Thursday 12 April 2018

ભ્રષ્ટાચાર, અને આપણે


ભ્રષ્ટાચાર, અને આપણે


           








આ ભારતમા ઘરે ઘરે, ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, ઓફિસે ઓફિસે ટી.વી. ના દરેક કાર્યક્રમોમાં, અરે દરેક જગ્યાએ ચર્ચાતો વિષય છે, અને એવરગ્રીન વિષય છે. બધાને આની ચર્ચા કરવી ગમે છે. એને વખોડવો ગમે છે, કોણ કેટલું ભ્રષ્ટ છે એ માપવાની મજા સૌને આવે છે. સૌ એવું ત્રાજવું લઇ બેસે છે કે તોલી સકે કોણ કેટલું ભ્રષ્ટ છે? આ દેશમાં નેતાઓ,વેપારીઓ,પત્રકારો,કલાકારો,અધિકારીઓ,ડોકટરો, વકીલો,શિક્ષકો,પટ્ટાવાળાઓ,ઓફિસરો, અરે બધા જ ‘ભ્રષ્ટ’ છે. તો પછી કોણ કોને આંગળી ચીંધી સકે? કારણ એક આંગળી ચિંધનાર ની બાકીની આંગળીઓ પોતાના તરફ હોય છે. અને આ બધા જ જાણે છે, છતાં બધા એવી રીતે ચર્ચાઓ કરતા હોય જાણે તેઓ ભ્રષ્ટ ના હોય. હકીકત તો એ છે કે આપણા દેશમા ભ્રષ્ટાચાર લોકોનો સ્વભાવ બની ગયો છે. જેમ કોઈ રોગ લોહીમાં ભળી જાય પછી એનો ઈલાજ શક્ય ના બને એમ જ ભ્રષ્ટાચાર આપણા સૌના લોહીમાં ભળી ગયો છે. જેનો કોઈ ઈલાજ શક્ય જ નથી. વેલ એવું નથી કે એનો કોઈ ઈલાજ નથી એ ઈલાજ કોઈએ સ્વીકારવો નથી. ભ્રષ્ટાચારનું પ્રિસ્ક્રીપ્શન બહુ સરળ છે. “સાદું અને સાચું જીવન જીવો” પણ એ આપણે સ્વીકારવું નથી. સૌને તમામ સુખ-સગવડો વાળું જીવન જોઈએ છીએ,બીજાઓ જીવે છે એવું વૈભવશાળી જીવન જોઈએ છે. માટે આ રોગનું પ્રિસ્ક્રીપ્શન કોઈ અમલમાં મૂકતું નથી.
  કોઈપણ કૌભાંડ પકડાય ત્યારે તમે માર્ક કરજો, કેટકેટલા લોકો એમાં સંડોવાયેલા હોય છે, નીચેથી ઉપર તમામ કેટેગરીના લોકો એમાં ભળેલા હોય છે. કોભાંડ કરનાર જાણે છે કે અહી દરેક વ્યક્તિની એક કિમત છે જે એ ચુકવવા તૈયાર છે. એના માર્ગમાં જેટલા લોકો આવે બધાને એ ‘ભ્રષ્ટ’ કરી મુકે છે.જેથી પકડાવવાનો સવાલ જ રહેતો નથી. છેલ્લા થોડા વર્ષોમાં આપણા દેશમાં થયેલા કોભાંડો પર નજર નાખશો તો ખ્યાલ આવશે, કોમનવેલ્થ કોભાંડ,સ્ટેમ્પપેપર કોભાંડ,ટેલિકોમકોભાંડ,કોલસા કોભાંડ,વગેરે વગેરે...લીસ્ટ લાંબુ છે. પણ સવાલ એ છે કે આ બધા અબજો રૂપિયામાં કન્વર્ટ થયા ત્યારે પકડાયા વર્ષો પછી પકડાયા અને આખી ચેનલ એમાં સામેલ હતી. જેના ભાગે જે આવે, બધાએ ખાઈ લીધું. એક ઓફીસ હોય તો એમાં કામ કરતા તમામ લેવલના કર્મચારીઓ રિશ્વત લેતા હોય છે. જેવી જેની ક્ષમતા અને પહોચ. અરે પત્રકારત્વ જેને આપણે લોકશાહીનો ચોથો આધાર-સ્તંભ કહીએ છીએ,એ પણ સમાચાર છાપવાના, કોઈ મુદ્દાને ઉછાળવાના કે ક્લોઝ કરી દેવાના પણ પૈસા તેઓ લેતા રહે છે. શિક્ષકો પેપર ફોડવા કે imp પ્રશ્નો આપવાના પૈસા લેતા રહે છે. સી.બી.એસ.સી. ના પેપર ફૂટ્યા એ તેનું ઉદાહરણ છે, આવું તો ઘણ બધી પરીક્ષાઓમાં થાય છે. નેતાઓ તો આપણે ત્યાં આ બાબતે સૌથી પ્રખ્યાત છે. એટલે એની ચર્ચાઓ કરવી નથી.કારણ એને ચૂંટીને આપણે જ તો મોકલીએ છીએ. આવી રીતે બધાજ લોકો પોતપોતાની રીતે ભ્રષ્ટાચાર કરતા રહે છે અગર તો એને પ્રાત્સાહન આપતા રહે છે.
આપણે તો એડમીશન લેવા માટે, લાંબી લાઈનોમાં ઉભું ના રહેવું પડે, નોકરી માટે, ઇન્ટરવ્યુમાં પાસ થવા માટે, એમ દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરતા રહીએ છીએ. નાના નાના કામો માટે પણ આપણે આ દુર્ગુણનો સહારો લેતા હોઈએ છીએ. રસ્તામાં ટ્રાફિક પોલીસ પકડે એને દંડ ના આપવો પડે એટલે એની સાથે સેટિંગ કરતા હોઈએ છીએ. કૂપનનું કેરોસીન ‘કાળાબજાર’ માં વેચી, કે ગેસનો બાટલો બારોબાર વેચી, બીલ વગરનો માલ ખરીદી, આર.ટી.ઓ. માં લાયસન્સ જલ્દી મળી જાય એટલે કે પછી ડોકટર પાસેથી ખોટું મેડીકલ સર્ટિ કઢાવવા પણ સેટિંગ કરતા હોઈએ છીએ. અરે આપણા આરોગ્ય માટે જરૂરી એવી બાબતોમાં પણ આપણે ભ્રષ્ટાચાર કરતા હોઈ છીએ. પોતાના બાળકોને સારી કોલેજમાં એડમીશન અપાવવા માતા-પિતા ડોનેશનના નામેં રિશ્વત જ તો આપે છે. આમાંથી સમાજનો કોઈ એક વર્ગ બાકાત નથી. બધા પોતાનું કામ કરાવી લેવા આવું નાનું-મોટું સેટિંગ કરતા રહે છે. અને એટલે જ આપણે આ રોગનો નિકાલ કરી શકતા નથી. ભ્રષ્ટાચાર મુક્ત ભારત એક કલ્પના માત્ર છે. રામરાજ્ય તો સપનામાં કન્વર્ટ થઇ ગયું છે. આવું શુકામ થાય છે, એના માટેનું કારણ એક જ છે, આપણે સૌએ એને ‘વ્યવહાર’ તરીકે સ્વીકારી લીધું છે. જેમ હવા,પાણી, ખોરાક વિના ના જીવી શકાય એમ ‘ભ્રષ્ટાચાર’ વિના ના જીવી શકાય એવું આપણે માનતા થઇ ગયા છીએ.અરે આપણી માંગ સ્વીકારવા કે જરૂરિયાતો પૂરી કરાવવા આપણે તો આપણા ઈશ્વર,અલ્લા,ઈશુ વગેરે ને પણ ..................................હવે તમે સૌ જાણો જ છો. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં બીજું કોઈ પીઠબળ જરૂરી નથી, પણ આપણે શ્રદ્ધા સાથે પણ પૈસાને જોડી દઈએ છીએ.
તમને થશે તો શું આપણા દેશમા પ્રમાણિક માણસો છે જ નહિ. અરે મિત્રો છે ને! પણ એને તો સૌએ ‘એલિયન’ માની લીધા છે. જે પ્રામાણિક છે,એને આપણે વેદિયા કે સમય સાથે ના ચાલનાર કે સિદ્ધાંતના પૂંછડા કહી એકલા પાડી દઈએ છીએ. એવા માણસો જાણે આ દેશમાં દુખી થાવા જ આવ્યા હોય એવું લાગે છે. કોઇપણ ડીપાર્ટમેન્ટમાં આવા માણસો હિજરાતા રહે છે, આંખો સામે ખોટું થતા જુએ છે, પણ કશું કરી શકતા નથી. સાવ એકલા પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરી તેઓ લડતા રહે છે અને એક દિવસ રીટાયર્ડ પણ થઇ જાય છે. તેઓને માત્ર એટલો સંતોષ રહે છે, આપણે પ્રામાણિક જીવન જીવ્યા. પણ અફસોસ એટલો રહી ગયો કે સીસ્ટમ સુધારી શક્યા નહિ. આપણને પ્રામાણિક વ્યક્તિઓ ગમે છે, પણ પ્રામાણિક થવું ગમતું નથી. બધા જાહેરમાં પ્રવચન કે ભાષણ આપતા હોય એ સંભાળીને એમ લાગે આહા આના જેવું પ્રામાણિક કોઈ નહિ હોય,પણ વાસ્તવિકતા કઈક જુદી જ હોય છે. અરે અહી તો લોકો સપ્તાહ સાંભળીને ઘરે જતા હોય ને રસ્તામાં કોઈ રોકે તો ‘ટ્રાફિક-પોલીસ’ સાથે સેટિંગ કરતા જોવા મળે છે. પૂજા કરીને બહાર નીકળે અને કોઈકના સારા ચંપલ લઇ જતા રહે છે. એટલે એવું ના માનતા જેઓ બહુ ધાર્મિક છે, તેઓ નૈતિક છે. તેઓ પણ આ દોડમાં સામેલ છે. બાકી આપણે વાત કરી એમ પ્રમાણિક માણસો મળી બધે આવે છે, પણ પૂજાતા ક્યાય નથી. એ બધાને નડે છે અને એટલે સૌથી વધુ દુખી થાય છે. બાકી રહી વાત ‘ભ્રષ્ટાચાર’ દુર થવાની તો દિલ્હી હજી અનેક ‘પ્રકાશવર્ષ’ દૂર છે. અને આપણું અને મુલ્યો વચ્ચેનું અંતર વધતું જ જાય છે.
  આપણે જે જે બાબતોને સ્વીકારી લીધી છે, એ આપણે કદી દુર કરી શકવાના નથી. પ્રત્યેક કામ માટે આપણે એક કિમત ચૂકવીએ છીએ અને એટલે જ “ ભ્રષ્ટાચાર’ ઘટવાનો કે દુર થવાનો નથી.
      
 નાના હતા ત્યારે નિબંધ પૂછાતો,
 "ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર" હજી એમાં કોઈ ફર્ક પડ્યો નથી.
.

                                                                                                                            

No comments:

Post a Comment

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...