અગન-પંખ
આજના લેખનું શીર્ષક તમે બધા ઓળખો છો, કોની આત્મકથાનું છે.એક એવી વ્યક્તિવિશેષ જેના વિષે લખીએ તેટલું ઓછુ લાગે.એ તો આજે તેઓના શિક્ષણ વિષયક વિચારો લખ્યા એટલે થયું થોડુક તમારી સાથે પણ શેર કરું.ને વિચાર્યું શીર્ષક આનાથી સારું કયું હોય શકે? કેટલાક માણસો સૌના રોલ-મોડેલ હોયછે,યુવાન,બાળકો,વૃધ્ધો,સ્ત્રીઓ,પુરુષો,શિક્ષકો,વિદ્યાર્થીઓ,વૈજ્ઞાનિકો,સમાજશાસ્ત્રીઓ,સંશોધકો.ટુકમાં સમગ્ર માનવજાત એના કાર્યો અને વ્યક્તિત્વથી પ્રભાવિત હોય છે એના કરતા પણ કહી શકાય કે પ્રેરિત હોય છે.જેના મૃત્યુથી ખુદ મૃત્યુ પણ થોડીવાર સાવધાનની મુદ્રામાં આવી જાય. એક એવું અસ્તિત્વ કે જેણે એક સંસ્થા જેટલું કાર્ય કર્યું.જેના જીવન થકી આપણને સૌને પ્રેરણા જ મળે. ગમે તેવી હતાશ,નિરાશ વ્યક્તિને તેના જીવન વૃતાંત ને કાર્યો થકી જીવવાનું બળ મળી રહે તેવું અસ્તિત્વ એટલે એ.પી.જે.અબ્દુલ કલામ.તેઓના નામને કોઈ કોમા, કે કોઈ શણગારની જરૂર જ નથી. તે તો જીવન જ એવું જીવી ગયા જે કોઈ માટે પણ આદર્શ જીવનની કલ્પના સમું છે.તેઓએ સાબિત કરી બતાવ્યું કે જો તમારામાં telent હોય તો દુનિયાની કોઈ તાકાત પછી તે ગરીબી હોય, સાધારણ દેખાવ હોય કે તમે કોઈ નાના ગામ માંથી આવો છો it doesn’t matter. મહત્વનું છે તમારી પ્રતિભા,સંકલ્પ શક્તિ ને તમારી અંદર રહેલી આગળ વધવાની તાકાત! કેમ ખરું ને ? આપણે તકો શોધતા રહીએ છીએ જયારે તે તકોનું નિર્માણ જાતે કરે છે.ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ માં પણ માર્ગ શોધી લે છે.આપણને ઘરની લાઈટ પણ ઝાંખી લાગે છે ને તેઓને streetlight નું અજવાળું પણ પ્રકાશિત લાગે છે. નાના પગથીયા ચડી તેઓ જિંદગીની સીડી જાતે બનાવે છે ને આપણે ટુકા રસ્તા શોધવામાં સમય ને તકો બધું જ વેડફી નાખીએ છીએ.
સૌના જીવનમાં દુખો,મુશ્કેલીઓ,ખરાબ સંજોગો આવતા રહે છે. તેઓના રસ્તાઓ પણ આવીજ દુર્ગમ પરિસ્થિતિઓથી ભરેલા હતા. છતાં તેઓ લડ્યા ને જીત્યાં.આમ પણ વિચારો અનુકુળ પરિસ્થિતિઓ કોને મળે છે. સૌએ સ્વયના અસ્તિત્વ માટે લડવું પડે છે.એક નાની કીડી જેવું જીવ જંતુ પણ અસ્તિત્વની લડાઈ લડે છે તો આપણને તો ઈશ્વરે આટલું સુંદર જીવન આપ્યું છે.કોઈ પણ મહાન વ્યક્તિનું જીવન વૃતાંત વાંચીએ તો આપણને સમજાશે કે ઈશ્વર કદી અનુકુળ પરિસ્થિતિઓ વાળા રસ્તા આપતો જ નથી. સૌએ સ્વયં ના રસ્તાઓ કંડારવા પડે છે.જિંદગીની મુશ્કેલીઓ સામે લડવું પડે છે. નિષ્ફળતા મળે તો એને પણ સ્વીકારવી પડે છે.સફળતા એ નિષ્ફળતાઓનું જ તો output છે ને? વિચારો કોને સરળ રસ્તાઓ મળ્યા છે? સૌના જીવનની એક સાહસિક વાર્તા હોય છે.સૌ લડે છે, શીખે છે આપણે બસ થોડા પ્રયત્નો વધારવાના હોય છે.”હારવું ખરાબ નથી પણ હારીને થાકી જવું એ કાયરતા છે.હવે જીંદગીમાં કોઈ રસ્તો જ નથી એ વિચાર જ નબળા લોકોનો છે, માણસ આ પૃથ્વી પરનું સૌથી શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે,જો અન્ય જીવ-જંતુ ઓ હારીને થાકી ના જતા હોય તો why we? એવો પ્રશ્ન હમેંશા ખુદને પૂછવા જેવો ખરો! યાદ રાખજો એક સરનામું હમેંશા ઈશ્વર આપણને જન્મતાની સાથે આપે જ છે અને એ છે મુશ્કેલીઓ@માણસ.કોમ તો પછી એની સામે લડી નવા સરનામાઓ કેમ ના બનાવીએ? બીજા કોઈ પણ સજીવ કરતા મનુષ્ય જીવન જો શ્રેષ્ઠ હોય તો એ શ્રેષ્ઠતા આપણે સાબિત કરવી પડશે.
પરિસ્થિતિની પ્રતિકુળતાઓ જ માણસને ઘડે છે. બહુ સીધા high-way પણ જિંદગીની ગાડીને કંટાળો આપે છે.બીજું જિંદગી ધીમે ધીમે ઘડાય છે. તેને ઘડવા ભોગ આપવો પડે છે.ખુબ મહેનત કરવી પડે છે.કોઈ પણ ક્ષ્રેત્ર માં ટોચ પર પહોચવા નીચેનાં પગથીયેથી શરૂઆત કરવી પડે છે.શ્રમ કર્યા વિના કશું મળતું નથી.એક એક નાનુ નાનુ ડગલું મંઝીલ તરફ લઇ જાય છે.રાતોરાત કશું થતું નથી કે બદલાતું નથી.જીવનમાં શોર્ટકટ શોધનારને સફળતા પણ શોર્ટ જ મળે છે.અલ્પજીવી સફળતા ચંદ્ર જેવી હોય છે જેને પ્રકાશ માટે સૂરજ પર આધારિત રહેવું પડે છે.ચંદ્ર હમેંશા પર-પ્રકાશીત જ રહ્યો એમ બીજા ના જોરે કુદતા વ્યક્તિઓની પણ એ જ હાલત થાય છે.માટે નક્કી કરેલા રોડમેપ પર પરિશ્રમના માઈલસ્ટોન પાથરી પહોચવાનો માર્ગ નક્કી કરવો જોઈએ.ખુદ પર વિશ્વાસ રાખી આગળ વધનાર જ જિંદગીના યુધ્ધને જીતી શકે છે.કૃષ્ણ ભગવાને અર્જુનને માત્ર રસ્તો ચીંધ્યો તો લડવું તો અર્જુને જ પડ્યું હતું.પોતાના હકો માટે,ધર્મના રક્ષણ માટે. એમ જ આપણે પણ ઈશ્વરે આપેલી જિંદગીને જીવવા જાતેજ લડવાનું છે, એ માટે હું અબ્દુલ કલામ ના જ શબ્દોમાં કહું તો,
“ ઈશ્વરે એવું વચન ક્યારેય નથી આપ્યું કે આપણા સમગ્ર જીવન દરમિયાન આકાશ હમેંશા ચોખ્ખું જ રહેશે યા માર્ગો ફૂલથી ઢંકાયેલા રહેશે, એણે કદી એવું પણ નથી કહ્યું કે વરસાદ વિના સૂર્ય હશે કે દુ:ખ વિના આનંદ હશે યા પીડા વિના શાંતિ મળશે!”
તમે જ કહો જે લડે છે તે જીતે છે કે નહિ? એવું ના વિચારતા કે હું આમ કેમ નથી કરી શકતો કે પછી સંજોગો કેમ મારી સામે થાય છે? જીવન તો ચાલવાનું જ ચાલતું જ રેવાનું આપણે પણ એ જ કરવાનું છે,સમસ્યાઓ તો ત્યારે ઉભી થાય છે,જયારે આપણે અટકી જઈએ છીએ નિરાશ થઇ ઉભા રહી જઈએ છીએ.તમારી આસપાસ એવા કેટલાયે વ્યક્તિઓ છે જેને સંઘર્ષ થકી જ જીવન જીવ્યું છે.જયારે ઉદાસ થાવ કોઈ પ્રેરણા દાયી પુસ્તક વાંચી લેવું.તમારાથી વધુ ઉદાસ વ્યક્તિને જોઈ લેવી ,કોઈના દુ:ખને તમારું બનાવી લેવું.ને બાકીનું ઈશ્વર પર છોડી દેવું.એણે પણ કઈક વિચારીને જ આપણને આ પૃથ્વી પર મોકલ્યા હસેને? ને એનું managment છે એ ક્ષમતા કરતા વધુ દુ:ખ કોઈને આપતો નથી.સૌને ભાગે કેટલું દુ:ખ આવે છે એની એને ખબર છે. એ તો આપણને જ એવું લાગે છે બધું મારે જ સહન કરવાનું? માટે મિત્રો જેને તમે રોલ-મોડેલ માનતા હોવ એ વ્યક્તિઓના જીવન ચરિત્રો વાંચો એમાંથી લડતા શીખો. એના જેવા બનવાનું ના વિચારતા પણ એને સાથે રાખી કઈક નવું વિચારવાનું રાખજો. કોઈ કોઈના જેવું બની શકતું નથી. એ યાદ રાખી આગળ વધો.તમારી અંદર રહેલી આગને તમારે જ સળગતી રાખવાની છે. એ આગને સમસ્યાઓ,મુશ્કેલીઓ,પ્રતીકુળતાઓની દીવાસળીથી તમારે જ સળગાવાની છે.તમારી અંદર રહેલા એ ઉર્જાના સ્ત્રોતને તમારે જ પુન:પ્રાપ્ય અને અખૂટ બનાવવાનો છે.માટે જીતવા માટે પણ હારતા રહો, શીખતા રહો ને આગળ વધતા રહો.