‘યંગ જનરેશન’ લાગણીઓ પર કાબૂ ગુમાવી રહી છે.....
દીલ્હીમાં આજે 20વર્ષના એક યુવાને બહુ જ બેરહેમીથી પોતાની ગર્લ-ફ્રેંડને છરીના 16 ઘા મારીને મારી નાખી. 16 ઘા માર્યા બાદ તેણીને મોટો પથ્થર મારીને પોતાની ક્રૂરતા દર્શાવી. જે યુવતીને પ્રેમ કર્યો તેની એવી તો શું ભૂલ થઈ ગઈ? કે આટલી ક્રૂરતાથી તેણીને મારી નાખી? તે યુવતી કોઈ બર્થડે પાર્ટીમાં જઇ રહી હતી, અને એ યુવાન નહોતો ઈચ્છતો કે યુવતી જાય.... આવા નજીવા કારણોસર એ યુવકે પોતાની પ્રેમિકાને મારી નાખી!
જે કોઈએ તે સીસીટીવી-ફૂટેજ જોયું હશે, તેને કંપારી છૂટી જાય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આસપાસ ઘણા બધા લોકો પસાર થઈ રહયા છે, પણ કોઈ એ છોકરીને બચાવી નથી રહ્યું! ભારત આશ્ચર્યોનો દેશ છે, એટલે આવા આશ્ચર્યો વારંવાર સમાચારોમાં સાંભળવા મળે છે. આજે છાપુ કે બીજા કોઈ સોસિયલ મીડિયામાં આપણે જોઈશું તો સમજાશે કે દર બીજા દિવસે આવા સમાચારો આપણને મળતા રહે છે.
આજની જનરેશન પોતાની જાત પરનો કાબૂ ગુમાવી રહી છે. આકર્ષણને લીધે પ્રેમની શરૂઆત તો થઈ જાય છે, પણ એ આકર્ષણ પછી આવી ક્રૂરતામાં ફેરવાઇ જાય છે. સંબંધો બહુ ઝડપથી તેઓને ભાર-રૂપ લાગવા માંડે છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને લીધે આવેલી ઝડપની અસર આજકાલ સંબંધો બાંધવા અને તૂટવા બંને પર થઈ રહી છે.
જે વ્યક્તિ વિના થોડા સમય પહેલા તેઓ રહી નહોતા શકતા એ વ્યક્તિ સાથે રહેવું તેઓને એટલું બધુ અસહ્ય લાગી રહ્યું છે કે છાશવારે આવી ઘટનાઓ થતી રહે છે. આજની જનરેશન એકબીજાને ઝડપથી સમજી લેવાના ચક્કરમાં સાવ સમજવાનું જ ભૂલી જતી હોય છે. મનથી તન સુધી પહોંચવાને બદલે તેઓ તનને જ મહત્વ આપી રહ્યા છે.
એકબીજાને સમજવા માટે જે લાગણીઓ જોઈએ, તેને તેઓ સમજી નથી રહ્યા. એકબીજાને સમજવાને બદલે એકબીજા પર પ્રભુત્વ જમાવવાની જ તેઓ કોશીશો કરી રહ્યા છે. અને એટલે જ આવા કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. મૂવીઝ, વેબ-સીરિઝ કે સીરિયલ્સે તેઓ સમક્ષ પ્રેમનું જે સાવ ખોટું ચિત્ર રજૂ કર્યું છે, તેને જ તેઓ સાચું સમજી રહ્યા છે.
તેઓ માટે પ્રેમનો અર્થ એટલે માત્ર ભેટો આપવી, માત્ર સરપ્રાઈઝ આપવી. તેઓ માટે પ્રેમ માત્ર રેપિંગ કે પેકિંગ બનીને રહી ગયું છે. ઉપરાંત આજકાલ માતા-પિતા પાસે એટલો સમય નથી કે પોતાના સંતાનોને બાજુમાં બેસી તેઓમાં આવતા હોર્મોન્સના ફેરફારોને સમજાવી શકે. તેને લીધે પણ યુવાઓ ભટકી રહ્યા છે.
યુવાઓ વારંવાર પોતાની લાગણીઓ પરનો કાબૂ ગુમાવી રહ્યા છે, તે માટેના કારણો જોઈએ તો, તેઓ પોતાની લાગણીઓને ખોટી રીતે જજ કરી રહ્યા છે, તેઓ પોતાના શરીરનું ધ્યાન નથી રાખી રહ્યા, બીજા પર વધુ પડતો આધાર રાખી રહ્યા છે, સહન કરવાની શક્તિ ઘટી રહી છે, અને સૌથી અગત્યનું કારણ છે, તેઓ લાગણીઓને નકારાત્મક રસ્તે લઈ જઇ રહ્યા છે.
આ નકારાત્મકતા અને ક્રોધ હોય છે, ક્ષણિક પણ તેને લીધે ઘણીવાર આખી જિંદગી તેઓને જેલમાં વિતાવવી પડતી હોય છે. તેઓ પર અપરાધીનું લેબલ લાગી જતું હોય છે. અને તેને લીધે તેઓના કુટુંબોને પણ ઘણું બધુ સહન કરવું પડતું હોય છે. આવા યુવાનો માનસિક રોગોના પણ શિકાર થઈ જતાં હોય છે. હતાશા અને નિરાશામાં તેઓ એવા ગરકાવ થઈ જતાં હોય છે કે ક્યારેક આપઘાત પણ કરી લેતા હોય છે.
આવી ઘટનાઓ વિષે માત્ર ચર્ચાઓ કરવાથી કશું થવાનું નથી. જો આપણે આવી ઘટનાઓ રોકવા માંગતા હોઈશું તો ‘યંગ જનરેશન’ નેસમજવાની અને સમજાવવાની જવાબદારી આપણે લેવી પડશે. તેઓને માત્ર શારીરિક રીતે જ નહી, પણ માનસિક રીતે પણ ફીટ રાખવા પડશે. તેઓને શીખવવું પડશે કે લાગણીઓ અને મન પર કાબૂ કેવી રીતે રાખવો?
સામેવાળું પાત્ર આપણી કોઈ વાતને માન્ય ના રાખે તો, એ ગલત નથી થઈ જતું. આવી પરિસ્થિતિમાં મનને સમજાવવાનું હોય છે કે સામેવાળી વ્યક્તિ પણ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, અને તેઓને પણ પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો અધિકાર છે.