Thursday 22 July 2021

'ગુરુ 'ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ...................

 

ગુરુ, ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ...................

Guru Purnima Images With Quotes in Hindi - SmileWorld

 

                      એક વ્યક્તિના જીવનમાં ગુરુ નું સ્થાન શું હોય શકે એ તો એ જ સમજી શકે જે વ્યક્તિને જીવનમાં ગુરુ મળ્યા હોય! ગુરુ મેળવવા શિષ્ય બનવું પડે છે. જેની પાસેથી જે શીખવા મળે, શીખવા તૈયાર રહેવું પડે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરા શ્રેષ્ઠ પરંપરાઓમાની એક છે.  "જેમ ઈશ્વર બધે સંભાળ ના રાખી શકે માટે એને માં નું સર્જન કર્યું તેમજ ઈશ્વર બધાને સાચો રસ્તો ના દેખાડી શકે તેટલા માટે એણે ગુરુનું સર્જન કર્યું."

             ગુરુ એ શિષ્ય માટે સર્વાંગી વિકાસનો એ પથદર્શક છે જે શિષ્યને દુર્ગુણોરૂપી અંધકારમાંથી સદગુણોરૂપી પ્રકાશ તરફ લઇ જાય છે.ગુરુ ચાણક્ય બની રાષ્ટ્રનીર્માણ માટે ચંદ્રગુપ્ત જેવો શિષ્ય ઉભો કરી શકે તો કૃષ્ણ બની થાકેલા, હારેલા,નિરાશ થયેલા અર્જુનને પાનો ચડાવી અધર્મ, અન્યાય સામે લડવા તૈયાર પણ કરી શકે તો ક્યાંક ગુરુ એનીસુલીવાન બની બહેરી, મૂંગી અને આંધળી હેલનકેલરનાં જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી તેના જીવનને અન્ય દિવ્યાંગ માટે કે સંપૂર્ણ સ્વસ્થ માનવ માટે ઉદાહરણરૂપ પણ બનાવી શકે,તો વળી આચરેકર જેવા ગુરુ સચિન તેંદુલકર ને ક્રિકેટ ની દુનિયાનો ભગવાન બનાવી શકે ને રામકૃષ્ણ જેવા ગુરુ નરેન્દ્ર જેવા યુવાનને સ્વામી વિવેકાનંદમાં પરિવર્તિત કરી ભારત દેશને થનગનતા યુવાધનથી સભર પણ કરી શકે, ને કોઈ ગોપાલકૃષ્ણ ગોખલે જેવા ગુરુ મોહનદાસ ગાંધીને રાજકારણમાં લાવી રાષ્ટ્રપિતા પણ બનાવી શકે. આ તો જુજ ઉદાહરણો છે, બાકી ગુરુ શું કરી શકે એની યાદી બનાવીએ તો વિશ્વભરનાં પુસ્તકાલયો તેના જ ગ્રંથોથી ભરાય જાય તેવું બને!

                                  ગુરુના સ્વરૂપ બાબતે મૂંઝવણ ના ઉભી કરતા મિત્રો ગુરુ તો ગમે તે સ્વરૂપે આપની સમક્ષ, આપણા જીવનમાં આવી આપણા પથને ઉજાગર કરી શકે છે. ગુરુ માંસ્વરૂપે પણ હોય, થોમસ આલ્વા એડીસનની ગુરુ તેની માતા હતી જ્યારે શાળાના તમામ શિક્ષકોએ ભણાવવાની નાં પાડી તેઓની માં એ ઘરે ભણાવી તેઓને વૈજ્ઞાનિક બનાવ્યા તો વિષ્ણુગુપ્તને ચાણક્ય બનાવનાર ગુરુ તેઓના જ પિતા ચાણકજ હતા. પિતા એ જ તેઓને જિંદગીની મુશ્કેલીઓ સામે લડતા ને અન્યાયી રાજાનો વિરોધ કરતા શિખવેલ.તો વળી દત્તાત્રેય ભગવાને કુતરા જેવા પ્રાણીને ગુરુપદ આપેલું, તો એકલવ્ય જેવા શિષ્યે ગુરુની મૂર્તિને ગુરુ બનાવી બાણવિધામાં પારંગતતા હાંસિલ કરેલી. તો એ પણ ના ભૂલીએ કે ઘણાના જીવનમાં રામાયણ, મહાભારત,ભગવદ્-ગીતા જેવા ધાર્મિક ગ્રંથોએ પણ ગુરુની જેમ સાચી દિશા દેખાડવાનું કામ કર્યું છે.કલાના ક્ષેત્રમાં મહાન વ્યક્તિઓના જીવનચરિત્રો પણ વ્યક્તિઓના ગુરુપદે આવી શકે કે પછી કુદરતના તત્વો જેમ કે દરિયો વિશાળતાનો, નદી વહેવાનો, ફૂલ કાંટા વચ્ચે રહીને પણ ખીલવાનું કે પછી પક્ષીઓ કલરવ કરી સુમધુર જીવન બનાવવાનું શીખવે જ છે ને? ને વૃક્ષો તો આપણામહાગુરુછે જેઓ આપણને પરોપકારના પાઠો શીખવતા રહે છે. એટલે જ તો ગુણવંત શાહ વૃક્ષને સંતોજેવા કહે છે. તેથી જ તો કહ્યું છે ને કે જેની પાસેથી જે કંઈપણ શીખવા મળે તેઓ સૌ આપણા ગુરુ જ છે ને? અરે ટી.વી., મોબાઈલ કે ઈન્ટરનેટ જેવા માધ્યમો પણ જો સારું ને સાચું શીખવે તો તેઓ પણ આપણા ગુરુ જ છે ને?

                       સમય જતા ગુરુનું સ્થાન બદલાયું છે કે નીચું ગયું છે, કે આપણી ગુરુ-શિષ્યપરંપરા લુપ્ત થતી જાય છે વગેરે, વગેરે, વાતો આપણે સાંભળતા રહીયે છીએ પણ આ વાતો સાવ ખોટી છે . હકીકત તો એ છે કે મિત્રો જ્યાં સુધી આ વિશ્વમાં સત્ય, ધર્મ અને સારાઈનું અસ્તિત્વ રહેશે ગુરુ નાં સ્થાનને કદી આંચ આવવાની નથી. માત્ર માધ્યમો બદલાવાથી કે અભિવ્યક્તિની રીતો બદલવાથી ગુરુ-શિષ્યની પરંપરાને કદી ઠેસ લાગવાની નથી.

આજે આપણે જે સ્થાન પર છીએ કોઈ ગુરુની ગુરુતાને લીધે જ છીએ. ગુરુ-શિષ્ય એ કોઈ પરંપરા કરતા પણ વિશેષ એક સંબંધ છે ને એ કદી તૂટવાનો નથી. આ સંબંધો તો આજની તારીખે પણ એટલાજ વંદનીય ને પૂજનીય છે જેટલા પેલાના સમયમાં હતા. ગુરુનું સ્થાન કદી બદલવાનું નથી ભલે તે આસન છોડી ખુરશી પર બેસી ભણાવે કે પછી આશ્રમ છોડી સ્કૂલના બિલ્ડીંગમાં ભણાવે તેની મહત્તા તો જળવાય જ રેવાની. ગુરુ કાલેય પથદર્શક હતા ને આજે પણ છે જ. આપણા ગુરુ-શિષ્ય સંબંધો એટલા નાજુક નથી કે બે-ચાર માધ્યમોના પ્રભાવથી એ તૂટી જાય કે ખંડિત થઇ જાય! વિશ્વ ગમે તેટલું બદલાય, ટેકનોલોજી ગમે તેટલી વિકસે કે પછી માણસ ગમે તેટલો આધુનિક બને પણ ગુરુનું સ્થાન જ્યાં હતું ત્યાં જ રહેવાનું છે. તે કદી વિખંડિત થવાનું નથી. ગુરુની અતુટ પ્રતિમાને કાળનો કોઈ પ્રવાહ ક્યારેય વહાવી શકવાનો નથી. જ્યાં સુધી આ વિશ્વને સાચી રાહ દેખાડનારની જરૂર છે ,ગુરુધ્રુવના તારાની જેમ અવિચળ ચમકી સર્વને સાચો માર્ગ બતાવતા રહેશે. અમથું થોડું શિક્ષણ પરિવર્તનનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે !

 અત્યારે તો જિંદગી ખુદ ‘ગુરુ’ બની ઘણું બધું શીખવી અને સમજાવી રહી છે. અત્યારે જો આ ગુરુજી પાસેથી જીવતા શીખી લઈશું તો જીવન પ્રત્યે કોઈ ફરિયાદો નહિ રહે. સાચો ગુરુ એ જે આપણને પ્રયાસો તરફ લઇ જાય!

    આજના આ પાવન પ્રસંગે બધાને જીવનમાં ગુરુમળી રહે તેવી શુભેચ્છા. તમે તમારામાં રહેલા ગુરુત્વને ઓળખો તેવી શુભેચ્છા સહ સૌને ગુરુપૂર્ણિમાનિમિતે પ્રણામ.

Be Your Own Guru: Thoughts on Timeless Topics - Indian books and Periodicals

Sunday 11 July 2021

આપણું શિક્ષણ હજી તો સાડી,જીન્સ કે ડ્રેસ ? માંથી બહાર નથી આવી શક્યું!!!

 

આપણું શિક્ષણ હજી તો સાડી,જીન્સ કે ડ્રેસ ? માંથી બહાર નથી આવી શક્યું!!!

 clothes aren't going to change the world, the women who wear them will.  #quotes and #thoughts | Fashion quotes, Words, Quotes to live by

   એક નિશાળમાં ટ્રસ્ટીઓ સ્કૂલની મુલાકાતે આવે છે. સ્કૂલમાં બધું બરાબર ચાલે છે કે નહી? તે જાણવા તેઓ આવે છે. એમાં તેઓ એક સ્ત્રી-શિક્ષિકાને પૂછે છે? કેમ તમે સાડી નથી પહેરી?

 સ્ત્રી-શિક્ષિકા સમજાવે છે કે સાડી પહેરીને વિદ્યાર્થીઓને ભણાવવું નથી ફાવતું, વ્હીકલ ચલાવવામાં તકલીફ પડે છે, સમય ઝાઝો લાગે છે વગેરે વગેરે.... એનાં કરતાં ડ્રેસમાં સરળતા રહે છે. નહી તમે કેવું ભણાવો છો? એ અલગ વાત છે, પણ સાડી પહેરવી એ આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે! માટે સાડી પહેરવી ફરજીયાત છે. તમે ડ્રેસ પહેરીને આવો, તો વિદ્યાર્થીઓનું ધ્યાન ભણવામાં નહી રહે! સાડીમાં જ સ્ત્રીઓનું વ્યક્તિત્વ નિખરે છે, વગેરે વગેરે છે ને આશ્ચર્યની વાત!  એક શિક્ષિકા કેવું ભણાવે છે? એના કરતા એ શું પહેરીને આવે છે? એના પર વધુ ધ્યાન આપવામાં આવે છે. 

દ્દુનિયામાં ભારત એક-માત્ર એવો દેશ છે, જ્યાં સ્ત્રીઓના પોશાક વિશે એટલી બધી ચર્ચાઓ થાય છે કે ગલીમાં ભટકતું બાળક પણ પોતાનો અભિપ્રાય આપતું રહે છે. કે સ્ત્રીઓએ શું પહેરવું અને શું નાં પહેરવું? જે લોકો આજે પણ ૧૬મી કે ૧૭મી સદીમાં જીવે છે, તેઓ તો સ્ત્રીઓના પહેરવેશ બાબતે એટલા બધા પૂર્વગ્રહિત છે કે તેઓ સાડી સિવાય એકેય પહેરવેશમાં સ્ત્રીઓને કલ્પી જ શકતા નથી! 

તેઓની દીકરીઓ તેઓનું માનતી પણ નથી હોતી, અને જીન્સ કે શોર્ટ્સ પહેરીને એય મોજથી જીવતી હોય છે, અને તેનો બધો ગુસ્સો તેઓ પોતાની નીચે કામ કરતી સ્ત્રી-કર્મચારીઓ પણ ઉતારે છે! હવે કોને શું પહેરવું? એ પણ આપણે નક્કી કરીશું, તો કેવી સ્વતંત્રતા? સ્ત્રીઓને આ પહેરવું અને આ નાં પહેરવું, આમ તૈયાર થવું, અને આમ નહી, અરે રેપ માટે પણ સ્ત્રીઓના કપડાને જવાબદાર ગણવામાં આવે છે. સ્ત્રીઓએ શું પહેરવું જોઈએ? એ આ દેશનો જાણે કે રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો છે!

   નિશાળોમાં અને કોલેજોમાં સ્ત્રીઓના( શિક્ષિકાઓ)નાં  પહેરવેશ વિષે કાયમ ચર્ચાઓ થતી રહે છે. એક શિક્ષિકાએ શું પહેરવું અને શું નાં પહેરવું? એ બાબતે ચર્ચાઓ થતી જ રહે છે, લેખો લખાતાં જ રહે છે. સલાહો અપાતી જ રહે છે. ગણવેશો નક્કી થતાં જ રહે છે. અને એટલી હદે થતી રહે છે કે સરકારે પરિપત્ર કરવો પડ્યો કે સ્ત્રીઓનાં પોશાક બાબતે કોઈ તેઓને ટોકી શકશે નહિ, તેઓને ડ્રેસ પહેરવો હોય તો તેઓ પહેરી શકે છે. સાડી કોઈ ખરાબ પોશાક નથી, પણ જે સ્ત્રીઓને નાં ગમતી હોય તેઓને પહેરવાની ફરજ શા માટે પાડવી? આપણે આપણી સભ્યતા અને સંસ્કૃતિના નામે સ્ત્રીઓની સ્વ-તંત્રતા પર તરાપ મુકતા જ રહીએ છીએ. હા પોશાક પહેરવામાં એક શિસ્ત હોવી જરૂરી છે, 

પણ એ શિસ્તના નામે સ્ત્રીઓને ફરજીયાત અમુક પ્રકારના જ કપડાં પહેરવા એવી ફરજ શા માટે પાડવામાં આવે છે? કોઈ શિક્ષિકા કેવું ભણાવે છે, તે જોવાને બદલે તે શું પહેરીને આવે છે? તેમાં સૌને રસ હોય છે. એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓનું ધ્યાન તેનાથી વિચલિત થઇ જાય છે, અને તેઓ ભણવામાં એકાગ્ર થઇ શકતા નથી. અરે યાર ક્યારેક કોઈ પશ્ચિમના દેશોમાં જો જો શિક્ષિકાઓ કેવા પહેરવેશ પહેરીને ભણાવવા આવે છે અને છતાં કોઈને કશો વાંધો નથી હોતો. ત્યાંનાં વિદ્યાર્થીઓ વિચલિત નથી થતા! આપણા જ વિદ્યાર્થીઓને એ પ્રશ્ન નડે છે! શિક્ષણની ગુણવતા સુધારવા માટે જેટલા પગલાં નથી લેવામાં આવતા એટલા પગલાં સ્ત્રીઓના પહેરવેશ વિષે લેવામાં આવે છે!  વિદ્યાર્થીઓને ભણાવવા માટે, સમજાવવા માટે શું કરવું જોઈએ એના બદલે આ જ ચર્ચાઓ થતી રહે છે.

  હકીકત તો એ છે કે આપણે ત્યાં કોઈને અમુક પ્રકારના પૂર્વગ્રહોમાંથી બહાર આવવું ગમતું જ નથી. નવા વિચારો સાથે તાલમેલ કરતા આપણે હજી અચકાતા હોઈએ છીએ. કોઈ ગામડામાં કે નાના શહેરોમાં તો લોકો આ બાબતે એટલા રીજીડ હોય છે કે દીકરીઓએ શું પહેરવું કે નાં પહેરવું? એ વિષે આખો નિબંધ તૈયાર હોય છે. બધા જ લાંબુ લીસ્ટ લઈને ફરતાં હોય છે. આપણે કોઇપણ બાબતને નવા દ્રષ્ટિકોણ સાથે સ્વીકારવા તૈયાર જ નથી હોતા. ખાસ કરીને આ બાબતે આપણા દેશમાં મોટા મોટા મહાનુભાવો પણ પૂર્વગ્રહિત જોવા મળે છે. ક્યા શું પહેરવું એ કોમન સેન્સ જરૂરી છે, પણ શું પહેરવું? એ વિષે સતત સ્ત્રીઓને ટોકતા રહેવું એ આપણા સૌની આદત પડી ગઈ છે. વ્હીકલ ચલાવતી વખતે, સાડી કરતા ડ્રેસ વધુ કમ્ફર્ટેબલ રહે છે.

 ડ્રેસ પહેરવાથી  વર્કિંગ-વિમેન્સનો સમય બચે છે, સાડી કરતા પણ ડ્રેસમાં શરીર વધુ ઢંકાય છે, એ બાબત આ બુદ્ધિ-જીવીઓ ભૂલી જતાં હોય છે! તેઓ તો એક એવા સંકુચિત કુવામાંના દેડકા બની રહે છે, જેનો ભોગ આખો સમાજ બનતો રહે છે! તેઓને પોતાની આસપાસના સર્કલમાંથી બહાર નીકળવું નથી, ને બીજાને નીકળવા દેવા નથી! સ્ત્રીઓ બાબતે આપણા સમાજમાં હજી આજની તારીખે જૂની-પુરાણી રૂઢિઓ જોવા મળે છે. કોઈને પોતાની નજરને કંટ્રોલ નથી કરવી, બધાને સ્ત્રીઓને જ રોકતાં અને ટોકતા રહેવું છે.

  એક શિક્ષિકાનું વ્યક્તિત્વ તેના શિક્ષણ-કાર્ય થકી જ શોભતું હોય છે. તે શું કપડાં પહેરે છે? એના કરતા તે કેવું ભણાવે છે? એ વધુ અગત્યનું છે. પણ આપણે હજી એ બાબત સમજવા જેટલા પરિપક્વ થયા નથી કે પછી થવા માંગતા  નથી?

 આપણે એટલી બિનજરૂરી રીતે આ મુદ્દા પર ચર્ચાઓ કરતાં રહીએ છીએ કે કોઈ અલગ રીતે પહેરવેશ પહેરીને આવે એટલે આપણે તેને ચકોર નજરે જોતા જ રહીએ છીએ. લોકોના વ્યક્તિત્વને તેઓના પહેરવેશ થકી નક્કી કરવાની આપણને જાણે કે આદત પડી ગઈ છે. આમાં આપણું શિક્ષણ વિચારોની સ્વ-તંત્રતા આપી શકશે કે કેમ એ આપણે સૌએ વિચારવું રહ્યું. ઝડ બનીને રહીશું, તો ઘણું નવું ગુમાવી દઈશું.

આપણે બદલાવવા માંગીએ છીએ કે નહિ? એ આપણે નક્કી કરવાનું છે. 

 જીન્સ પહેરીને પણ કોઈ શિક્ષિકા શ્રેષ્ઠ ભણાવી શકે એમ છે, બસ આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે! શિક્ષણમાં ચર્ચા કરવા લાયક ઘણા બધા ટોપિક છે, અને સુધારવા લાયક ઘણું બધું છે, બસ આપણી નજર આ પહેરવેશના ચક્કરમાંથી બહાર આવી જવી જોઈએ. 

કોઈ સ્ત્રીના કપડાં પરથી તેના વિષે અભિપ્રાયો આપતા રહેવા એ થોડું વધારે પડતું નથી?


This Is Why We Need To Stop Judging Women By Their Clothes - Dirty and  Thirty

 

 

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...