Sunday 31 July 2022

રોજ સવારે કચરામાં પોતાનું ભવિષ્ય શોધતાં બાળકોની પીઠ પરનું વજન કેટલું હોવું જોઈએ?

 

 રોજ સવારે કચરામાં પોતાનું ભવિષ્ય શોધતાં બાળકોની પીઠ પરનું વજન કેટલું હોવું જોઈએ?

 From Reduced Weight of School Bags to Lesser Homework: How the Government's  Recommendations Can Help School Children - The New Leam

   હમણાં હમણાં શાળાઓના બાળકોના દફતરના વજન બાબતે બહુ ચર્ચાઓ થઈ રહી છે. બાળકો શાળામાં અમુક કિલો કરતાં વધુ વજન લઈને ના આવે તેવો હુકમ પણ થયેલો છે. જિલ્લાશિક્ષણઅધિકારી અમુક શાળાઓમાં જઇ બાળકોના દફતરના વજન પણ તપાસી રહ્યા છે. બાળકોના દફતરોનું વજન નિયત કરેલા વજન કરતાં ઘણું વધુ છે, એવું છાપે પણ ચડી ગયું છે. આ મુદ્દો જ્યારે જ્યારે નિશાળો શરૂ થાય ત્યારે ઊઠતો રહે છે. પણ અમુક સમય બાદ બાળકો અને શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકો એ વજનથી ટેવાય જતાં હોય છે! હકીકત તો એ છે કે આપણને સૌને એ વજનનું માપ મળે છે, પણ જે વજન જાણ્યે-અજાણ્યે આપણે સૌ આપણાં બાળકો પર લાદતા રહીએ છીએ, એ વજનનું માપ આપણી પાસે નથી!

   હમણાં એક સરસ વાત વાંચી, એક બિલાડીનું બચ્ચું અને એક માણસનું બાવ બંને વાતો કરી રહયા હતા, તેમાં બિલાડીના બચ્ચાએ પેલા બાવને કહ્યું, જોયું હું તો ચાલતા પણ શીખી ગયું. જો હવે હું કેવી દોડાદોડી કરી રહ્યું છુ. તું તો હજી ચાલતા પણ નથી શિખ્યુ. એટલે પેલા બાવે કહ્યું, ના હો હમણાં મારે ચાલતા નથી શીખવું. મારી મમ્મી પપ્પાને કહેતી હતી કે લાલો ચાલતા શીખી જાય એટલે તેને નિશાળે મોકલી દેવો છે! આ બાળકોના દફતરોમાં મુકાતું પેલું વજનિયું છે. બાળક 2 કે 2.5 વર્ષનું થાય એટલે માતા-પિતા તેઓને પરાણે નિશાળે ધકેલી દેતા હોય છે. ઘણીવાર તેવા બાળકોને જે રીતે આપણે રડતાં રડતાં નિશાળે નથી જવું એમ બોલતા સાંભળીએ છીએ, આપણને દયા આવી જાય છે, પણ માતા-પિતાને આવતી નથી! બહુ નાની ઉંમરે તેઓને નિશાળે ધકેલી દેવાથી તેઓની કુદરત પાસેથી શીખવાની આવડત આપણે છીનવી રહ્યા છીએ. મુક્ત વાતાવરણમાં ઉછરવા માંગતા બાળકોને આપણે વર્ગખંડોમાં કેદ કરીને તેઓમાં રહેલી નિખાલસતા અને નિર્દોષતાને ડગલે ને પગલે આપણે કચડી રહ્યા છીએ.

    રમવા માંગતા બાળકોના હાથમાં નોટબૂક અને પેન પકડાવીને આપણે શું સાબિત કરવા માંગતા હોઈએ છીએ? વળી એ બાળકો કેટલા કેટલા ચોપડાઓમાથી કેટલી કેટલી જુદી જુદી ભાષાઓ શિખતા રહે છે. કક્કાનો ક’,એ.બી.સી.ડી. નો એબેમાથી શું શીખવું એમાં જ એ કંફ્યૂઝ થતા રહે છે. 2થી4 વર્ષના બાળકોનો સરકારે નક્કી કરેલો અભ્યાસક્રમ કોઈ છે જ નહી, એટલે દરેક નિશાળો વાળા અલગ અલગ પ્રકાશનોના ચોપડા,( જેમાથી તેઓને સૌથી વધુ કમિશન મળતું હોય) બાળકોને ફરજિયાત લેવડાવતા હોય છે. આ ઉંમરના બાળકો સમજ્યા વિના અંગ્રેજીની પોએમ્સ બોલ્યા કરે એવું ઇચ્છતા માતા-પિતા બાળકોને બધુ ગોખાવતા રહે છે. પોતાનું બાળક ભણવા નથી માંગતુ છતાં તેઓને પરાણે ભણાવવાનું આ વજન જ બાળકોને શિક્ષણથી દૂર કરી દેતું હોય છે. મનોવિજ્ઞાન એવું કહે છે કે આ સમયગાળા દરમિયાન બાળક સૌથી વધુ શીખે છે, પણ પોતાનું મનગમતું શીખે છે, એ આપણે સૌ ભૂલી જ ગયા છીએ.

        બાળકોને જુદા જુદા ક્લાસીસમાં મોકલીને આપણે તેઓ પર વજનનો મોટો ટોપલો મૂકી દેતા હોઈએ છીએ. વેકેશન પણ આપણે તેઓ પાસેથી છીનવી લીધું છે! સગા-સંબંધીઓ અને મિત્રોના બાળકો સાથે આપણાં બાળકોની સરખામણી કરતાં રહીને આપણે તેઓને ક્યારેય ના પૂરી થાય એવી રેસમાં દોડાવતા રહીએ છીએ. કુદરતનું કોઈ તત્વ ક્યારેય એકબીજાની સરખામણી નથી કરતું. પણ આપણે બાળકોને એકબીજા સાથે સરખાવ્યા જ કરીએ છીએ. પેલાનું છોકરું સારો ડાન્સ કરી શકે કે ગીત ગાઈ શકે તો મારૂ કેમ નહી? બસ આ જ કારણે આપણે તેઓમાં રહેલી ખામીઓ કે વિશેષતાઓને સમજ્યા વિના તેઓને બીજા બાળકો સાથે સરખાવતા જ રહીએ છીએ. અને એ સરખામણીના બોજનું વજન તેઓ આખી જિંદગી ફીલ કરતાં રહે છે. મનોજકાકાનો છોકરો જે છોકરી ડોક્ટર કે એંજિનિયર થઈ એટલે મારે પણ એ જ ભણવાનું! આ વજન તો ઘણીવાર તેઓનો જીવ પણ લઈ લે છે. આવું બાળકો સાથે શાળાઓમાં પણ થતું રહે છે. હોશિયાર અને ઠોઠનું વજન તેઓ કાયમ અનુભવતા રહે છે. તેઓને આપણે જે કોઈપણ ખરાબ લેબલ લગાડતા રહીએ છીએ, તેનું વજન પણ તેઓ ફીલ કરતાં રહે છે!

    આપણી અપેક્ષાઓના બોજનું વજન, આપણાં સપનાઓ પૂરા કરવાના બોજનું વજન, માતા-પિતા અરસપરસ લડતા રહે છે, તેનું વજન, આપણે તેઓ પાસેથી છીનવી લીધેલા બાળપણનું વજન, સમય આપવાને બદલે હાથમાં પકડાવી દીધેલાં ઈલેકટ્રોનિક ગેજેટસનું વજન, બાળમજૂરીનું વજન, આ બધા વજન હેઠળ તેઓ દટાઇ રહ્યા છે. આ બધા વજનોનું માપ કોણ નક્કી કરશે?

   બાળકોના દફતરમાં ભાર કેમ વધુ છે?  કારણકે એ ભાર માપવાનો આપણો માપદંડ જ ખોટો છે!!!

 

No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...