આપણું શિક્ષણ હજી તો સાડી,જીન્સ કે ડ્રેસ ? માંથી બહાર નથી આવી શક્યું!!!
એક નિશાળમાં ટ્રસ્ટીઓ સ્કૂલની મુલાકાતે આવે છે. સ્કૂલમાં બધું બરાબર ચાલે છે કે નહી? તે જાણવા તેઓ આવે છે. એમાં તેઓ એક સ્ત્રી-શિક્ષિકાને પૂછે છે? કેમ તમે સાડી નથી પહેરી?
સ્ત્રી-શિક્ષિકા સમજાવે છે કે સાડી પહેરીને વિદ્યાર્થીઓને ભણાવવું નથી ફાવતું, વ્હીકલ ચલાવવામાં તકલીફ પડે છે, સમય ઝાઝો લાગે છે વગેરે વગેરે.... એનાં કરતાં ડ્રેસમાં સરળતા રહે છે. નહી તમે કેવું ભણાવો છો? એ અલગ વાત છે, પણ સાડી પહેરવી એ આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે! માટે સાડી પહેરવી ફરજીયાત છે. તમે ડ્રેસ પહેરીને આવો, તો વિદ્યાર્થીઓનું ધ્યાન ભણવામાં નહી રહે! સાડીમાં જ સ્ત્રીઓનું વ્યક્તિત્વ નિખરે છે, વગેરે વગેરે છે ને આશ્ચર્યની વાત! એક શિક્ષિકા કેવું ભણાવે છે? એના કરતા એ શું પહેરીને આવે છે? એના પર વધુ ધ્યાન આપવામાં આવે છે.
દ્દુનિયામાં ભારત એક-માત્ર એવો દેશ છે, જ્યાં સ્ત્રીઓના પોશાક વિશે એટલી બધી ચર્ચાઓ થાય છે કે ગલીમાં ભટકતું બાળક પણ પોતાનો અભિપ્રાય આપતું રહે છે. કે સ્ત્રીઓએ શું પહેરવું અને શું નાં પહેરવું? જે લોકો આજે પણ ૧૬મી કે ૧૭મી સદીમાં જીવે છે, તેઓ તો સ્ત્રીઓના પહેરવેશ બાબતે એટલા બધા પૂર્વગ્રહિત છે કે તેઓ સાડી સિવાય એકેય પહેરવેશમાં સ્ત્રીઓને કલ્પી જ શકતા નથી!
તેઓની દીકરીઓ તેઓનું માનતી પણ નથી હોતી, અને જીન્સ કે શોર્ટ્સ પહેરીને એય મોજથી જીવતી હોય છે, અને તેનો બધો ગુસ્સો તેઓ પોતાની નીચે કામ કરતી સ્ત્રી-કર્મચારીઓ પણ ઉતારે છે! હવે કોને શું પહેરવું? એ પણ આપણે નક્કી કરીશું, તો કેવી સ્વતંત્રતા? સ્ત્રીઓને આ પહેરવું અને આ નાં પહેરવું, આમ તૈયાર થવું, અને આમ નહી, અરે રેપ માટે પણ સ્ત્રીઓના કપડાને જવાબદાર ગણવામાં આવે છે. સ્ત્રીઓએ શું પહેરવું જોઈએ? એ આ દેશનો જાણે કે રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો છે!
નિશાળોમાં અને કોલેજોમાં સ્ત્રીઓના( શિક્ષિકાઓ)નાં પહેરવેશ વિષે કાયમ ચર્ચાઓ થતી રહે છે. એક શિક્ષિકાએ શું પહેરવું અને શું નાં પહેરવું? એ બાબતે ચર્ચાઓ થતી જ રહે છે, લેખો લખાતાં જ રહે છે. સલાહો અપાતી જ રહે છે. ગણવેશો નક્કી થતાં જ રહે છે. અને એટલી હદે થતી રહે છે કે સરકારે પરિપત્ર કરવો પડ્યો કે સ્ત્રીઓનાં પોશાક બાબતે કોઈ તેઓને ટોકી શકશે નહિ, તેઓને ડ્રેસ પહેરવો હોય તો તેઓ પહેરી શકે છે. સાડી કોઈ ખરાબ પોશાક નથી, પણ જે સ્ત્રીઓને નાં ગમતી હોય તેઓને પહેરવાની ફરજ શા માટે પાડવી? આપણે આપણી સભ્યતા અને સંસ્કૃતિના નામે સ્ત્રીઓની સ્વ-તંત્રતા પર તરાપ મુકતા જ રહીએ છીએ. હા પોશાક પહેરવામાં એક શિસ્ત હોવી જરૂરી છે,
પણ એ શિસ્તના નામે સ્ત્રીઓને ફરજીયાત અમુક પ્રકારના જ કપડાં પહેરવા એવી ફરજ શા માટે પાડવામાં આવે છે? કોઈ શિક્ષિકા કેવું ભણાવે છે, તે જોવાને બદલે તે શું પહેરીને આવે છે? તેમાં સૌને રસ હોય છે. એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓનું ધ્યાન તેનાથી વિચલિત થઇ જાય છે, અને તેઓ ભણવામાં એકાગ્ર થઇ શકતા નથી. અરે યાર ક્યારેક કોઈ પશ્ચિમના દેશોમાં જો જો શિક્ષિકાઓ કેવા પહેરવેશ પહેરીને ભણાવવા આવે છે અને છતાં કોઈને કશો વાંધો નથી હોતો. ત્યાંનાં વિદ્યાર્થીઓ વિચલિત નથી થતા! આપણા જ વિદ્યાર્થીઓને એ પ્રશ્ન નડે છે! શિક્ષણની ગુણવતા સુધારવા માટે જેટલા પગલાં નથી લેવામાં આવતા એટલા પગલાં સ્ત્રીઓના પહેરવેશ વિષે લેવામાં આવે છે! વિદ્યાર્થીઓને ભણાવવા માટે, સમજાવવા માટે શું કરવું જોઈએ એના બદલે આ જ ચર્ચાઓ થતી રહે છે.
હકીકત તો એ છે કે આપણે ત્યાં કોઈને અમુક પ્રકારના પૂર્વગ્રહોમાંથી બહાર આવવું ગમતું જ નથી. નવા વિચારો સાથે તાલમેલ કરતા આપણે હજી અચકાતા હોઈએ છીએ. કોઈ ગામડામાં કે નાના શહેરોમાં તો લોકો આ બાબતે એટલા રીજીડ હોય છે કે દીકરીઓએ શું પહેરવું કે નાં પહેરવું? એ વિષે આખો નિબંધ તૈયાર હોય છે. બધા જ લાંબુ લીસ્ટ લઈને ફરતાં હોય છે. આપણે કોઇપણ બાબતને નવા દ્રષ્ટિકોણ સાથે સ્વીકારવા તૈયાર જ નથી હોતા. ખાસ કરીને આ બાબતે આપણા દેશમાં મોટા મોટા મહાનુભાવો પણ પૂર્વગ્રહિત જોવા મળે છે. ક્યા શું પહેરવું એ કોમન સેન્સ જરૂરી છે, પણ શું પહેરવું? એ વિષે સતત સ્ત્રીઓને ટોકતા રહેવું એ આપણા સૌની આદત પડી ગઈ છે. વ્હીકલ ચલાવતી વખતે, સાડી કરતા ડ્રેસ વધુ કમ્ફર્ટેબલ રહે છે.
ડ્રેસ પહેરવાથી વર્કિંગ-વિમેન્સનો સમય બચે છે, સાડી કરતા પણ ડ્રેસમાં શરીર વધુ ઢંકાય છે, એ બાબત આ બુદ્ધિ-જીવીઓ ભૂલી જતાં હોય છે! તેઓ તો એક એવા સંકુચિત કુવામાંના દેડકા બની રહે છે, જેનો ભોગ આખો સમાજ બનતો રહે છે! તેઓને પોતાની આસપાસના સર્કલમાંથી બહાર નીકળવું નથી, ને બીજાને નીકળવા દેવા નથી! સ્ત્રીઓ બાબતે આપણા સમાજમાં હજી આજની તારીખે જૂની-પુરાણી રૂઢિઓ જોવા મળે છે. કોઈને પોતાની નજરને કંટ્રોલ નથી કરવી, બધાને સ્ત્રીઓને જ રોકતાં અને ટોકતા રહેવું છે.
એક શિક્ષિકાનું વ્યક્તિત્વ તેના શિક્ષણ-કાર્ય થકી જ શોભતું હોય છે. તે શું કપડાં પહેરે છે? એના કરતા તે કેવું ભણાવે છે? એ વધુ અગત્યનું છે. પણ આપણે હજી એ બાબત સમજવા જેટલા પરિપક્વ થયા નથી કે પછી થવા માંગતા નથી?
આપણે એટલી બિનજરૂરી રીતે આ મુદ્દા પર ચર્ચાઓ કરતાં રહીએ છીએ કે કોઈ અલગ રીતે પહેરવેશ પહેરીને આવે એટલે આપણે તેને ચકોર નજરે જોતા જ રહીએ છીએ. લોકોના વ્યક્તિત્વને તેઓના પહેરવેશ થકી નક્કી કરવાની આપણને જાણે કે આદત પડી ગઈ છે. આમાં આપણું શિક્ષણ વિચારોની સ્વ-તંત્રતા આપી શકશે કે કેમ એ આપણે સૌએ વિચારવું રહ્યું. ઝડ બનીને રહીશું, તો ઘણું નવું ગુમાવી દઈશું.
આપણે બદલાવવા માંગીએ છીએ કે નહિ? એ આપણે નક્કી કરવાનું છે.
જીન્સ પહેરીને પણ કોઈ શિક્ષિકા શ્રેષ્ઠ ભણાવી શકે એમ છે, બસ આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે! શિક્ષણમાં ચર્ચા કરવા લાયક ઘણા બધા ટોપિક છે, અને સુધારવા લાયક ઘણું બધું છે, બસ આપણી નજર આ પહેરવેશના ચક્કરમાંથી બહાર આવી જવી જોઈએ.
કોઈ સ્ત્રીના કપડાં પરથી તેના વિષે અભિપ્રાયો આપતા રહેવા એ થોડું વધારે પડતું નથી?
No comments:
Post a Comment