તૈયાર સ્ટડી-મટિરિયલ્સ અને આપણે,
એક વિદ્યાર્થી પરિક્ષાની તૈયારી કરી રહ્યો છે, એની આસપાસ જે તે વિષયોનું અઢળક મટિરિયલ્સ છે, તે મટિરિયલ્સથી ઘેરાઈને મૂંઝાઇને બેઠો છે. શું વાચવું અને શું નહી? એ તેને સમજાઈ નથી રહ્યું. એટલામાં તેના મિત્રનો કોલ આવે છે, મારી પાસે આ વિષયમાં પુંછાય એવું ઘણું બધુ મટિરિયલ્સ છે, તું અહી આવી લઈ જા. પેલો વિદ્યાર્થી ફોન મૂકીને સીધો મિત્રને ઘરે દોડે છે. તેનો મિત્ર પણ તેની જેમ પથારો કરીને બેઠો છે. તેની પાસે હતું એના કરતાં પણ વધુ સ્ટડી-મટિરિયલ્સ તેના મિત્ર પાસે હતું! બંનેનો પ્રોબ્લેમ એક જ હતો, શું વાંચવું અને શું નહી?
ક્લાસમાં શિક્ષકે દાખલો ગણીને આવવાનું કહ્યું. દાખલો થોડો અઘરો હતો. પણ થોડું મથીએ તો આવડી જાય તેવો હતો. પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ જાતે પ્રયત્ન કરવાને બદલે માર્ગદર્શિકામાથી કોપી કરીને ગણીને લાવ્યા!
તો વળી એક કલાસમાં શિક્ષકે નિબંધ લખીને લાવવા કહ્યું અને વિદ્યાર્થીઓએ નિબંધમાળામાથી બેઠે બેઠો નિબંધ લખીને આવી ગયા. નિબંધ અભિવ્યક્તિ માટે સૌથી શ્રેસ્થ માધ્યમ ગણાય છે. પણ એ અભિવ્યક્તિ પણ જો ઉછીની લેવી પડે તો આપણે ભૂલા પડી ગયા છીએ એ માની લેવાનો સમય આવી ગયો છે.
આ ચિત્ર લગભગ અત્યારે દરેક શાળાઓમાં અને મહાશાળાઓમાં, અને ઇવન ઉચ્ચ-શિક્ષણમાં પણ જોવા મળે છે. વિદ્યાર્થીઓ કોઈપણ વિષય શીખવા માટે જાણે મથવાનું જ ભૂલી ગયા છે.તેઓ માટે બજારમાં એટલું તૈયાર મટિરિયલ્સ ઉપલબ્ધ છે, કે તેઓ જાતે કશું શીખવાની કોશિશ જ કરતાં નથી. આપણું શિક્ષણ ગોખણિયું બની ગયું છે, એનું એક મોટું કારણ આ પણ છે કે આપણે વિદ્યાર્થીઓને બધુ તૈયાર જ આપી દઈએ છીએ. તેઓને કોઈપણ વિષયમાં નવું શીખવા કે જાણવા જ આપણે દેતાં નથી. વિદ્યાર્થીઓએ પણ થોડી મહેનત કરે અને ના આવડે એટલે વધુ પ્રયાસો કરવાને બદલે તૈયાર મટિરિયલ્સમાં જોઈને જવાબો લખી નાખતા હોય છે, ક્યાં નાખતા હોય છે? એ આપણે સૌ જાણીએ છીએ.
કોઈપણ વિષય પર રજૂઆત કરવાની વિદ્યાર્થીઓની ક્ષમતા દિવસે ને દિવસે ઘટતી જાય છે. તેઓ એટલું બધુ ગોખે છે કે સમજણને કોઈ સ્થાન જ રહેતું નથી. કોઇકે કહ્યું કે આ પ્રકાશનની આ બૂક સારી છે, કે પછી આનું આ તૈયાર મટિરિયલ્સ સારું છે, એટલે તેઓ ગાડરિયા પ્રવાહમાં તણાઈને તેની પાછળ દોડતા જ રહે છે, ભાગતા જ રહે છે! કટ કોપી અને પેસ્ટ એ જાણે તેઓનો શિક્ષણ-મંત્ર બની ગયો છે! તેઓ વરસાદની ભીનાશ પણ નિબંધમાં જ જાણે માણે છે. વધુમાં આજનું શિક્ષણ માત્ર પરીક્ષાલક્ષી બની રહી ગયું છે. એટલે કોઈપણ વિષય ઊંડાણપૂર્વર્ક શીખવામાં કોઈને રસ જ રહ્યો નથી. પરીક્ષામાં પૂછાય એટલું શીખવો બાકીનું જવા દ્યો!
રેફરન્સ બુક્સ બિચારી ધૂળ ખાઈ રહી છે. વળી અમુક તૈયાર મટિરિયલ્સનો ઉપયોગ માત્ર ને માત્ર પરીક્ષામાં ચોરી કરવા માટે જ થાય છે. વિદ્યાર્થીઓની આસપાસ એટલું બધુ તૈયાર સ્ટડી-મટિરિયલ્સ છે કે તેઓની વિચારવાની શક્તિ જ સ્ટોપ થઈ ગઈ છે. માત્ર ને માત્ર ઉપરછલ્લું જ તેઓ ભણે છે, શીખે છે એમ પણ આપણે કહી શકીએ એમ નથી. એમાં વળી ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આવ્યા જેણે બધુ ઓનલાઈન કરી દીધું ને પરિણામે વિદ્યાર્થીઓએ વાચતા અને વિચારતા જ જાણે અટકી ગયા. ગૂગલ પર તો બધુ ‘રેડી ટૂ ગેટ’ મળે છે. વિદ્યાર્થીઓ એમાથી કોપી કરીને પ્રોજેકટ, અસાઇનમેંટ તૈયાર કરી લેતા હોય છે. તે પેજ ભરી ભરીને નેક્સ્ટ નેક્સ્ટ આપતા જાય છે અને વિદ્યાર્થીઓએ શું લેવું અને શું ના લેવું? એમાં અટવાતા રહે છે.
ગણિત અને અન્ય ગાણિતિક વિષયમાં શિખવ્યા બાદ વિદ્યાર્થીઓ મથતા જ નથી, તેઓ એકાદ બે સ્ટેપ ગણ્યા બાદ તરત જ માર્ગદર્શિકાનો સહારો લઈ લેતા હોય છે. ને પરિણામે દાખલો ક્યાં પદથી નથી આવડતો તે ભૂલો શોધી જ શકાતી નથી. પરીક્ષામાં પણ પાઠયપુસ્તકમાં હોય એવા બેઠા જ દાખલા પૂછાય છે, પરિણામે તેઓ વધારાના દાખલાની પ્રેક્ટિસ જ કરતાં નથી. શીખવાનો ઉદેશ જ જાણે ભૂલાય ગયો છે. શિક્ષકો પોતે પણ રેફરન્સ બુક્સનું સરનામું ભૂલી ગયા છે. બધા જ તૈયાર સ્ટડી-મટિરિયલ્સની જાળમાં ફસાઈ ગયા છે.
શિક્ષક કોઈપણ નવો ટોપીક શીખવે પછી, એના પર વિદ્યાર્થીઓએ મનન કરવું જરૂરી હોય છે, પણ એ થતું નથી. પાઠ કે ચેપ્ટર પૂરું થાય અને શિક્ષક લેશન આપે એટલે કોપી કરવાનો સિલસિલો ચાલુ થઈ જતો હોય છે. શિક્ષણને એપ્લાય કરવાનું જ જાણે ભૂલાય ગયું છે. પરીક્ષામાં એપ્લાય ટાઈપના પ્રશ્નો પૂછાય એટલે વિદ્યાર્થીઓને પેપર અઘરું લાગવા માંડે છે અને દેકારો અને હોબાળો શરૂ થઈ જતા હોય છે. સાચું શિક્ષણ જ એ છે જે વિદ્યાર્થીઓને વિચારતા કરી શકે, પણ હવે એ બધુ જાણે આઉટ ઓફ ડેટ થઈ ગયું છે.
આપણું શિક્ષણ એટલું બધુ તૈયાર સ્ટડી-મટિરિયલ્સ પર નભતું થઈ ગયુ છે કે ચિંતન અને મનન જેવી બાબતોને તેમાં સ્થાન જ નથી રહ્યું. ગોખણ-પટ્ટીની ફૂટપટ્ટી થકી જ એ મપાતું રહે છે. જેમાં વિદ્યાર્થીઓની આંતરિક ક્ષમતાઓ મપાયા વિનાની રહી જાય છે. તેને શિક્ષણમાં ખીલવાની તક જ મળતી નથી. સ્ટડી-મટિરિયલ્સના ઢગલા નીચે વિદ્યાર્થી દટાઇ ગયો છે. સ્વ-અધ્યયન તો જાણે ક્યાય દૂર હડસેલાઈ ગયું છે. તે કશું શીખવા પર પોતાની જાતને એકાગ્ર જ નથી કરી શકતો કે નથી કરી શકતી. પુસ્તકાલય તો જાણે ક્યાય દૂર હોય એવું લાગી રહ્યું છે.
આપણા શિક્ષણમાં નવીનતા લાવવા આપણે થોડું મથવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ જાતે શીખવા તત્પર થાય એવા પ્રયાસો શરૂ કરવાની જરૂર છે, શિક્ષણ તેને બોજારુપ ના લાગે એવા પ્રયાસો કરવાની જરૂર છે. અને સૌથી વધુ જરૂર છે, તેઓને મથવા દેવાની. તેઓને વાંચન તરફ લઈ જવાની ખાસ જરૂર છે. તેઓ ઓનલાઈનમાથી ઓફલાઇન પર આવે તે માટે વિશિષ્ટ પ્રયાસો કરવાની જરૂર છે. શિક્ષણ સાથે માર્ક્સને જોડીને આપણે તેઓને ગલત રસ્તે લઈ જઇ રહ્યા છીએ. તેઓને શીખવા માટે પરિણામનું નહી પણ ખુલ્લુ આકાશ આપીએ, જેમાં તેઓ વિહરી શકે અને સાચી ઉડાન ભરતા શીખી શકે. હા આ બધુ થોડું અઘરું છે, પણ અશક્ય તો નથી જ !
તેઓને કેમ શીખવું? એ શીખવીએ. તૈયાર સ્ટડી-મટિરિયલ્સથી તેઓને બને તેટલા દૂર રાખીએ. તેઓનું મટિરિયલ્સ જાતે તૈયાર કરતાં શીખવીએ. જેટલું તેઓ મથીને શિખશે, એટલો ફાયદો તેઓને જ થશે એ સમજાવીએ. સમજીને શિખેલું જીવનભર યાદ રહી જતું હોય છે. કેમ ખરું ને?
સાચું શિક્ષણ ફીલ કરતાં શીખવે છે.
No comments:
Post a Comment