दशपुत्रसमा कन्या दशपुत्रान्प्रवर्धयन्। यत्फलं लभते मर्त्यस्तल्लभ्यं कन्ययैकया॥
અમુક સમાજમાં અને અમુક પ્રદેશોમાં દીકરીઓના મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ હોય છે. દીકરીઓ મોબાઈલનો ઉપયોગ કરે તો બગડી જાય અને દિકરાઓ કરે તો ના બગડે! આ કેવી માનસિકતા! સમાજમાં આપણે જયારે કોઈ પરિણીત સ્ત્રી-પુરુષના અફેર વિષે સાંભળીએ છીએ તો એવું જ સાંભળવા મળે છે કે, “ એ તો પુરુષ છે, સ્ત્રીઓ એ સમજવું જોઈએ ને.” દીકરીઓને વધુ ભણાવવાથી એ બગડી જતી હોય છે.....
હમણાં હોસ્પીટલમાં એક બહેનને ચોથી દીકરી આવી, દીકરાની રાહમાં..... પ્રસૂતિની પીડા કરતાં પણ વધુ પીડા તેને દીકરીના જન્મની હતી! અને એના કરતાં પણ વધુ પીડા એ હતી કે દીકરો ના આપી શકનાર એ સ્ત્રીને હવે ઘરમાં બધાનું સાંભળવું પડશે અને તેનો પતિ બીજા લગ્ન પણ કરી શકે! કે પછી હજી તેના પર પાંચમી વાર પ્રેગ્નેન્ટ થવાનું દબાણ પણ આવી શકે! હા હા આ હમણાંની જ વાત છે!
આપણી એક સુંદર સમાજ-વ્યવસ્થા હતી, જેમાં પુરુષ કુટુંબને આર્થિક રીતે પગભર કરતો અને સ્ત્રી કુટુંબને સામાજિક રીતે પગભર કરતી. બંને પોતપોતાને સોંપવામાં આવેલું કામ સરસ રીતે કરતાં અને ઘર સુશોભિત થઈ જતું. સ્ત્રી-પુરુષ એકબીજાના વિરોધી નહી, પણ પૂરક છે, એવું ક્યારેક સમાજે સ્વીકારેલું. સ્ત્રીઓને પણ ઘરની બહાર પોતાના અસ્તિત્વના વિકાસ માટેની છૂટ મળેલી હતી. આપણે જ્યારે ગાર્ગી કે લોપામુદ્રાની વાતો કરીએ છીએ તો આપણને સમજાઈ જતું હોય છે કે સ્ત્રીઓને વિકસવાની તકો મળી રહેતી.
તો પછી એવું શું થયું કે સ્ત્રીઓનું સ્થાન ડગમગી ગયું અને તેઓને જન્મવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો! આપણે આર્થિક જવાબદારીઓને જ મહત્વ આપતા ગયા અને પરિણામે કુટુંબનું સર્વસ્વ ‘પુરુષ’ બની ગયો અને સ્ત્રીઑ હાંસિયામાં ધકેલાતી ગઈ. સ્ત્રીઓના ઘરકામને એટલી નીચલી કક્ષાએ લઈ જવાયું કે સવારે ઊઠીને રાત્રે સૂતા સુધીમાં તેની મિનીટે મિનિટ ઘરકામમાં ગરકાવ થઈ ગઈ પણે તેના અસ્તિત્વની સામાજિક જીવનમાથી બાદબાકી થઈ ગઈ!
પછી શરૂ થયું સ્ત્રીઓ પર કુરિવાજો લાદવાનું... સતી થવાનું, પોતાનાથી ગમે તેટલી મોટી ઉંમરના પુરુષ સાથે લગ્ન કરી લેવાના, વિધવાએ ફરીથી લગ્ન નહી કરવાના, દહેજના નામે સ્ત્રીઑ પર અત્યાચાર કરવાના, સ્ત્રીઓ તાબે ના થાય તો બળાત્કાર કરવાનો, વગેરે વગેરે એટલા કુરિવાજો કે દીકરીના જન્મને જ સમાજ અશુભ માનવા લાગ્યો. જે આજ સુધી અમુક સમાજોમાં ચાલુ છે. દીકરીઓને દૂધપીતી કરવાનો કુરિવાજ હજી આજ સુધી ભ્રૂણ-હત્યાના નામે ચાલુ જ છે.
ચારિત્ર્યના નામે સ્ત્રીઓ સાથે જેટલી રમત થઈ છે, એટલી બીજી કોઈ બાબતે નથી થઈ. જાણે સમાજની આબરૂ જાળવવાની જવાબદારી માત્ર ને માત્ર સ્ત્રીઓ પર જ હોય એવું ચિત્ર આપણા સમાજે ખડું કરી દીધું. સીતાએ આપેલી અગ્નિ-પરીક્ષાની જાળ આજે પણ કેટલીયે સ્ત્રીઓને દઝાડતી રહે છે. કુંવારી માતાની બીકે સ્ત્રીઓને હમેંશા ભય હેઠળ જ રાખી છે. છુટ્ટા-છેડાં માટે પણ સ્ત્રીઓને જ જવાબદાર ગણવામાં આવે છે.
સ્ત્રીઓએ કેવા કપડાં પહેરવા જોઈએ? એ સવાલનો જવાબ સ્ત્રીઓ સિવાય બધા પાસે છે. સાધુ સંતોથી માંડીને સામાન્ય માણસ બધા જ સ્ત્રીઓએ કેવા કપડાં પહેરવા જોઈએ? એ વિષે સલાહ સૂચનો આપતા રહે છે. અને ઘણા મહા-પુરુષોએ તો સ્ત્રી તરફ જતાં રસ્તાને જ બ્લોક કરી દીધો છે. વળી ઘણા ધર્મો અને સંપ્રદાયો સ્ત્રીઓને જોવાની જ મનાઈ ફરમાવે છે. હકીકત તો એ છે કે જેઓ પોતાની જાત પર કાબૂ નથી રાખી શકતા તેઓ સ્ત્રીઓ વિષે ગમે તેમ સ્ટેટમેન્ટ આપવાનું અને સ્ત્રીઓ વિષે ગમે તેમ બોલવાનું ચાલુ રાખે છે.
સમાજ સ્ત્રીઑ પ્રત્યે કહેવાતો ઉદાર બની ગયો છે. સ્ત્રીઓ પોતાની તરફેણના કાયદાઓનો ગલત ઉપયોગ કરી રહી છે, દીકરીઓ પોતાને મળેલી છૂટનો ગલત ઉપયોગ કરી રહી છે, તેઓએ એકવાર ગામડાઓમાં જઈને સ્ત્રીઓની હાલત જોઈ લેવી જોઈએ. તો તેઓને સમજાશે કે સ્ત્રીઑ આજે પણ ત્યાં જ છે, જ્યાં પેલા હતી! મુઠ્ઠીભર આગળ વધી રહેલી સ્ત્રીઓના સથવારે બધી સ્ત્રીઓને ઉડવા આકાશ મળી ગયું છે, એવું માનવું ભૂલભરેલું ગણાશે.