Friday, 22 August 2025

આજની ‘લોસ્ટ જનરેશન’ને પાછી કેવી રીતે મેળવીશું?

 

આજની ‘લોસ્ટ જનરેશન’ને પાછી કેવી રીતે મેળવીશું? 

 We are the next lost generation. – Drops of Ink

 

 

    આજની પેઢી આ શબ્દોથી વધુ ચર્ચાસ્પદ આજકાલ કઈ જ નથી. જો દેશમાં કઈ નવા-જૂની થઈ હોય, તો લોકો તેના વિષે વાતો કરતાં હોય છે, પણ જો ચર્ચા કરવા માટે બીજું કઈ ના હોય તો આજની પેઢી એ સૌથી હોટ ટોપીક હોય છે. લોકોની વાતોમાં આજની પેઢી વિશે ચિંતાઓ દેખાય છે. તેઓની વાતોમાં વારંવાર પોતે આજની પેઢી જેવડા હતા ત્યારે શું શું કરતાં હતા? તેનું એક લાંબુ લિસ્ટ છે. અને એ લિસ્ટ કોઈ રીતે આજની જનરેશનની પ્રવૃતિઓ સાથે મેચ થતું નથી. ને પરિણામે જે ગેપ ઊભો થાય છે, તેને પૂરવાના પ્રયાસો દરેક ઘરમાં થતાં રહે છે, પણ એ પુરાય છે, ખરા....

   માનવજાત અસ્તિત્વમાં આવ્યાને લગભગ 200,000 વર્ષ થઈ ગયા છે. માનવજાતની ઘણી પેઢીઓ આવી અને ઘણા વિકાસ થયા. હવે માનવજાત 21મી સદીમાં છે. અત્યારે જે પેઢી અસ્તિત્વમાં છે, યુવાનોની દુનિયામાં તેને "જનરેશન z" તરીકે ઓળખવામાં આવે છે. જનરેશન z એ 1997-2012 ની વચ્ચે જન્મેલા બાળકો છે, નામમાં Z એ ઝૂમર્સ માટે વપરાય છે જેમણે તેમના જીવનના ખૂબ જ શરૂઆતના તબક્કાથી ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો.

  આપણે આજની પેઢીને આપણી પાસે જે કઈ સારું હતું, ( આપણો શ્રેસ્ઠ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો) તે આપવા અધીરા થઈ રહ્યા છીએ. પણ લેટેસ્ટ ટેક્નોલોજી અને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સના પ્રવાહમાં આજની પેઢી એવી વહી રહી છે કે તેઓને એ પ્રવાહમાથી બહાર લઈ આવવાના આપણા મોટા ભાગના પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યા છે. આપણે આપણી આ નિષ્ફળતાના કારણો ધ્યાનથી તપાસવાની જરૂર છે. અને નવેસરથી નવા પ્રયાસો કરવાની જરૂર છે.

  પેલા તો એ વિચારી લઈએ કે ખરેખર આપણે તેઓને આપવા શું માંગીએ છીએ? આપણે એ પૂર્વગ્રહમાથી બહાર આવી જઈએ કે આ પેઢી કોઈનું સાંભળતી નથી કે કોઈને સીરિયસ લેતી નથી. જો આપણી રજૂઆત આકર્ષક હોય તો તેઓ ઘણું બધુ સાંભળે છે અને તેઓને સાચું લાગે એ જીવનમાં પણ ઉતારે છે. પણ મુશ્કેલી એ છે કે આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સની જેમ આકર્ષક રજૂઆત થકી કશું સમજાવી નથી શકતા. ને વળી આપણે તેઓને જે રસ્તે વાળવા માંગીએ છીએ, આપણે ખુદ એ રસ્તે ચાલીએ છીએ ખરા? આ પ્રશ્ન તો આજે મોટા ભાગના લોકો જે આજની પેઢી વિશે ચિંતા પાળીને બેઠા છે, તેમણે ખુદને પુંછી લેવો જોઈએ.

 આપણે તેઓને પુસ્તક વાચન સાથે જોડવા માંગીએ છીએ, પણ શું આપણે પુસ્તક સાથે મિત્રતા કરી છે? આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સથી દૂર કરવા માંગીએ છીએ, પણ શું આપણે પોતે તેનાથી દૂર રહી શકીએ છીએ? આપણે ઈચ્છીએ છીએ કે તેઓ પ્રકૃતિ સાથે જીવે, પણ શું આપણે પ્રકૃતિ સાથે જીવંત રહીએ છીએ? આપણે તેઓની પાસે સમય માંગીએ છીએ, પણ શું આપણે તેઓને સમય આપીએ છીએ ખરા? આપણે તેઓને ખુલ્લા મેદાનમાં રમતા જોવા ઈચ્છીએ છીએ, પણ એ માટે આપણે કોઈ ખાસ પ્રયાસો કરીએ છીએ? યોગા,મેડિટેશન કે કોઈપણ પ્રકારના ધાર્મિક સંસ્કારો તરફ આપણે આજની પેઢીને લઈ જવા માંગીએ છીએ, પણ શું આપણે એ રસ્તે વળ્યા છીએ?

   હકીકત તો એ છે કે આપણે એવું માની લીધું છે કે આજની પેઢી માટે લાગણીઓ કરતાં પણ વધુ જરૂરી છે, તેઓની જરૂરિયાતોની પૂર્તિ! આપણે નાના હતા ત્યારે આપણી જે જરૂરિયાતો પૈસાના અભાવે પૂરી ના થઈ શકી એ હવે આપણાં બાળકોની થઈ જ જવી જોઈએ. આજની પેઢીનું જરૂરિયાતોનું લિસ્ટ આપણે જ લાંબુ કર્યું છે. આપણે જ તેઓને બહુ નાની ઉંમરે ના શીખવાનું શીખવા દીધું છે. આજની જનરેશન બહુ સ્માર્ટ છે, એવું કહેનારા દરેક લોકોએ તેઓની સ્માર્ટનેસને સમજવી પડશે.

  આપણે આપણી સગવડતા મુજબ તેઓનો ઉછેર કરી રહ્યા છીએ, એટલે આજની જનરેશન લોસ્ટ જનરેશનશા માટે કહેવાય છે? એ આપણે જ સમજવું પડશે. ખરેખર તો આપણે જ તેઓને પાછા શોધી આપવા પડશે. આપણા વિચારો તેમના પર થોપવાથી કશું નહી થાય, તેઓને આપણે હુંફ અને પ્રેમ થકી પાછા વાળવા પડશે.

 

Sunday, 10 August 2025

જોઈએ છીએ? જોઈએ છીએ? પુસ્તકો પરની ધૂળ ખંખેરી શકે એવા લોકો જોઈએ છીએ!!!

 

જોઈએ છીએ? જોઈએ છીએ? પુસ્તકો પરની ધૂળ ખંખેરી શકે એવા લોકો જોઈએ છીએ!!!

 Library - Trilogy Curated Bookshop and ...

 

 

 

   હમણાં એક દિવસ ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને લઈને પુસ્તકાલય જવાનું વિચાર્યું. મુલાકાત ગોઠવવા માટે પુસ્તકાલયના વ્યવસ્થાપકને ફોન કર્યો. પેલા તો તેમને વિશ્વાસ જ ના આવ્યો કે કોઈ સ્કૂલના છોકરાવ મુલાકાતે આવવા માંગે છે, પણ પછી એ અવઢવની સ્થિતિમાથી બહાર આવીને તેમણે મુલાકાત ગોઠવી આપી.

  વિદ્યાર્થીઓને લઈને મુલાકાતે ગઈ, તો વિદ્યાર્થીઓ અવનવા પુસ્તકો અને સામયિકો તેમજ સમાચારપત્રો જોઈને ખુશ થઈ ગયા. ને પુસ્તકો પણ અમારા વિદ્યાર્થીઓને જોઈને ખુશ ખુશ થઈ ગયા. ચાલો કોઈક તો આવ્યું અમને આ કબાટોમાથી બહાર કાઢવાવાળું! લગભગ કલાક સુધી તેમણે ધ્યાન દઈને વાચન કર્યું. પુસ્તકોના એક બે પાનાં વાચ્યા, સામયિકો વાચ્યા, અને સમાચાર પત્રો પણ... ઘણાને સમજાવવું પડ્યું કે સામયિકો અને છાપાઓ વચ્ચે શું તફાવત હોય છે? પણ ઓવરઓલ એ કલાકની મુલાકાત વિદ્યાર્થીઓ માટે આનંદદાયક રહી. ઘણા વિદ્યાર્થીઓએ પુસ્તકાલયમાં ખાતું ખોલાવવાનું ફોર્મ પણ છેલ્લે લીધું.

     હું તે લોકોને વારંવાર વાચન માટે સમજાવતી હોવ છુ. કે રોજ થોડો થોડો સમય વાચનને આપો, જેથી તમે તમારા જીવનમાં નવા અને વૈવિધ્યસભર વિચારોનો ઉમેરો કરી શકો. જેના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓને હમણાં એક દિવસ મે એક ગુજરાતી છાપું દેખાડ્યું! 70 વિદ્યાર્થીઓના વર્ગમાં 80% વિદ્યાર્થીઓએ ક્યારેય ગુજરાતી છાપું નહોતું જોયું! મે પુછ્યું પણ ખરું કે તો તમે ડિજિટલ ન્યૂઝપેપર વાચો છો? તો તેની પણ તે લોકોએ ના પાડી!

   ખરેખર અત્યારના વિદ્યાર્થીઓમાં વાચન પ્રત્યે જરાપણ લાગણી નથી રહી. પુસ્તકો તો દૂર તેઓને નાના નાના ફકરાઓ વાચવામાં પણ કંટાળો આવે છે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સની સ્ક્રીનમાં તેઓનું વાચન ક્યાંક ગુમ થઈ ગયું છે. પુસ્તકોરૂપી આત્મા ઘરોમાથી જાણે કે અદ્રશ્ય જ થઈ ગયો છે. હકીકત તો એ છે કે આપણી પેઢી યંગ જનરેશનને પુસ્તકો આપવાનું જ ભૂલી ગઈ છે. કારણકે આપણે સૌ પણ આ સ્ક્રીનના વમળમાં ફસાઈ ગયા છીએ.

  2024 નેશનલ બુક ટ્રસ્ટ સર્વેએ કરેલા સર્વે મુજબ ભારતમાં માત્ર 36.8% બાળકો જ પુસ્તકો વાંચે છે, જ્યારે યંગ જનરેશનમાં તો આ આંકડો હજી નીચો છે. માત્ર 25% યુવાનો જ પુસ્તકો વાંચે છે. એટલું જ નહી જે પેઢીના લોકો પુસ્તકો પ્રત્યે લાગણીશીલ હતા, તેઓ પણ બીજા વિકલ્પો મળી રહેવાને લીધે પુસ્તકોનો સાથ છોડી રહ્યા છે. આપણા સૌના જીવનમાથી પુસ્તકોની લીટરલી બાદબાકી થઈ રહી છે. અન્ય દેશોની તુલનામાં ભારતમાં પુસ્તક વાંચન દર પ્રમાણમાં ઓછો છે તેના માટે ટેક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ, શિક્ષણનો વધુ પડતો ભાર, ઈલેક્ટ્રોનિક ગેઝેટસ અને સોસિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, મોંઘા પુસ્તકો અને  વધુમાં, વાંચન સમય માંગી લે તેવું વલણ જેવા પરિબળો જવાબદાર છે. 
 

  જે બાળકો ઓછું વાંચે છે તેઓ તેમના શૈક્ષણિક પ્રદર્શન, સામાજિક-ભાવનાત્મક સુખાકારી અને ભવિષ્યની તકો પર નકારાત્મક અસર અનુભવી શકે છે. ઓછું વાંચન શબ્દભંડોળ વિકાસ, સમજણ કૌશલ્ય અને એકંદર શૈક્ષણિક સફળતાને અવરોધી શકે છે, જે સંભવિત રીતે નીચા ગ્રેડ, શાળામાં ગેરહાજરી અને વર્તણૂકીય સમસ્યાઓ તરફ દોરી શકે છે. વધુમાં, ઓછું વાંચન કરનાર બાળકોમાં આત્મવિશ્વાસનો અભાવ, ચિંતા અને સાથીદારોના અસ્વીકાર જેવી સમસ્યાઓનો સામનો કરતા રહે છે. એટલું જ નહી ઓછા વાચનને લીધે બાળકોની કલ્પનાશક્તિને અને સર્જનાત્મક શક્તિને પણ નુકસાન થાય છે.

  ખુદ આપણે આપણી જાતને પુંછી લઈએ કે છેલ્લે આપણે ક્યારે એક આખું પુસ્તક વાંચ્યું હતું? કે આપણે ખુદ છેલ્લે ક્યારે પુસ્તકાલયની મુલાકાત લીધી હતી? જવાબ જ નહી આપી શકીએ.

  પુસ્તકો આપણાં સૌના જીવનમાં નવીનતા, વિવિધતા અને પ્રેરણા લઈને આવતા હોય છે. મોટા ભાગના સફળ લોકોની સફળતા પાછળ પુસ્તકોનો ફાળો જોરદાર હોય છે. વાચન એક પ્રકારનું મેડિટેશન છે, જેના થકી આપણું માનસિક આરોગ્ય જળવાય રહે છે, રહી વાત બાળકોને એ તરફ વાળવાની, તો એના માટે આપણે સૌએ પણ હાથમાં મોબાઇલને બદલે પુસ્તકો લેવા પડશે. શિક્ષણ સંસ્થાઓમાં એક પિરિયડ વાચનનો હોવો જોઈએ.

 

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...