Sunday 5 June 2022

મજૂરોના મૃત્યુનું મૂલ્ય કેટલું? બસ રાહત પેકેજ જેટલું!!!

 

મજૂરોના મૃત્યુનું  મૂલ્ય કેટલું? બસ રાહત પેકેજ જેટલું!!!

At least 6,500 employees died on duty at factories, mines | Mint 

      હમણાં થોડા દિવસ પહેલા હળવદની મીઠાની ફેક્ટરીમા દીવાલ પડી જતાં 12 જેટલા મજૂરો મૃત્યુ પામ્યા. મૃત્યુ પામેલા મજૂરોના કુટુંબો માટે રાહત પેકેજની પણ જાહેરાત થઈ ગઈ. 15-20 દિવસ થઈ ગયા છે અને બોર્ડના પરિણામની ઋતુમાં આપણે સૌ એ દુર્ઘટનાને ભૂલી પણ ગયા છીએ. આમ પણ આપણી યાદશક્તિ કમજોર છે, એટલે ઘણી આવી સંવેદનશીલ ઘટનાઓ આપણે ભૂલી જતાં હોઈએ છીએ. મૃત્યુ પામેલી વ્યક્તિની ખોટ કોઈ રાહત-પેકેજ પૂરી શકે ખરી?

     કોની બેદરકારીને લીધે આવું થયું? એની ચર્ચાઓ પણ થોડા દિવસ સુધી ચાલી, પણ હવે આપણે એ ઘટનાને સાવ જ ભૂલી ગયા છીએ. એ ઘટના કાયમ માટે યાદ રહેશે એ ઘરોને, એ કુટુંબોને જેમણે કોઇની બેદરકારીને લીધે એક જીવંત વ્યક્તિને ગુમાવી દીધી છે. એ વ્યક્તિ જે રોજ સાંજે ઘરે પાછી આવતી હતી, એ હવે કદી નહી આવી શકે. તેઓ પર નભતા કુટુંબો કોઇની બેદરકારીને લીધે કાયમ માટે અનાથ થઈ ગયા.

   મજૂરો એ વિકાસશીલ ભારતની આધારશિલાઓ છે. કોઈપણ ક્ષેત્રે કામ કરતી એવી વ્યક્તિઓ છે, જેના વગર એ ક્ષેત્ર મજબૂત થઈ જ ના શકે. રોજી-રોટી માટે પોતાના કુટુંબોને છોડીને આવતા મજૂરો કેટલા છે? તેનો આંકડો આપણને કોરોના કાળની હિજરતે આપી દીધો છે. કોઈપણ ક્ષેત્રમાં સૌથી વધુ કામ આ લોકો કરે છે અને સૌથી ઓછું વેતન તેઓ મેળવે છે. આ મજબૂત આધાર પોતે પાયાની સુવિધાઓને અભાવે નબળો પડતો જાય છે. સખત તાપ, ટાઢ અને વરસાદમાં તેઓ શેકાતા રહે છે. અને સાથે સાથે તેઓના કુટુંબો પણ!

   મશીનોમાં રહેલી ખામીઓની જાણ સુપરવાઈઝરોને અને બીજા સતાધારી લોકોને કરવામાં આવે છે, પણ તેઓ આ બાબતને બહુ ધ્યાનમાં નથી લેતા. તેઓ સમયસર મશીનો રીપેર નથી કરાવતા કે બાંધકામોને મજબૂત નથી કરતાં ને પરિણામે દર વર્ષે ઘણા મજૂરો અલગ અલગ દુર્ઘટનાઓમાં પોતાનો જીવા ગુમાવતાં રહે છે. ઘણા વિકલાંગ પણ થઈ જતાં હોય છે. હકીકત તો એ છે કે આપણાં દેશમાં મોટા ભાગના કારખાનાઓ અને ફેકરીઓમાં મજૂરો માટે કામ કરવા માટે સાનુકુળ વાતાવરણ નથી હોતું. અમુક ધંધાઓમાં તો મજૂરો જીવ હાથમાં લઈને જ કામ કરતાં હોય છે. તેઓ મજૂરોની સલામતી માટે કરવું જોઈએ એના પા ભાગનું પણ રોકાણ કરતાં હોતા નથી!

    એલ.જી. પોલીમર્સ વિશાખાપટનમમાં 7 મજૂરો મૃત્યુ પામેલા, એન.ટી.પી.સી. માં 40 મજૂરો 2017માં મૃત્યુ પામેલા, શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં 43 મજૂરો મૃત્યુ પામેલા, આઈ.ઓ.સી. જયપુરમાં 12 મજૂરો મૃત્યુ પામેલા..... યાદી હજી ઘણી લાંબી છે. કામના સ્થળે મજૂરો માટે સલામતીના કાયદાઓનું ખુલ્લેઆમ કતલેઆમ થાય છે. આવા અકસ્માતો થાય ત્યારે થોડા દિવસો બધા રાડારાડ કરે છે, પણ કશું નક્કર થતું નથી. આવા નાના ધડાકાઓ તો આપણાં કાન સુધી સંભળાતા પણ નથી. જો કે આપણે તો ભોપાલ ગેસ દુર્ઘટના જેવા મોટા ધડાકાઓને પણ સાંભળી શક્યા નથી!

  આપણાં દેશમાં દર વર્ષે 48000 મજૂરો જુદી જુદી આવી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામે છે. આવા ઘાતક અકસ્માતો થાય ત્યારે તેઓને મામૂલી વળતર આપી દેવામાં આવે છે. તેઓ વધુ વળતર માટે અવાજ ના ઉઠાવે તે માટે પોલીસ અને મજૂર ઈન્સ્પેકટર્સ દ્વારા તે લોકોના અવાજને દાબી દેવામાં આવે છે. અહી પણ સૌનો હિસ્સો નક્કી છે! કાયદાઓ છે, પણ તેનું પાલન કરવામાં છટકબારી આવી કંપનીઓ અને ફેક્ટરીઓ શોધી જ લેતી હોય છે. વળી મજૂરોના હક માટે લડવા કોઈ આગળ પણ આવતું નથી.

   2020 ના આંકડા મુજબ ભારતમાં 501 મિલિયન મજૂરો કામ કરે છે, આ બાબતે આપણે ચીન બાદ બીજા સ્થાને છીએ. શ્રમિકો વિના કોઈપણ કાર્યક્ષેત્ર ચાલુ રહી શકે એમ છે જ નહી. તેઓના વેતન બાબતે પણ ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. તેઓનું આર્થિક શોષણ પણ સૌથી વધુ થતું રહે છે. આથી તેઓના કુટુંબોને પૂરતું પોષણ અને બીજી સગવડો મળી શકતી નથી. તેઓના બાળકો વ્યવસ્થિત શિક્ષણ પણ મેળવી શકતા નથી. આર્થિક સંકટને લીધે તેઓ પણ બહુ નાની ઉંમરે કામ પર લાગી જતાં હોય છે. અકસ્માતને લીધે તો મજૂર જે તે સમયે મૃત્યુ પામે છે, પણ આર્થિક શોષણને લીધે તે રોજ રોજ મૃત્યુ પામતો રહે છે!

       આપણને મીણબત્તીઓ પ્રગટાવતા આવડે છે, પણ આવા અકસ્માતોમાં મૃત્યુ પામેલા મજૂરો માટે લડતા આવડતું નથી. ઉપર આપેલા કિસ્સાઓમાથી ક્યાં કિસ્સામાં કોઈને સજા થઈ? જેની બેદરકારીને લીધે આવું થયું તેઓને પકડવામાં આવ્યા કે નહી? અમુક સમય બાદ આપણે એ જાણવાની પણ કોશિશ કરતાં હોતા નથી. રોજ સવારે કુટુંબ માટે કાળી મજૂરી કરવા નીકળી પડતાં આ મજૂરોના હકો માટે લડી શકે એવા વ્યક્તિઓની ખાસ જરૂર છે. મજૂરો પ્રત્યેની આપણી સંવેદનાઓ જગાડવાની ખાસ જરૂર છે.

  લાઈક,કમેંટ,શેર.....

   આપણે જેટલી વસ્તુઓ વાપરીએ છીએ, જે ઘરોમાં રહીએ છીએ, તેની સજાવટમાં પસીનો મજૂરોનો જ લાગેલો છે.

Wednesday 18 May 2022

સાસુ,વહુ,ધર્મ અને નિયમાવલી!!!

 

સાસુ,વહુ,ધર્મ અને નિયમાવલી!!!

 Haq Peer Ya Peer YouTube Channel Analytics and Report - Powered by  NoxInfluencer Mobile

      બેટા, આપણે ત્યાં રિવાજ છે કે નાહીને પછી જ રસોડામાં આવવું. પછી જ બધે અડવું. આ ખાવું અને આ નહી, ટોઇલેટ જઈએ એટલી વાર નહાવાનું અને વોશરૂમ જઈએ એટલી વાર હાથ-પગ ધોવાના! (ગમે તેટલી ઠંડી હોય છતાં!) ભવિષ્યમાં તારા બાળકોને પણ આ નિયમ લાગુ પડશે હો.. રોજ આટલો સમય ફરજિયાત પૂજા-બંદગી કરવાની જ!  પિરિયડસમાં હોય એટલે દૂર દૂર રહેવાનુ( પાળવાનું!) આ લગભગ મોટા ભાગના ઘરોની સાસુઓ દ્વારા અપાતી સામૂહિક સૂચનાઓ છે. લગ્ન બાદ સ્ત્રીઓનો ધર્મ પણ બદલાય જાય છે! આને અડવાનું અને આને નહી.... આવો ચાંદલો કરવાનો અને આવો નહી, આ ધર્મગુરુને પગે પડવાનું, સંતાન ના થાય તો તેઓના શરણે જ જવાનું! બહારનું ખાવું નહી, અમૂક પ્રકારની વિધી કરાવેલી હોય તેના હાથનું જ જમવું વગેરે વગેરે, આ બધામાં સંબંધોની ગરિમા જળવાતી નથી.

  તમને થશે હવે ક્યાં ઘરોમાં આવું થાય છે? બધુ બદલાઈ ગયું છે, પણ ના આપણે વિચારોથી બદલાતા જ નથી, તો તો દીકરી-દીકરા વચ્ચેનો ભેદ ભૂંસાઈ ના ગયો હોત! અમુક બાબતોમાં આપણે હજી સોળમી સદીમાં જ જીવી રહ્યા છીએ. આપણે ત્યાં હજી અમારા સમયે તો આમ જ થતું હતું એવું પરાણે મનાવવાવાળા જીવે છે, પણ બીજાને જીવવા દેતા નથી. જે સંબંધો એક-બીજા સાથે સૌથી વધુ રહે છે, તે બંનેની વચ્ચે ધર્મોની નિયમાવલી હિન્દુ-મુસ્લિમની જેમ રમખાણો કરાવતી રહે છે.

      આમ તો સાસુ વહુના સંબંધો વિષે ઘણું બધુ લખાતું રહે છે અને હજી પણ ચાલુ જ છે. ઘર-સંસારના આ બે પાટા સમાંતર ચાલતા રહે છે, પણ ભેગા ક્યારેક જ થાય છે. આમ તો રોજ ભેગા હોય છે, પણ સાથે ક્યારેક જ હોય છે, અથવા તો હોતા જ નથી. દરેક વહુ કોઇની દીકરી હોય છે અને દરેક સાસુ કોઇની માં હોવા છતાં! જો આ સંબંધો ના હોત તો ટી.વી. ની ઘણી બધી સિરિયલો શરૂ જ ના થઈ શકી હોત! વહુઓ ભણેલી જોઈએ છીએ, પણ આધુનિક નથી જોઈતી એવું વલણ હવે ઘરમાં વધૂ ને વધુ પ્રશ્નો ઊભા કરશે. વળી હવે એ વર્કિંગ વુમન છે! ત્યારે આવી બાબતોમાં માથાકૂટ શા માટે કરવી?

       એકને નવા ઘરને સમજવામાં મુશ્કેલી પડે છે અને એકને જૂનું ઘર છોડી દેવાની! (અલબત જૂના ઘરનું સંચાલન!) અને પછી એવી ખેંચતાણ થાય છે કે વાત ના પુંછો! ઘર સ્વર્ગ બનશે કે નર્ક એ એનાથી જ નક્કી થઈ જતું હોય છે. આ સંબંધોને નડનાર ઘણા પરિબળો છે, એમાનું એક છે, ધર્મની નિયમાવલી! સાસુ અને વહુ વચ્ચે વિચારોનો ગેપ ઊભો કરવામાં આ નિયમાવલી સૌથી ટોપ પર છે.  કેમ જીવવું? એ પ્રશ્નનો ઉકેલ ધર્મ આપે છે, પણ આમ રહેવું અને આમ ના રહેવું એવા સલાહ-સુચનો તો માત્ર આ નિયમાવલી જ આપતી રહે છે!

   પોતે જે ધર્મ પાળે છે, એ ધર્મને કોઈ બીજા પર થોપવાની આપણને આદત પડી ગઈ છે. દીકરાને કે વહુને પણ આપણે એ તરફ વાળી દેવા માંગતા હોઈએ છીએ. કેટલી બધી એવી બાબતો છે જેમાં ધર્મના ફરજિયાત પાલનને લીધે સાસુ અને વહુ વચ્ચે ખટરાગ થતો રહે છે અને ખાઈ મોટી ને મોટી થતી રહે છે. ધર્મના ચુસ્ત પાલને આપણને સૌને ઝડ બનાવી દીધા છે. શું નહી કરવાનું? એના પર આપણે વધુ પડતાં ફોકસ થઈ જતાં હોઈએ છીએ.

 અરે અમુક પ્રકારના કપડાં પહેરવાથી કે આભૂષણો પહેરવાથી કે પછી અમુક પ્રકારના રીતિ-રિવાજો પાળી લેવાથી ધર્મનું પાલન નથી થઈ જતું પણ હા તેને લીધે સાસુ અને વહુ વચ્ચેના સંબંધોમા તિરાડો જરૂરથી પડી જતી હોય છે. સૌના ધર્મો સમાંતર ચાલવા જોઈએ. વહુએ જેમ જીવવું હોય એમ એ જીવે, સાસુએ જીવવું હોય તેમ તે જીવે, બંનેએ એકબીજા સાથે જ જીવવાનું છે, તો પછી આ નિયમાવલીને શા માટે વચ્ચે લાવવી?

 કેટલી બધી એવી વહુઓને હું જોતી હોવ છુ, જે ધર્મસ્થાનોમાં કામ કરવા દોડે છે, પણ વડીલોની સેવા કરવાનું આવે તો ભાગે છે, અથવા તો વડીલોને સાથે જ રાખવાનું પસંદ કરતી નથી. જીવતા તીર્થને છોડીને નિર્જીવ તીર્થ પાછળ દોડવું એવું વળી ક્યો ધર્મ શીખવે છે. કે પછી ક્યો સંપ્રદાય આવું શીખવે છે? ઘરે બાળકો રડતાં હોય અને ધર્મસ્થાનોમાં જઇ બેસી રહેવું, ત્યાં કામ કરવા માટે એકબીજા સાથે ઝઘડવું, કલાકોના કલાકો સુધી તેની પૂજા-બંદગી કર્યા કરવી, આપણે ધર્મમાં નથી ઉતરવાનું હોતું, ધર્મને આપણી અંદર ઉતારવાનો હોય છે! ઘરના વડીલોની સેવા કરવી એનાથી મોટો કોઈ ધર્મ છે જ નહી. ઘર સૌથી મોટું ધર્મસ્થાન છે. પેલા એ ઘરને મહત્વ આપીએ.

  ઘણા ઘરોની ખુશીઓ આવી બાબતોને લીધે ખોવાઈ જતી હોય છે. આવા નિયમોનું પાલન ઘરના સુખ અને શાંતી છીનવી લેતી હોય છે. ઘણીવાર તો એવું લાગે કે આવા કહેવાતા ધર્મ કે સંપ્રદાયો ના હોત તો માણસ ખરેખર સુખી હોત! સાસુ વહુ ખુશ તો ઘર ખુશહાલ, માટે આ સંબંધોને જાળવીએ, અને આવી નાની નાની વાતોમાં એકબીજાથી દૂર ના થઈ જઈએ.

 

     લાઈક, કમેંટ, શેર....

     એકબીજાને અનુકૂળ થઈને રહેવું એ સૌથી મહાન ધર્મ છે.

Wednesday 11 May 2022

પપ્પા બન્યા હવે બાળકોના સાચા ‘કેર-ટેકર’ !!!

 

પપ્પા બન્યા હવે બાળકોના સાચા ‘કેર-ટેકર’ !!!

 The Benefits of Fathers as Primary Caretakers (VIDEO) | HuffPost Life

       મારી એક પરિણીત ફ્રેન્ડ ક્લાસ-2 છે, 10:30 થી 6:00 વાગ્યા સુધીની નોકરી છે. કામ બહુ રહે છે. તેને દીકરી આવી. પેલા છ મહિના સુધી તો સરકાર રજા આપે છે, એટલે વાંધો નહી આવે, પણ પછી દીકરીનો ઉછેર કેવી રીતે કરવો? થોડા વર્ષો પહેલા આવો કોઈ પ્રશ્ન ઊભો થયો હોત તો પત્નીને નોકરી છોડી દેવી પડેત. પણ અત્યારે આ પ્રશ્ન ઉકેલાઈ જાય છે. પતિએ પોતાની પ્રાઈવેટ નોકરી છોડવાનો નિર્યણ લઈ લીધો. હવે ઘરે રહી તે દીકરીને ઉછેરશે અને પત્નીની નોકરી ચાલુ રહેશે.

   આપણે કામના વર્ગીકરણ ને એટલી ઝડતાથી વળગી રહેતા હોઈએ છીએ, કે એક યાદી લઈને બેસી જતાં હોઈએ છીએ, પતિએ આટલું કરવાનું અને પત્નીએ આટલું. પણ હવે જ્યારે સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોમાથી બહાર નીકળી નવા કાર્ય-ક્ષેત્રોમાં જઈ રહી છે. તેઓના શબ્દ-કોષમાં તેઓની ઈચ્છાઓ, સપનાઓ, કરિયર આ નવા શબ્દો ઉમેરાઈ રહ્યા છે. તેઓનું આર્થિક અસ્તિત્વ હવે ઉગવા અને ઉછરવા લાગ્યું છે. જો સ્ત્રીઓને જીવવું હોય તો અત્યારનો સમય તેઓ માટે શ્રેસ્ઠ રીતે નવી તકો લાવી રહ્યો છે. સમાજ સ્ત્રીઓ માટે આટલો વિચારશીલ અને પ્રગતિશીલ ક્યારેય નહોતો. અને હજી પણ આપણે એ દિશામાં આગળ વધી જ રહ્યા છીએ.

         હાઉસ-વાઈફ બદલાઈ, એટલે હાઉસ-હસબંડે પણ બદલાવું રહ્યું. અને તેઓ બદલાઈ પણ રહ્યા છે, ખાસ કરીને ઘરકામ અને બાળ-ઉછેરની બાબતમાં!

       પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય, પત્ની માં બને તો પતિએ પણ પિતા બનવું જરૂરી છે. અત્યાર સુધી આપણે એવું માનતા રહ્યા કે બાળઉછેર એ માત્ર માતાની જ જવાબદારી છે. બાળકોને કપડાં પહેરાવવા, તેઓને ખવડાવવું, નવડાવવા, તેઓના ડાયપર બદલવા, તેઓનું પોટી સાફ કરવું, તેઓને ભણાવવા, તેઓને સુવડાવવા વગેરે વગેરે કામો પપ્પાઓ કરી રહ્યા છે. અને મમ્મીઓ જેટલી જ કાળજીથી કરી રહ્યા છે. ઘણા તો એ ક્ષણોને ગર્વથી સોસિયલ મીડિયાઝ પર શેર પણ કરતાં રહે છે.

  અત્યાર સુધી આપણાં ઘરોમાં પપ્પાને આવા કામો કરવા દેવામાં નહોતા આવતા, કારણ તો મને પણ ખબર નથી, પણ એક પરંપરા અંતર્ગત સૌએ એ સ્વીકારી લીધું હતું. પણ હવે જ્યારે આપણું સામાજિક માળખું બદલાઈ રહ્યું છે, ત્યારે આ બદલાવ આપણે સૌએ અપનાવવા જેવો છે. અત્યાર સુધી પપ્પા કુટુંબની નાણાકીય સપોર્ટ સિસ્ટમ ગણાતા, તેઓનું કામ ઘરમાં શિસ્ત જાળવવાનું, ઘરના લોકોની જરૂરિયાતો પૂરી કરવાની, ઘરને છત્ર પૂરું પાડવા પૂરતું રહેતું, પણ આધુનિક પેરેંટિંગ જોઇન્ટ પેરેંટિંગ બની ગયું છે.

   આ વ્યવસ્થામાં સૌથી વધુ ખલેલ સાસુઓ પહોંચાડી રહી છે! ઘણી સાસુઓને તેઓના સુપુત્ર આવા કામ કરે એ ગમતું નથી હોતું. તેઓ હજી વર્કિંગ-વીમેન ને સ્વીકારી નથી શકી. સ્ત્રીઓએ જ ઘરનું અને બાળ-ઉછેરનું કામ કરવું જોઈએ એ પૂર્વગ્રહોમાથી તેઓ બહાર નથી આવી શકી. હકીકત તો એ છે કે સાસુઓ વર્કિંગ-વીમેનને સૌથી વધુ મદદરૂપ થઈ શકે એમ હોય છે. પણ હવે એ કામ પતિઓ કરી રહ્યા છે, તો એને નોકર બીબીકા ન કહીએ, પણ તેઓમાં આવેલા આ બદલાવને પ્રોત્સાહન આપીએ.

     બાળકોને આયાઓના ભરોસે મૂકવા એના કરતાં આ વિકલ્પ સારો છે. આવા નિર્યણથી પતિ-પત્ની વચ્ચે સમજણ પણ વધતી જાય છે. બાળકોનો ઉછેર માત્ર મમ્મીની જ જવાબદારી છે, એવું માનવાવાળા પુરુષોની સંખ્યા હવે ઘટી રહી છે. વર્કિંગ વીમેનને મદદ કરવી જોઈએ એ સારો વિચાર હવે ઘણા ઘરોમાં એન્ટર થઈ રહ્યો છે. આ જે કશુંક સારું થઈ રહ્યું છે, એને આપણે સૌએ વધુ ને વધુ સ્વીકારી લેવાની જરૂર છે.

   બાળકોનો ઉછેર હું કરું કે તું કર એ વિવાદ હવે સંવાદમાં બદલાઈ રહ્યો છે. જેઓ આ બદલાવ સાથે બદલાઈ રહ્યા છે, તેઓના બાળકો વધુ સારો ઉછેર મેળવી રહ્યા છે. અને પપ્પાની આ નવી કામગીરી જોઈને દીકરાઓ પણ નાનપણથી આ કામો શીખી રહ્યા છે. બાળ-ઉછેરમાં કોનું મહત્વ વધુ છે? મમ્મી કે પપ્પાનું? આ કોઈ ચર્ચાનો વિષય જ નથી. ઉછેર માટે બંને મહત્વના છે. પણ બે માથી કોઈનો રોલ અગાઉથી નક્કી ના હોવો જોઈએ. જો મમ્મી બાળકોને રસી મૂકાવવા લઈ જઇ શકે તો પપ્પા પણ એ કામ કરી જ શકે.

   પ્રાચીન સમયથી આપણે કામના આ વર્ગીકરણને વળગી રહ્યા હતા. એક વ્યવસ્થા હતી કે પુરુષ ઘરની આર્થિક પરિસ્થિતી સંભાળે અને સ્ત્રીઓ ઘર અને બાળ-ઉછેરના કામ કરે, પણ પછી આપણે પુરુષોના કામને વધુ પડતું મહત્વ આપી દીધું અને સ્ત્રીઓનું કામ સરખામણીમાં નાનું ગણાવા લાગ્યું. પણ હવે આ વિચાર પણ બદલાઈ રહ્યો છે.

   હકીકત તો એ છે કે બાળકોના ઉછેર બાબતે સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ સ્પર્ધા ના હોવી જોઈએ. સંતાન ઉછેરમાં બંનેનો સાથ જરૂરી છે, જો સ્ત્રીઓ પુરૂષોને નાણાકીય મદદ કરી રહી છે, તો પુરૂષોએ પણ તેઓને આ પ્રકારની મદદ કરવી જરૂરી છે. ઘણા કુટુંબો આ નવીન વિચારોને અપનાવી રહ્યા છે, અને હજી જેટલી વધુ ઝડપે આપણે આ પરીવર્તન સ્વીકારીશું આપણે મકાનને ઘર બનાવી શકીશું.

      

 

Thursday 5 May 2022

ઝીરો ફિગર-લઘુતાગ્રંથી!!! વધુ વજનથી આગળ પણ એક દુનિયા છે....

 

ઝીરો ફિગર-લઘુતાગ્રંથી!!! વધુ વજનથી આગળ પણ એક દુનિયા છે....

 Janis Ian - QOTD: "Is fat really the worst thing a human being can be? Is  fat worse than vindictive, jealous, shallow, vain, boring, evil, or cruel?  Not to me." ― J. K.

      હમણાં કોલેજમાં એક જાડી છોકરીની સૌ મજાક કરી રહ્યા હતા. એણે આવીને મને પૂછ્યું કે શું જાડા હોઈએ એટલે અમુક પ્રકારના કપડાં નહી પહેરવાના કે અમુક રીતે જ જીવવાનું! આવો પ્રશ્ન ઘણી જાડી છોકરીઓને/ છોકરાઓને થતો હોય છે. તેઓ જાણે સામે ખોરાક હોવા છતાં ટુકડા ટુકડા માટે તરસતા હોય એવું લાગે છે! આ ખવાય અને આવું જ પહેરાય, તેઓની જિંદગી આવા સૂચનો અને સલાહોનું નોટિસ-બોર્ડ બની રહે છે. આપણે તો તેઓની મજાક કરી આપણો આનંદ કરી લઈએ છીએ, પણ તેઓ માટે આ મજાક કેટલી ગંભીર બની રહે છે, એ આપણે ક્યારેય વિચારતા હોતા નથી.

  કોઈ જાડી વ્યક્તિ ફેશનેબલ કપડામાં પોતાની પોસ્ટ મૂકે, એટલે કમેંટમાં સૌથી પહેલા લોકો તેઓના જાડા શરીર વિષે લખે છે. તું આવો લાગે છે કે આવી લાગે છે! ઘણા તો એવી ખરાબ કમેંટ કરે કે આપણને એવું લાગે કે જાડી વ્યક્તિઓને અમુક પ્રકારની ફેશન કરવાનો જાણે કે અધિકાર જ નથી. તેઓ પોતાના જાડા શરીર વિષે એટલી બધી વાર ટ્રોલ થતાં રહે છે કે જાડા હોવું એ તેઓ માટે સ્ટ્રેસનું કારણ બની રહે છે. તેઓ માટે પોતાનું શરીર જ જાણે કે બોજ જેવુ બની રહે છે.

    જાડા હોવું એ કોઈ અપરાધ હોય એવું આપણાં સમાજમાં થઈ ગયું છે. આપણે ખુદ પણ ઝીરો ફિગર ને કેટલું બધુ મહત્વ આપતા રહીએ છીએ. ઝીરો-ફિગર ધરાવતી સ્ત્રીઓ જાણે કે કોઈ પરી કે અપ્સરા હોય એવું આપણે સ્વીકારી લીધું છે. કન્યા જોઈએ છીએ, એવી જાહેરાતમાં પણ પાતળી એ શબ્દ સતત હાઇલાઇટ થતો રહે છે. ઘણી જગ્યાએ તો જાડી વ્યક્તિઓને જોઈને લોકો તેની હાંસી ઉડાવતા રહે છે. તેઓનું શરીર મજાક માટેનું કેન્દ્ર-સ્થાન બની રહે છે.

  પણ આપણે એ નથી સમજતા કે આવા લોકોની માનસિક પરિસ્થિતી કેવી થઈ જતી હોય છે? તેઓ કેવી લઘુતાગ્રંથીથી પીડાતા રહે છે. ઘણા ઘરોમાં તો બાળકો પર પાતળા થવા એટલું બધુ દબાણ આપવામાં આવે છે કે બાળકોની માનસિક હાલત એકદમ ખરાબ થઈ જતી હોય છે. તેઓ બીજા બાળકો સાથે સંતુલન સાધવામાં નિષ્ફળ જાય છે. ઘણીવાર તો તેઓ હતાશામાં ગરકાવ થઈ જતાં હોય છે. યુવતીઓ પર આ બાબતે સૌથી વધુ દબાણ કરવામાં આવે છે. પાતળી નહી થા તો સારો યુવાન નહી મળે એવું કહી કહીને તેઓ પાસે પાતળા થવાના શકય એટલા બધા પેંતરા કરાવવામાં આવે છે!

  ઘણા લોકો તો આજકાલ પાતળાં થવાનું ઓપરેશન પણ કરાવતા થઈ ગયા છે. જેની ઘણી બધી આડ-અસરો થાય છે. આવા લોકો માટે શું ખાવું અને શું ના ખાવું? અને કેટલી માત્રામાં ખાવું? એની યાદી જાણે ખૂટતી જ નથી. તેઓને પણ આ ડાયેટ પ્લાન કરી કરીને Eating Disorders થઈ જતું હોય છે. જાડા લોકો માનસિક વેદનાઓથી પીડાતાં રહે છે. તેઓ સાથે સંવેદનાથી વર્તવાની જરૂર હોય છે. પણ આપણે એ નથી કરી શકતા. એક સર્વે મુજબ જાડી વ્યક્તિઓમાં હતાશા અને નિરાશા વધી જવાનું કારણ બીજી વ્યક્તિઓ કરતાં 55% જેટલું વધુ હોય છે.

 

      બ્યુટી-કેરની જાહેરાતોમાં હમેંશા પાતળી છોકરીઓને જ લેવામાં આવે છે. શું પાતળી છોકરીઓ જ સુંદરતાની વ્યાખ્યામાં આવે છે? ઘણી છોકરીઓ પર આ ઝીરો-ફિગર ભૂત એવું સવાર થઈ જાય છે કે ડાયેટ કરવું એ જ તેઓના જીવનનું એકમાત્ર લક્ષ્ય બની રહે છે. ગમે તે ભોગે પાતળા થવું, પછી ભલે એ માટે ગમે તેવી હાનિકારક દવાઓનો ઉપયોગ કરવો પડે! આવા લોકોની સતત થતી મજાક તેઓનો આત્મ-વિશ્વાસ તળિયે લાવી દેતો હોય છે.  આપણે સૌ ડાયેટની આ દોડમાં સામેલ થઈ જતાં હોઈએ છીએ. સેલિબ્રેટીઝમાં કોણે કેટલું વજન ઘટાડયું? એ સમાચારો સતત પ્રગટ થતાં રહે છે. અને આપણે તેની ચર્ચાઓ પણ કરતાં રહીએ છીએ.

    શરીર વધુ હોવું એની કોઈપણ અસરો આપણી કારકિર્દી પર પડતી નથી. તેને કોઇની આવડત સાથે કોઈ લેવા-દેવા નથી એ આપણે સમજી લેવાની જરૂર છે. જેઓને આગળ વધવું છે, તેઓને આવી કોઈ બાબતો અસર કરતી નથી. તેઓમાં પણ જિંદગી જીવવાની સ્ફૂર્તિ હોય છે. તેઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે. શરીર જાડું હોવું એટલે આપણી જીંદગીની ગુણવત્તા ઓછી છે, એવું કદી ના માનવું.

     જાડા હોવું એ એક બીમારી છે, જે ઘણીવાર જીનેટીક કારણોને લીધે હોય છે. આવી વ્યક્તિઓને આપણે પ્રોત્સાહન આપવાની જરૂર હોય છે. તેઓ પણ સામાન્ય લોકોની જેમ જીવી શકે એ માટે આપણે તેઓની  મજાક ના કરીએ. આજ-કાલ ટી.વી. પર ભારતી-સિંઘ જુદા જુદા કાર્યક્રમોમાં હોસ્ટ તરીકે આવે છે, એ બતાવે છે કે સફળ થવા માટે આવડત અને મહેનત જરૂરી છે, નહી કે તમે કેટલા જાડા છો કે પાતળા? ભૂતકાળમાં માધુરી દીક્ષિત જેવી હીરોઈનને ડાન્સ શીખવનાર સરોજ ખાને પણ આ વાત સાબિત કરી દીધી છે.

 લાઈક,કમેંટ,શેર....

    Is 'fat' really the worst thing a human being can be? Is 'fat' worse than 'vindictive', 'jealous', 'shallow', 'vain', 'boring' or 'cruel'? Not to me.”


J.K. Rowling

   

Janis Ian - QOTD: "Is fat really the worst thing a human being can be? Is  fat worse than vindictive, jealous, shallow, vain, boring, evil, or cruel?  Not to me." ― J. K.

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...