રંગમંચ@દેશમંચ !!!
મહાન લેખક શેકસપિયરનું એક વાક્ય છે, “ all the world is a stage” આ વાક્યને જો કોઈએ સાર્થક કરી બતાવ્યું હોય તો તે આપણા નેતાઓ, અભિનેતાઓ છે.અત્યાર સુધી સત્તા માટે લડતા આપણા આ નેતાઓ રોજ બકવાસ કરી આપણું મનોરંજન કરી રહ્યા છે. કપિલની કોમેડી કરતા પણ વધુ કોમેડી-શો તેઓ દેખાડી રહ્યા છે.એકબીજાને નીચા દેખાડવાના પ્રયાસોમાં તેઓ ખુદ કેટલા નીચા જતા રહ્યા છે એ માપવાનું તો કોઈ મીટર પણ આપણી પાસે નથી.સંસદ હોય કે મંચ હોય તેઓની સુંદર ભાષા ને સુંદર વ્યવહારો થકી તેઓ દેશને શણગારી રહ્યા છે. ને આપણે મુક પ્રેક્ષકો બની જોઈ પણ રહ્યા છીએ! કોમન મેનનું મૌન આપણા રાષ્ટ્ર માટે સૌથી ઘાતક હથિયાર બની રહ્યું છે.છતાં ચાલે છે બધું ને ચાલતું પણ રહેશે,સ્સસ્સ્સ્સસ્સ્સ ભારત આજે પણ સુઈ રહ્યું છે. એનીવે આજે એ વાત નથી કરવી વાત તો દેશના રંગમંચ ની જ કરવી છે. થોડાક દશ્યો જોઈ લઈએ,આમ પણ હમણાં થિયેટરમાં ફિલ્મ કદાચ જોવા ના પણ મળે. તો ચાલો નવરાશનાં આ સમયમાં દેશમંચ @ રંગમંચ જોઈ લઈએ. review આપજો હો કેવું લાગ્યું?
૧૯૪૭ ની ૧૫મી ઓગષ્ટે આપણો દેશ આઝાદ થયો હતો.(જો કે આપણે આઝાદ થવાનું બાકી છે!) આપણી ભારતમાતાને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવી આપણને આપણું ‘સ્વરાજ’ મળ્યું.લાખો શહીદોના બલિદાન થકી આપણો તિરંગો લહેરાયો.લોકોએ પોતાનું સર્વસ્વ ત્યાગી દેશને આઝાદ કરાવ્યો. ‘જન-ભાગીદારી’ દ્વારા આપણે સ્વતંત્ર થયા.આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી એ ‘રામરાજ્ય’ નું સ્વપ્ન જોયું, સરદાર પટેલે અખંડિત ભારતનું સ્વપ્ન જોયું,ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓએ યુવાનો માં મો-ભોમ પ્રત્યે ઉત્કટ દેશપ્રેમ જાગશે એ સ્વપ્ન સાથે બલિદાન આપ્યું.આપણે આઝાદ ભારતમાં શ્વાસ લઇ શકીએ તે માટે સ્વાતંત્રના લડવૈયાઓએ પોતાના સપનાઓનો ત્યાગ કર્યો ને બન્યું આપણું “સ્વતંત્ર-ભારત” પણ શું આપણે એ સ્વતંત્ર ભારતને “રામરાજ્ય”માં તબદીલ કરી શકયા છીએ ખરા! પ્રશ્ન નહિ આશ્ચર્ય છે એ કલ્પનાઓને શું આપણે સાકાર કરી શક્યા છીએ! હકીકત તો એ છે કે જે ‘મંચ’ પરથી આપણે આઝાદી માટે સૌને એકત્ર કર્યા હતા એ દેશ મંચને આપણા દેશના મહાન નાગરિકોએ દેશમંચ માંથી રંગમંચ બનાવી દીધો છે! ભારત દેશના મંચને આપણે જ્ઞાતિવાદ,કોમવાદ,અનામત,ભ્રષ્ટાચાર,બળાત્કાર,આર્થીક અસમાનતા,ગરીબી,ગંદા રાજકારણથી,અસ્પૃશ્યતા,વગેરે પાત્રો થકી લાઇવ બનાવી દીધું છે. આ રંગમંચ પર આ પાત્રોના નામે હમેશા બારેમાસ રંગમંચ પર નાટકો થતા રહે છે. ને આપણે નિહાળતા રહીએ છીએ.હા આ રંગમંચના મુખ્ય પાત્રો છે આપણે જ ચૂટેલા આપણી જ જ્ઞાતી કે કોમના વગર વિચાર્યે આપણે ચૂંટેલા “નેતાઓ” તાલિયા.............જિ હા તો પ્રસ્તુત થાય છે દેશમંચ કે રંગમંચ.
આ રંગમંચ પર કદી બળાત્કાર તો કદી અનામત, તો કદી દલિતોના નામે તો કદી ભ્રષ્ટાચાર ના નામે તો વળી કદી ‘ગૌ-હત્યા’ ના મામલે નાટકો થતા જ રહે છે (પાત્રોમાં ય યાર વિવિધતા હોવી જોઈએ ને!) પ્રાણીઓના સમાવેશથી નાટક વધુ સુંદર બને ને ? કામના મુદાઓને બદલે નકામા મુદાઓ ઉભા કરી આ નાટક ઉત્તમ રીતે રજુ કરવામાં આવે છે.મનોરંજન માટેનું શ્રેષ્ઠ સાધન બની ગયું છે આ ‘રંગમંચ’ એમાં સાથ-સહકાર મળે છે આપણી લોકશાહીની ચોથી જાગીર તરીકે જે ઓળખાય છે તે મીડિયાનો! લોકો સુધી પહોચતું તો કરવું પડે ને ? મારી-મસાલા નાખી તેઓ આ બાબતોને વધુ સ્વાદિષ્ટ બનાવવાની કોઈ કસર છોડતા નથી. તેઓ તો વળી પોતાના પાત્રો પણ ઉમેરે છે,ને એ છે પત્રકારો જેઓ માઈક લઈને બધે પહોંચી જાય ને પૂછે રાખે “आपको कैसा लग रहा हे?” ક્યારેક તો હદ વટાવી દે તેવા સંવાદો જોવા મળે છે. news ચેનલો 24*7 ચલાવવા તેઓ પણ “breking news” નામનું પાત્ર બધે ચગાવતા રહે છે.સાચું-ખોટું બધું બસ લોકો સમક્ષ રજુ કરતા જ રહે છે. ને વળી ચર્ચા નાં કાર્યક્રમો સોને પે સુહાગા, માંસ્સા અલ્લા, વિશેષણ નથી મળતા આની માટે તો! એક વાત પકડે ઘણા બધા મહાનુભાવો ભેગા કરે ને એ વાત એવી ચર્ચાય કે મૂળ વાત તો ભૂલાય જ જાય,પણ છતાં આપણે એ રંગમંચ નું નાટક જોતા રહીએ ને મોજ કરતા રહીએ. મૂળ વાતો ક્યાં ગઈ! કોઈને મળે તો કેજો હો! બધા મળી એવી વાતો કરે કે લાગે આ મહાનુભાવો ઉત્તમ હરાજીવાળા સાબિત થાય જો એમને શાક-માર્કેટમાં ઉભા રાખીએ તો ! ટુકમાં બધા ભેગા મળી એવું સરસ નાટક ભજવે કે કોમેડી ફિલ્મો ક્યાય શોધવા જ નાં જવી પડે! કેમ ખરું ને?
હજી થોડા પાત્રો ઉમેરીએ, અરે યાર મલ્ટી-સ્ટાર નાટક છે દરેક ને રોલ તો મળવો જોઈએ ને? હવે આવે છે આપણા ફિલ્મ-સ્ટારો અરે એનું તો કામ જ નાટક કરવાનું છે એને કેમ ભૂલાય? આપણા આ હીરો-હિરોઈન જેવા પાત્રો કોણ ભજવી શકે ભલા. પીચર રીલીઝ થવાનું હોય એટલે એક એવું વાક્ય બોલી જવાનું એટલે બેડો પાર એક બે સંગઠનો વિરોધ કરે ઝંડા લઇ નીકળે, આ હીરો નું મૂવી નથી જોવાનું એવી જાહેરાતો આવે ને પછી ? પછી શું મૂવી હીટ લોકો બને મુર્ખ ને તેઓ ૧૦૦ કરોડ કરે ઘર ભેગા! છે ને અજબ રોલ-પ્લે ! એટલેજ તો અત્યારે સૌથી ખતરનાક ‘publicity-stunt’ જ ગણાય છે ને ? જેને કરતા આવડે એનો બેડો પાર ને ના કરતા આવડે એ કલાકાર જ નથી યાર! આવું દરેક ક્ષેત્રનાં મહાનુભાવો કરે છે. ઘણી વાર તો બોલાયેલા શબ્દોની માફી પણ માગી લેવામાં આવે છે કોણ એને માફી આપે છે એ આ નાટકનું સૌથી મોટું saspence છે,જો જો કોઈને કઈ નો દેતા હો પ્લીઝ.
હવે પેશ થાય છે આ રંગમંચ ના શ્રેષ્ઠ પાત્રો એવા આપણા સૌના લાડીલા, “નેતાઓ” જેને તમે રાજકારણીઓ પણ કહી શકો છો.એવો superb રોલ ભજવે કે આપણે બધા મંત્ર-મુગ્ધ થઇ જઈએ એનામાં જ ખોવાઈ જઈએ. એ નેતાઓ જેને આપણે આપણો પવિત્ર મત આપી જીતાડ્યા હોય, જે મોટે ભાગે પાંચ વરસે જ દેખાતા હોય અરે પડદા પાછળ રહી કામ કરતા હોય ! જેઓ સંવાદ બોલવામાં ને એકબીજા ઉપર કાદવ કીચડ ઉડાડવામાં પારંગત હોય,વચન તો એવા આપે એવું લાગે હમણા દેશ બદલઈ જશે ને આપણા તમામ પ્રશ્નો ઉકેલાઈ જશે. દેશના રંગમંચના આ અભિનેતાઓ પોતાની સતા ટકાવી રાખવા નિત નવા નાટકો કરતા રહે છે. એક વાર સતા હાથમાં આવે એટલે મંચ પર ઈચ્છે તે દેખાડી શકાય ને લોકોને ઉલ્લુ બનાવી શકાય.
તેઓ ભ્રષ્ટાચાર.લાંચ,રિશ્વત,બળાત્કાર,કાળુનાણું,ગુંડાગીરી ને આ મંચના કાયમના પાત્રો બનાવી દે છે.જાહેરમાં સફેદ પોશાક પહેરીને ફરતા આ નેતાઓ ખાનગીમાં કામ એટલા જ કાળા કરતા હોય છે. પોતાની ‘વોટબેંક’ જાળવી રાખવા કદી તેઓ આ મંચ પરના મદારી પણ બનતા રહે છે. ને જ્ઞાતિવાદ,જાતિવાદ,કોમવાદ,અનામતના નામે બિન વગાડી લોકોને નચાવી પણ લેતા હોય છે.
‘ચુંટણી’ સમયે આ રંગમંચ અતિ ધમધમતું બની રહે છે. સામાન્ય જનતા આ સમયે તેઓ માટે મુખ્ય પાત્ર બની જાય છે.દલિતો પ્રત્યે, ગરીબો પ્રત્યે,જાણે તેઓને અખુટ લાગણી છે એવું દર્શાવતા રહે છે.એમાં તેઓની એક્ટિંગ સરસ રંગ લાવે છે. બે હાથ જોડી લોકો પાસે એવી રીતે વોટ માંગે જાણે કોઈ ભક્ત ભગવાન પાસે માંગે! જો આપણે ત્યાં આ રંગમંચના શ્રેષ્ઠ અભિનેતા જાહેર કરવાના હોય તો નિર્યણ કરનારને બહુ તકલીફ પડે ને તેઓ મૂંઝાય જાય કોને અવોર્ડ આપવો! જાહેર જનતાને આકર્ષવા એક થી એક ચડિયાતી યોજના લાવવામાં આવે છે.એકબીજાના પક્ષને અને એકબીજાને ઉતારી પાડવા માટે બેફામ વાણી-વિલાસ નો સહારો લેવામાં આવે છે.રોજ નવા સંવાદો,નવા પાત્રોને જોવાની સાંભળવાની મોજ પડી જાય છે.’વોટ’ પડી જાય નેતા ચૂંટાઈ જાય પછી રંગમંચ પર પાંચ વર્ષ સુધી પડદો પડી જાય છે. ને ચુંટણી સમયના વિકાસ નાં વચનો તે પડદા પાછળ સંતાડી દેવામાં આવે છે! ને દેશની સમસ્યાઓ ત્યાની ત્યાં જ રહી જાય છે.કશું નક્કર થતું નથી.ચુંટણી સમય નો મુખ્ય હીરો વિકાસ સાઇડ હીરો બની જાય છે. આ વચનો ને કોરાણે મૂકી તેઓ સંસદ નામના નવા સ્ટેજ પર આવે છે રોજના નાટક શરુ થઇ જાય છે. સંસદ એ જગ્યા છે જ્યાં દેશનું ભાવી ઘડવામાં આવે છે પણ આ સ્થળને તેઓએ પોતાના રોલ માટે રંગમંચ માં ફેરવી દીધું હોય તેવું લાગે. સંસદમાં બોલે બધાય પણ સાંભળે કોઈ નહિ,જ્યાં મિર્ચી સ્પ્રે પણ ઉડે,ખુરશીઓ પણ ઉડે,એકબીજા પર માઈક પણ ફેકાય, ને અપશબ્દો તો હવામાં લહેરાતા હોય વળી કોઈ એકાદ મહાનુભાવ છાનામાના સેક્સી વિડીઓ પણ જોઈ લે તો કોઈ ઊંઘ પણ લઇ લે. સમય નો સદુપયોગ! કામની વાતો કરવા કરતા નકામી ચર્ચાઓ પાછળ કલાકો ખર્ચી નાખવા ને દેશના હિતમાં કોઈ નિર્ણય ના લેવા દેવો ને સામાન્ય પ્રજા ના વિકાસની વાતો તો ક્યાય અદ્રશ્ય થઇ ગયેલી લાગે! બિનજરૂરી મુદાઓ એટલા ચગાવાય કે જરૂરી બાબતો ક્યાય ટલ્લે ચડી જાય. ઉદાહરણો તો એવા અપાય કે વાત ના પૂછો.(ને હવે તો એપ્રિલ ફૂલ વાળા સમાચાર ને પણ સાબિતી તરીકે લેવાય ને નોટો બદલાવાની નીતિ ને ઉરી હુમલા સાથે સરખાવાય આ લોકો ગમે તે કરી શકે) કોઈના ઘરે સંતાન આવે તો પણ એકબીજાને જવાબદાર ઠેરવી શકે! ને તમને સૌને બુદ્ધીકક્ષા માપવાની છૂટ છે આમાં ક્યાં કોઈ મીટર હોવું જરૂરી છે. દેશનું આ સૌથી વિવીધતા વાળું રંગમંચ છે જ્યાં બેસી દેશના જોકરો વહીવટ સિવાય બધું જ કરે છે! આ stage પર સૌને સૌના રોલ ની જ ચિંતા છે દેશનું શું થશે કોઈને પડી નથી.સૌ પોતાના હિસ્સાનું stage કવર કરી સાત પેઢી તરી જાય એટલું કમાઈ લેવાનાં ઉદેશ થી જ રોલ નક્કી કરતા રહે છે કે નીભાવતા રહે છે.દેશની પ્રજાની કોઈને ચિંતા હોતી નથી.આ રંગમંચ પર પ્રમાણિક પાત્રની બધા ભેગા મળી exit કરાવી દે છે.
ને મિત્રો આપણે આ રંગમંચ ના સૌથી અજાયબ પ્રેક્ષકો છીએ. દુનિયાની સાત અજાયબી કરતા પણ વિશિષ્ટ ને વિચિત્ર! જે બધું જુએ છે છતાં કશું જોતા નથી,જેઓ સમજતા હોવા છતાં કશું સમજવાની કોશિશ કરતા નથી! આપણે નેતાઓના રેકોર્ડ થી વાકેફ હોવા છતાં તેને જ ચુંટીએ છીએ. તે ભ્રષ્ટ છે, ગુંડા છે,કોમવાદી છે, જાણવા છતાં તેને જ મત આપીએ છીએ.ચુંટણી સમયની જાહેરાતોને ધ્યાનમાં લઇ આપણે ચડી જઈએ છીએ ને જ્ઞાતિ,કોમ ના નામે લડતા રહીએ છીએ.સામાન્ય સંજોગોમાં હળી મળી રહીએ છીએ પણ આવા સમયે લડી એ લોકોને મોકો આપતા રહીએ છીએ કે તેઓ આપણને તેઓના હાથની કઠપુતલી બનાવી ઉપયોગ કરતા રહે છે. રંગમંચનો આ સૌથી રોચક ખેલ છે જે આઝાદી થી લઇ અત્યાર સુધી રમાડાતો જ રહે છે.(ભારત-પાકિસ્તાન ના ભાગલા એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે) તમેજ કહેજો, વિચારજો મત આપવા જતી વખતે તમે જ્ઞાતિ થી પર કઈ વિચારો છો ખરા! હું જેને પસંદ કરું છું એ શું એ પદને લાયક છે ખરો એવું વિચારો છો ખરા! વગર વિચાર્યે મત આપી આપણે આપણા જ પગ પર કુહાડી મારીએ છીએ.નેતાઓની લોભામણી જાહેરાતોમાં આવી આપણું ભવિષ્ય એક લેપટોપ,મોબાઈલ,કે ૨ રૂપિયે કિલો ઘઉના બદલામાં વેચી દઈએ છીએ કે ગીરવે મુકીયે છીએ! એ ભવિષ્ય કેવું હોવાનું.આપણી આ કુટેવો જ આપણને આ રંગમંચના સૌથી સબળ પાત્ર હોવા છતાં નબળા બનાવી દે છે. શા માટે આવું થાય છે એ આપણે વિચારવાનું છે. તમારો વોટ કેટલો કીમતી અને અગત્યનો છે એ તમારે નક્કી કરવાનું છે. ઘર માટે કોઈ વસ્તુ લેવા જઈએ તોયે આપણે કેટલું પારખીને લઈએ છીએ તો આ તો રાષ્ટ્રનાં ભાવિનો સવાલ છે.મુક પ્રેક્ષકો નાં બનો. સમસ્યાઓ સામે તમે પણ લડો ને આ રંગમંચ ને ફરીથી દેશમંચ માં ફેરવી લ્યો.તમારામાં જે તાકાત છે પાત્રો ઉથલાવવાની તે કોઈનામાં નથી. માટે જાગો ગ્રાહક જાગો!
આ રંગમંચ નો અંત “જન ભાગીદારી’ પર નિર્ભર છે.