Thursday 14 July 2022

માતાપિતા બનવું એ ‘લાગણી’ છે, માત્ર કોઈ જૈવિક પ્રક્રિયા નથી.......

 

માતાપિતા બનવું એ ‘લાગણી’ છે, માત્ર કોઈ જૈવિક પ્રક્રિયા નથી.......

Family a mere fairy tale for orphans at TN shelters

   હમણાં એક બહેનને મળવા જવાનું થયું. તેમને મોટી ઉંમરે મા બનવાનું નક્કી કરેલું વારંવાર પ્રયાસો કરવા છતા તેઓ નિષ્ફળ ગયા. છેલ્લે તો તેઓને છ મહિના બાદ મિસ-કેરેજ થયું. તેમની વાતો પરથી તેમનો ખોળો ખાલી રહી ગયાનું દૂ:ખ સ્પષ્ટ દેખાતું હતું. હવે તે ક્યારેય મા નહી બની શકે, એ નક્કી હતું, તો આવા સંજોગોમાં એ ખાલી ખોળાને ભરવા માટે શું તેઓ કોઈ અનાથ બાળકને દત્તક ના લઈ શકે? આવા લાખો ખાલી ખોળામાં રમવા થનગનતા અનાથ બાળકોને શું આવા માતા-પિતા લાગણી અને હુંફ ના આપી શકે?

કોરોનાને લીધે પડેલી ખાલી જગ્યાઓએ માણસોના જીવનમાં એકલતાનો સાચો અર્થ સમજાવી દીધો છે. લોકોને સમજાવા લાગ્યું છે કે કુટુંબ વ્યવસ્થાના દરેક પાયા જરૂરી છે, સાથે મળીને ગમે તેવી મોટી મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે. જીવનમાં માંદા પડીશું તો માત્ર નર્સથી નહી ચાલે, પણ ઘરનું કોઈ જોઈશે જે પ્રેમથી આપણી સારવાર કરે. હોસ્પીટલમાં એકલા રહેવાની બીકે જ ઘણાંને એટેક આવી ગયા હતા, ઘણાના શ્વાસો ખૂંટી ગયા હતા. જે લોકોને ઘરના લોકોની સારવાર મળી હતી, તેઓ પ્રભુના દરવાજેથી પણ પાછા આવી ગયા હતા. નવજીવન ઘરના સદસ્યો જ આપી શકે છે. એ વાત હવે સૌને સમજાઈ ગઈ છે.

હોસ્પિટલના રૂમની બહાર કોઈ એવું હોવું જોઈએ જેને આપણાં સાજા થવાની ચિંતા હોય.  ઈશ્વર પાસે આપણાં સાજા થવાની દુઆ માંગતા લોકો જ આપણી સાચી સમૃદ્ધિ છે. આ લાગણીઓ આપણાં હ્રદયમાં હવે ક્લિક થઇ ગઈ છે. પણ એક લાગણી છે, જે હજી આપણે ફીલ કરીએ છીએ, પણ સ્વીકારી શકતા નથી! હ્રદય એ તરફ લઈ જાય છે, પણ મગજ તેનો વિરોધ કરતું રહે છે. એ વળી શું? તમને એવો સવાલ અત્યારે થઈ રહ્યો હશે. હું જવાબ આપું છુ, પણ એ પહેલા મારે એ માતા-પિતાને સવાલો  પુછવાં છે, જેઓ મોટી ઉંમરે માતા-પિતા બનવા માંગે છે, પણ બની શકતા નથી અને તે માતા-પિતાને જેઓ બે-માથી કોઈ એકમાં રહેલી ખામીને લીધે બાળકને જન્મ આપી શકતા નથી. આઈ.વી.એફ. કરાવ્યા બાદ પણ!

   શું માતા-પિતા માત્ર ને માત્ર બાયોલોજિકલ હોય છે? લાગણીઓ થકી પણ માતા-પિતા બનવાનું સૌભાગ્ય મળી શકે એમ હોય તો આપણે શા માટે અપનાવતા હોતા નથી?

    આપણે સૌ અનાથાશ્રમની મુલાકાત લેતાં હોઈએ છીએ, ઘરમાં કોઈના જન્મદિવસની ઉજવણી અનાથ બાળકો સાથે કરતાં હોઈએ છીએ. કોઈ અનાથાશ્રમની મુલાકાત લીધા બાદ જે વેદના આપણી અંદર ઊગી નીકળે છે, તેને આપણે કોઈ બાળકને દત્તક લઈને શા માટે સંવેદના માં ફેરવી નથી શકતા? કોઈ અનાથ બાળકને પોતાના દીકરા કે દીકરી તરીકે આપણે શા માટે અપનાવતા હોતા નથી. કોરોના જેવી મહામારી અને કુદરતી આફતો અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને લીધે લાખો બાળકો પોતાના માતા-પિતા ગુમાવી દેતાં હોય છે. આવા અનાથ બાળકોને દત્તક લઈ તેઓના ભવિષ્યને ઉજાળવાનો વિચાર આપણને કેમ નથી આવતો?  

    આવા લાખો અનાથ બાળકો માતા-પિતાની છત્ર-છાયા માટે તરસતા રહે છે, તેઓનું ભાવિ અંધકારમાં ગરકાવ થઈ જતું હોય છે. આવા કેટલાયે બાળકો માતાનો ખોળો અને પિતાનું છત્ર મેળવવા માંગતા હોય છે, પણ માતા-પિતા આ એક પ્રગતિશીલ કદમ ઉઠાવતા ડરતા રહે છે, એ બાળક ક્યાં વંશનું હશે, તેમાં કોનું લોહી હશે? તે ભવિષ્યમાં મોટું થઈને કેવું થશે? એવા બિન-જરૂરી પ્રશ્નો તેઓના દિમાગમાથી દૂર થતા નથી અને કોઈને તેઓને સાચા જવાબો તરફ લઈ જવાની પહેલ કરતું હોતું નથી.

   આવું વિચારતી વખતે આપણે જો થોડા હકારાત્મક વિચારો કરી લઈશું કે અનાથ બાળકોના જીવનમાં આપણે લાગણી અને પ્રેમ થકી આપણે તેઓનો શ્રેસ્ઠ ઉછેર કરી શકીશું તો મૂરઝાયેલા ફૂલોને નવેસરથી ખીલવાની તક આપી શકીશું. તેઓના જીવનમાં આશાઓ અને ઉત્સાહ ભરી શકીશું. માતા-પિતાના પ્રેમ માટે તરસતા બાળકોનું આપણા પ્રેમ થકી સિંચન કરી શકીશું. અને માતા-પિતા તરીકે આપણે પણ આપણા મનને તેઓના પ્રેમ થકી હર્યુભર્યું રાખી શકીશું. સામસામો બંનેના જીવનમાં રહેલો ખાલીપો પૂરી શકીશું. એ ખાલીપાની માલીપા આપણી સર્જનાત્મકતાને ભરી શકીશું.

      કેટલીયે એવી મમ્મીઓને આપણે આપણી આસપાસ જોઈએ છીએ જેઓ જીવના જોખમે પોતાના બાળકને જન્મ આપવાના નિષ્ફળ પ્રયાસો કરે છે, તેઓ બધુ જ કરે છે, બાળક માટે માનતાઑ કરે છે, બાધાઓ રાખે છે, દરેક ધર્મસ્થાનની ચોખટ પર તેઓ જાય છે, પણ તેઓ ઈશ્વરે આપેલા કોઇ અનાથના માતા-પિતા બનવાનું સ્વીકારતા નથી. શું માત્ર લોહીના સંબંધો પર જ દુનિયા ટકતી હોય છે. લાગણીના સંબંધો થકી પણ જિંદગીમાં જીવન ઉમેરી જ શકાતું હોય છે.

   જેમને સંતાનો હોય તેઓ પણ આવા બાળકો તરફ પોતાનો હાથ પસારી શકે છે. આપણને બધુ ઉછીનું લેતા આવડે છે, તો શું આપણે ખુશીઓ ઉછીની ના લઈ શકીએ?  આ ઉધારની ખુશીઓ પણ આપણા જીવનને ધબકતું રાખી શકે છે. અને એક અનાથ જીવને નવજીવન આપી શકે છે.

લાઈક,કમેંટ,શેર......

     The world may not change if you adopt a child, but for that child their world will change.

Friday 8 July 2022

લડકીઓ કે પંખોકો ઉડાન ભરને દો, વોહ અપના આસમાં ખુદ ઢુંઢ લેંગી......


લડકીઓ કે પંખોકો ઉડાન ભરને દો, વોહ અપના આસમાં ખુદ ઢુંઢ લેંગી......

 Saikhom Mirabai Chanu: One Olympic medal and its many stories | The News  Minute

કોલેજમાં સત્રનો પ્રથમ ક્લાસ શરૂ છે, પરિચય ચાલે છે. બધા પોતપોતાનો પરિચય આપી રહ્યા છે. છોકરીઓમાથી મોટાભાગની છોકરીઓ એમ કહીને અટકી જાય છે, કે મારે આ બનવું છે અને મારે આમ કરવું છે. પણ મમ્મી-પપ્પા ના પાડે છે. હમણાં જ એક છોકરીએ એવું કહ્યું કે હું કબડ્ડીમાં સ્ટેટ લેવલ સુધી રમી આવી છુ, પણ હવે મારા પેરેન્ટ્સ ના પાડે છે કે આમાં આગળ નથી વધવું. મારા કોચ પુરુષ છે, એટલે.....

  હમણાં એક શિક્ષિત વાલી સાથે વાત થઈ. તેની દીકરી 12માં સાયન્સમાં હતી, એમ.બી.બી.એસ. જેટલો સ્કોર ના થયો, એટલે બીજા વિકલ્પો તરફ વળવાનું નક્કી થયું. દીકરીએ કહ્યું મારે ફિઝિયો-થેરાપિસ્ટ બનવું છે, તો વાલીએ એટલે ના પાડી કારણકે ફિઝિયોને લોકોના હાથ-પગ પકડી કસરત કરાવવી પડે! મારી દીકરી બધાને અડતી ફરે એ મને ના ગમે! જવાબ સાંભળી હસવું કે રડવું એ ના સમજી શકાયું! શું કોઈપણ ક્ષેત્રના ડોકટર્સનું કામ લોકોને અડયા વિના થતું હશે! આ કેવી મેંટાલીટી??

  હજી ત્રીજો કિસ્સો તો આનાથી પણ આશ્ચર્યજનક છે, એક દીકરી 12 આર્ટસમા પાસ થઈને ફોર્મ લેવા આવી. તેનું રિઝલ્ટ જોયું, 85% હતા. બે દિવસ થઈ ગયા પણ ફોર્મ ભરવા ના આવી. જગ્યા પૂરી થવામાં હતી, એટલે અમે ફોન કર્યો, શું થયું? ફોર્મ ભરી જાવ નહી, તો જગ્યા નહી રહે, જવાબમાં એ રડવા લાગી અને કોલ ડિસકનેક્ટ થઈ ગયો. થોડા દિવસ પછી એ છોકરી બાય ચાન્સ બજારમાં મળી, તો તેને વાત કરી મારા ભાઈને ભણાવવામાં ખર્ચ વધી જાય છે, એટલે મને ભણવાની ના પાડી! તારા ભાઈને કેટલા ટકા છે, તો તેણે જવાબ આપ્યો, 50%. છતાં મારા મમ્મી-પપ્પા તેની પાછળ ખર્ચ કરવા તૈયાર છે, મારા પાછળ નહી.... મમ્મી સાથે હતી, તરત બોલી ઉઠી, દીકરીને ગમે તેટલું ભણાવીએ, એ તો પારકા ઘરે જતી રહેવાની! એની પાછળ ખર્ચો કોણ કરે?

  હા આ આજના ટેકનોયુગની જ વાત છે, એક તરફ આપણે બીજા ગ્રહ પર જીવન છે કે નહી? એ શોધી રહ્યા છીએ અને બીજી તરફ આ પૃથ્વી નામના ગ્રહ પરનું જીવન હજી આજે પણ આવા પૂર્વગ્રહોમાં ફસાયેલું જોવા મળી રહ્યું છે. આપણાં સમાજમાં સ્ત્રી તરીકે જન્મ લેવો એ જ સૌથી મોટો સંઘર્ષ છે. હજી આજે પણ મોટા ભાગના મમ્મી-પપ્પા દીકરીને જન્મ દેવો કે નહી એ વિચારતા રહે છે. કુટુંબમાં પુત્ર-જન્મને જે વધામણી મળે છે, એ દીકરીઓના જન્મને મળતી નથી!

  હજી કેટલાયે એવા કુટુંબો વસે છે, જેમાં જો સ્ત્રી દીકરાને જન્મ ના આપી શકે તો પુરુષ બીજા લગ્ન કરી લેતો હોય છે. આપણે થોડી ઘણી દીકરીઓની સફળતાથી અંજાઈને આંખો બંધ કરીને બેસી ગયા છીએ, પણ ગ્રામ્ય વિસ્તારોમાં અને અમુક શહેરી વિસ્તારોમાં દીકરીઓ વિષેની લોકોની માન્યતાઓમાં ઝાઝો ફર્ક નથી પડ્યો! દીકરીઓ રમત કે શિક્ષણમાં આગળ વધશે તો ડગલે ને પગલે આપણે તેનું ધ્યાન રાખવું પડશે, એવું આપણે માનીએ છીએ એનો અર્થ એ છે કે આપણે દીકરાઓને કોઇની દીકરી સાથે કેવી રીતે વર્તવું એ શીખવી શકયા નથી!

   દરેક વખતે આપણે સ્ત્રીઓને જ શીખવતા રહીએ છીએ, કે તારે આમ કરવાનું અને આમ નહી, દીકરીઓ માટે સલામત વાતાવરણ આપણે ઊભું નથી કરી શક્યા કારણકે આપણે દિકરાઓને એ નથી સમજાવી શકતા કે દીકરીઓનું સન્માન કરવું જરૂરી છે. તમામ બંધનો અને જવાબદારીઓ દીકરીઓ પણ નાખી આપણે તેઓના પગમાં ગાળિયો નાખતા જ રહીએ છીએ. દર વર્ષે આવી કેટલીયે છોકરીઓને અમે સાંભળીએ છીએ કે અમને ઉડવા મનગમતું આકાશ મળતું નથી.

  જે મમ્મી-પપ્પાએ પોતાની દીકરીઓને એ આકાશ આપ્યું છે, તેઓને નિરાશ થવાનો જરાપણ વખત નથી આવ્યો.. આજે એવા કેટલાયે ક્ષેત્રો છે, જેમાં સ્ત્રીઓને પ્રવેશ નહોતો અને તેમણે પ્રવેશ મેળવીને પોતાની જાતને સાબિત કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઓલમ્પિક અને બીજા આંતરરાષ્ટ્રીય રમોત્સવમાં  છોકરીઓ દેશ માટે મેડલ્સ લાવી રહી છે. સાહિત્ય અને અન્ય ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, વર્કિંગ વીમેન બની ઘર અને ઓફિસ બંને ચલાવી રહી છે, પોતાના પર થતાં અત્યાચારો સામે લડી રહી છે, ન્યુઝીલેંડ અને એવા કેટલાયે દેશોના સુકાન સંભાળી રહી છે, દરેક વર્ક-પ્લેસ પર પુરુષો સાથે કદમ થી કદમ મિલાવી રહી છે, ત્યારે આપણે જો હજી સદીઓ જૂની એ જ રુઢીઓને પકડીને બેસી રહીશું અને દીકરીઓને ઉડવા માટે આકાશ નહી આપીએ તો એ પોતાનું આકાશ ખુદ શોધી લેશે. એના કરતાં આ શુભ કામ આપણે જ કરી લઈએ.

 લાઈક,કમેંટ,શેર.....

   આગળ વધવા માંગતા લોકોના ધસમસતા પ્રવાહને કોઈ રોકી શક્યું નથી..... માટે દીકરીઓને ખુદ આપણે ઉડતા શીખવી દઈએ, તેને માન્યતાઑ અને પૂર્વગ્રહોના સંકુચિત વર્તુળમાં બાંધી ના રાખીએ.....

 

   

Saikhom Mirabai Chanu - Wikipedia

Sunday 3 July 2022

સોસિયલ મીડિયા લાઈક,કમેંટ,શેર....... ‘હેન્ડલ વિથ કેર’

 

સોસિયલ મીડિયા લાઈક,કમેંટ,શેર....... ‘હેન્ડલ વિથ કેર’

 Social Media Poster Gallery - Awareness Week by NexSchools Cyber Safety  Campaign

            હમણાં એક લેખ વાંચ્યો જેમાં સોસિયલ મીડિયા પર શું શેર કરવું અને શું નહી? એ વિશે લખેલું હતું. સોસિયલ મીડિયા આપણાં સૌના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. રોજે રોજ યુઝર્સની સંખ્યા વધતી જાય છે. અને આપણે તો જાણે નક્કી જ કરી લીધું છે કે કશું શેર કરતાં સમયે વિચારવાનું નહી કે આ શેર કરાય કે નહી? આમપણ આજકાલ કેરિંગ કરતાં શેરિંગનું મહત્વ વધી ગયું છે! અને કદાચ એટલે જ કોઈકને આવો લેખ લખવાની ફરજ પડી હશે! અને સાથે સાથે એક સમાચાર વાંચ્યા, એક છોકરાએ સગાઈ બાદ છોકરીને એકાંતના સ્થળે મળવા બોલાવી, તેની સાથે અંગત ક્ષણો માણી, તેનો વિડીયો બનાવી સોસિયલ મીડિયા પર મૂકી છોકરી સાથે સગાઈ તોડી નાખી! આ વિડીયો આપણી પાસે આવ્યો હોત તો આપણે શું કર્યું હોત?

  કોઈ જાણીતી વ્યક્તિનો ખરાબ વિડીયો આપણને કોઈ સોસિયલ મીડિયા દ્વારા મોકલે તો આપણે શું કરીએ છીએ? એવી જ રીતે કોઈ સગા-સંબંધી, મિત્રો કે ઓળખીતી વ્યક્તિનો ખરાબ વિડીયો કોઈ આપણને મોકલે તો આપણે શું કરીએ છીએ? તમે કહેશો પહેલા જોઈ લઈએ છીએ અને પછી બીજાને સેન્ડ કરી દઈએ છીએ. આજકાલ લોકોને વાઇરલ વિડીયો અને સંદેશાઓમાં વધુ રસ હોય છે. કોઈપણ સોસિયલ મીડિયા થકી કોઈપણ ખરાબ સંદેશ આવે આપણામાથી મોટાભાગના વગર વિચાર્યે તેને શેર કરી દેતા હોઈએ છીએ.

આ વિડીયો સાચો છે કે એડિટ કરીને ખોટી રીતે રજૂ કરેલો છે, એવું કશું જ વિચાર્યા વિના આપણે દે ધનાધન આવા વિડિયોઝ શેર કરવા લાગી જતાં હોઈએ છીએ. ઉદયપુરમાં જે કઈ ઘટના બની તેને વાઇરલ કરવાનું ષડયંત્ર હત્યા કરનાર લોકોએ રચ્યું અને આપણે એ સફળ પણ થવા દીધું! જેની પાસે એ વિડીયો આવ્યો એ બધાએ શેર કર્યો અને પરિણામે હવે આવા લોકોને જ્યારે પણ આવું કશું કરવું હશે તેઓને એક રસ્તો મળી ગયો અને એ રસ્તો આપ્યો આપણે જ!

  વાઇરલ થવું કે કરવું એ આજના સમાજની તાસીર બની ગઈ છે. કોઈપણ જગ્યાએ કોઈ ઘટના બને કે તરત જ સરકારે ત્યાના સોસિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દેવો પડે છે. આ મીડિયા થકી આપણે હકારાત્મકતા કરતાં નકારાત્મકતા વધુ ફેલાવી રહ્યા છીએ. દેશની હવાઓમાં સતત આ મીડિયા થકી નફરતનું ઝેર ફેલાઈ રહ્યું છે, જે આપણાં સૌના શ્વાસમાં જઇ રહ્યું છે ને નફરત સ્વરૂપે ઉચ્છવાસમાં ફેંકાઇ રહ્યું છે.

           આ તો એક ઉદાહરણ છે, ભૂતકાળમાં પણ ઘણીવાર આવી જ રીતે અસામાજિક તત્વો દ્વારા આવા વિડિયોઝ શેર કરવામાં આવે છે અને આપણે એ આગને હવા દઈ વધુ ને વધુ ભયાનક સ્વરૂપ આપવામાં આપણો ફાળો નોંધાવી દેતાં હોઈએ છીએ. પણ એ આગ કેટલાયે લોકોની ખુશીઓને રાખમાં ફેરવી નાખતી હોય છે, એ આપણે વિચારતા હોતા નથી. જે લોકો આવી રીતે નફરત ફેલાવવાનો વ્યાપાર કરે છે, તેઓમાં કોઈનું ભલું થાય એવી વિચારધારા નથી હોતી પણ આપણે એક જવાબદાર નાગરિક તરીકે એ વ્યાપારને શા માટે આગળ લઈ જવો?

    આવી જ રીતે દીકરીઓના ખરાબ વિડિયોઝ ઘણીવાર લીક થતાં રહે છે. અને તેને પણ આ સભ્ય સમાજના લોકો શેર કરતાં રહે છે. પેલો બહુ હોશિયારી કરતો હતોને મારી દીકરી આમ મારી દીકરી તેમ..... જોયો તેની દીકરીનો વિડીયો...આવું કહેતી વખતે આપણે એટલું પણ નથી વિચારતા કે જો આપણી દીકરી સાથે આવું થાય તો? દીકરીની આબરૂને આપણે ઘરની આબરૂ સાથે જોડતા હોઈએ છીએ, પણ આવા વિડીયો શેર કરતી વખતે આપણે એ આબરૂ વિશે થોડું એવું પણ વિચારતા હોતા નથી!

  ઘણીવાર આવા વિડિયોઝ શેર થવાના કારણે દીકરીઓના કુટુંબ માટે સમાજમાં જીવવું અઘરું થઈ જતું હોય છે. દીકરીઓને આપઘાત સુધી લઈ જતું આવું શેરિંગ સમગ્ર સમાજે ડિલીટ મારવા જેવુ છે. શા માટે કોઈ કુટુંબની દીકરીઓના આવા વિડિયોઝ વાઇરલ કરવા? એવી જ રીતે કોઈના અકસ્માતના, ઝઘડાંઓના, મારામારીના, ફોટા અને વિડિયોઝ શેર થતાં રહે છે અને સમાજને ડિસ્ટર્બ કરતાં રહે છે. અને મજાની વાત તો એ છે કે છતાં આપણે શું શેર કરવું અને શું નહી? એ બાબતે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરતાં નથી!

  આવા વિડિયોઝ સેન્ડ કરવાના મોહમાં ઘણા તો અકસ્માતના સ્થળે ઘાયલ વ્યક્તિઓને કે બીજી કોઈ દુર્ઘટનામાં ફસાયેલ વ્યક્તિઓને મદદ કરવાને બદલે લોકો ફોટા પાડતા રહે છે અને વિડિયોઝ ઉતારતા રહે છે. સુરતમાં ફેનિલ પટેલ જ્યારે ગ્રીષ્માને મારી રહ્યો હતો, ત્યારે પણ ત્યાં હાજર રહેલા લોકોએ ગ્રીષ્માને બચાવવાને બદલે વિડીયો ઉતારવાનું વધુ પસંદ કરેલું. એમાથી કોઈએ પણ થોડી હિંમત દાખવી હોત તો એ છોકરી આજે જીવતી હોત!

 ગામમાં કે શહેરમાં હવે તો દરેક જગ્યાએ સોસિયલ મીડિયા પહોંચી ગયુ છે. આપણે લોકો સુધી શું પહોંચાડવા માંગીએ છીએ? એ આપણે હવે ખરેખર નકકી કરી લેવાની જરૂર છે.

 લાઈક,કમેંટ,શેર....

  સોસિયલ મીડિયા પર સોસિયલ બનો, જેનાથી સમાજને નુકસાન થાય એવી પોસ્ટ શેર ના કરો..

 

 

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...