Friday 2 April 2021

ઓનલાઈન શિક્ષણ અને આપણે,

 

ઓનલાઈન શિક્ષણ અને આપણે,

 

 

             

 

 

 

 Remote realities: Children with disabilities bear the brunt of online  education during pandemic- The New Indian Express

 ભારતનું ભાવિ આજ-કાલ ઓનલાઈન ઘડાઈ રહ્યું છે. છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે આપણું શિક્ષણ વર્ચુઅલ બની ગયું છે. જે વિદ્યાર્થીઓ ઓફલાઈન નથી ભણી શકતા તેઓ માટે ઓનલાઈન શિક્ષણ લગભગ દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી જે લોકો ઓનલાઈન શબ્દથી સાવ અપરીચિત હતા, તેઓ પણ આ શબ્દથી પરિચિત થઇ ગયા છે. ઘણી સ્કુલો વાળાએ તો પોતાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરીને સ્ક્રીન સામે બેસવાનું કહ્યું છે. અને બાળકો બેસે પણ છે. આ કોરોના કાળ દરમિયાન ઘણા લોકોએ મોબાઈલ ખરીધા. માતા-પિતા સામેથી પોતાના સંતાનોને મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ આપવા લાગ્યા છે. જૂમ,ગૂગલ મીટ,માઈક્રીસોફટ ટીમ જેવી કેટલીયે એપ્લીકેશન રાતો રાત પ્રખ્યાત થઇ ગઈ. જુમ કંપનીનો નફો અનેક ગણો વધી ગયો. શિક્ષકો પણ અપડેટ થઇ ગયા. તેમણે પણ ઘણું બધું નવું નવું શીખી લીધું. ક્લાસરૂમનું શિક્ષણ એક નાનકડી સ્ક્રિનમાં વહેતું થઇ ગયું. કોલેજથી માંડીને હાયર કે.જી. લોઅર કે.જી. નાં વિદ્યાર્થીઓ અરે પ્લે-ગ્રુપનાં વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન શિક્ષણ લેતા થઇ ગયા! આ દેશમાં બાળકને જન્મ્યા પછી બીજું કઈ આવડે કે ના આવડે પણ સ્કૂલે જતા અને ભણતા આવડી જવું જોઈએ!

  ટેકનોલોજીના વિકાસ સાથે આપણો પણ વિકાસ થઇ રહ્યો છે. આપણે પણ ઓનલાઈન રહેતા શીખી ગયા છીએ. અરે ઓનલાઈન ઈશ્વરના દર્શન પણ થઇ રહ્યા છે. લાગે છે કે ઈશ્વર પણ ઓનલાઈન બુકિંગ સ્વીકારતા થઇ ગયા છે! અને ઓનલાઈન શોપિંગ આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ! અરે રે ગાડી પાટા પરથી ઉતરી ગઈ. આપણે તો ઓનલાઈન શિક્ષણની વાતો કરી રહ્યા હતા. છેલ્લા એક વર્ષથી બાળકો ઘરે બેઠા બેઠા મોબાઈલ, ટી.વી., ટેબ્લેટ કે લેપટોપ કે કમ્પ્યુટરની સ્ક્રીન પણ ભણી રહ્યા છે. કે પછી......... હવે સવાલો અહીથી જ ઉભા થઇ રહ્યા છે. હમણાં છાપામાં એક સર્વે આવ્યો હતો કે ઓન-લાઈન શિક્ષણને લીધે બાળકો વધુ ને વધુ ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ તરફ વળી રહ્યા છે. અને સૌથી અગત્યનું તેઓ ખુબ ઝડપથી ‘પોર્ન ફિલ્મો’ અને ‘પોર્ન-સાઈટ’ તરફ વળી રહ્યા છે. નાં જોવાનું જોઈ રહ્યા છે. હમણાં રાજકોટમાં બનેલો કિસ્સો આપણે વાંચી વાંચી ને અફસોસ કરી જ રહ્યા છીએ. જેમાં ૧૩વર્ષના બે કિશોરોએ ૧૨ વર્ષની એક કિશોરી પર બળાત્કાર કરેલો. ( આવી સાઇટ્સ જોઇને!) આગળ શું થશે? એ અંગે જાણવાની આપણે બહુ તસ્દી લેતા નથી. આપણે વાંચીને ભૂલી જતા હોઈએ છીએ. પણ એ દીકરી અને તેના કુટુંબ પર જે વીતશે એ કોણ સમજી શકશે?

    વિદ્યાર્થી સતત ગેઝેટ્સ સામે બેસી રહે છે. માતા-પિતાને એમ હોય છે કે તેઓ ભણી રહ્યા છે, પણ એ તો વિદ્યાર્થીઓ જ જાણે કે તેઓ શું કરી રહ્યા હોય છે? સતત સ્ક્રીન સામે બેસી રહેવાથી વિદ્યાર્થીઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. તેઓ શારીરિક રીતે જરાપણ ફિટ રહી શકતા નથી. શેરીની રમતો ભૂલાય રહી છે. એટલું જ નહિ આ બધા ગેઝેટ્સ સ્માર્ટ થતા જાય છે, પણ આપણે સ્માર્ટનેસ ગુમાવી રહ્યા છીએ. વિદ્યાર્થીઓની આંખોને બહુ નુકસાન થઇ રહ્યું છે. મને એ નથી સમજાતું કે સાવ નાના બાળકોને ગેઝેટ્સ આપી માતા-પિતા શું સાબિત કરવા માંગે છે? સાવ નાના નાના બાળકો કદાચ એકાદ વર્ષ ના ભણે તો શું થઇ જવાનું? ઓનલાઈન શિક્ષણને લીધે જે બાળકો અત્યાર સુધી મોબાઈલથી હેબીચ્યુઅલ નહોતા તેઓ પણ તે તરફ વળી રહ્યા છે.  વિદ્યાર્થીઓ આખા દિવસમાં ઓછામાં ઓછા ૫ થી ૬ કલાક ગેઝેટ્સ પાછળ બગાડી રહ્યા છે. એકપણ સાઈટ પર કોઈનો કંટ્રોલ નથી. તેથી બાળકો પર પણ કોઈ કંટ્રોલ રહ્યો નથી.

    ભણવું જરૂરી છે, પણ નૈતિક મુલ્યો જળવાય એ પણ એટલું જ જરૂરી છે. વળી ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ પાસે આ ગેઝેટ્સ ખરીદી શકવાની ક્ષમતા નથી હોતી. વધુ બાળકો હોય તે માતા-પિતા સામે પણ અનેક સવાલો ઉભા થતા રહે છે. વળી કેટલાક બાળકો બીજા બાળકોની દેખા-દેખીમાં આવી માતા-પિતાને બ્લેકમેલ કરી ગેઝેટ્સ પરાણે લેવડાવતા હોય છે. સરકાર પણ પોતાના પક્ષનો પ્રચાર કરવા યંગ-જનરેશનને ફ્રીમાં ગેઝેટ્સ આપે છે, જેનો યંગ-જનરેશન દુરુપયોગ જ કરે છે. ઓનલાઈન શિક્ષણ ક્યારેય સારો વિકલ્પ બની શકે એમ નથી. ઓક્સફર્ડ યુનીવર્સીટીએ પણ ઓનલાઈન શિક્ષણનો પ્રયોગ કરેલો જે નિષ્ફળ ગયેલો. ઓનલાઈન શિક્ષણ રસ વિનાનું બની રહે છે. વર્ગ-ખંડ જેવું જીવંત વાતાવરણ ઉભું થઇ શકતું નથી. શિક્ષણ સંપૂર્ણ રીતે એકતરફી બની રહે છે. અને સૌથી મોટી સમસ્યા તો વિદ્યાર્થીઓની ભટકી જવાની છે.

 કોરોના છે, એટલે અમુક બાબતોનો વિકલ્પ આપણે અપનાવવો જરૂરી છે, પણ આ વિકલ્પ છોડી દેવા જેવો છે. અગર તો માતા-પિતાના ઓબ્ઝર્વેશનમાં સંતાનોને ઓનલાઈન શિક્ષણ આપવાની જરૂર છે. સરકારે પણ ગલત સાઇટ્સ પર કંટ્રોલ રાખવાની જરૂર છે. આપણે ઘણી બધી ગેમ્સને લીધે વિદ્યાર્થીઓને આપઘાત કરતા પણ સાંભળ્યા છે. સોસીયલ મીડીયાના ચક્કરમાં બાળકો પોતાનું બાળપણ,યુવાનો પોતાની યુવાની અને આપણે આપના ઘરના લોકો સાથેનો જીવંત સંપર્ક ગુમાવી રહ્યા છીએ. ઓનલાઈન શિક્ષણ આ ઘેલછાને વધારી આપશે. એટલીસ્ટ જે બાળકો આનાથી બચી શકે એમ છે, તેઓને આ તરફ વાળવાની જરૂર નથી. પ્રાઇવેટ સ્કૂલો ફી લેવા આ ગતકડું ચલાવે છે. પણ તેઓ પાસે ઓનલાઈન શિક્ષણ માટે સારું આંતરમાળખું નથી હોતું. કે પછી તેઓ ઉભું કરવા માંગતા હોતા નથી! ગ્રામ્ય-વિસ્તારોમાં નેટવર્કનાં પ્રશ્નો હોય છે. બાળકો વારંવાર શિક્ષણ અને શિક્ષકથી ડીસ-કનેક્ટ થઇ જતા હોય છે.

  મોટા ભાગના વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે ઓનલાઈન શિક્ષણમાં અમને કઈ સમજાતું નથી. તો જે નહિ સમજાય તે પ્રત્યે તેઓને અણગમો થઇ જશે. અને આગળ ભણાવવા અઘરા લાગશે. વળી ઘણી સ્કૂલો તો કશું સમજાવ્યા વિના માત્ર લેશન જ આપી દેતી હોય છે. બાળકો ઝીણા ઝીણા ફોન્ટ જોઈ લખે છે, અને પરિણામે તેઓની આંખોને વધુ નુક્શાન થાય છે. ઘણા બાળકોના આંખોના નંબર છેલ્લા વર્ષ દરમિયાન વધી ગયા છે. તો જેને ચશ્માં નહોતા તેઓને આવી પણ ગયા છે. ઘણી સ્કૂલો મહેનત કરી, સારું શિક્ષણ પણ આપે છે, પણ એવી સંસ્થાઓ કેટલી? શિક્ષણનો ઉપયોગ આપણે સમસ્યાઓ ઉકેલવા કરીએ છીએ, પણ અત્યારે તો શિક્ષણ સ્વયં એક સમસ્યા બની રહી ગયું છે. વળી નાના બાળકો લાંબો સમય સ્ક્રીન સામે સ્થિર થઈને બેસતા હોતા નથી. તેઓ આમપણ રમવા જ માંગતા હોય છે, તેઓને રમવા દઈએ અને મોજ કરવા દઈએ.

  ઓનલાઈન શિક્ષણ પાછળ વિદ્યાર્થીઓનું ભાવિ ઓફ નાં થઇ જાય એ આપણે જોવાનું છે. ખાસ કરીને બાળકોને આનાથી દુર રાખવાની જરૂર છે. મારું બાળક આટલા કલાક સ્ક્રીન સામે બેસી ભણ્યું એવું અભિમાન કરવા કરતા તે આટલા કલાક રમ્યું કે તેણે કશુક નવું કર્યું એ ગર્વ લેવા જેવો છે! નિષ્ફળ પ્રયોગ પણ ઘણું શીખવી શકે છે. બાળકો,યુવાનો ને બને તેટલા ઓનલાઈન શિક્ષણથી દુર રાખીએ.

 ઓનલાઈન શિક્ષણને લીધે તમારા સંતાનો તમારાથી દુર નાં થઇ જાય ધ્યાન રાખજો.

Online education in India | Future of e-Learning in India

 

 

 

 

 

 

No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...