Friday, 5 August 2022

ઘરના કામ માટે સ્ત્રીઓને પગાર મળવો જોઈએ..... લાગણીઓની કોઈ શું કિંમત ચૂકવી શકશે....?

 

ઘરના કામ માટે સ્ત્રીઓને પગાર મળવો જોઈએ..... લાગણીઓની કોઈ શું કિંમત ચૂકવી શકશે....?

Should housework be a salaried profession? | India News - Times of India

      પપ્પા સાંજે ઓફિસેથી ઘરે આવે છે. મમ્મી પાસે આવીને કહે છે, આજનો હિસાબ લાવ એટલે તને આજનો પગાર ચૂકવી દઉં. મમ્મી હિસાબ લખાવે છે,

  રસોઈના, વાસણ સાફ કરવાના, કપડાની ઈસ્ત્રીના, ઘર સાફ કરવાના, બાળકોની સંભાળ રાખવાના, બાળકોનું સ્કૂલ ટિફિન બનાવવાના, મમ્મી-પપ્પાની સારસંભાળ રાખવાના, કપડાં ધોવાના, વગેરે વગેરે...... યાદી લાંબી થતી જાય છે, અને સાથે સાથે પપ્પાના હ્રદયની ધડકનો પણ વધતી જાય છે. પપ્પા મમ્મીને પૈસા આપતા આપતા થાકી જાય પણ ઘરના કામોનો કોઈ હિસાબ જ પૂરો થતો નથી. જ્યાં છેલ્લો ટોટલ કરવા જાય કોઈને કામના પૈસા ગણતરીમાં રહી જાય છે! આ કામોના આંકડાઓનું મૂલ્યાંકન તો કોઈ અબજોપતિ પણ કરી શકે એમ નથી!

   ઉપર જે લિસ્ટ આપેલું છે,  એ તો માત્ર મોટા મોટા કામોનું આર્થિક વળતર આપણે નક્કી કરી રહ્યા છીએ, એવા તો કેટલાયે નાના નાના કામો છે, જેને આપણે ગણતરીમાં લઈએ તો સ્ત્રીઓનું દૈનિક પેકેજ એકદમ ઊંચું જતું રહે એમ છે. કોઈપણ જાતની ડિગ્રી વિના સ્ત્રીઓ જે રીતે સમગ્ર ઘરનું સંચાલન કરતી હોય છે. આઈ.આઈ.એમ. વાળા કેસ સ્ટડીમાં એક સ્ત્રી દ્વારા ઘરના સંચાલન નો  જીવંત વિષય પોતાના વિદ્યાર્થીઓને સમજાવી શકે એમ છે! પુરુષ જેટલો પગાર લાવે એમાં ઘરના કોઈપણ સભ્યની જરૂરિયાત બાકી ના રહી જાય એ રીતે એ પગારનું આયોજન માત્ર ને માત્ર સ્ત્રીઓ જ કરી શકે છે.

  ઘણા બધા સમયથી સ્ત્રીઓને ઘરકામ માટે આર્થિક વળતર મળવું જોઈએ, એવી વાતો અને ચર્ચાઓ થતી રહે છે. સ્ત્રીઓ ઘરે જે કઈ કામ કરે છે, તેનું કોઈ મૂલ્ય નથી એવું લગભગ બધી સ્ત્રીઓને લાગે છે, તો કેટલાક પુરુષો એવું માને છે કે સ્ત્રીઓને ઘરે કામ જ શું હોય છે? એકવાર તેઓ ઘરે રહીને આખા દિવસનું કામ કરે, બાળકોને સંભાળે તો તેઓને સમજાય કે સ્ત્રીઓ ઘરે કેટલું કામ કરતી હોય છે? તેઓ માત્ર સ્ત્રીઓના કામનું લિસ્ટ બનાવશે તો પણ તેઓને સમજાય જશે કે  સ્ત્રીઓ ઘરે રહીને કેટલા કામ કરે છે.  

    આર્થિક વળતરને વધુ પડતું મહત્વ આપવાના આપણાં માપદંડોએ જ આ પ્રશ્ન ઊભો કર્યો છે. આપણે બધા મૂડીવાદીઓ બની ગયા છીએ, જે માનવીને માત્ર આર્થિક માનવી જ સમજે છે. ઘરમાં જે પૈસો લઈને આવે, તેનું મહત્વ આપણે વધુ આંકીને સદીઓ સુધી સ્ત્રીઓને અન્યાય કર્યો જ છે અને સાથે સાથે સ્ત્રીઓ પણ એ અન્યાય સહન કરીને પોતે પોતાના અસ્તિત્વને ઠેસ પહોંચાડતી રહી છે. હજી આજની તારીખે પણ ઘણી સ્ત્રીઓ પુરુષોના કામને જ વધુ મહત્વ આપતી હોય છે.

     પ્રશ્ન ગૃહિણીઓને આર્થિક વળતર આપવાનો છે જ નહી. પ્રશ્ન તો છે, તેઓના કામને સન્માન આપવાનો અને કામના વર્ગીકરણને દૂર કરવાનો! આપણે શા માટે આ કામ માત્ર સ્ત્રીઓ એ જ કરવું જઈએ અને આ કામ માત્ર પુરુષોએ જ એવું વર્ગીકરણ કરતાં રહીએ છીએ. પુરુષ આખા દિવસના કામથી થાકેલો હોય એમ સ્ત્રીઓ પણ હોય શકે છે, એવું આપણે શા માટે માનવા જ તૈયાર નથી હોતા? અને હવે તો સ્ત્રીઓ પણ આર્થિક રીતે પગભર થઈ રહી છે, તો બંને સાથે મળીને ઘરકામ કરે એમાં ઘરના કોઈ સભ્યને વાંધો ના હોવો જોઈએ.

    સ્ત્રી થકી મકાન ઘર બને છે. સ્ત્રી વિનાનું ઘર આત્મા વિનાના શરીર જેવુ થઈ જતું હોય છે. ઘર લાગણીઓથી સીંચાતું હોય છે, કબાટની કઈ થપ્પીમાં કોના કપડાં પડ્યા છે? સવારે દૂધ કેટલા વાગ્યે આવે છે? મમ્મી-પપ્પાને દવા ક્યારે આપવાની છે?, બાળકોને કેટલું હોમવર્ક કરાવવાનું છે?, ઘરના ફ્રીજમાં શાકભાજી છે કે નહી? ઘરમાં કરિયાણાની કોઈ વસ્તુઓ ખૂંટે છે કે કેમ? વગેરે વગેરે બાબતોનું ધ્યાન તે એકદમ કાળજીથી રાખતી હોય છે, રસોઈમાં એ પ્રેમ ઉમેરે છે, એટલે એ રસોઈ આપણાં સૌની પ્રિય વાનગી બની રહે છે. અને આ બધી પ્રવૃતિઓમાં રહેલા તેના પ્રેમને આપણે ફીલ કરીએ એટલે તેનો આખા દિવસનો થાક ઉતરી જશે.

   આ ચીવટ અને લાગણીઓનું કોઈ શું આર્થિક મૂલ્ય નક્કી કરી શકશે? જે કશુંક પૈસાની પહોંચથી દૂર છે, એને શા માટે પૈસાના પરિઘમાં લાવવાની કોશિશ કરવી? એક મકાનને ઘર બનાવવા સ્ત્રી સતત મથતી રહે છે. ભલે વિતેલા જમાનાએ સ્ત્રીઓના અસ્તિત્વ પ્રત્યે જરાપણ ધ્યાન નથી આપ્યું, પણ હવે એ પરિસ્થિતિમાં ઘણો ફેરફાર થવા લાગ્યો છે. બધુ ભલે નથી બદલાયું પણ ઘણું બધુ બદલાઈ રહ્યું છે. આ સમાજ એક ગૃહિણીઓને તેઓના કામનું વળતર શું આપી શકશે? હકીકત તો એ છે કે સ્ત્રીઓ થકી થતાં ઘરકામનું કોઈ મૂલ્ય જ આંકી શકાય એમ નથી.

 

 

     

 

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...