શિક્ષણ નામે.................. ધક્કાગાડી!!!
ગણિતના વર્ગમાં બાળકોને દાખલો શિખવ્યા બાદ જ્યારે શિક્ષક બીજો દાખલો ગણવા આપે, તો મોટા ભાગના વિદ્યાર્થીઓ એ દાખલો જાતે સોલ્વ કરવાને બદલે આજુ બાજુ બેઠેલા મિત્રો કે કલાસમેટના ચોપડામાં નજર કરી લેતા હોય છે. જો તેને આવડી ગયો હોય તો તેમાથી જોઈને ગણી લઈએ. એટલે શિક્ષક પુંછે કે કોને કોને દાખલો ગણી લીધો, તો તરત જ હાથ ઊંચો કરી શકાય. અને કા તો વિદ્યાર્થી ગણિત વિષયની નવનીત કે બીજું કોઈ તૈયાર મટિરિયલ્સ લઈને તેમાથી જોઈ જોઈને લખી લેતા હોય છે.
શું નથી કરતાં વિદ્યાર્થીઓ? તેઓ મથતા નથી, દાખલો જાતે ગણવાના પ્રયાસો નથી કરતાં. શા માટે દાખલો ના આવડ્યો તેના પર વિચાર નથી કરતાં. અને સૌથી અગત્યનું શિક્ષકને કહેતા નથી કે મને આ દાખલો નથી આવડતો, શીખવો.... અને પછી માની લેતા હોય છે કે ગણિત મને કદી નહી આવડે. દાખલો ગણવાની પણ કોશિશ નથી કરતાં અને પરિણામે તેઓને સમજાતું જ નથી કે દાખલો ક્યાં સ્ટેપથી ના આવડ્યો?
જેવુ ગણિતમાં થાય છે, એવું જ બીજા વિષયોમાં થતું હોય છે. વિદ્યાર્થીઓ શીખવા માટે મથે જ નહી, તો દુનિયાનો સારામાં સારો શિક્ષક પણ તેને કઇ જ શીખવી નહી શકે. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રશ્નો પૂંછતા જ નથી એને કારણે તેઓને કોઈ જવાબ મળતા જ નથી. ભણવા માટે સૌથી અગત્યની ધગશ છે, એ બાબત આપણે સાવ ભૂલી જ ગયા છીએ. જેને ધગશ છે, તે એકલવ્યની જેમ જાતે વિદ્યા મેળવી જ લેતા હોય છે.
ને પછી એ ના શિખેલો વિદ્યાર્થી નાપાસ તો થતો નથી, એટલે દસમા ધોરણ સુધી તે સડસડાટ પહોંચી જતો હોય છે. દસમું ધોરણ એટલે બોર્ડનું વર્ષ! હવે પેપરમાં પાસ થવાય એટલું નહી આવડે તો? એ બીકે વિદ્યાર્થીઑ અને વાલીઓ સારા સારા ટ્યુશન ક્લાસીસ તરફ દોટ મૂકે છે. જો કે ટ્યુશનમા જવું એ તો આજકાલ ફેશન બની ચૂકી છે. લોઅર કે.જી. હાયર કે.જી. માં ભણતા વિદ્યાર્થીઓ પણ ટ્યુશનમા જતાં હોય છે. જે શાળાઓમાં તે ભણે છે, તે જ શાળાઓના શિક્ષકો પાસે તેઓ ટ્યૂશનમાં જતાં હોય છે.
મોસાળે માં પીરસનાર એમ ટ્યુશનમા ભણાવે એ જ શિક્ષકો પેપર કાઢે એટલે વિદ્યાર્થીઓને આઈ.એમ.પી. પણ મળી રહે અને ઢગલો માર્ક્સ મળી જાય. અને માતા-પિતાને એમ થાય કે મારુ સંતાન તો આટલા બધા માર્ક્સ લઈને આવ્યું! એ જ બાળકનું માતૃભાષાનું લખાણ વાંચીએ કે તેઓને કોઈ કોમન વિષય પર બોલવાનું કે લખવાનું કહીએ તો ખબર પડે કે જિંદગીના સૌથી વધુ વર્ષો જે શિક્ષણ પાછળ આપણે આપણા સંતાનોના ખર્ચતા હોઈએ છીએ, અને સાથે પૈસા પણ, એ શિક્ષણે સંતાનને શું શીખવ્યું?
બધા ભણે છે, પણ શું ભણવું છે? અને મારી પાત્રતા શેમાં છે? એ મોટા ભાગનાને ખબર જ નથી. ભણીશું એટલે આગળ વધીશું, પણ શું અને કેવું ભણીશું? તો આગળ વધીશું એ વિષે કોઈ સજાગ નથી. એક ગાડરિયો પ્રવાહ વહી રહ્યો છે, જેમાં સૌ તણાઇ રહ્યા છે. જેમ શિક્ષણ મોંઘું એમ ગુણવત્તા સારી, એવા ગલત વિચાર સાથે બધા જ એ પ્રવાહમાં ભળી ગયા છે. પણ સંતાનો ખરેખર શીખી રહ્યા છે કે કેમ? એની સંતાનો આપઘાત ના કરે, ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી.
આજનું આપણું મેકોલે આપેલું શિક્ષણ વિદ્યાર્થીઓને સર્જનાત્મક રસ્તે નથી લઈ જઇ રહ્યું. વિદ્યાર્થીઓને મથતા નથી શીખવી રહ્યું. અઘરા લાગતાં સવાલોના જવાબો શોધતા નથી શીખવી રહ્યું. જીવનમાં આગળ જઈને કામમાં આવે એવી કશી સ્કીલ નથી વિકસિત કરી રહ્યું. જીવનમૂલ્યો નથી શીખવી રહ્યું. હકીકત તો એ છે કે આપણું શિક્ષણ ધનીકો માટે ફેશન બની ગયું છે, પણ ગરીબોની જરૂરિયાત નથી બની શક્યું!
અને આના માટે માત્ર શિક્ષકો જ નહી, વાલીઓ પોતે પણ એટલા જ જવાબદાર છે. જેઓ પોતાના સંતાનોની પાત્રતા જાણ્યા સમજ્યા વિના, સંતાનોને શું આવડે છે? શું નથી આવડતું એની માહિતી મેળવ્યા વિના શિક્ષણ પાછળ દોડી રહ્યા છે.
વર્ગખંડની અંદર ગયા બાદ મારુ સંતાન શું કરી રહ્યું છે? અને તેને શું કરવું જોઈએ? તેની માહિતી વાલીઓ પાસે હોવી જોઈએ. વિદ્યાર્થીઓએ પણ મથતા શિખવું પડશે. નહી તો શિક્ષણ નામની ધક્કાગાડીમાં ધક્કામુક્કી કરીને આપણે જેમ તેમ કરીને પાસ તો થઈ જઈશું, પણ જિંદગીમાં આવતી મુશ્કેલીઓ સામે લડતા નહી શીખી શકીએ.
શિક્ષણમાં ‘માસ-પ્રમોશન’ નામનો શબ્દ છે, જિંદગી પાસે નથી. બસ એટલું યાદ રહે.... માટે જીવવું હશે, તો મથતા કે નિષ્ફળ( નાપાસ) થતાં શીખવું પડશે. પાત્રતા વિના શિક્ષણ કે જિંદગી કોઈને કશું આપતા નથી.