લડકીઓ કે પંખોકો ઉડાન ભરને દો, વોહ અપના આસમાં ખુદ ઢુંઢ લેંગી......
કોલેજમાં સત્રનો પ્રથમ ક્લાસ શરૂ છે, પરિચય ચાલે છે. બધા પોતપોતાનો પરિચય આપી રહ્યા છે. છોકરીઓમાથી મોટાભાગની છોકરીઓ એમ કહીને અટકી જાય છે, કે મારે આ બનવું છે અને મારે આમ કરવું છે. પણ મમ્મી-પપ્પા ના પાડે છે. હમણાં જ એક છોકરીએ એવું કહ્યું કે હું કબડ્ડીમાં સ્ટેટ લેવલ સુધી રમી આવી છુ, પણ હવે મારા પેરેન્ટ્સ ના પાડે છે કે આમાં આગળ નથી વધવું. મારા કોચ પુરુષ છે, એટલે.....
હમણાં એક શિક્ષિત વાલી સાથે વાત થઈ. તેની દીકરી 12માં સાયન્સમાં હતી, એમ.બી.બી.એસ. જેટલો સ્કોર ના થયો, એટલે બીજા વિકલ્પો તરફ વળવાનું નક્કી થયું. દીકરીએ કહ્યું મારે ફિઝિયો-થેરાપિસ્ટ બનવું છે, તો વાલીએ એટલે ના પાડી કારણકે ફિઝિયોને લોકોના હાથ-પગ પકડી કસરત કરાવવી પડે! મારી દીકરી બધાને અડતી ફરે એ મને ના ગમે! જવાબ સાંભળી હસવું કે રડવું એ ના સમજી શકાયું! શું કોઈપણ ક્ષેત્રના ડોકટર્સનું કામ લોકોને અડયા વિના થતું હશે! આ કેવી મેંટાલીટી??
હજી ત્રીજો કિસ્સો તો આનાથી પણ આશ્ચર્યજનક છે, એક દીકરી 12 આર્ટસમા પાસ થઈને ફોર્મ લેવા આવી. તેનું રિઝલ્ટ જોયું, 85% હતા. બે દિવસ થઈ ગયા પણ ફોર્મ ભરવા ના આવી. જગ્યા પૂરી થવામાં હતી, એટલે અમે ફોન કર્યો, શું થયું? ફોર્મ ભરી જાવ નહી, તો જગ્યા નહી રહે, જવાબમાં એ રડવા લાગી અને કોલ ડિસકનેક્ટ થઈ ગયો. થોડા દિવસ પછી એ છોકરી બાય ચાન્સ બજારમાં મળી, તો તેને વાત કરી મારા ભાઈને ભણાવવામાં ખર્ચ વધી જાય છે, એટલે મને ભણવાની ના પાડી! તારા ભાઈને કેટલા ટકા છે, તો તેણે જવાબ આપ્યો, 50%. છતાં મારા મમ્મી-પપ્પા તેની પાછળ ખર્ચ કરવા તૈયાર છે, મારા પાછળ નહી.... મમ્મી સાથે હતી, તરત બોલી ઉઠી, દીકરીને ગમે તેટલું ભણાવીએ, એ તો પારકા ઘરે જતી રહેવાની! એની પાછળ ખર્ચો કોણ કરે?
હા આ આજના ટેકનોયુગની જ વાત છે, એક તરફ આપણે બીજા ગ્રહ પર જીવન છે કે નહી? એ શોધી રહ્યા છીએ અને બીજી તરફ આ પૃથ્વી નામના ગ્રહ પરનું જીવન હજી આજે પણ આવા પૂર્વગ્રહોમાં ફસાયેલું જોવા મળી રહ્યું છે. આપણાં સમાજમાં સ્ત્રી તરીકે જન્મ લેવો એ જ સૌથી મોટો સંઘર્ષ છે. હજી આજે પણ મોટા ભાગના મમ્મી-પપ્પા દીકરીને જન્મ દેવો કે નહી એ વિચારતા રહે છે. કુટુંબમાં પુત્ર-જન્મને જે વધામણી મળે છે, એ દીકરીઓના જન્મને મળતી નથી!
હજી કેટલાયે એવા કુટુંબો વસે છે, જેમાં જો સ્ત્રી દીકરાને જન્મ ના આપી શકે તો પુરુષ બીજા લગ્ન કરી લેતો હોય છે. આપણે થોડી ઘણી દીકરીઓની સફળતાથી અંજાઈને આંખો બંધ કરીને બેસી ગયા છીએ, પણ ગ્રામ્ય વિસ્તારોમાં અને અમુક શહેરી વિસ્તારોમાં ‘દીકરીઓ’ વિષેની લોકોની માન્યતાઓમાં ઝાઝો ફર્ક નથી પડ્યો! દીકરીઓ રમત કે શિક્ષણમાં આગળ વધશે તો ડગલે ને પગલે આપણે તેનું ધ્યાન રાખવું પડશે, એવું આપણે માનીએ છીએ એનો અર્થ એ છે કે આપણે ‘દીકરાઓને’ કોઇની દીકરી સાથે કેવી રીતે વર્તવું એ શીખવી શકયા નથી!
દરેક વખતે આપણે સ્ત્રીઓને જ શીખવતા રહીએ છીએ, કે તારે આમ કરવાનું અને આમ નહી, દીકરીઓ માટે સલામત વાતાવરણ આપણે ઊભું નથી કરી શક્યા કારણકે આપણે દિકરાઓને એ નથી સમજાવી શકતા કે દીકરીઓનું સન્માન કરવું જરૂરી છે. તમામ બંધનો અને જવાબદારીઓ દીકરીઓ પણ નાખી આપણે તેઓના પગમાં ગાળિયો નાખતા જ રહીએ છીએ. દર વર્ષે આવી કેટલીયે છોકરીઓને અમે સાંભળીએ છીએ કે અમને ઉડવા મનગમતું આકાશ મળતું નથી.
જે મમ્મી-પપ્પાએ પોતાની દીકરીઓને એ આકાશ આપ્યું છે, તેઓને નિરાશ થવાનો જરાપણ વખત નથી આવ્યો.. આજે એવા કેટલાયે ક્ષેત્રો છે, જેમાં સ્ત્રીઓને પ્રવેશ નહોતો અને તેમણે પ્રવેશ મેળવીને પોતાની જાતને સાબિત કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઓલમ્પિક અને બીજા આંતરરાષ્ટ્રીય રમોત્સવમાં છોકરીઓ દેશ માટે મેડલ્સ લાવી રહી છે. સાહિત્ય અને અન્ય ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, વર્કિંગ વીમેન બની ઘર અને ઓફિસ બંને ચલાવી રહી છે, પોતાના પર થતાં અત્યાચારો સામે લડી રહી છે, ન્યુઝીલેંડ અને એવા કેટલાયે દેશોના સુકાન સંભાળી રહી છે, દરેક વર્ક-પ્લેસ પર પુરુષો સાથે કદમ થી કદમ મિલાવી રહી છે, ત્યારે આપણે જો હજી સદીઓ જૂની એ જ રુઢીઓને પકડીને બેસી રહીશું અને દીકરીઓને ઉડવા માટે આકાશ નહી આપીએ તો એ પોતાનું આકાશ ખુદ શોધી લેશે. એના કરતાં આ શુભ કામ આપણે જ કરી લઈએ.
લાઈક,કમેંટ,શેર.....
આગળ વધવા માંગતા લોકોના ધસમસતા પ્રવાહને કોઈ રોકી શક્યું નથી..... માટે દીકરીઓને ખુદ આપણે ઉડતા શીખવી દઈએ, તેને માન્યતાઑ અને પૂર્વગ્રહોના સંકુચિત વર્તુળમાં બાંધી ના રાખીએ.....
No comments:
Post a Comment