અમુલ–નંદિની વિવાદ...... it happens only in India!!!
ડીસેમ્બર-2022માં અમિતભાઈ શાહે ગુજરાતની ‘અમુલ’ અને કર્ણાટકની ‘નંદિની’ ડેરી વચ્ચે સહકારની વાતો કરી હતી. તેમણે એવું કહ્યું હતું કે અમુલ અને નંદિની સાથે મળીને સહકારના ક્ષેત્રમાં અગાઉ કોઈએ ના કર્યું હોય તેવું કામ કરી શકે એમ છે. સહકારના વિકાસ થકી જ ડેન્માર્ક અને સ્વીડન જેવા નાના અને યુદ્ધમાં પાયમાલ થઈ ગયેલા દેશોએ પોતાનો આર્થિક વિકાસ સાધ્યો છે. પણ આપણા દેશમાં..... આ બાબતે વિવાદોનું વંટોળ ઊભું કરી દીધું છે.
5મી એપ્રિલે અમુલે પોતાની ફેશ ડેરી પ્રોડકસને લઈને બેંગલુરુમાં એન્ટ્રી કરવાનું ટ્વિટ કર્યું અને પછી આ બાબતને વિરોધ પક્ષોએ ગલત રીતે ચૂંટણીનો મુદ્દો બનાવીને એવી ચગાવી કે અમુલ ડેરીએ પોતાની એન્ટ્રી રોકવી પડી!
અમુલ અને નંદિની બંને ભારતની ડેરી ઉદ્યોગની સફળ બ્રાન્ડ્સ છે. બંનેનું પોતાનું આગવું બજાર છે. બંને ડેરીઓ પાસે પોતાના ખાસ ગ્રાહકો છે. બંને GCMMF અને KMF તેઓના માર્કેટમાં નંબર વન છે. બંનેએ પોતાનો વિકાસ ગામડાઑમાથી જ દૂધ ભેગું કરીને કરેલો છે. અમુલ દેશની સૌથી મોટી ડેરી ઉત્પાદનો બનાવતી કંપની છે, તો નંદિની કર્ણાટકમાં પોતાનું હોલ્ડિંગ ધરાવે છે. જો કર્ણાટકના સો-કોલ્ડ વિરોધ પક્ષોને એવું લાગી રહ્યું હોય કે અમુલ કર્ણાટકમાં એન્ટ્રી કરશે તો નંદિનીનું મહત્વ ઘટી જશે તો એ સાવ પાયા વિહોણી વાતો છે.
અમુલ અને નંદિનીના ડેરી-ઉત્પાદનોના ભાવમાં ઘણો ફેર છે. અમુલ દૂધના એક પાઉચના 54રૂ. વસૂલ કરે છે, જ્યારે નંદિનીના દૂધનો ભાવ 43રૂ. છે! આવી રીતે નંદિનીની મોટા ભાગની દૂધની બનાવટોનો ભાવ અમુલ ડેરી કરતાં ઓછો છે. તો કેવી રીતે અમુલ નંદિનીનું બજાર કેપ્ચર કરી શકે? અમુલ પોતાના ઘણા બધા ઉત્પાદનો જેવાકે ઘી, માખણ, યોગાર્ટ, આઇસ્ક્રીમ વગેરે કર્ણાટકમાં ઘણા સમયથી વેચે જ છે. તો પછી હવે અત્યારે જ આનો વિરોધ કેમ?
એક નેતાના કહેવા મુજબ આ રાજ્યમાં નંદિની અને અમુલ સિવાય પણ બીજી 10 કંપનીઓ પોતાની દૂધની બનાવટો વહેંચે છે. અને તેનાથી નંદિનીને કોઈ ફર્ક નથી પડ્યો અને માત્ર અમુલની એન્ટ્રીથી પડશે? સાથે સાથે એમ પણ કહ્યું કે ઉનાળા દરમિયાન કર્ણાટકમાં દૂધની અછત પડે છે, ગયા વર્ષ કરતાં પશુઓમાં લંપી વાઇરસને લીધે 60000 લિટર દૂધનું ઉત્પાદન ઓછું થયું છે. તેને પહોંચી વળવા અમુલને આ બજારમાં દૂધ અને દહી સાથે એન્ટ્રી કરવાની હતી.
કર્ણાટકની આ ડેરી પોતાના ઉત્પાદનો તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણા વગેરે રાજ્યોમાં વહેંચે છે, તો અમુલ કેમ આવું ના કરી શકે? એક વિચાર એવો પણ છે કે અમુલનું કાર્યક્ષેત્ર નંદિની કરતાં વધુ છે અને તેની પાસે લેટેસ્ટ ટેકનૉલોજિ પણ છે, જેનો લાભ નંદિનીને પણ મળશે. સહકારનો અર્થ જ છે, સૌનો સાથ સૌનો વિકાસ પણ લાગે છે અહી સૌનો વિશ્વાસ નથી મળી રહ્યો.
વિરોધ પક્ષોનું એવું કહેવું છે કે અમુલ નંદિનીનો માર્કેટ શેર પચાવી પાડશે. તેઓનું માનવું છે કે BJP 49વર્ષોના KMP ના નંદિની સાથેના કોલાબ્રેશનને તોડીને તેને અમુલ સાથે જોડીને પોતાનું “ one nation one Amul” નું સપનું પૂરું કરવાનો પ્રયાસ કરી રહી છે. વળી તેઓનું એમ પણ કહેવું છે કે દૂધની તંગી એ કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવી છે. આ મુદ્દે કર્ણાટકમાં ઉનાળા પહેલા જ ગરમી ચાલુ થઈ ગઈ છે. 10મી મે ના રોજ કર્ણાટકમાં ચૂંટણી છે, ત્યાં સુધી આ મુદ્દો ચગેલો રહેશે. કોઈએક પક્ષ જીતી જશે પછી કોઈને આ મુદ્દો યાદ પણ નહી આવે. અને કદાચ જો વિરોધ પક્ષોમાથી કોઈ જીતે તો આવતા વર્ષોમાં તે પક્ષ જ અમુલની કર્ણાટકમાં એન્ટ્રી પણ કરાવી શકે....!!!
આપણો દેશ એક એવો લોકશાહી અને ‘જાગૃત’ દેશ છે, જેમાં ચૂંટણી સમયે કોણે કેટલું કામ કર્યું? કે પછી દેશની સમસ્યાઓનો ઉકેલ લાવવા ક્યાં પક્ષે કેટલૂ કામ કર્યું? તેની ચર્ચા થવાને બદલે કે તેના આધારે નવી સરકાર નક્કી થવાને બદલે સાવ બિનજરૂરી બાબતોને ધ્યાનમાં લઈને ચૂંટણી થતી રહે છે! લોકોની લાગણીઓ સાથે જોડાયેલો એકાદ મુદ્દો ઉઠાવી લ્યો અને પછી તેને # વાઇરલ કરી દયો એટલે પછી આગળ પાછળનું બધુ જ ભૂલીને લોકો આંધળા બની તે તરફ ચાલવા લાગે છે.