Sunday, 24 July 2022

જેને ભણવું છે, એના માટે આપણું શિક્ષણ છે, પણ જેને ભણવું નથી તેના માટે પણ આ જ શિક્ષણ!!!

 

જેને ભણવું છે, એના માટે આપણું શિક્ષણ છે, પણ જેને ભણવું નથી તેના માટે પણ આ જ શિક્ષણ!!!What has failed our education system in India? - Manav Rachna  Vidyanatariksha

 

         હમણાં એક 18 વર્ષના છોકરાને મિસ્ત્રી કામ કરતાં જોયો, એટલે પૂંછયું ભણવા નથી જતો. તેણે જવાબ આપ્યો દસમા ધોરણમાં નાપાસ થયો એટલે ભણવાનું છોડી દીધું. એક બીજો છોકરો આવી જ રીતે ધોબીકામમાં જોડાઇ ગયો. આવા વિદ્યાર્થીઓ માટે આપણાં શિક્ષણમાં કોઈ વર્ગખંડ નથી!  દર વર્ષે કોલેજમાં એવા ઘણા છોકરા છોકરીઓ હોય છે, જેઓ જુદી જુદી કળાઓમાં ખૂબ જ હોશિયાર હોય છે, પણ તેઓને તે કળાઓ અંગેનું શિક્ષણ ના મળતું હોવાથી તેઓ એ ક્ષેત્રમાં આગળ વધી શકતા નથી. આપણાં દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાય ફાઇન આર્ટ્સ ની  કે સ્કિલ-ડેવલપમેન્ટ ની કોલેજો સ્થાપવાનો વિચાર સરકારને નથી આવતો!    

આપણા વર્ગખંડોમાં સૌથી મોટી સમસ્યા ઊભી કરનાર વિદ્યાર્થીઓ એ જ છે, જેઓને ભણવું નથી પણ છતાં માતા-પિતાના દબાણને કારણે ભણવા જવું પડે છે. વળી અમુક વિદ્યાર્થીઓ એવા છે જેઓને સરકારી નોકરી મેળવવા જરૂરી ડીગ્રીઓ ગમે તે રીતે ભેગી કરી લેવી છે. તેઓ પરિક્ષામાં બેફામ ચોરી કરતાં રહે છે અને નિયમિત વિદ્યાર્થીઓને પણ હેરાન કરતાં રહે છે. તેઓને આવું કરતાં જોઈને હોશિયાર વિદ્યાર્થીઓનો મોરલ પણ તૂટી જતો હોય છે.

  હમણાં ફિલ્મ અભિનેત્રી કાજોલની એક છાપામાં મુલાકાત વાંચી, જેમાં તેણે એવું કહેલું કે હું કોલેજમાં ભણવા ગઈ તો ખરી પણ મને ત્યાં કઈ નવું શીખવા નહોતું મળતું એટલે મે એક્ટિંગ શરૂ કરી દીધી” આવું વાક્ય આપણે ઘણી બધી સેલેબ્રેટીઝ પાસેથી સાંભળ્યુ છે. જે શિક્ષણ પાછળ વ્યક્તિ પોતાની જીંદગીનો એક આખો હિસ્સો ઇન્વેસ્ટ કરી દે છે, તેમાથી જો કશું જીવાનુપયોગી શિખવા ના મળતું હોય તો એ ઈન્વેસ્ટમેન્ટ વિષે કશું નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે.

     જેને ખરેખર આગળ ભણવું જ નથી, તેઓ માટે બીજો કોઈ અભ્યાસક્રમ બનાવવાની જરૂર છે. તેઓ માટે જેન્યુઇન વોકેશનલ કોર્સ શાળાઓમાં શરૂ કરાવવાની જરૂર છે. જેઓ પાસે કોઈ અલગ સ્કીલ છે, જેમ કે રમવાની, રસોઈ બનાવવાની, મહેંદી મૂકવાની, ચિત્ર દોરવાની, પેઇન્ટિંગની, વગેરે વગેરે તેઓ માટે અલગ નિશાળો કરવી જરૂરી છે. વિદેશોમાં બાળકો આગળ ક્યાં ફિલ્ડમાં જઇ શકે એમ છે, તે નક્કી કરવા એપ્ટીટ્યુડ ટેસ્ટ લેવાય છે અને અહી બાજુવાળાના કે સગાસંબંધીઓના દીકરા કે દીકરીઓ શેમાં એડમિશન લે છે, એ જ જોવાય છે.

   ભારત એક ખેતીપ્રધાન દેશ છે, પણ આપણા યુવાનો ખેતીથી દૂર ભાગતા ફરે છે. જે દેશની 67%ખેતી પર નભતી હોય તે દેશના શિક્ષણમાં ખેતીના પ્રેક્ટિકલ જ્ઞાનને કોઈ જગ્યા ના હોય, આવો અભ્યાસક્રમ તો આ દેશમાં જ ઘડાય શકે. ડેનમાર્કનો મુખ્ય વ્યવસાય દૂધની ડેરીઓન છે, તો ત્યાના વિદ્યાર્થીઓને શિક્ષણમાં તેના વિષે ભણાવવામાં આવે છે. આપણે ત્યાં એવા કેટલા ક્ષેત્રો છે,જેમાં કામ કરવા વાળા માણસોની કમી છે. અમુક કામોની આપણા દેશમાં એટલી બધી ઉપેક્ષા કરવામાં આવે છે કે તે ક્ષેત્રોમાં ઊંચું વળતર મળતું હોવા છતાં કામ કરવાવાળા મળતા નથી.

   આપણી શિક્ષણપદ્ધતિમાં માત્ર એવા વિષયોને જ મહત્વ મળી રહ્યું છે, જેમાં કમાણી (સંચાલકોની અને માલિકોની) વધુ હોય. કોઈપણ શાળા કે કોલેજ પાસે વોકેશનલ કોર્સ માટેનું કોઈ સ્ટ્રક્ચર જ નથી! વિદ્યાર્થીઓની સ્કીલને વિકસિત કરી શકાય એવું માળખું જ નથી. ડાન્સ, એક્ટિંગ, સિંગિંગ, મિમિક્રી વગેરેનું આપણાં શિક્ષણમાં કોઈ સ્થાન જ નથી. શિક્ષણના ભાર હેઠળ આ બધી કળાઓ આજે શ્વાસ પણ લઈ શકતી નથી!  

   આપણે કેવી શિક્ષણનીતિના આધારે ભારતનું ભાવી ઘડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ? આઝાદી બાદ આપણને આપણી શિક્ષણનીતિ ઘડવાનું સ્વાતંત્ર્ય મળ્યું હતું. પણ આપણે મેકોલને કાઢી શક્યા નહી. કેટલા બધા કમિશનોએ આઝાદી બાદ શિક્ષણમાં ફેરફારો સૂચવેલા છે. શું કોઈએ આ મેકોલની શિક્ષણપદ્ધતિ ને દૂર કરવાનું સજેશન નહી કર્યું હોય? શિક્ષણ એ કોઈપણ દેશના વિકાસનું સૌથી અગત્યનું માધ્યમ છે. પણ આપણે એ માધ્યમની પવિત્રતાને જાળવી નથી શકયા!

        પ્રાચીન સમયથી આપણાં દેશમાં શિક્ષણને અતિ પવિત્ર માનવામાં આવે છે. આપણી પાસે એ પ્રાચીન શિક્ષણનો અદભૂત વારસો છે. પણ આપણે એ વારસાને ના તો જાળવી શકયા કે ના તો અપડેટ કરી શક્યા. આઝાદી બાદથી અત્યાર સુધી આપણે જે રીતે શિક્ષણ સાથે ચેડાં કરતાં આવ્યા છીએ, તેના લીધે આપણું શિક્ષણ આજે વિદ્યાર્થીઓની મૌલિકતા અને સર્જનાત્મકતા ખતમ કરવાનું કારખાનું બની ગયું છે. એક એવી ફેકટરી બની ગયું છે, જેમાં કૌશલ્ય અને પ્રયોગોને કોઈ સ્થાન જ નથી.

 

 

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...