Thursday, 14 July 2022

માતાપિતા બનવું એ ‘લાગણી’ છે, માત્ર કોઈ જૈવિક પ્રક્રિયા નથી.......

 

માતાપિતા બનવું એ ‘લાગણી’ છે, માત્ર કોઈ જૈવિક પ્રક્રિયા નથી.......

Family a mere fairy tale for orphans at TN shelters

   હમણાં એક બહેનને મળવા જવાનું થયું. તેમને મોટી ઉંમરે મા બનવાનું નક્કી કરેલું વારંવાર પ્રયાસો કરવા છતા તેઓ નિષ્ફળ ગયા. છેલ્લે તો તેઓને છ મહિના બાદ મિસ-કેરેજ થયું. તેમની વાતો પરથી તેમનો ખોળો ખાલી રહી ગયાનું દૂ:ખ સ્પષ્ટ દેખાતું હતું. હવે તે ક્યારેય મા નહી બની શકે, એ નક્કી હતું, તો આવા સંજોગોમાં એ ખાલી ખોળાને ભરવા માટે શું તેઓ કોઈ અનાથ બાળકને દત્તક ના લઈ શકે? આવા લાખો ખાલી ખોળામાં રમવા થનગનતા અનાથ બાળકોને શું આવા માતા-પિતા લાગણી અને હુંફ ના આપી શકે?

કોરોનાને લીધે પડેલી ખાલી જગ્યાઓએ માણસોના જીવનમાં એકલતાનો સાચો અર્થ સમજાવી દીધો છે. લોકોને સમજાવા લાગ્યું છે કે કુટુંબ વ્યવસ્થાના દરેક પાયા જરૂરી છે, સાથે મળીને ગમે તેવી મોટી મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે. જીવનમાં માંદા પડીશું તો માત્ર નર્સથી નહી ચાલે, પણ ઘરનું કોઈ જોઈશે જે પ્રેમથી આપણી સારવાર કરે. હોસ્પીટલમાં એકલા રહેવાની બીકે જ ઘણાંને એટેક આવી ગયા હતા, ઘણાના શ્વાસો ખૂંટી ગયા હતા. જે લોકોને ઘરના લોકોની સારવાર મળી હતી, તેઓ પ્રભુના દરવાજેથી પણ પાછા આવી ગયા હતા. નવજીવન ઘરના સદસ્યો જ આપી શકે છે. એ વાત હવે સૌને સમજાઈ ગઈ છે.

હોસ્પિટલના રૂમની બહાર કોઈ એવું હોવું જોઈએ જેને આપણાં સાજા થવાની ચિંતા હોય.  ઈશ્વર પાસે આપણાં સાજા થવાની દુઆ માંગતા લોકો જ આપણી સાચી સમૃદ્ધિ છે. આ લાગણીઓ આપણાં હ્રદયમાં હવે ક્લિક થઇ ગઈ છે. પણ એક લાગણી છે, જે હજી આપણે ફીલ કરીએ છીએ, પણ સ્વીકારી શકતા નથી! હ્રદય એ તરફ લઈ જાય છે, પણ મગજ તેનો વિરોધ કરતું રહે છે. એ વળી શું? તમને એવો સવાલ અત્યારે થઈ રહ્યો હશે. હું જવાબ આપું છુ, પણ એ પહેલા મારે એ માતા-પિતાને સવાલો  પુછવાં છે, જેઓ મોટી ઉંમરે માતા-પિતા બનવા માંગે છે, પણ બની શકતા નથી અને તે માતા-પિતાને જેઓ બે-માથી કોઈ એકમાં રહેલી ખામીને લીધે બાળકને જન્મ આપી શકતા નથી. આઈ.વી.એફ. કરાવ્યા બાદ પણ!

   શું માતા-પિતા માત્ર ને માત્ર બાયોલોજિકલ હોય છે? લાગણીઓ થકી પણ માતા-પિતા બનવાનું સૌભાગ્ય મળી શકે એમ હોય તો આપણે શા માટે અપનાવતા હોતા નથી?

    આપણે સૌ અનાથાશ્રમની મુલાકાત લેતાં હોઈએ છીએ, ઘરમાં કોઈના જન્મદિવસની ઉજવણી અનાથ બાળકો સાથે કરતાં હોઈએ છીએ. કોઈ અનાથાશ્રમની મુલાકાત લીધા બાદ જે વેદના આપણી અંદર ઊગી નીકળે છે, તેને આપણે કોઈ બાળકને દત્તક લઈને શા માટે સંવેદના માં ફેરવી નથી શકતા? કોઈ અનાથ બાળકને પોતાના દીકરા કે દીકરી તરીકે આપણે શા માટે અપનાવતા હોતા નથી. કોરોના જેવી મહામારી અને કુદરતી આફતો અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને લીધે લાખો બાળકો પોતાના માતા-પિતા ગુમાવી દેતાં હોય છે. આવા અનાથ બાળકોને દત્તક લઈ તેઓના ભવિષ્યને ઉજાળવાનો વિચાર આપણને કેમ નથી આવતો?  

    આવા લાખો અનાથ બાળકો માતા-પિતાની છત્ર-છાયા માટે તરસતા રહે છે, તેઓનું ભાવિ અંધકારમાં ગરકાવ થઈ જતું હોય છે. આવા કેટલાયે બાળકો માતાનો ખોળો અને પિતાનું છત્ર મેળવવા માંગતા હોય છે, પણ માતા-પિતા આ એક પ્રગતિશીલ કદમ ઉઠાવતા ડરતા રહે છે, એ બાળક ક્યાં વંશનું હશે, તેમાં કોનું લોહી હશે? તે ભવિષ્યમાં મોટું થઈને કેવું થશે? એવા બિન-જરૂરી પ્રશ્નો તેઓના દિમાગમાથી દૂર થતા નથી અને કોઈને તેઓને સાચા જવાબો તરફ લઈ જવાની પહેલ કરતું હોતું નથી.

   આવું વિચારતી વખતે આપણે જો થોડા હકારાત્મક વિચારો કરી લઈશું કે અનાથ બાળકોના જીવનમાં આપણે લાગણી અને પ્રેમ થકી આપણે તેઓનો શ્રેસ્ઠ ઉછેર કરી શકીશું તો મૂરઝાયેલા ફૂલોને નવેસરથી ખીલવાની તક આપી શકીશું. તેઓના જીવનમાં આશાઓ અને ઉત્સાહ ભરી શકીશું. માતા-પિતાના પ્રેમ માટે તરસતા બાળકોનું આપણા પ્રેમ થકી સિંચન કરી શકીશું. અને માતા-પિતા તરીકે આપણે પણ આપણા મનને તેઓના પ્રેમ થકી હર્યુભર્યું રાખી શકીશું. સામસામો બંનેના જીવનમાં રહેલો ખાલીપો પૂરી શકીશું. એ ખાલીપાની માલીપા આપણી સર્જનાત્મકતાને ભરી શકીશું.

      કેટલીયે એવી મમ્મીઓને આપણે આપણી આસપાસ જોઈએ છીએ જેઓ જીવના જોખમે પોતાના બાળકને જન્મ આપવાના નિષ્ફળ પ્રયાસો કરે છે, તેઓ બધુ જ કરે છે, બાળક માટે માનતાઑ કરે છે, બાધાઓ રાખે છે, દરેક ધર્મસ્થાનની ચોખટ પર તેઓ જાય છે, પણ તેઓ ઈશ્વરે આપેલા કોઇ અનાથના માતા-પિતા બનવાનું સ્વીકારતા નથી. શું માત્ર લોહીના સંબંધો પર જ દુનિયા ટકતી હોય છે. લાગણીના સંબંધો થકી પણ જિંદગીમાં જીવન ઉમેરી જ શકાતું હોય છે.

   જેમને સંતાનો હોય તેઓ પણ આવા બાળકો તરફ પોતાનો હાથ પસારી શકે છે. આપણને બધુ ઉછીનું લેતા આવડે છે, તો શું આપણે ખુશીઓ ઉછીની ના લઈ શકીએ?  આ ઉધારની ખુશીઓ પણ આપણા જીવનને ધબકતું રાખી શકે છે. અને એક અનાથ જીવને નવજીવન આપી શકે છે.

લાઈક,કમેંટ,શેર......

     The world may not change if you adopt a child, but for that child their world will change.

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...