આ છે કઈક નવી જ 'આત્મનિર્ભરતા' !!!
જિંદગીમાં કેટલાક જખમો સતત ડંખતા રહે છે. કેટલાક સંબંધો સતત ગૂંચવાતા રહે છે, કેટલીક બાબતો હ્રદયમાં હમેંશા સચવાતી જ રહે છે. કેટલાક ચહેરાઓ ક્યારેય ભૂલાતા જ નથી. અમુક લાગણીઓ આંખમાં ઇન્સ્ટન્ટ આંસુ લાવી જ દેતી હોય છે. આપણે જે કાઇપણ ફીલ કરી છીએ, એ ક્યારેય ભૂલાતું નથી. અતિસુખ આંખોમાં પાણી અને અતિ દૂ:ખ હોઠો પર સ્માઇલ લાવી જ દે છે. જે ક્ષણો આપણને જીવંત લાગે છે, તેની જીવંતતા આપણા જીવનને કાયમ ફ્રેશ રાખતી જ રહે છે.
મોબાઇલની જેમ આ બધી આપણા સૌના જીવનની ‘બાય ડીફોલ્ટ’ સંવેદનાઓ અને વેદનાઓ છે. જે ક્ષણે આપણે કશુંક વિશિષ્ટ ફીલ કરીએ છીએ, તે ક્ષણો જીવનને છેક તળિયે જમા થતી રહે છે. તેની સ્મૃતિઓને જીંદગીની કોઈ ઓપરેટિંગ સિસ્ટમ ડિલીટ કરી શકતી નથી. ખુદ આપણે પણ મોસ્ટલી આવી બાબતોથી ડિસ્ટર્બ થતાં રહીએ છીએ. પણ એ બાબતોને આપણે અનઇન્સ્ટોલ નથી કરી શકતા.
કારણકે આપણને ફીલ કરવું ગમે છે, આપણને ધબકવું ગમે છે. જ્યારે પણ જિંદગીમાં બ્રેકઅપની ફીલિંગ આવે, આપણે બ્રેક થઈ જ જતાં હોઈએ છીએ. અને માઇન્ડ વેલ આપણે ભલે ‘પ્રેક્ટિકલ’ હોવાનો ઢોંગ કરતાં હોઈએ, પણ આપણે છીએ, ઈમોશનલ જ! જ્યારે જ્યારે આપણે એવું બોલીએ છીએ, કે તેને જે કરવું હોય તે કરે, હવે મને એનાથી કઇ જ ફર્ક પડતો નથી, ત્યારે ત્યારે આપણને ફર્ક પડતો હોય છે. એ ફર્ક પડે છે, એટલે જ આપણે અંદરથી ખાલી થઇ જતાં હોઈએ છીએ.
આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે સ્વીકારતા નથી કે મને હર્ટ થયું છે, એ કહેવામા પણ આપણને આપણો જ ઇગો નડે છે. આ ઇગો એ ફીલિંગ છે, જેની આગળ આપણી ઈમોશનલ ફીલિંગ્સ પણ નબળી પડી જતી હોય છે. આપણે ઇમોશનલ થવામાં પણ ત્રાજવું લઈને બેસી જતાં હોઈએ છીએ. એને મારુ કઈ નથી, તો મને પણ નથી! આ કોઇ ત્રાજવે તોલવાની બાબત છે. હા કોઈ પાછળ પાગલ થઈને જીવી શકાતું નથી, કોઈ આપણને તોડીને ચાલ્યું જાય તો ફરીથી જોડાઈ જ જવાનું હોય છે. પણ નાની નાની વાતોથી જિંદગીના મસ્ત સંબંધો છૂટી ના જવા જોઈએ.
બ્રેકઅપ જિંદગીમાં એટલા માટે આવે છે કે આપણે બ્રેક થઈને અપ જઇ શકીએ. આપણે ખુદને સાંભળતા અને સંભાળતા શીખી જઈએ. એક જગ્યાએ અટકી નથી જવાનું, પણ એ જગ્યાએ થોડીવાર ઊભા રહીને વિચારી લઈએ કે, જે તૂટે છે, એ કોઈ નજીવા કારણસર તો નથી તૂટતું ને? સંબંધોમાં ઇનસ્ટંટ જેવુ કશું નથી હોતું... એમાં પણ અખૂટ ધીરજ જોઈએ છીએ. સંબંધ તૂટે, ત્યારે આપણે તૂટી જતાં હોઈએ છીએ, ને વળી ફરીથી જે સંધાય છે, એ બરડ થઈ જતું હોય છે. માટે આપણો પ્રથમ પ્રયાસ સંબંધોની જાળવણી હોવો જોઈએ.
પણ એ જાળવણી કરવામાં જો વધુ પડતી આપણી જિંદગી ખર્ચાઈ જતી હોય, તો એ ‘ઈમોશનલ અત્યાચાર’ ને સહન કરવાની જરાપણ જરૂર નથી. જે નજીકનો સંબંધ આપણી જિંદગીમાં નવીનતા કે વિવિધતા નથી ઉમેરી શકતો, તેનાથી દૂર થઈ જવું જોઈએ. સંબંધો ‘ ઈમોશનલ બ્લેકમેલિંગ’ જેવા ના હોવા જોઈએ. આ બ્લેકમેલિંગ આપણને આપણાથી જ દૂર કરી દેતું હોય છે. આપણને સ્ટ્રેસ તરફ ધકેલી દેતું હોય છે, અને ક્યારેક આપઘાત તરફ!
બહુ ઝડપથી આવા સંબંધો તરફથી યુ-ટર્ન લઈ લેવો... જિંદગી આમપણ દરેક નવા વળાંકે, નવું કશુંક આપતી જ હોય છે. માટે આવા જુનવાણી વિચારના સંબંધો સાથે ઝકડાય રહેવાની કોઈ જ જરૂર નથી. સુખી થવા માટે કે મનને આનંદ સભર રાખવા માટે આપણે કોઈના સહારાની જરૂર નથી. સૌથી વધુ આપણે આ બાબતે ‘આત્મનિર્ભર’ થવાની ખાસ જરૂર છે.
મને તારી સાથે મજા આવે, એ હેલ્ધી રીલેશન છે, પણ ‘મને તારી જ સાથે મજા આવે’ એ અનહેલ્ધી રીલેશન છે! આમપણ કોઈ સાથે એટલા બધા એટેચ ના થઈ જઈએ કે આપણી ખુશીઓ પણ તેના આધારિત થઈ જાય! જે કઈ અંદર સળવળતું રહે છે, તે જીવનને ડિસ્ટર્બ કરતું રહે છે. માટે અંદરના કનેક્શન થોડા ઢીલા રાખીએ. આ જે કઈ અંદર સળવળતું રહે છે, ને એ જ એકદિવસ જિંદગીમાં શોર્ટસર્કિટ લાવીને જિંદગીને ખાખ કરી દેતું હોય છે.
માટે કોઈપણ રીલેશનમાં એટલા ઊંડા ના ઊતરવું કે વમળમાં ફસાઈ જઇ, ડૂબી જઈએ. જેમ વરસાદમાં ખાબોચિયામાં નહાવાનો આનંદ કઈક અલગ હોય છે, એમ જ જિંદગીમાં પણ નાના ખાબોચિયામાં જ ઠેકડા મારી લેવા. સંબંધોના દરિયામાં ડૂબકી મારવી એના કરતાં તો આવતા જતાં મોજાઓ સાથે આનંદ માણી લેવો વધારે જરૂરી છે.
સંબંધોમાં સ્થિરતા જરૂરી છે, ઝડતા નહી.... જે ગાંઠો ઉકેલી ના શકાય તેને તોડી નાખવી એ જ સારું છે, એને ઉકેલવામાં આપણે એટલા ના ગૂંચવાઇ જવા જોઈએ કે જિંદગી એકદમ ઉલઝી જાય! અને હા એ તૂટે ત્યારે છેતરાઈ જવાની ગિલ્ટી ના ફીલ કરવી, આપણે છેતરાતા નથી, બસ એ વ્યક્તિ સાથેનું આપણું ‘ઋણાનુબંધન’ પૂરું થઈ જતું હોય છે.....
આવા સંબંધોને બને ત્યાં સુધી ડિલીટ કરી દેવા, અને હા ક્યારેક યાદ આવી જાય તો, એને હળવાશથી લઈએ, બસ એને ‘રીસ્ટોર’ નથી થવા દેવાના!
જિંદગી થોડા ઇફ અને બટ સિવાય બહુ મજાની છે, બસ આપણે એને વ્યતીત નહી, ફીલ કરતાં હોવા જોઈએ. એક વ્યક્તિએ જે આપણી સાથે કર્યું, એના પરિણામો બીજી વ્યક્તિઓ પર એપ્લાય ના કરવા.... જિંદગીમાં આપણે જે બધાને મળીએ છીએ, બધા એકસરખા નથી હોતા.... અને આપણે પણ કાલે જેવા હતા, એવા આજે ક્યાં છીએ?
