Wednesday, 31 January 2018

ઓનર કિલિંગ અને આપણે,

ઓનર કિલિંગ અને આપણે,



        આજનો માણસ આધુનિક માણસ ગણાય છે.ભણેલો, ગણેલો,સુસભ્ય અને સુવિકસિત એ આજના માણસની ખાસિયત ગણાય છે. આજે આપણી પાસે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી છે.એટલી સોસીયલ સાઈટસ છે કે માણસને એકલું ના લાગે.( છતાં લાગે છે એ કૌંસમાં રાખું છું) આપણે બીજા ગ્રહો પરના જીવનને સમજવામાં પડ્યા છીએ. ક્યાં ગ્રહ પર વસવાટ હતો કે વાતાવરણ છે કે નહિ? વગેરે કોયડાઓ ઉકેલવા માટે આપણે અબજો રૂપિયા ખર્ચી કાઢીએ છીએ. સતત નવા સંસોધનો માનવજીવનને વધુ ને વધુ સુખ અને સગવડ આપવાની સ્પર્ધામાં ઉતર્યા છે. અને હજી એ પ્રવાહ ચાલુ જ છે. રોજ કઈક નવું શોધતું રહે છે, મને લાગે છે ભવિષ્યમાં લાગણીઓ અને સ્નેહ માપવાના મશીન પણ આવશે. જેમ મશીનથી આપણે બી.પી. અને ડાયાબીટીસ જેવા રોગો માપીએ છીએ, સંવેદનાઓ માપવાનું પણ મશીન આવશે! રોબોટ ટેકનોલોજી પણ આપણા જીવનમાં આવવા થનગની રહી છે.કૃત્રિમ બુદ્ધિ વિકસાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.ટુકમાં આપણે સઘળું મશીનને સોપી દેવાના મૂડમાં આવી ગયા છીએ.ટેકનો એજમાં બધું જ આપણે ટેકનોલોજીને શરણે ચડાવી દીધું છે,એક ટેકનોલોજી વાપરીએ અને સમજીએ ત્યાં બીજી આવી જાય છે. બજાર તમામ પ્રકારની ચીજોથી ઉભરાય રહ્યું છે,પણ એક ક્ષ્રેત્ર એવું છે, જ્યાં આ ટેકનોલોજી પ્રવેશી નથી. તમને થશે હજી પણ કોઈ એવું ક્ષ્રેત્ર બાકી છે ખરું જ્યાં આધુનિકતા નથી આવી! માન્યમાં નથી આવતું ને? પણ છે એવું ક્ષેત્ર જ્યાં હજી આપણે જૂની સદીઓમાં જૂની પરંપરાઓ સાથે જીવી રહ્યા છીએ. જ્યાં હજી ઝડતા જોવા મળે છે. જ્યાં હજુ ઘણું બદલાવવાનું બાકી છે, જ્યાં આધુનિકતા પ્રવેશી નથી.જ્યાં પરિવર્તનો આવતા નથી. જ્યાં રીતી-રીવાજો બદલાતા નથી. ગમે તેવી ટેકનોલોજી પણ જ્યાં અસ્તિત્વ ધરાવતી નથી. એ ક્ષ્રેત્ર છે, આપણા વિચારોનું ક્ષ્રેત્ર, આપણી જૂની-પૂરાણી પરંપરાઓનું ક્ષ્રેત્ર અને જેમાં આપણે વસીએ છીએ એ સમાજનું ક્ષ્રેત્ર! વૈચારિક રીતે આજે પણ આપણે ત્યાં જ છીએ,જ્યાં સદીઓ પેલા હતા. આપણા વિચારોનું time-મશીન એ જુના સમયમાં જાણે સ્થગિત થઇ ગયું છે.
 હું એક સવાલ પૂછું તમને સૌને, શું નવા વિચારો આપણને કદી આવતા જ નથી? આપણે ગ્રહો,લઘુગ્રહો,ઉપગ્રહોને સમજી શક્યા છીએ,પણ આપણા પૂર્વગ્રહો ખોટા છે એ સમજી શકતા નથી.ને હવે બીજો સવાલ પૂછું છું, માતા-પિતાને સૌથી વધુ પ્રેમ કોના પ્રત્યે હોય છે? તમે કહેશો, પોતાના સંતાનો પ્રત્યે. સરળ જવાબ છે. પણ ઘણા માતા-પિતા માટે આ સાચું નથી. કારણ તેઓ માટે સૌથી અગત્યની તેઓની આબરૂ હોય છે. અને એટલે જ કેટલાક માતા-પિતા પોતાના સંતાનોને ‘ઓનર-કિલિંગ’ ના નામે પોતાની કહેવાતી આબરૂ જાળવવા પોતાના જ સંતાનોને મારી નાખતા હોય છે.મને તો એ જ નથી સમજાતું કે કિલિંગ આગળ ઓનર શબ્દ ફીટ જ કેવી રીતે બેસી સકે? અમુક જ્ઞાતિઓ અને કુટુંબોમાં જેવી ખબર પડે દીકરી કોઈ ઈત્તર જ્ઞાતિના છોકરાને પ્રેમ કરે છે, માં-બાપ દીકરીને મારી નાખવા ઈચ્છે છે અને મારી પણ નાખે છે.શું પ્રેમ એ એવડી મોટી ભૂલ છે, કે માતા-પિતાએ પોતાના સંતાનોને મારી નાખવા પડે. હકીકત તો એ છે કે આપણા સમાજમાં કુટુંબની આબરુને સંતાનોના પ્રેમ કરતા પણ ઉંચી ગણવામાં આવે છે.કુટુંબની આબરુથી ઊંચું જાણે કોઈ છે જ નહિ એવું જોવા મળે છે. દરેક માતા-પિતા એવું ઈચ્છે કે મારા સંતાનો માત્ર મારી જ્ઞાતિમાં જ લગ્ન કરે.અહી પણ જ્ઞાતિ ને ઊંચ-નીચનો સવાલ આવી ઉભો રહી જાય છે. શું આપણે ધર્મ જ્ઞાતિ વગેરેની સ્થાપના માણસ માટે કરી છે કે પછી માણસ માટે આ બધું છે? દરેક બાબતમાં માણસને નિમ્ન ગણી તેની સાથે આવો ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. શું ઘરની આબરૂ દીકરી કરતા પણ ઉંચી હોય છે? હરિયાણા જેવા રાજ્યોમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. જેન NH-૧૦ મુવી જોયું હશે આ સમસ્યા જોઈ હશે. ક્યાં સુધી આપણે આવી ખરાબ બાબતોને સ્વીકારતા રહીશું? શું નવા વિચારો કદી આપણને આવું કૃત્ય કરતા નહિ રોકે? જ્ઞાતિના વાડા એટલા મજબુત કરી ક્યાં સુધી આપણે દીકરીઓ સાથે અન્યાય કરતા રહીશું? જો દીકરી જ ઘરની આબરૂ ગણાય તો પછી શા માટે એની આબરૂ લુંટાતી હોય ત્યારે આપણે ચુપ હોઈએ છીએ? એ બાબતમાં તો કોઈનું ઓનર કદી ઘવાતું નથી.
Image result for honour killing images
  ઘણા માં-બાપ દીકરીને મારી નાખવા ઝેર કે એસીડ જેવા પદાર્થોનો ઉપયોગ કરતા પણ અચકાતા નથી. ફાંસી આપી દેવી. અને ઘણી જ્ઞાતિઓમાં તો છોકરા-છોકરી બંને ને મારી નાખવામાં આવે છે.જો છોકરા-છોકરીએ ભાગીને લગ્ન કરેલા હોય તો એને પકડીને મારી નાખવામાં આવે છે,. આવો ન્યાય કરનાર સમાજ કદી પ્રગતિના પંથે જઈ શકે નહિ. જે સંતાનોને નાનપણમાં દૂધ પીવડાવી મોટા કર્યા હોય તેને ઝેર કે એસીડ પાય મારી નાખતા શું માં-બાપનું કાળજું નહિ કંપતું હોય? જે હાથ માત્ર સંતાનોના ભલા માટે પ્રાર્થના કરતા હોય એ એને મારી નાખવા કેમ ઉપડતા હશે.એવી તો માં-બાપને શી મજબૂરી હશે કે ઓનર-કિલિંગ કરવું પડે! હકીકત તો એ છે કે સમાજ, જ્ઞાતિ, વગેરે એ માણસને સાવ ઝાડ બનાવી દીધો છે.એને એક એવા ઊંડા કુવામાં નાખી દીધો છે, જ્યાંથી તે બહાર આવી શકતો નથી.
 નાના ગામડાઓમાં તો ઓનર-કિલિંગ એક ફેશન થઇ ગઈ છે. હાલતા છાપામાં આવા કિસ્સાઓ વાચવા મળતા રહે છે. કેટલાય તો બહાર પણ નહિ આવતા હોય. માતા-પિતા જેને આપણી સંસ્કૃતિએ ઈશ્વરની ઉપમા આપી છે, એ જયારે આવું કૃત્ય કરતા ના અચકાય તો બીજા પાસેથી શું અપેક્ષા રાખવાની? માત્ર સમાજની બીકે ખુદના સંતાનોને મારી નાખવા એ કેટલા અંશે વ્યાજબી ગણાય! વિચારજો અને કહેજો. સંતાનોને એ રસ્તેથી વાળી શકાય,સમજાવી શકાય. પણ એના માટે એને મારી નાખવા એ કોઈ કાયમી ઉકેલ નથી. માત્ર સમાજની બીકે આવું કરનાર હત્યારા જ ગણાય અને તેઓને પણ ગુનેગારની જેમ સજા આપવી જોઈએ.જેથી કોઈ બીજું આવું ના કરે.ચાલો સૌ સાથે મળી આ ખરાબ બાબતનો વિરોધ કરીએ. માતા-પિતાને અને સમાજને અને જ્ઞાતિના મહાનુભાવોને સમજાવીએ કે ‘ઓનર-કિલિંગ’ બંધ કરે. અને ખાસ તો સરકારને કહીએ કે આવા કૃત્ય વિરોધ એવો કડક કાયદો ઘડે કે લોકો સપને પણ આવું કરવાનો વિચાર ના કરે!
 Image result for honour killing images


No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...