Friday, 30 April 2021

મારાથી આ નહિ થાય અને આપણે,

 

 

મારાથી આ નહિ થાય અને આપણે, 


📚 આજનું જ્ઞાન Images - - ShareChat - ભારતનું પોતાનું ભારતીય સોશ્યલ નેટવર્ક

 

              ડર સૌથી મોટો વાયરસ છે, એવું ઓશોએ કહ્યું છે. અને મારાથી આ નહિ થાય એ આ વાયરસની મુખ્ય અસર છે. આપણે વણખેડાયેલા રસ્તાઓ પર કદી નથી જતા એનું મુખ કારણ જ આ શબ્દો છે. જિંદગીમાં કેટલું બધું એવું હોય છે, જેનો આનંદ આપણે આ શબ્દોને લીધે લઇ શકતા નથી. સ્વ-પ્રેરણા નાં તમામ પુસ્તકો એવું કહે છે કે મનમાં અનંત શક્તિઓ રહેલી છે, આપણે એકવાર આપણું મન મજબુત કરી લઈએ, પછી દુનિયામાં કોઈ કામ અશક્ય નથી. પણ ખબર નહિ કેમ? છતાં આપણે આ મારાથી નહિ થાય એવું ફિલ કરતા રહેતા હોઈએ છીએ. કશુક એવું આપણા સૌમાં હોય છે, જે બહાર આવવા મથતું હોય છે, પણ આપણે આવવા દેતા હોતા નથી કારણકે આપણે માની લીધું છે કે ‘આ મારાથી નહિ થાય’ એકદમ બ્લેન્ક મન લઈને આપણે સૌ આ પૃથ્વી પર આવીએ છીએ. હવે એ બ્લેન્ક મન પર શું લખવું અને શું નાં લખવું ? એ આપણે શીખતા રહેવાનું હોય છે. એટલે જ તો કહે છે કે વ્યક્તિ આજીવન વિદ્યાર્થી હોવો જોઈએ. આપણી ક્ષમતાઓને બહાર આવવાનો રસ્તો નાં મળે તો ઝરણાઓની જેમ પથ્થરને ચીરીને વહી જવાનું હોય છે. હકીકત તો એ છે કે નાનપણથી આપણને શીખવી દેવામાં આવે છે કે જિંદગીમાં સલામતી સૌથી અગત્યની બાબત છે. ભાખોડિયા ભરતાં બાળકને તું પડી જઈશ, એમ કહી આપણે રોકી દેતાં હોઈએ છીએ, અને એ અવરોધ આખી જીંદગી એને ટોકતો રહે છે,રોકતો રહે છે. do’s અને don’t s આ બંને ગાઈડલાઇન્સ વચ્ચે જીંદગી ઝૂલતી રહે છે, અને આપણે એવું માની લેતા હોઈએ છીએ કે મારાથી આ નહી થાય.

  કેટલા બધા સેમિનારો, કેટલું બધું સાહિત્ય, કેટલા બધા શિક્ષકો, કેટલા બધા વક્તાઓ આપણને સમજાવતા રહે છે કે આ પૂર્વગ્રહ છોડી દઈએ, પણ આપણે છોડતાં નથી કે પછી આસપાસની દુનિયા આપણને છોડવા દેતી નથી? જીવન કોઈનું પણ હાઈ-વે જેવું નથી હોતું, એ તો કાચા રસ્તાઓની પગદંડીઓથી થઈને જ પસાર થતું હોય છે. રફ રસ્તાઓ સૌના જીવનને ઢંઢોળતા રહેતાં હોય છે. જેઓ આ શબ્દ સાથે ક્યાંક અટકી જાય છે, તેઓ સ્થિર થઇ જીવનનો આંનદ ગુમાવી દેતાં હોય છે. અને કેટલાક લોકો એવા હોય છે, જેઓ આ સાંકળને તોડીને આગળ વધી જતા હોય છે. જો કે આ રસ્તે ભીડ બહુ નથી હોતી. પણ આ રસ્તાઓમાં ઓબસ્ટેકલ વધુ હોય છે. અને એ પાર કરવાની મજા જ કઈક ઓર હોય છે. શા માટે પહેલેથી એવું માની લેવું કે હું આ નહિ કરી શકું. એક કદમ આગળ વધીને જોયું હોત તો સમજાત કે આ એક કદમ પણ આપણને આપણા લક્ષ્ય તરફ લઇ જઈ શક્યું હોત.

  શા માટે શરૂઆતની થોડી નિષ્ફળતાઓથી ગભરાઈને હથિયાર હેઠા મૂકી દેવા. હા બીજા કરતાં કઈક અલગ કરશો કે બીજા અટકી ગયા હતા, ત્યાંથી આગળ જવાના પ્રયાસો કરીશું એટલે ટીકાના, કોઈના અનુભવના અવરોધો આપણને રોકવાની કોશિશ કરતા રહેશે અને એ વળાંકો પરથી આગળ વધવું એ જ સૌથી મોટી બાબત હોય છે. તમે આ નહિ કરી શકો એવું કહેવા વાળા પણ મળી આવશે. એમાં પણ જો આપણે નિષ્ફળ ગયા તો પૂરું... ટીકાઓની લાંબી લાઈનો લાગી જતી હોય છે. હમણાં એક મેગેઝીનમાં સુંદર વાક્ય વાંચ્યું, “ પડેલા માણસને ટીકાની નહિ, ટેકાની જરૂર હોય છે” આપણે શું કરીએ છીએ? એ થોડું વિચારીને પછી આગળ વાંચવું. અમે તો કહેતા જ હતા, આ કામ તમારાથી નહિ થાય, અમારું તો કોઈ માનતું જ નથી, અને મિત્રો માનવું પણ નહિ... આ બધાને અવગણીને જ આગળનાં રસ્તે જવાનું છે. કોઈનો અનુભવ એના જીવનનો રસ્તો નક્કી કરે છે, એ આપણા માટે એ દિશા-સૂચક બની શકે, પણ દિશા તો આપણે જ નક્કી કરવાની હોય છે.

  કોઈપણ કામ, કોઈપણ મુશ્કેલી જ્યાં સુધી આપણે અટેન્ડ નથી કરતા ત્યાં સુધી જ અઘરી લાગે છે, અશક્ય લાગે છે. જો આપણે હું કરી શકીશ એવી દ્રઢ ભાવના સાથે એ કામમાં લાગી જઈશું, તો જરૂર સફળ થઇ શકીશું. એ કામ પૂરું કરી શકીશું. શા માટે કોઈ કામ નહિ થાય એ માટેના બહાનાઓ શોધતા રહેવા? પ્રયાસોને મહત્વ આપીએ અને મારાથી આ નહિ થાય એવી નકારાત્મકતાથી દુર રહીએ. આપણે જે દિવસે એવું નક્કી કરી લેતા હોઈએ છીએ કે મારે આ કામ કરવું છે અને હું કરીશ એ દિવસે આપણી અંદરની તમામ ક્ષમતાઓ તે બાબતને આધાર આપવા જાગૃત થઇ જતી હોય છે અને આપણે એ કામ પૂરું કરી શકતા હોઈએ છીએ. અરે અરીસા સામે તે દિવસે આપણે ઉભા રહીશું, તો અરીસો પણ આપણને શાબાશી આપશે. આજે અરીસામાં દેખાતું વ્યક્તિત્વ આપણા અસ્તિત્વનો આપણને પરિચય કરાવી દેશે. આપણને ખબર નથી હોતી એટલી ક્ષમતાઓ આપણી અંદર સમાયેલી હોય છે. જ્યારે આપણે આ નકારાત્મક વાક્યને જીવનમાં સ્થાન આપીએ છીએ, આપણી એ ક્ષમતાઓનું અપમાન કરતાં હોઈએ છીએ. ઈશ્વરે આપણને આપેલી ક્ષમતાઓ જો વણ-વપરાયેલી રહી જશે, તો જીવન અપૂર્ણ રહી જશે. માટે આ વાક્યથી બને તેટલા દુર રહીએ.

  પતંગને ઉડતા જોઈ આપણે ઉડવાની કલ્પનાઓ કરી અને વિમાન શોધાયું! હવે વિચારો જો વૈજ્ઞાનિકો કે સંશોધકો કે ઉદ્યોગ-સાહસિકો, કે ડોક્ટર્સ કે શિક્ષકો કે કોઇપણ વ્યક્તિઓ એવું માનીને ચાલી હોત કે આ મારાથી નહિ થાય તો આપણે આવી રીતે વિકસિત થઇ શક્યા હોત ખરા! કોરોનાનીદવા નહિ મળે એવું માનીને આપણે બેસી જઈશું તો આ રોગ સામે લડી શકીશું? કોઈપણ કામ આપણે શરુ કરીએ ત્યારે નકારાત્મક અને હકારાત્મક બંને પ્રકારના વિચારો આવે છે, આપણે કોના પર એકાગ્ર થવું એ આપણે નક્કી કરવાનું હોય છે. આપણાથી જે થઇ શકે એમ હોય તે બધું કરવા પ્રત્યે હકારાત્મક બનીએ અને આગળ વધતાં રહીએ. આપણે આ વાક્યમાં માત્ર ‘નહિ’ જ દુર કરવાનું છે.

 મનમાં દ્રઢ-સંકલ્પ સાથે અરુણીમાં જો એક પગ સાથે એવરેસ્ટ સર કરી શકતી હોય તો આપણે તો સંપૂર્ણ શારીરિક ક્ષમતાઓ સાથે જીવી રહ્યા છીએ. મારી પાસે સમય નથી, એ વાક્ય આ નકારાત્મક વાક્યને પ્રેરણા આપતું રહે છે, માટે તેનો ઉપયોગ બને તેટલો ઓછો કરીએ. તમે કોઈપણ ક્ષેત્રની સફળ વ્યક્તિનું જીવન વાંચજો કે જોજો (હવે બાયોપિક બહુ બને છે ને!) આ વાક્ય તમને ક્યાય નહિ જોવા મળે. અને જો જોવા મળશે તો એ લોકો આ વાક્યને અવગણતા હશે. આપણે પણ એ જ કરવાનું છે. કોઈની ટીકાઓ આપણા માટે આગળ વધવાનું માધ્યમ બની રહેવી જોઈએ. માટે જયારે કોઈ એમ કહે કે આ તમારાથી નહિ થાય તો પેલા કરો. આપણે તો નાનપણથી જ કોઈ નાં પાડે તે કરવા ટેવાયેલા છીએ. તો ચાલો આગળ પણ એ જ કરીએ

Ziglar Inc - Focus on what you CAN do, not what you can't do.

   જિંદગીના માઈલ-સ્ટોન પાર કરવા આવા અવરોધોને દુર કરતાં રહીએ. જ્યાંથી બધા અટકી જતા હોય, ત્યાંથી આગળ વધવાની મોજ જ કઈક અલગ હોય છે. આપણી જિંદગીના અનુભવો આપણે કરવાના હોય છે, બીજાના કહેવાથી ક્યારેય અટકી જવું નહિ, એવું જરાપણ જરૂરી નથી કે જે રસ્તે થઇ બીજાઓ નિષ્ફળ ગયા હોય તે રસ્તે આપણે પણ નહિ જ આગળ વધી શકીએ. 

 

Walter Bagehot - The greatest pleasure in life is doing...

2 comments:

  1. ખૂબ સરસ પ્રેરણા અને હિંમત આપતો આર્ટિકલ..
    આવા સુંદર, પ્રેરક અને ક્રાંતિકારી વિચારો રજુ કરતા રહો...

    ReplyDelete
  2. ખૂબ સરસ પ્રેરણા અને હિંમત આપતો આર્ટિકલ..
    આવા સુંદર, પ્રેરક અને ક્રાંતિકારી વિચારો રજુ કરતા રહો...

    ReplyDelete

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...