Sunday 12 July 2020


 

 

 

 

 

 

અમુક લેખોને કોઈ શિર્ષકની જરૂર નથી હોતી. અમુક વ્યક્તિત્વો જ એવા હોય છે, જેને તમે આલેખો એટલે શબ્દો પણ ઓછા પડે! ‘larger than life’ એવું આપણે ઘણા લોકો માટે કહેતા હોઈએ છીએ. એકવાર મે મારી એક સંસ્કૃત શીખવતી ફ્રેંડને પૂછેલું “ મોક્ષ એટલે શું?” અને તેને મને જવાબ આપેલો કે તમે તમને સોંપેલું કામ પૂરેપુરી પ્રતિબદ્ધતા અને કર્તવ્ય-નિષ્ઠાથી કરો અને જે શાંતિ પ્રાપ્ત થાય એ મોક્ષ! છે ને મિત્રો જીવનમાં ઉતારવા જેવી વાત. મોટાભાગના લોકો નથી ઉતારતા અને એટલે તેઓને ઈશ્વરને શોધવા કે મળવા ધર્મ-સ્થાનોમાં જવું પડે છે, પણ જેઓ પોતાની ફરજને શ્રેષ્ઠ રીતે નિભાવે છે, તેઓને ઈશ્વર ખુદ શોધતા આવે છે. તેઓ માટે પોતાનું કામ એ જ તેઓની પૂજા હોય છે. આવા લોકો પોતાને સોંપેલું કામ પૂરેપુરી એકાગ્રતા અને કુશળતાથી કરતાં હોય છે. આપણે જીવનમાં સફળ થવા ઇચ્છતા હોઈએ છીએ. પણ એ નથી સમજતા કે સફળતા માત્ર સેલિબ્રેટી બનવામાં નથી હોતી. આપણે આપણા રોજના કાર્યને શ્રેષ્ઠ રીતે કરતાં રહીશું, તો પણ સફળ જ હોઈશું. સફળતાના માપદંડો ભલે સમાજ નક્કી કરે, પણ એનો એક છેડો ઈશ્વર પોતાની પાસે પણ રાખે છે. અને એ છેડા પર જ્યારે કામ આવીને અટકે, આપણે ધર્મમાં ઉતરવાની જરૂર નથી રહેતી, ધર્મ જ આપણામાં ઉતરી જતો હોય છે.

    આજે આપણે જે વ્યક્તિની વાત કરવાના છીએ, એ કોઈ સેલિબ્રેટી નથી, પણ તેણે પોતાના કામને ઉત્સવ બનાવી એવી મસ્ત રીતે સેલીબ્રેટ કર્યું છે કે આપણે સૌએ પણ તેઓના જીવનમાથી એ શીખવાનું છે કે કોઈ કામ કદી નાનું કે મોટું નથી હોતું. આપણે જો કોઈપણ કાર્યને આપણા અસ્તિત્વ અને વ્યક્તિત્વ સાથે જોડી દઇશું, તો એ કામ યજ્ઞ બની રહેશે. અને યજ્ઞ થકી જીવનનું વાતાવરણ હમેંશા શુદ્ધ જ રહે છે! હવે આપણી આજની વ્યક્તિ પર આવીએ, તમને પેલા થોડો પરિચય આપી દઉં,

   નામ :  ડી. સિવન કુનૂરે

   ગામ: કુનનુર ( તમિલનાડુ)

   કામ : ટપાલી

હવે તમને થશે, ટપાલી વિષે આજે હું લખી રહી છુ, મે તમને આગળ જ કહ્યું આપણે એક સામાન્ય માણસની અસામાન્ય સિદ્ધિ વિષે લખવાનું છે. તો ચાલો એક સંઘર્ષ-કથાની સફરે.......

  સ્ટીવ જોબ્સે તેમની આત્મ-કથામાં એક સરસ વાક્ય લખ્યું છે, “ કા તો ગમતું કામ કરો અને નહીં તો કામને ગમતું કરો.” આ સંઘર્ષ-કથાના નાયકે કામને ગમતું કર્યું છે. અત્યારે તો ઝડપી પ્રત્યાયનનો જમાનો છે, પત્રોનું સ્થાન એ-મેઇલ જેવી સર્વિસે લઈ લીધું છે. પણ હજી આપણા જીવનમાં ટપાલીનું સ્થાન અકબંધ રહ્યું છે. જ્યારે આ ઝડપી સર્વિસો નહોતી ટપાલી કુટુંબનો એક સભ્ય ગણાતો! મોટા-મોટા શહેરોથી લઈને નાના નાના ગામડાઓ સુધી ટપાલી સારા અને ખરાબ સંદેશાઓ પહોચાડતાં. લોકો તેમની રાહ જોઈ બેસતાં. એમાં પણ કોઈ પ્રિય વ્યક્તિનો પત્ર આવવાનો હોય, ત્યારે તો ઘણા ડેલીએ જ બેસી રહેતા! વળી કોઈ ગામમાં કોઈ વ્યક્તિને વાચતાં ના આવડતું હોય તો એ સંદેશ વાચવાનું કામ પણ ટપાલી જ કરતો. આમ ટપાલી લોકોના સુખ-દૂ:ખ સાથે જોડાયેલું પાત્ર હતું.

  આજે આપણે જે ટપાલીની વાત કરી રહ્યા છીએ, એ ટપાલીએ સતત 30 વર્ષો સુધી અટક્યાં વિના લોકોને પત્રો પહોંચાડવાનું કામ કરેલ છે. ડી.સિવને દુર્ગમ વિસ્તારોમાં અત્યાર સુધીમાં હજારો લોકોને પત્રો પહોચાડયા છે. તેઓને રોજ જંગલોમાથી પસાર થવું પડતું. ઘણીવાર તો જંગલી પ્રાણીઓ પણ તેઓની પાછળ પડતાં. પણ તેઓ અટકતા નહીં. એટલું જ નહીં, તેઓ રોજ 15 કિમી ચાલતા અને પત્રો પહોચાડતાં! એમનો રસ્તો એકદમ ભયજનક હતો, ત્યાં પાકી સડકો નથી, ગમે ત્યારે લપસી જવાનો પણ ડર રહે છે, પણ તેઓ પોતાના કામમાથી ક્યારેય લપસ્યા નહીં. ચાલતા જ રહ્યા ચાલતા જ રહ્યા! તેઓના લીધે 30 વર્ષોથી લોકો એક-બીજાના સંપર્કમાં રહી શક્યા. તેમણે પોતાના જીવના જોખમે લોકોને સંદેશાઓ પહોંચાડવાનું કામ કર્યું. અને મિત્રો જ્યાં તમારું કામ બોલતું હોય, તમારે બોલવું પડતું નથી. આવી કર્તવ્ય-નિષ્ઠા નિભાવી હમણાં જ તેઓ નિવૃત થયા. અને આપણને સૌને શીખવતા ગયા કે જો કોઈપણ કામ પ્રતિબદ્ધતાથી કરવામાં આવે તો એ કામ બીજા લોકોને પણ કામ કરવાની પ્રેરણા આપી શકે છે. આ ટપાલીએ આપણા સૌ સુધી એક સંદેશો પહોંચાડ્યો છે કે

योग: कर्मसु कौशलम्

કેટલાક લોકોને કામ કરતાં કરવા કોઈપણ પ્રકારના કેમેરાની જરૂર હોતી નથી. તેઓ પોતાનું કામ એટલી નિષ્ઠાથી કરતાં હોય છે કે તેઓનું કામ જ તેઓના વ્યક્તિત્વથી મોટું બની રહે છે. આપણામાં રહેલી શ્રેષ્ઠતા આપણા કામ થકી જ બહાર આવતી હોય છે. માટે સોંપેલું કામ કરતાં રહીએ. કોઈપણ વ્યક્તિમાં રહેલી હકારાત્મકતા આપણા જીવનમાં માર્ગદર્શક બની રહેવી જોઈએ. જીવનમાં જે વ્યક્તિ પાસેથી જે શીખવા મળે શીખી લેવું જોઈએ. એક ટપાલી જો પોતાના કામને આટલું મહત્વ આપી શકતા હોય તો આપણે કેમ નહીં? આપણે પણ આપણને સોંપેલું કામ પૂરેપુરી કર્તવ્ય-નિષ્ઠાથી કરીએ.

  આવા કામને બિરદાવવું પણ જોઈએ. ભારતીય ડાક વિભાગે ડી.સીવનના કામને સલામ કરી છે. ત્યાની આઈ.એ.એસ. અધિકારી સુપ્રિયા સાહુએ તેઓના કામની ખાસ નોંધ લીધી છે. તેમણે નિવૃતિ તો લઈ લીધી, પણ તેઓના કામને લોકો કાયમ યાદ રાખશે. ગમે તેવી પરિસ્થિતિમાં કામને વળગી રહેવું એ જ આપણી ઈશ્વરને આપેલી સૌથી મોટી ભેટ છે. ભગવદ-ગીતા માત્ર વાચવાથી કે મોઢે રાખી લેવાથી કશું થતું નથી, એને જીવનમાં પણ ઉતારવી રહી. અને આ વ્યક્તિએ શ્રી-કૃષ્ણ ભગવાને આપેલ સંદેશ લોકો સુધી પહોંચાડવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. વ્યક્તિ પોતાના કામ થકી જ મહાન બનતી હોય છે.

ગૂગલ કે વિકેપીડિયામાં આ વ્યક્તિત્વ તમને સર્ચ કરવાથી નહીં મળે. એને તો આપણે આપણાં કામમાં શોધવા પડશે. જીવનમાં પ્રેરણા કોઈ સાઇટ પરથી ડાઉન-લોડ કરી શકાતી નથી. એને સતત કામ કરતાં રહી અપલોડ કરવી પડે છે.

30 વર્ષો સુધી પોતાની અવિરત સેવા આપનાર આ કર્મ-યોગીને સત સત વંદન!

 

 

 

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

(द्वितीय अध्याय, श्लोक 47) 


1 comment:

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...