Wednesday, 12 April 2023

આપણે ગુણવત્તા નહી, આંકડા-પ્રેમી બનીને રહી ગયા છીએ....

 

આપણે ગુણવત્તા નહી, આંકડા-પ્રેમી બનીને રહી ગયા છીએ....

 Select one number life partner name dare | Puzzles World

    સ્કૂલમાં છોકરા છોકરીઓના ગ્રૂપમાં પરિણામ પછીની ચર્ચાઓ થતી હતી, એમાં એક છોકરીએ કહ્યું, મારે અર્થશાસ્ત્રમાં 100 માથી 100 આવે એમ હતા, પણ 99 જ આવ્યા, મારે પેપર ખોલવવું છે, એક માર્ક ક્યાં કપાયો? એટલે તેની સાથે ઉભેલા છોકરાએ કહ્યું, યાર બસ કર 99 માર્કસમાં તો અમારા જેવા ત્રણ છોકરાઓ પાસ થઈ જાય! અને બધા હસી પડ્યા. કેટલા માથી કેટલા? આ પ્રશ્ન આજે રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો છે.

     આપણને દરેક ક્ષેત્રોમાં આંકડા સાથે જ પ્રેમ થઈ ગયો છે. વસ્તીગણતરીથી લઈને જુદા જુદા તમામ સર્વેમાં આપણે આંકડાઓ જ તો ભેગા કરતાં રહીએ છીએ. કેટલી સ્ત્રીઓ, કેટલા પુરુષો, કેટલી સાક્ષરતા, કેટલા બાળકો, કેટલા યુવાનો, કેટલા વૃદ્ધો, કેટલા ધર્મો, વગેરે વગેરે......

  એવી જ રીતે દરેક સ્પર્ધામાં પણ આંકડાનો ખેલ જોવા મળે છે, તો આપણું શિક્ષણ તો આંકડાઓની એવી માયાજાળ રચે છે, કે અમુક આંકડાઓ ના મળતા વિદ્યાર્થીઓ આપઘાત કરી લેતા હોય છે. 28/29 માર્ક્સ લાવનારને વધારાના માર્કસ લાવી પાસ કરવા પડે છે, અને 90-100ની વચ્ચે માર્ક્સ લાવનારના ક્યાથી કાપવા? એ માટે તેનું પેપર ત્રણ વાર ચેક થતું હોય છે!

 સરકારી દરેક પરિપત્ર અને કાર્યક્રમો આંકડાઓ માંગતા રહે છે. વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા? એના કરતાં દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું વધ્યું? એમાં જ બધાને રસ છે. ઘણીવાર તો ઘણા કાર્યક્રમોમાં માત્ર આંકડા જ માંગવામાં આવે છે. કાર્યક્રમની સફળતાનો માપદંડ જ આંકડાઓ બની રહે છે! તે કાર્યક્રમમાથી કોણ કેટલું શિખ્યું? કે કોણે વાવેલા વૃક્ષોને ઉછેર્યા? કે કોણે પ્લાષ્ટિકનો ઉપયોગ ઘટાડયો? એ બધી જ વાત અભેરાઈએ ધૂળ ખાતી હોય છે. મોટા મોટા નેતાઓની સભામાં કેટલા માણસો આવ્યા? કે લાવવામાં આવ્યા? એના આંકડામાં જ બધાને રસ હોય છે! કેટલા મત મળ્યા? કે કેટલી સીટ મળી? તે  આંકડાઓ પર તો આખા દેશનો શ્વાસ અટકી જતો હોય છે.

જી.ડી.પી. પણ એક આંકડો, અને ગરીબી પણ એક આંકડો, વળી બેકારી પણ એક આંકડો અને સતત વધી રહેલી વસ્તી પણ એક આંકડો! અને હવે તો માણસ કેટલો સુખી છે? એ પણ હેપ્પીનેસ ઇંડેક્સ નક્કી કરે છે! જન્મતું બાળક પોષિત છે કે નહી તેના આંકડાથી માંડીને મૃત્યુદર સુધી બધુ જ આંકડાઓમાં રજૂ થતું રહે છે. સરેરાશ માથાદીઠ આવક પણ એક આંકડો અને આપણું જીવન-ધોરણ પણ એક આંકડો! કહે છે કે આંકડાઓ વિશ્વસનિય માહિતી રજુ કરે છે, પણ સાથે સાથે આંકડાઓ જ ભ્રામક માયાજાળ પણ રચતાં હોય છે!

  ધંધોનો નફો એક આંકડો છે, સૌથી વધુ કમાણી કરતા માણસની આવક એક આંકડો છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની તો સ્થાપના જ આંકડા જાહેર કરવા માટે થઈ હોય એવું લાગ્યા કરે છે. દેશના લોકોની સરેરાશ ઉંમર એક આંકડો છે. નોકરી કરતાં માણસને મળતું પેકેજ કે પગાર પણ આંકડો જ છે. વિશ્વના પાંચ વિકસિત રાષ્ટ્રોનો ક્રમ એક આંકડો છે. જુદી જુદી વસ્તુઓના ઉત્પાદનમાં આપણે ક્યાં સ્થાન પર છીએ? એ પણ એક આંકડો!

અરે માનવતા પણ આંકડાઓમાં મપાય રહી છે. ક્યાં સંપ્રદાયમાં કેટલા ભક્તો? એ પણ આંકડામાં અને દિવસોની ઉજવણી વખતે કોણ કોણ હાજર હતું? એના પણ આંકડાઓ! દર વિદ્યાર્થીએ કેટલા શિક્ષક? દર દર્દીએ કેટલા ડોક્ટર્સ કે નર્સિસ? દર ચોરસ કિલોમીટરે કેટલી વસ્તી? વગેરે વગેરે આંકડાઓ ભેગા કરી આપણે શું કરી રહ્યા છીએ? કારણકે અત્યારે તો લગભગ દરેક ક્ષેત્રોમાં ગુણવત્તાની ક્રાઈસિસ જોવા મળી રહી છે.

 મોટા મોટા મેગેઝિનોમાં દુનિયાની સૌથી ધનાઢય વ્યક્તિઓના આંકડા અને નામો રીલીઝ થતાં રહે છે, તો દુનિયાની સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓના લિસ્ટ પણ ક્રમ સહિત બહાર પડતાં રહે છે. ગણિત ભલે બધાને અઘરો વિષય લાગતો હોય, પણ આંકડાઓ સાથેનો આપણો સંબંધ વધુ ને વધુ ઘનિષ્ઠ બનતો જાય છે. આપણે સૌ એક ગજબની નંબરગેમ માં ફસાઈને જિંદગીને અઘરી બનાવી રહ્યાં છીએ. માપતા રહીને ઘણું બધુ આપણે પામતા નથી.

 જિંદગીને રેસ સમજીને આપણે સૌ એક નંબર મેળવવા દોડી રહ્યા છીએ. પણ આ આંકડાઓની બહાર પણ એક દુનિયા છે....આપણી ખુશીઓ કોઈ અમુક નમ્બર્સ કે ઇંડેક્સ દ્વારા નકકી ના જ કરી શકાય કેમ ખરું ને?

 

Monday, 10 April 2023

दशपुत्रसमा कन्या दशपुत्रान्प्रवर्धयन्। यत्फलं लभते मर्त्यस्तल्लभ्यं कन्ययैकया॥

 

दशपुत्रसमा कन्या दशपुत्रान्प्रवर्धयन्। यत्फलं लभते मर्त्यस्तल्लभ्यं कन्ययैकया॥

 

60+ Inspiring Quotes About Strong Women - The Goal Chaser

 

     અમુક સમાજમાં અને અમુક પ્રદેશોમાં દીકરીઓના મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ હોય છે. દીકરીઓ મોબાઈલનો ઉપયોગ કરે તો બગડી જાય અને દિકરાઓ કરે તો ના બગડે! આ કેવી માનસિકતા! સમાજમાં આપણે જયારે કોઈ પરિણીત સ્ત્રી-પુરુષના અફેર વિષે સાંભળીએ છીએ તો એવું જ સાંભળવા મળે છે કે, “ એ તો પુરુષ છે, સ્ત્રીઓ એ સમજવું જોઈએ ને.” દીકરીઓને વધુ  ભણાવવાથી એ બગડી જતી હોય છે.....

  હમણાં હોસ્પીટલમાં એક બહેનને ચોથી દીકરી આવી, દીકરાની રાહમાં..... પ્રસૂતિની પીડા કરતાં પણ વધુ પીડા તેને દીકરીના જન્મની હતી! અને એના કરતાં પણ વધુ પીડા એ હતી કે દીકરો ના આપી શકનાર એ સ્ત્રીને હવે ઘરમાં બધાનું સાંભળવું પડશે અને તેનો પતિ બીજા લગ્ન પણ કરી શકે! કે પછી હજી તેના પર પાંચમી વાર પ્રેગ્નેન્ટ થવાનું દબાણ પણ આવી શકે! હા હા આ હમણાંની જ વાત છે!

આપણી એક સુંદર સમાજ-વ્યવસ્થા હતી, જેમાં પુરુષ કુટુંબને આર્થિક રીતે પગભર કરતો અને સ્ત્રી કુટુંબને સામાજિક રીતે પગભર કરતી. બંને પોતપોતાને સોંપવામાં આવેલું કામ સરસ રીતે કરતાં અને ઘર સુશોભિત થઈ જતું. સ્ત્રી-પુરુષ એકબીજાના વિરોધી નહી, પણ પૂરક છે, એવું ક્યારેક સમાજે સ્વીકારેલું. સ્ત્રીઓને પણ ઘરની બહાર પોતાના અસ્તિત્વના વિકાસ માટેની છૂટ મળેલી હતી. આપણે જ્યારે ગાર્ગી કે લોપામુદ્રાની વાતો કરીએ છીએ તો આપણને સમજાઈ જતું હોય છે કે સ્ત્રીઓને વિકસવાની તકો મળી રહેતી.

 તો પછી એવું શું થયું કે સ્ત્રીઓનું સ્થાન ડગમગી ગયું અને તેઓને જન્મવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો! આપણે આર્થિક જવાબદારીઓને જ મહત્વ આપતા ગયા અને પરિણામે કુટુંબનું સર્વસ્વ પુરુષ બની ગયો અને સ્ત્રીઑ હાંસિયામાં ધકેલાતી ગઈ. સ્ત્રીઓના ઘરકામને એટલી નીચલી કક્ષાએ લઈ જવાયું કે સવારે ઊઠીને રાત્રે સૂતા સુધીમાં તેની મિનીટે મિનિટ ઘરકામમાં ગરકાવ થઈ ગઈ પણે તેના અસ્તિત્વની સામાજિક જીવનમાથી બાદબાકી થઈ ગઈ!

 પછી શરૂ થયું સ્ત્રીઓ પર કુરિવાજો લાદવાનું... સતી થવાનું, પોતાનાથી ગમે તેટલી મોટી ઉંમરના પુરુષ સાથે લગ્ન કરી લેવાના, વિધવાએ ફરીથી લગ્ન નહી કરવાના, દહેજના નામે સ્ત્રીઑ પર અત્યાચાર કરવાના, સ્ત્રીઓ તાબે ના થાય તો બળાત્કાર કરવાનો, વગેરે વગેરે એટલા કુરિવાજો કે દીકરીના જન્મને જ સમાજ અશુભ માનવા લાગ્યો. જે આજ સુધી અમુક સમાજોમાં ચાલુ છે. દીકરીઓને દૂધપીતી કરવાનો કુરિવાજ હજી આજ સુધી ભ્રૂણ-હત્યાના નામે ચાલુ જ છે.

  ચારિત્ર્યના નામે સ્ત્રીઓ સાથે જેટલી રમત થઈ છે, એટલી બીજી કોઈ બાબતે નથી થઈ. જાણે સમાજની આબરૂ જાળવવાની જવાબદારી માત્ર ને માત્ર સ્ત્રીઓ પર જ હોય એવું ચિત્ર આપણા સમાજે ખડું કરી દીધું. સીતાએ આપેલી અગ્નિ-પરીક્ષાની જાળ આજે પણ કેટલીયે સ્ત્રીઓને દઝાડતી રહે છે. કુંવારી માતાની બીકે સ્ત્રીઓને હમેંશા ભય હેઠળ જ રાખી છે. છુટ્ટા-છેડાં માટે પણ સ્ત્રીઓને જ જવાબદાર ગણવામાં આવે છે.

 સ્ત્રીઓએ કેવા કપડાં પહેરવા જોઈએ? એ સવાલનો જવાબ સ્ત્રીઓ સિવાય બધા પાસે છે. સાધુ સંતોથી માંડીને સામાન્ય માણસ બધા જ સ્ત્રીઓએ કેવા કપડાં પહેરવા જોઈએ? એ વિષે સલાહ સૂચનો આપતા રહે છે. અને ઘણા મહા-પુરુષોએ તો સ્ત્રી તરફ જતાં રસ્તાને જ બ્લોક કરી દીધો છે. વળી ઘણા ધર્મો અને સંપ્રદાયો સ્ત્રીઓને જોવાની જ મનાઈ ફરમાવે છે. હકીકત તો એ છે કે જેઓ પોતાની જાત પર કાબૂ નથી રાખી શકતા તેઓ સ્ત્રીઓ વિષે ગમે તેમ સ્ટેટમેન્ટ આપવાનું અને સ્ત્રીઓ વિષે ગમે તેમ બોલવાનું ચાલુ રાખે છે.

સમાજ સ્ત્રીઑ પ્રત્યે કહેવાતો ઉદાર બની ગયો છે. સ્ત્રીઓ પોતાની તરફેણના કાયદાઓનો ગલત ઉપયોગ કરી રહી છે, દીકરીઓ પોતાને મળેલી છૂટનો ગલત ઉપયોગ કરી રહી છે, તેઓએ એકવાર ગામડાઓમાં જઈને સ્ત્રીઓની હાલત જોઈ લેવી જોઈએ. તો તેઓને સમજાશે કે સ્ત્રીઑ આજે પણ ત્યાં જ છે, જ્યાં પેલા હતી!  મુઠ્ઠીભર આગળ વધી રહેલી સ્ત્રીઓના સથવારે બધી સ્ત્રીઓને ઉડવા આકાશ મળી ગયું છે, એવું માનવું ભૂલભરેલું ગણાશે.

 

 

 

Thursday, 6 April 2023

દેવદાસી....ધર્મસ્થાનોના દ્વારેથી રેડલાઇટ વિસ્તારમાં પહોંચેલી સ્ત્રીઓ!!!

 

દેવદાસી....ધર્મસ્થાનોના દ્વારેથી રેડલાઇટ વિસ્તારમાં પહોંચેલી સ્ત્રીઓ!!!

Devdasi system is still exists in our society | धर्म के नाम पर मासूम  बच्चियों को नर्क में धकेल देने की प्रथा का आज भी किया जाता पालन, सच्चाई जान  कांप उठेगी

 8મી માર્ચ, 2022 ના રોજ શોભા ગસ્તી ને  કર્ણાટકની 3600 દેવદાસી સ્ત્રીઓની જિંદગીને નવી દિશા આપવા માટે   નારીશક્તિ પુરુસ્કાર આપવામાં આવ્યો એ સમાચાર સાંભળ્યા અને સવાલ થયો કે આ દેવદાસી એટલે શું? અને પછી જે જાણવા મળ્યું એ હું આજે આપ સૌની સાથે શેર કરી રહી છુ.

  દેવદાસી દક્ષિણના રાજ્યોની એક પ્રથા છે, ( જો કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાતમાં પણ આ પ્રથા જોવા મળે છે!) જેમાં દીકરીઓ  ભગવાનને અર્પણ થતાં થતાં રાજાઓ, સામંતો, શાહુકારો, અને ઉચ્ચ વર્ગના પુરૂષોને અર્પણ થવા લાગી અને સેક્સ-વર્કર બની ગઈ!

  આંધપ્રદેશમાં એવું માનવામાં આવે છે કે કુટુંબ કે ગામ પર કોઈ આસુરી શક્તિનો પડછાયો ના પડે તે માટે ઘરની એક દીકરીને ધર્મસ્થાનને અર્પણ કરી દેવામાં આવે છે, જેવી દીકરીઓ તરુણાવસ્થામાં પહોંચે તેઑ ગામના સામંતોની ઉપપત્નીઓ બની જતી! મહારાષ્ટ્રમાં દેવદાસી બનતી સ્ત્રીઓને પોતાની પહેલી દીકરી ખંડોબા સાથે પરણાવવી પડતી!

 કર્ણાટકમાં એવું માનવામાં આવતું કે જ્યારે દુકાળ કે મહામારી રાજ્યમાં આવતી તો Huligamma નામના દેવને રીઝવવા દીકરીઓને તેઓને અર્પણ કરી દેવામાં આવતી! મધ્યપ્રદેશની આદિવાસી જાતિઓમાં પણ આ પ્રથા હતી! આ પ્રથાની શરૂઆત છઠ્ઠી સદીમાં થઈ હતી, કે જ્યારે યુવાન છોકરીઓને ભગવાન સાથે પરણાવી દેવામાં આવતી. આવી સ્ત્રીઓ એકવાર દેવદાસી બન્યા બાદ કોઈ સાથે લગ્ન ના કરી શકતી. તેઓ મંદિરમાં નૃત્ય કરતી અને પૂજારીઓ અને ધર્મસ્થાનોમાં કામ કરતાં બીજા લોકો બધુ જ કામ એ દેવતા ને અર્પણ કરતાં! છઠ્ઠી સદીથી 13મી સદી સુધી આવી સ્ત્રીઓનું સ્થાન સમાજમાં બહુ ઊંચું ગણાતું પણ ત્યારબાદ રૂઢિવાદીઓએ આ પ્રથાને એકદમ ક્રૂર પ્રથામાં ફેરવી નાખી!

  તામિલનાડુમાં મદુરાઈના વેલ્લુર ગામમાં દેવતાઓ પોતાની દેવદાસી પસંદ કરી શકે એ માટે પંદર દિવસનો તહેવાર ઉજ્વવામાં આવે છે, જેમાં પૂજારી 7 તરુણ દીકરીઓને ( 7 થી 14 વર્ષની) પસંદ કરે છે. આ દીકરીઓએ પંદર દિવસ સુધી ધર્મસ્થાનમા ટોપલેસ રહેવાનુ હોય છે!  તેઓ પોતાની છાતી ફૂલો કે આભૂષણો થકી જ ઢાંકી શકે છે! તહેવારના છેલ્લા દિવસે ગામની સ્ત્રીઓ અને આ દીકરીઓને ટોપલેસ હાલતમાં બેડામાં પાણી લઈ દેવતા પાસે જવાનું હોય છે!

 આ દીકરીઓ જ્યારે પિરિયડસમાં થવા લાગે, ત્યારે તેઓની વર્જિનિટી વેચવામાં આવે છે! જે સૌથી સારી કિંમત આપે તેને! તેઓના માલિક દ્વારા તેઓનો ઉપયોગ થઈ ગયા બાદ આવી સ્ત્રીઓને તેઓ તરછોડી દેતાં હોય છે, અગર તો રખાત તરીકે રાખતા હોય છે! તરછોડાયેલી સ્ત્રીઓ કા તો ફૂલ-ટાઈમ સેક્સ-વર્કર બની જતી હોય છે કા તો ભીખ માંગીને પોતાનું જીવન ગુઝારતી હોય છે.

 

    આવી જ એક સ્ત્રી રૂપા તહેવારમાં બંગડી ખરીદવા ગઇ હતી અને દેવદાસી તરીકે સિલેક્ટ થઈ ગઈ! Yellamma નામની દેવીને તેણીને અર્પણ કરી દેવામાં આવી, એવું કહીને કે તે દેવી તારું રક્ષણ કરશે. જો કે દેવી રક્ષણ ના કરી શકી અને તેણી આજે પોતાના ગામ નજીક વેશ્યા બનીને પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરી રહી છે! પ્રથમવાર જે માણસ સાથે મે રાત વિતાવી હતી, તેણે મારી વજાઈના ફરતે બ્લેડ મારી હતી!

     ચેન્નાવા, 65 વર્ષની એક અંધ સ્ત્રી છે, જે ભીખ માંગીને પોતાની જિંદગી વિતાવી રહી છે. હું બાર વર્ષની હતી, ત્યારે મને પરાણે મારી માતાએ અને બીજા કુટુંબીજનોએ દેવીને સમર્પિત થવા કોઈ પુરુષ સાથે સુવાનું કહ્યું હતું!  મારી માતા જે પોતે દેવદાસી હતી, તેણે મને શેરીઓમાં હડધૂત થવા, માર ખાવા અને વારંવાર બીજા સાથે સુવા રખડતી મૂકી દીધી!

   પરવતમ્મા આવી જ એક દેવદાસી છે, જેને પણ આ દેવીને સમર્પિત થવા 10 વર્ષની ઉંમરે  સિલેક્ટ કરાઈ હતી. તેણી જ્યારે 14 વર્ષની થઈ અને એક દીકરીની માં બની ગઈ તો તેણીને મુંબઈ રેડ-લાઇટ વિસ્તારમાં મોકલી દેવામાં આવી! તે નિયમિત પણે ઘરે પૈસા મોકલે છે. હમણાં જ 36 વર્ષની ઉંમરે તેણીને એઇડ્સ થયો છે. હવે તે પોતાના ગામ પાછી આવી ગઈ છે. તેના મૃત્યુ બાદ તેની દીકરીનું કોણ? પેલી દેવી આનો જવાબ આપશે ખરી?

   જુદા જુદા સર્વે મુજબ ઘણા બધા રાજ્યોમાં આજે પણ હજારોની સંખ્યામાં સ્ત્રીઓ દેવદાસી બનીને જીવી રહી છે. 45 વર્ષ બાદ આ સ્ત્રીઓ માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની રહે છે, કેમ? એ હવે મારે તમને સમજાવવું પડશે ખરા! આવી સ્ત્રીઑ આજે પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે મથી રહી છે. ભારતમાં આ પ્રથાને રોકવા ઘણા કાયદાઓ ઘડાયા છે, છતાં આ પ્રથા નાબૂદ કરી શકાઈ નથી!

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...