Friday, 10 September 2021

જિંદગી,ભૂલો,જરૂરિયાતો, આત્મ-હત્યા...........


 જિંદગી,ભૂલો,જરૂરિયાતો, આત્મ-હત્યા...........

 52 Suicide Quotes Sayings Sayings Point

જિંદગીને મૃત્યુના હવાલે કરવી પડે, એટલે કે આત્મ-હત્યા સુધી કોણ લઈ જતું હોય છે? આપણે રોજ છાપામાં આત્મ-હત્યાના સમાચારો વાંચીએ છીએ, થોડીવાર દૂ:ખ પ્રગટ કરીએ છીએ અને રૂટિનમા જોડાઈ જતાં હોઈએ છીએ. કોઈ જાણીતું હોય તો તેના કારણો જાણવાની કોશિશ કરીએ છીએ, અને પછી રૂટિનમા જોડાય જતાં હોઈએ છીએ. દર વર્ષે સરકાર આત્મ-હત્યાને લગતા આંકડાઓ પણ રજૂ કરે છે. દર વર્ષે 10મી સપ્ટેમ્બરનો દિવસ world suicide prevention day’ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. આત્મ-હત્યાના કારણો જાણી ક્યારેક આપણને આશ્ચર્ય થતું હોય છે, કે આવા કારણોસર પણ લોકો ખુદને મૃત્યુ-દંડ આપતા હોય છે. તો વળી ક્યારેક અરેરાટી પણ થાય છે કે લોકો અભાવથી કંટાળી જઇ આપઘાત કરી લેતા હોય છે. તો વળી કોઈ હતાશા, નિરાશામાં ગરકાવ થઈ કે કોઈ શિક્ષણ કે સંબંધમાં નિષ્ફળ જવાથી મૃત્યુને શરણ થઈ જતાં હોય છે! ( જો કે ગલત રસ્તે ના જવાના આપણાં આત્માના સિગ્નલને અવગણીને આપણે રોજ થોડી થોડી આત્મ-હત્યા તો કરતાં જ રહેતા હોઈએ છીએ! પણ એ વાત પછી ક્યારેક)

  હા તો આપણાં મૂળ સવાલ પર પાછા આવીએ, જિંદગીને આત્મ-હત્યાના રવાડે કોણ ચડાવતું હોય છે? જેઓ ખુદ સાથે સંવાદ નથી કરતાં હોતા તેઓ જલ્દીથી આ રસ્તે વળી જતાં હોય છે. જેઓ ખુદનું નિરીક્ષણ નથી કરતાં હોતા, તેઓ પણ આ ગલીએ આવી લાઇનમાં ઊભા રહી જતાં હોય છે!  હસતી ખેલતી જીવંત જિંદગીને આ રસ્તે લઈ જનારા બે માઈલસ્ટોન્સ છે, ભૂલો અને જરૂરિયાતો! ના સમજાયું ચાલો સમજીએ.

     આપણે વ્યક્તિએ કરેલી ભૂલોને સુધારવાને બદલે તેઓની ભૂલો બદલ તેઓને સતત ગિલ્ટ ફીલ કરાવતા રહીએ છીએ. આપણું સંતાન કોઈ મોટી ભૂલ કરી બેસે તો આપણે તે ભૂલોને ભૂલી જઇ તેઓને સારા રસ્તે વાળવાને બદલે કોઈ એવી સજા કે દંડ આપી દઈએ છીએ કે તેઓ આપઘાત તરફ વળી જતાં હોય છે. સંતાનમાં પણ ખાસ કરીને દીકરીઓ કોઈ ભૂલો કરી બેસે તો આપણે તેઓને અપનાવવાને બદલે તેઓના પાછા ફરવાના દરવાજા બંધ કરીને બેસી જતાં હોઈએ છીએ. અને પછી તેઓ માટે આત્મ-હત્યા સિવાય કોઈ દરવાજો ખુલ્લો નથી તેવું આપણે ફીલ કરાવી દેતાં હોઈએ છીએ! ( જો કે કેટલાક માતા-પિતા પોતાની દીકરીઓને ભૂલો બદલ ખુદ મૃત્યુના હવાલે કરી આત્મ-હત્યાના નામે એ મૃત્યુ કરી દેતાં હોય છે! પણ એ વાત પછી કયારેક)

     ભૂલો શું જીવન કરતાં પણ મોટી હોય છે? આ સવાલ દરેક વ્યક્તિએ ખુદને પૂછી લેવાની જરૂર છે. અને આપણને જવાબ મળશે ના..... જિંદગી એવડું મોટું ઈર-રેજર લઈને ફરતી હોય છે કે ગમે તેવડી ભૂલો પણ ભૂંસી શકાતી હોય છે. તેના કી-બોર્ડ પર બેક-સ્પેસની સ્વીચ છે, તેનો ઉપયોગ કરીએ અને સંબંધોમાં થઈ ગયેલી ભૂલોને દૂર કરતાં રહીએ, એના માટે જિંદગીથી દૂર થઈ જવાની જરાયે જરૂર નથી. આપણાથી ભૂલો થઈ જાય તો પણ આ વાત યાદ રાખીએ અને બીજા કોઇથી થઈ જાય તો પણ યાદ રાખીએ.

      વળી કેટલાક માતા-પિતા શિક્ષણનો એટલો બધો ભાર સંતાનો પર નાખી દેતાં હોય છે કે શિક્ષણમાં નિષ્ફળતા મળે એટલે સંતાનો આત્મ-હત્યા કરી લેતા હોય છે. તેઓ માટે સંતાનોના જીવન કરતાં પણ તેઓનું સ્ટેટસ ઊંચું હોય છે! છીછોરે મુવીમાં હીરો સરસ ડાયલોગ બોલે છે, “આપણે આપણાં સંતાનોને સફળ થઈશ તો શું કરીશું? એ સમજાવીએ છીએ, પણ નિષ્ફળતા મળે તો શું કરવું એ સમજાવતા નથી હોતા!” અને એ નિષ્ફળતા જ એક દિવસ તેઓના આપઘાતનું કારણ બની રહે છે. અરે યાર શિક્ષણ તો જીવન જીવતા શીખવે છે, એ શિક્ષણના ભાર હેઠળ જિંદગી કચડાઈ જાય તો જવાબદાર કોણ? શિક્ષણને સફળતા કે નિષ્ફળતા સાથે જોડી દેવાની આપણી ભૂલ કે કોઈ બીજું? આપણાં સંતાનો એ આપણી અપેક્ષાઓ સંતોષવાની ગેરંટી કે વોરંટી નથી હોતા, તેઑ તો આપણી આશાઓના દિપક હોય છે, જેને સ્વયં પ્રગટવાની સ્વ-તંત્રતા આપતા રહીએ.

  તેઓને ભૂલો કરવા દઈ ઠોકર ખાવા દઇશું તો તેઓ આપોઆપ જિંદગીના રસ્તાઓ પર ચાલતા અને આગળ વધતાં શીખી જશે. ભૂલો કરો તમતમારે અમે તમારી પડખે ઊભા છીએ, એ આધાર તેઓને કદી આપઘાતનો આધાર લેવા મજબૂર નહી કરે. ટીન-એજના આકર્ષણથી તેઓ ભૂલ કરી બેસે તો પણ તેઓનો સહારો બનીએ.

     આપઘાત તરફ લઈ જતો બીજો માઈલ-સ્ટોન છે, જરૂરિયાતોની અનંતતા! આજે આપણે સૌ જરૂરિયાતોના ઢગલા નીચે દબાઈ ગયા છીએ. આપણું જીવન અને જીવંતતા આપણે બજારના હવાલે કરી દીધી છે. આપણી ખુશીઓનું સરનામું જરૂરિયાતોના લીસ્ટમાં ક્યાક ખોવાય ગયું છે. બજાર વસ્તુઓથી ઉભરાઇ રહ્યું છે અને આપણે સૌ જરૂરિયાતોથી છલકાય ગયા છીએ. આપણે જરૂરિયાતો સાથે એટેચ થતાં રહીએ છીએ અને દૂ:ખને આમંત્રણ આપતા રહીએ છીએ.

 એ જરૂરિયાતો પૂરી કરવા આપણે ક્યાક ભટકી જતાં હોઈએ છીએ અને એ રખડપટ્ટી જ આપણને આત્મ-હત્યા તરફ લઈ જતી હોય છે! ઇવન આપણે જરૂરિયાતોની પૂર્તિ માટે જ જાણે અમુક સંબંધો બાંધતા હોઈએ એવું થઈ ગયું છે અને અંતે એ સંબંધો જ આપણને આત્મ-હત્યા તરફ લઈ જતાં હોય છે. માણસ તરીકે આપણે સૌએ જરૂરિયાતોનું પોટલું છોડી નાખવાની જરૂર છે, પણ આપણે એવું કરતાં નથી હોતા. અને જરૂરિયાતો પૂરી કરવા ગલત સંબંધ તરફ વળી જતાં હોઈએ છીએ.

 જરૂરિયાતોની પૂર્તિને જ આપણે જીવનનું લક્ષ્ય માની લીધું છે અને પરિણામે આપણે એવા ખોવાય જતા હોઈએ છીએ કે જિંદગી આપણને શોધે છે, પણ આપણે ઝડતા હોતા નથી! અરે યાર જરૂરિયાતો પૂરી કર્યા વિના પણ મોજથી જીવી શકાતું હોય છે, એ આપણે સૌએ જાણી લેવાની જરૂર છે.

  જરૂરિયાતો પૂરી કરવાની રેસમાં આપણે દોડતા રહીએ છીએ અને એ રેસ આપણને ગલત ડેસ્ટિનેશન સુધી લઈ જતી હોય છે. એ રેસ જીતવાની લ્હાયમાં આપણે એવા એવા રસ્તાઓ પસંદ કરી લેતા હોઈએ છીએ કે એ રસ્તાઓ જ આપણને આત્મહત્યા સુધી લઈ જતાં હોય છે! શાળાઓમાં કે કોલેજોમાં આજે છોકરાઓ અને છોકરીઓ આ જ કરી રહ્યા છે. એકબીજાની જરૂરિયાતો પૂરી કરવા તેઓ સંબંધો બાંધતા રહે છે અને બ્રેક-આપ કરતાં રહે છે. ચોકલેટ, ગિફ્ટ્સ, ડેઝ વગેરેમાં બંધનો ટાઈટ થતાં જાય છે અને પછી એ બંધનો જ ગાળીયા બની આપણને જિંદગી ખતમ કરવા તરફ દોરી જતાં હોય છે.

 સોસિયલ મીડિયાથી શરૂ થયેલા સંબંધો લાઈક,કમેંટ્સના ચક્કરમાં એવા ફસાય જતાં હોય છે કે પછી ખુલ્લેઆમ શેર થતાં હોય છે અને એ શેરિંગ વાયરલ બની આપણને ગૂંચવી અને મૂંઝવી દેતું હોય છે! માટે જરૂરિયાતોના ચક્કરમાં બહુ ના પડવું. સાથે સાથે માતા-પિતા એ પણ યાદ રાખે દીકરા ને દીકરીઓની જરૂરિયાતો સમાન રીતે પૂરી કરે, જેથી દીકરીઓ જરૂરિયાતો પૂરી કરવાના મોહમાં કોઈ પ્રત્યે એટલી આકર્ષિત ના થઈ જાય કે એ આકર્ષણ જ તેઓને આત્મ-હત્યા તરફ લઈ જાય! જરૂરિયાતો જ આર્થિક ભીંસ તરફ લઈ જતી હોય છે.

   કોઈપણ ભૂલનો ઉકેલ હોય જ છે, માટે ભૂલ થઈ જાય તો એને સુધારી લેવી, અને જરૂરિયાતો એના ક્રમમા આપણી ક્ષમતા મુજબ પૂરી થતી જ હોય છે, માટે ઉતાવળ ના કરવી.કોઈપણ સામાજિક કે આર્થિક ભૂલો એવડી વિશાળ નથી હોતી કે જિંદગીના પરિઘને ટૂંકો કરી શકે!

  ભૂલો કે જરૂરિયાતોનો અભાવ ક્યારેય આપણને હતાશ કે નિરાશ ના કરે એ માટે હમેંશા એક વાત યાદ રાખીએ, " દરેક પાનખરને તેની વસંત હોય છે." સાચા સંબંધો જ એ છે જે આપણને જીવતા અને જીવંત રહેતા શીખવે. સંબંધોમાં પડેલી ગૂંચો ઉકેલી શકાય છે અને જો ના ઉકેલી શકાય તો એ ગુંચને આપણે કાપી શકીએ છીએ. એના માટે જીંદગીની ડોરને કાપવાની જરાયે જરૂર નથી. 


Understanding the suicidal mind and how you can help - Times of India

 

 

 

 

 

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...