શાળામાં પ્રયોગશાળા હોવી જોઈએ, પણ શાળા એ પ્રયોગશાળા ના હોવી જોઈએ!!!
કોઈ સંશોધક કોઈ સંશોધન પાછળ વર્ષો વિતાવી દેતો હોય છે, તે પોતાના સંશોધન માટે અનેક જાતના પ્રયોગો કરતાં હોય છે. પ્રયોગોને અંતે તે કોઈ તારણ પર આવે છે અને દુનિયાને કોઈ નવી વસ્તુ મળે છે. પણ આપણાં દેશમાં એક સ્થાન એવું છે. જ્યાં સતત પ્રયોગો થતાં રહે છે, જેના અંતે કોઈ નવી વસ્તુ કે વિચાર નહી, પણ પરીપત્રો મળતા રહે છે, ને નવા નવા કામો પ્રયોગપાત્રોને મળતાં રહે છે. કોઈ કહી શકશે ક્યૂ છે તે સ્થાન?
એક આચાર્ય આજે શાળામાં પ્રવેશે છે, પોતાનો ઇ-મેલ ચેક કરે છે, અને પરિપત્રોનો ઢગલો ખડકેલો જોવા મળે છે. એને બીજું કશું સર્ચ કરવાનું જ રહેતું નથી. આમાં જ સમય જતો રહે છે. એ શિક્ષકોને જાણ કરે છે, આજે આ કાર્યક્રમ કરવાનો છે, આજે આ ઓનલાઈન તાલીમ લેવાની છે, શિક્ષક જવાબ આપે છે, સાહેબ મારો લેકચર છે, આચાર્યને ના છૂટકે ક્લાસ પડતો મુકાવી શિક્ષકોને કા તો કાર્યક્રમોમાં અથવા તો ઓનલાઈન તાલીમમાં જોડવાનું કહેવું પડે એમ છે. આ પરીપત્રો શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવવા જ દેતાં નથી. શું આવા કાર્યક્રમો વારંવાર કરવાથી કે વારંવાર ઓનલાઈન તાલીમ આપતા રહેવાથી પ્રાથમિક,માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણનું સ્તર ઊંચુ આવી જશે?
આજે કોઈપણ આચાર્ય કે શિક્ષક શાળાઓમાં કે મહાશાળાઓમાં પગ મૂકે એ પહેલા તો કોઈ નવા પરિપત્રએ પગ મૂકી દીધો હોય છે. રોજ નવા પરિપત્રો અને રોજ નવા કાર્યક્રમોએ વર્ગખંડ શિક્ષણને હાંસિયામાં ધકેલી દીધું છે. ‘ શાળામાં પ્રયોગશાળા હોવી જોઈએ, પણ શાળા એ પ્રયોગશાળા ના હોવી જોઈએ!’
વળી આ પરીપત્રો એટલા ગતિશીલ હોય છે કે બદલાતા જ રહે છે. ક્યારે ક્યો પરિપત્ર બદલાય એ ભવિષ્યવાણી તો ભલભલા જ્યોતીષો પણ ના કરી શકે! આપણું શિક્ષણ જાણે પરિપત્રોને આધીન થઈ ગયું છે. શિક્ષકોને બીજા કામોમાં એટલા રોકી દેવામાં આવે છે કે તેઓને પોતાના વર્ગમાં ભણાવવા માટે પૂરતો સમય જ મળતો નથી! જેમ આજના વિદ્યાર્થીઓ ઇન્ટરનેટની જાળમાં ફસાય ગયા છે, એમ શિક્ષકો પરીપત્રો, કાર્યક્રમો અને ઓનલાઈન તાલીમની જાળમાં ફસાય ગયા છે!
વિદ્યાર્થીઓ કહેતા થઈ ગયા છે, ‘કુછ દિન તો ગુજારો ક્લાસમે’. શિક્ષકોનું મુખ્ય કાર્ય શિક્ષણ આપવાનું છે, એ જ ભૂલાય ગયું છે. વિદ્યાર્થીઑ અને શિક્ષકોને એકલા મૂકી દેવાની જરૂર છે. શિક્ષણના આ બે ધ્રુવો વચ્ચે એટલા બધા પરિબળો આવી ગયા છે કે તેઓ એકબીજાને સમજી શકે એટલો સમય જ મળતો નથી. શિક્ષણ હવે વિદ્યાર્થીકેન્દ્રી નહી, પણ કાર્યક્રમો કેન્દ્રિત બની ગયું છે. રોજ દિવસ ઊગે ને શિક્ષકોને ચોંકાવી દેનાર જાહેરાતો થતી રહે છે. આ બધા કાર્યક્રમો વચ્ચે ક્યારેક સમય મળે તો શિક્ષક પોતાના વર્ગમાં ભણાવવા જતાં હોય છે!
પ્રાથમિક શિક્ષણ નબળું રહી જાય છે, તેનો સંપૂર્ણ દોષ શિક્ષકો પર ઢોળી દેવામાં આવે છે. શિક્ષકો ભણાવતા જ નથી એવું કહી આ બધી જવાબદારી શિક્ષકો પર જ નાખી દેવામાં આવે છે. પણ જરા નજર કરો સરકારી શાળાઓ અને શિક્ષકો તરફ યાર, બધા શિક્ષકો એવા નથી હોતા. શિક્ષકો અથાક મહેનત કરતાં હોય છે. પણ કોઈનું ધ્યાન એ તરફ ભાગ્યે જ જાય છે. સરકારને પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાયુક્ત બનાવવું જ હોય તો ઘણું થઈ શકે એમ છે.
ખાનગી અને સરકારી શાળા માટે અલગ અલગ નિયમો શા માટે? શું કોઈને નથી ખબર કે ખાનગી શાળાઓમાં કેવી લાયકાતવાળા શિક્ષકો બાળકોને ભણાવતા હોય છે? સરકારી શાળાના શિક્ષકો બનવા જેટલી ડીગ્રીઓ અને લાયકાતો જોઈએ છીએ, એની પા ભાગની પણ ખાનગી શાળાઓના શિક્ષકો માટે જરૂરી નથી રહી. ધોરણ 10 કે 12 પાસ કે નાપાસ કે નાસીપાસ થયેલા શિક્ષકો ખાનગી શાળાઓમાં ભણાવતા હોય છે! આજે વિદ્યાર્થીઓનો મોટો હિસ્સો ખાનગી શાળાઓમા ભણવા જતો હોય છે. તેઓ એવા શિક્ષકો પાસે ભણે છે, જેઓને શિક્ષણ સાથે દૂર દૂર સુધી કોઈ નાતો નથી!
જેટલા અને જે નિયમો આપણે સરકારી શાળાઓ માટે ઘડીએ છીએ એ નિયમો ખાનગી શાળાઓ માટે પણ હોવા જોઈએ. બધા પરીપત્રો, કાર્યક્રમો, તાલીમો તેઓને પણ લાગુ પાડવી જોઈએ ને?
શિક્ષકોના અનેક સ્વરૂપો આપણી સરકાર દ્વારા નક્કી થયેલા છે! ક્યાક એ બી.એલ.ઑ. છે, તો ક્યાક એ ચૂંટણીમાં કામ કરનાર અધિકારી છે, ક્યાક એ વસ્તી-ગણતરી કરનાર છે, તો ક્યાક એ આરોગ્ય ખાતાનો અધિકારી છે, તો વળી ક્યાક એ સર્વે કરનાર અધિકારી છે! ક્યાક એ કોરોના થયો હોય એવા ઘરનો ચોકીદાર છે, તો ક્યાક એ શાળાનો ક્લાર્ક છે, ક્યાક એ તીડના ટોળાં ઉડાડે છે, તો ક્યાક એ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ચણાની નોંધ રાખનાર કર્મચારી છે! હજી તો ઘણા એવા ક્ષેત્રો છે, જ્યાં શિક્ષકોના નવા નવા સ્વરૂપો પ્રગટ થતાં રહે છે, કોણ પ્રગટ કરશે એમ? જસ્ટ વેઇટ એન્ડ વોચ! આમાં ક્યાય શિક્ષણ નો ‘શ’ પણ દેખાય તો....
તમારે નવા નવા પ્રયોગો જ કરવા છે, તો સૌથી મોટો પ્રયોગ કરો, શિક્ષકોને આ બધી કામગીરીમાથી મુક્ત કરી માત્ર ને માત્ર શિક્ષણનો વાહક બનાવો. તેઓને તેઓનું મૂળ કામ કરવા દઇશું તો શિક્ષણનું સ્તર ખરેખર ઊંચું લાવી શકીશું. જો શિક્ષકને પોતાના પદ અને કાર્યથી સંતોષ મળશે તો એ આપોઆપ વિદ્યાર્થીઓના ઘડતરમાં પોતાનું 100% આપી શકશે. તેને સતત ક્યાક ને ક્યાક બંધાયેલા રાખીશું તો શિક્ષણની ગુણવત્તા હજી નીચે જશે અને જશે જ!
વળી કેટલોક વર્ગ એવો છે, જેને શિક્ષકોના પગારની ગણતરીમા જ રસ હોય છે! તેઓ શિક્ષકોના પગાર ગણવા એક કેલ્ક્યુલેટર સાથે જ રાખતા હોય છે. હકીકતમાં તો તેઓને પોતાની કમાણી કરતાં પણ શિક્ષકોની કમાણીમાં વધુ રસ હોય છે. આટલો પગાર અને આટલું જ કામ? એ તેઓ માટે રાષ્ટ્રીય પ્રશ્ન હોય છે! પણ શિક્ષણ એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલું કાર્ય છે. એકધારું ત્રણ-ચાર કલાક ભણાવી જો જો... શિક્ષક તો ભણાવી દેશે પણ વિદ્યાર્થી એકસાથે આટલું બધુ સમજી શકશે? માનસિક શ્રમ સાથે જોડાયેલું પ્રત્યેક કાર્ય વચ્ચે વચ્ચે વિરામ માંગતુ હોય છે. શિક્ષકોને કોઈ મશીન સાથે કામ નથી લેવાનું હોતું, જીવંત બાળકો સાથે કામ કરવાનું હોય છે. એ સૌએ સમજી લેવાની જરૂર છે.
એ બાળકો સાથે રહી શિક્ષકો વધુ ને વધુ પ્રયોગો કરી શકે એ માટે તેઓને વર્ગ નામની પ્રયોગશાળામાં રહેવા દઈએ. જેઓ ખરેખર કામ નથી કરતાં તેઓને શાળામાથી કાયમ દૂર કરી દઈએ, પણ જેઓ કામ કરે છે, તેઓને વારંવાર જુદા જુદા કાર્યક્રમોમાં અને પરિપત્રોમાં જોડી તેઓનો શિક્ષણ પ્રત્યેનો સ્નેહ ઘટાડતા જવું એ વળી કેવો પ્રયોગ છે? શિક્ષકના ભાગે વિદ્યાર્થીઓના વિકાસનો વહીવટ જ હોવો જોઈએ, અન્ય વહીવટમાં જોડી તેઓની કાર્યક્ષમતાને અને આવડતને કાટ લગાડવાની જરૂર નથી ને નથી જ!
‘ન્યાયતંત્ર’ ની જેમ ‘શિક્ષણ-સંસ્થાઓ’ પણ સરકારથી અલગ સંસ્થાઑ તરીકે વિકસવી જોઈએ. ન્યાયતંત્ર જેટલી નિષ્પક્ષતા શિક્ષણમાં હોવી જોઈએ. જેમ આપણાં દેશનું ન્યાયતંત્ર સરકારના દબાણમાં આવ્યા વિના કાર્ય કરે છે, એમ જ શિક્ષણ-સંસ્થાઓ પણ મુક્ત રીતે કાર્ય કરતી હોવી જોઈએ. દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં માત્રને માત્ર શિક્ષણ પ્રત્યે સમર્પિત લોકોને જ સ્થાન હોવું જોઈએ.
સરકારમાં શિક્ષણ હોવું જોઈએ પણ શિક્ષણમાં સરકારી દખલ બને તેટલી ઓછી હોવી જોઈએ. આ પ્રયોગ કરવા જેવો છે હો!!!
લાઈક, કમેંટ, શેર....
હે શિક્ષક સતત બદલાતા આ પરીપત્રો, સતત તને આપવામાં આવતી આ તાલીમો, તારા માટે તૈયાર કરવામાં આવેલા આ મોડ્યુલો, અને તને સોંપવામાં આવતા આ કાર્યો વચ્ચે પણ શિક્ષણ પ્રત્યેની તારી સ્થિતપ્રજ્ઞતા જાળવી રાખજે!!!
No comments:
Post a Comment