલક કરવામાં આવતું એમ વિદ્યાર્થીઓના માથે પણ તિલક કરવામાં આવશે! આપણે જેટલું વધુ મહત્વ આ પરીક્ષાઓને આપી રહ્યા છીએ, એટલા આપઘાતો વધી રહ્યા છે!
“શિક્ષણ આપણને જિંદગીની વિપરીત પરિસ્થિતિઓ સામે લડતા શીખવે એવું હોવું જોઈએ”, આ વાક્ય હવે માત્ર કોઈ સારા પુસ્તકની એક લાઈન બનીને રહી ગયું છે. કારણકે વાસ્તવિક જીવનમાં આ શિક્ષણ જ આજે યુવાનો અને યુવતીઓના આપઘાતનું સૌથી મોટું કારણ બની રહ્યું છે. ધોરણ 10 અને 12 પાસ કરીને આવનાર વિદ્યાર્થીઑ પર સ્પર્ધાત્મક પરીક્ષાઓનું દબાણ આજકાલ એટલું રહે છે કે સ્કૉલર વિદ્યાર્થીઓ લડવાને બદલે બહુ જલ્દીથી હાર માનીને જિંદગીને ‘બેડ-બાય’ કહી રહ્યા છે. JEE અને NEET જેવી પરીક્ષાઓ પાસ કરવાનું દબાણ તેઓને કોટા ફેકટરી જેવા કેન્દ્રોમાં લઈ જાય છે, જે કેન્દ્રો હવે તેમની સાથે જોડાયેલા ઘણા યુવાનો / યુવતીઓ માટે જેલ તરીકે જોવામાં આવે છે; જ્યાં તેમના શરીર, આત્મા અને સપનાને કેદ કરી લેવામાં આવે છે!
આ જેલોથી ગભરાઈને 90% થી ઉપર માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ પણ મૃત્યુને ગળે લગાડી રહ્યા છે. જિંદગીમાં બીજા ઘણા બધા વિકલ્પો હોવા છતાં તેઓ ‘આપઘાત’ નો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. 2023ના સર્વે મુજબ 18થી 45 વર્ષની ઉંમરના યુવાનો અને યુવતીઓ સૌથી વધુ આપઘાત કરી રહ્યા છે. અભણ કરતાં ભણેલા વધુ આપઘાત કરી રહ્યા છે! 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ સૌથી વધુ આપઘાત કરી રહ્યા છે. દીકરાઓ કરતાં દીકરીઓ વધુ આપઘાત કરી રહી છે. છે
ભારતીય ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના લેટેસ્ટ સર્વે મુજબ આપણાં દેશમાં દર 42 મિનિટે એક વિદ્યાર્થી આત્મહત્યા કરી રહ્યો છે. રોજ 34 વિદ્યાર્થીઓ ભણતરના દબાણ હેઠળ કચડાઈ રહ્યા છે!. ભારતમાં શિક્ષણને જ્ઞાનને બદલે રોજગાર અને આજીવિકાના પ્રવેશદ્વાર તરીકે જોવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પોતાની જાતને જે અનિશ્ચિત સામાજિક, જ્ઞાતિ અને વર્ગની મુશ્કેલીઓમાં લાગે છે તેમાંથી બચવા માટે તેઓ શિક્ષણના સહારે આવે છે. તેઓને લાગીએ રહ્યું છે કે શિક્ષણ આપણને તમામ મુશ્કેલીઓમાથી બહાર લઈ આવશે પણ એવું થઈ નથી રહ્યું અને એ નિરાશા ગરીબ વર્ગના યુવાનો અને યુવતીઓને આપઘાત તરફ લઈ જઇ રહી છે.
કોટા જ્યાં ‘JEE’ અને ‘NEET’ ની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાની ફેકરીઑ આવેલી છે, ત્યાં સ્કૉલર વિદ્યાર્થીઓ જીંદગીની પરીક્ષામાં સતત ફેઇલ થઈ રહ્યા છે અને હ્રદયને રડાવી મૂકે એવી સ્યૂસાઇડ નોટ લખીને આ દુનિયાને અલવિદા કરી રહ્યા છે. ‘NEET’ માં પાસ થઈ ડોક્ટર બની અનેક લોકોના જીવ બચાવવાના સપના જોનાર વિદ્યાર્થીઓ પોતાની જિંદગીને જ બચાવી નથી શકતા!
અતિ વ્યસ્ત ટાઈમ-ટેબલ, ગળાકાપ સ્પર્ધા અને દબાણને લીધે સ્કૉલર વિદ્યાર્થીઓનું માનસિક આરોગ્ય બગડી રહ્યું છે. માતા-પિતા તેઓના પાછા ફરવાનો એકપણ દરવાજો ખુલ્લો નથી મુક્તા અને પરિણામે તેઓ આ દબાણ હેઠળ દટાઈ જઈને કચડાઈ રહ્યા છે. બીજા કરતાં સતત સારો દેખાવ કરવાનું દબાણ તેઓ અનુભવી રહ્યા છે. ઘરની યાદ પણ તેઓને સતાવતી હોય છે, પણ ઘરના દરવાજા પર ‘નો એન્ટ્રી’ નું બોર્ડ લાગી ગયું છે. સંતાનોના માનસિક સ્ટ્રેસને લાગણીઓથી હેન્ડલ કરીએ નહી કે અપેક્ષાઓથી.
ખુદ સંતાનો માતા-પિતાને ઘણીવાર કહેતા હોય છે કે હું આ પરીક્ષાઓ પાસ નહી કરી શકું, પણ માતા-પિતા માનવા તૈયાર નથી હોતા! દિકરા કે દીકરી તું પાછો આવીશ? તો અમારું શું થશે? લોકો તારા વિષે અને આપણાં કુટુંબ વિષે શું વિચારશે? એવા દબાણ હેઠળ તેઓ ખુદના સંતાનોને આપઘાત કરવા માટે મજબૂર કરી રહ્યા છે. તેઓ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી કે તેઓના સંતાનો આ સ્પર્ધાના દબાણનો સામનો કરવા સક્ષમ નથી. પોતાના સંતાનોની ક્ષમતાઓ બાબતે તેઓ વધુ પડતાં મહત્વાકાંક્ષી બની રહ્યા છે ને પરિણામે યુવાનો અને યુવતીઓ એ મહાત્વાકાંક્ષાનો ભાર સહન ના થઈ શકતા મૃત્યુને વહાલું કરી રહ્યા છે.
આ પરીક્ષાઓ જીંદગીની અંતિમ પરીક્ષાઓ નથી, અને કદાચ વચ્ચેથી છોડી દેવી પડે તો એમાં કઈ થઈ જવાનું નથી, જેમણે આ પરીક્ષાઓ પાસ નથી કરી, તેઓ પણ મોજથી જીવી જ રહ્યા છે. આપણે માત્ર લડતા શીખવાનું છે. દરેક લડાઈ આમપણ કોઈ નથી જીતી શકતું. ‘તું કરી શકીશ’ના દેકારામા “હું નહી કરી શકું”, નું મૌન દટાઈ ના જવું જોઈએ.
No comments:
Post a Comment