સ્ત્રી,સંઘર્ષ,સ્વતંત્રતા અને આપણે,
એક સ્ત્રી તરીકે જન્મ લેવો એ જ આ દુનિયાનો સૌથી મોટો સંઘર્ષ છે. કોઈ સ્ત્રી જયારે દીકરી તરીકે જન્મ લે છે, ત્યારથી જ તેના જીવનમાં સંઘર્ષ શરુ થઇ જાય છે. હકીકતમાં તો સૌથી પહેલો સંઘર્ષ જ હોય છે કે દીકરીને જન્મવા દેવી કે નહિ? આપણો સમાજ અમુક સમયને બાદ કરતા સ્ત્રીઓ માટે સતત સંઘર્ષનો જ રહ્યો છે. સ્ત્રીઓ જીવનના દરેક તબક્કે અને દરેક ક્ષેત્રે સંઘર્ષ કરતી જ જોવા મળે છે. આપણે સ્ત્રીઓ માટે લાયક સમાજની હજી વ્યવસ્થા કરી શક્યા નથી, અને એટલે જ આપણે ભ્રૂણ-હત્યા કરવા તૈયાર થઇ જતાં હોઈએ છીએ. શા માટે કોઈપણ માતા-પિતા એવું નથી ઈચ્છતા કે મારા આંગણામાં દીકરી રમે. મને સંતાન તરીકે દીકરો મળે એના માટે કેટલા બધા માતા-પિતા માનતાઓ અને દોરા-ધાગાઓ કરતાં હોય છે. ઘણી જ્ઞાતિઓમાં અને કુટુંબોમાં અને ધર્મમાં હજી દીકરીને ખીલવા માટે જોઈએ એવું વાતાવરણ કે ભાવાવરણ મળતું નથી. મને તો એ જ નથી સમજાતું કે સ્ત્રીને ભણાવવી કે નહિ એવો નિર્યણ સમાજ કે ધર્મ કઈ રીતે લઇ શકે? દીકરીઓનું જીવન અગાઉથી લખી લેવાની આ છૂટ ખબર નહિ ક્યારથી અને કોણે લઇ લીધી છે? અને મહત્વની વાત તો એ છે કે આપણે હજી પણ આવી છૂટ આપતા જ રહીએ છીએ. વળી અમુક ધર્મો તો સ્ત્રીઓને નર્કનું દ્વાર માને છે. જે સમાજ સ્ત્રી-પુરુષ એમ બંને પાયા પર ટકેલો હોય છે, તો પછે કોઈ એક પાયાને નબળો બનાવી દેવાની આ વૃતિ કેવી? તમને થશે આ બધી ક્યા જમાનાની વાતો છે, અરે યાર આપણે ભલે ચંદ્ર પર કે મંગળ પર જવાની તૈયારી કરી રહ્યા હોય કે ગમે તેટલા આધુનિક હોવાનો દેખાડો કરતા હોઈએ અંદરથી તો આપણે હજી બહુ બદલાયા નથી! હજી આજે પણ આપણા સમાજમાં સ્ત્રીઓને સ્વતંત્રતા માટે સંઘર્ષ કરવો જ પડે છે. કેટલાક એવા પ્રશ્નો જે આજે પણ સ્ત્રીઓના અસ્તિત્વ અને વ્યક્તિત્વ સાથે જોડાયેલા છે. જે ઉકેલી શકાયા નથી.
૧) દીકરીઓને જન્મ આપવો કે નહિ?
૨) દીકરીઓને કેવા કપડાં પહેરાય?
૩) દીકરીઓને ભણાવાય કે નહિ?
૪) દીકરીઓને ધર્મ-સ્થાનોમાં જવાય કે નહિ?
૫) દીકરીઓએ માસિકમાં હોય ત્યારે શું કરવું અને શું નહિ?
૬) દીકરીઓને બહુ છૂટ દેવાય કે નહિ?
૭) દીકરીઓને દીકરા જેવી સગવડો અપાય કે નહિ?
૮) દીકરીઓને જીવન-સાથી પસંદ કરવાની છૂટ અપાય કે નહિ?
૯) દીકરીઓને વિચારવાની છૂટ અપાય કે નહિ?
૧૦) દીકરીઓને નોકરી કરવાની છૂટ અપાય કે કેમ?
છે ને આ પ્રશ્નો જેનાં પર આપણે હજી ચર્ચા જ કરીએ છીએ, તેનો ઉકેલ હજી મળ્યો નથી. આપણે ઉપગ્રહો છોડ્યા પણ સ્ત્રીઓ પ્રત્યેના પૂર્વગ્રહો છુટતા નથી. સ્ત્રીના જીવનનો સૌથી મોટો સંઘર્ષ તેના અસ્તિત્વની સાબિતી સાથે જોડાયેલો છે. આપણે સૌએ એક સમાજ-રચના સ્વીકારી કે પુરુષ આર્થીક ક્ષેત્ર સંભાળે અને સ્ત્રીઓ ઘર સંભાળે, પણ પછી શું થયું? આર્થિક દરજ્જાને આપણે એટલો ઉંચો દરજ્જો આપી દીધો કે સ્ત્રીઓના કાર્યોનું બહુ મહત્વ જ રહ્યું નહિ. સ્ત્રી એટલે સહન-શક્તિની મૂર્તિ, સ્ત્રી એટલે જવાબદારીઓ વહન કરનાર પાત્ર, સ્ત્રીઓ એટલે બધું જ પણ સ્ત્રી નહિ! સ્ત્રીઓને પોતાના અધિકાર બાબતે સતત લડતા જ રહેવું પડે છે. પોતે અમુક ક્ષેત્રોમાં પુરુષો કરતા ચડિયાતી હોવા છતાં ( જો કે અહી કોઈ સ્પર્ધા નથી.) તેને વિકસવાની તકો મળતી નથી. સ્ત્રીઓ પોતાના કરતા આગળ નીકળી જાય એ આજે પણ પુરુષોને ગમતું નથી. સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ હોય છે, એવું માનવાવાળા પણ અનેક મળી આવશે. સન્માન અને સ્વ-તંત્રતા માટે સ્ત્રીઓ કાયમ ઝૂઝતી જોવા મળે છે.
સ્ત્રીઓને સ્વ-તંત્રતા આપવાથી સમાજને નુકસાન થાય છે, એવું ક્યાય સાબિત થયેલું નથી. છતાં આપણે સૌ સ્ત્રીઓને સ્વ-તંત્રતાથી ખુબ દુર રાખીએ છીએ. સ્ત્રીઓ પ્રત્યેની આપણી વિચાર-ધારામાં પરિવર્તન આવ્યું નથી. ચંદ્રકાંત બક્ષી એ સરસ લખ્યું છે કે “ નોકરી કરતી સ્ત્રીઓ પહેલા કરતા વધુ ગુલામ બની ગઈ છે.” પહેલા તે એક જ મોરચે લડતી હતી, પણ હવે તેને બે મોરચે લડવું પડશે. વર્કિંગ-વિમેન્સ દરેક જગ્યાએ દોડતી જોવા મળે છે. પુરુષોને ખબર હતી કે જો સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થઇ જશે તો પછી આપણે તેને સ્વ-તંત્રતા આપવી પડશે, માટે નોકરી કરવા પર પાબંધી આવી ગઈ. જો તે ભણશે તો પોતાના હકો પ્રત્યે જાગૃત થઇ જશે અને આપણે તેનાં વિચારો પર બ્રેક નહિ લગાવી શકીએ એટલે ભણવા પર બ્રેક લાગી. દીકરા કરતા દીકરીઓને ઓછી ગણીશું એટલે પહેલેથી જ તેઓનો આત્મ-વિશ્વાસ ઓછો થઇ જશે. અને ઓછા આત્મ-વિશ્વાસ સાથે તેઓ આગળ જ નહિ વધી શકે! સ્ત્રીઓને ધર્મ-સ્થાનોમાં એન્ટ્રી નાં આપવાનો તર્ક હજી મને સમજાયો નથી, તમને કોઈને ખબર હોય તો મને કહેજો. કોણ સ્ત્રીઓના માસિકને ધર્મ સાથે જોડી બેઠું એ પણ મને નથી ખબર!
સ્ત્રીઓના કપડાં બાબતે તો મિત્રો શું કહેવું? ભારતનો આ રાષ્ટ્રીય પ્રશ્ન છે. માત્ર ભારતનો જ હો! પાનનાં ગલ્લે બેઠેલા લોકોથી માંડી,શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવો કે આપણા સાંસદો સુધી એમ દરેક લોકો આ બાબતે ચર્ચાઓ કરતા રહે છે અને સ્ત્રીઓ પર થતાં બળાત્કાર માટે સ્ત્રીઓના કપડાંને જવાબદાર ગણાવતા રહે છે. સ્ત્રીઓની છાતી પરથી દુપટ્ટો તો દુર થવો જ નાં જોઈએ, (પુરુષોની નજરની જેમ!) એવા પૂર્વગ્રહ સાથે સ્ત્રીઓ ખુદ પણ જીવી રહી છે.અવાર-નવાર સ્ત્રીઓના પોશાક વિષે લેખો છપાતાં રહે છે, મહાનુભાવોનાં વિચારો પ્રગટ થતા રહે છે. સ્ત્રીઓ ઢંકાયેલી જ રહેવી જોઈએ. છતાં પુરુષોનું સ્કેનોંગ અટકતું નથી. સ્ત્રીઓના કપડાં થોડા ટૂંકા થાય એટલે પુરુષોની નજર ટૂંકી થઇ જાય છે.
ઉપરની એકપણ બાબતે સ્ત્રીઓને સ્વ-તંત્રતા મળી નથી. હકીકત તો એ છે કે સ્ત્રીઓને વિચારવાની જ સ્વ-તંત્રતા મળી શકી નથી. સ્ત્રીઓની અંદરનું જીવન હજી તેને જીવવા મળ્યું જ નથી. જે જે જગ્યાએથી સ્ત્રીઓને પોતાની ઓળખ મળે તેમ હતી, તે દરેક જગ્યાઓ સમાજે બંધ કરી દીધી અને સ્ત્રીઓએ પણ સ્વીકારી લઇ એ બંધ દરવાજાઓ કદી ખખડાવ્યા નહિ! જે કેટલીક સ્ત્રીઓએ પ્રયત્નો કર્યા તેની ઓળખ આજે પણ કાયમ છે, પણ એવી સ્ત્રીઓ કેટલી? નાનપણથી જ સ્ત્રીઓને સમર્પિત થઇ જવાનું શીખવી દેવામાં આવે છે, સહન કરતાં રહેવાનું શીખવવામાં આવે છે. દરેક પેઢીની સ્ત્રીઓ ભાવિ પેઢીની સ્ત્રીઓને આ જ વિચારો આપતી રહી અને પરિણામે સ્ત્રીઓ વિકસી શકી નહિ. ખુદ સ્ત્રીઓ પોતે પણ પોતાની ઓળખ પ્રત્યે જાગૃત થઇ શકી નહિ કે થવા દેવામાં આવી નહિ! ઘર,બાળકો, સંબંધો, બધું જ સંભાળવાની જવાબદારી સ્ત્રીઓને સોંપી પુરુષો મુક્ત બની ગયા! સ્ત્રીઓ પણ સ્વ-તંત્ર હોઈ શકે છે, એવી કોઈ સંભાવના જ સમાજે ઉભી નાં થવા દીધી.
સ્ત્રીઓને સતી થવાનું, સ્ત્રીઓને વિધવા થયા પછી પુનર્લગ્ન નહિ કરવાના, સ્ત્રીઓને ઘરડાં પુરુષ સાથે પણ પરણી જવાનું, સ્ત્રીઓને શિક્ષણ લેવાનું નહિ, ............. સ્ત્રીને જન્મ નહિ લેવાનો સ્ત્રીઓની સ્વ-તંત્રતા અને પુરુષોની સ્વ-તંત્રતા શબ્દ-કોશના બે અલગ અલગ શબ્દો બની ગયા! આજે પણ ઘણા ગામડાઓ નક્કી કરે છે કે સ્ત્રીઓએ ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ રાખવાનાં કે નહિ? સ્ત્રીઓને સ્વ-તંત્રતા તરફ લઇ જાય એ તમામ રસ્તાઓ આજે પણ બંધ કરવાનાં પ્રયાસો ચાલુ જ છે.
સ્ત્રીઓનું જીવન સ્વ-તંત્રતાના સંઘર્ષ સાથે શરૂ થાય છે અને એ સાથે જ પૂરું! જગતના અસ્તિવ માટે જવાબદાર વ્યક્તિ પોતાના અસ્તિત્વ માટે લડતી રહે છે બસ લડતી જ રહે છે. આજથી ચેત્ર-નવરાત્રીનો આરંભ થઇ રહ્યો છે. જેને આપણે આદ્ય-શક્તિ તરીકે પૂજીએ છીએ, એ વ્યક્તિત્વને ઘર-આંગણે અને સમાજમાં ખીલવાની પુરી તકો આપીએ.
અને સ્ત્રીઓ યાદ રાખે કે ફૂલ કાંટાઓ વચ્ચે જ ખીલે છે અને મહેંકે છે. એવી મહેંક આપણે સ્ત્રી તરીકે સમાજમાં ફેલાવવાની છે, પણ વિચારોની સ્વ-તંત્રતા સાથે. સંઘર્ષના અંતે મળતું અસ્તિત્વ જ આપણું વ્યક્તિત્વ નિખારે છે.
બધું સ્વીકારી ના લેતા, લડજો અને આગળ વધતા રહેજો.
No comments:
Post a Comment