તેરે હોતે કોઈ કિસી કી જાન કા દુશ્મન ક્યો હો? જીને વાલો કો મરને કી આઝાદી દે મૌલા!
આજકાલ સમાચારોમાં ચારેબાજુ ધ્રુજારી જ વાચવા મળે છે. સવારના પહોરમાં છાપું વાચવું એ ઘણાની ટેવ હોય છે. છાપું હાથમાં આવે એ સાથે દર્દની એક કંપારી શરીરમાં છૂટી જતી હોય છે. છાપાની શાહી ભલે કાળી હોય, પણ શબ્દો જાણે લાલ રંગે રંગાઈને લખાતા હોય એવું લાગ્યા કરે છે! એમાં પણ જ્યારે શહીદોના રક્તનો રંગ ભળે, આખું છાપું જાણે સાંજના આકાશમાં ખીલતી સંધ્યા જેવુ કે સવારના પહોરમાં આકાશમાં પથરાતા સૂર્યના કિરણોની ગરિમા સમું લાગે છે! રોજ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે છે, તો કોઈનું ખૂન થઈ જતું હોય છે. ખૂનના કારણો વાચીને જાણે એવું લાગે કે આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ જ્યાં સંવેદનાઓ માઈનસમા જતી રહી છે. આપણે ખરેખર ભૂલા પડી ગયા હોઈએ એવું લાગ્યા કરે છે.
સંબંધો એ હદે વણસી જતાં હોય છે કે એ સંબંધો જ જીરવવા અઘરા બની જતાં હોય છે અને અંતે એ બંધનો જ એક વ્યક્તિને બીજી વ્યક્તિના મૃત્યુનું કારણ બનાવી દેતી હોય છે. માતા-પિતા, કે કુટુંબની કોઈપણ વ્યક્તિ સાથેના સંબંધો જ્યારે આપણને મૃત્યુ તરફ લઈ જતાં હોય તો થોડીવાર વિસામો લઈને વિચારી લઈએ, ખરેખર આપણે કઈ તરફ જઇ રહ્યા છીએ? પણ મોહ અને ક્રોધના વમળમાં આપણે એવા ફસાઈ જતાં હોઈએ છીએ કે આપણે સંબંધોમાં રહેલા સ્પંદનોને પામવાને બદલે માપતા રહીએ છીએ. જ્યાં પ્રેમ હોય છે, ત્યાં કદી આવું નથી થતું. ગમે તે ભોગે કશું મેળવી લેવાની આપણી ઘેલછાએ જ આપણને યુદ્ધો અને વિનાશ તરફ વાળ્યા છે.
દૂર રહેવાથી પણ એવો ને એવો જ રહે, એ પ્રેમ હોય છે. જ્યાં સ્વ-તંત્રતા હોય છે, ત્યાં પ્રેમ હોય છે. આપણે ભલે આ બધી બાબતોને કલ્પનાઓ સાથે જોડી દઈએ પણ હકીકત તો એ છે કે આ સંવેદનાઓ જ આપણને સુખના સરનામે લઈ જતી હોય છે. પણ આપણે સરનામું જ ગલત લખી દેતાં હોઈએ છીએ અને સુખ માટે ફાંફા મારતા રહીએ છીએ. આપણે સંબંધો સાથે કનેક્ટ થવાને બદલે અટેચ થતાં રહીએ છીએ અને એ અટેચમેંટ જ આપણાં શ્વાસો રૂંધી નાખતું હોય છે. મિલકત અને સંપતિ માટે એકબીજાના લોહીના તરસ્યા લોકોને જોઈને કે તેઓ વિશેના સમાચારો વાંચીને આપણને લાગતું રહે છે કે શું લોકો એકબીજા સાથે લાગણીઓ થકી જોડાતા જ નહી હોય!
લગ્ન બહારના સંબંધો પણ ખૂન થઈ જવાનું એક અગત્યનું પરિબળ બનતું જાય છે. લગ્ન એક અંગત લાગણી છે, પણ આપણે ત્યાં મોટાભાગના લોકો લગ્ન સાથે જોડાયેલી લાગણીઓને સમજી શકતા નથી હોતા ને પરિણામે લગ્ન એક સ્પંદનને બદલે એક બંધન બની રહી જતાં હોય છે. એ વાસી થઈ ગયેલું લગ્ન-જીવન તાજગી માંગતુ રહે છે અને એ તાજગી જ્યાં મળે એકાદૂ પાત્ર તેની તરફ વળતું રહે છે અને અંતે એ બંધન તોડવા લોકો ખૂન જેવા અપરાધ તરફ વળી જતાં હોય છે. આવા કિસ્સાઓમાં સૌથી વધુ સંતાનોને અને કુટુંબના સભ્યોને જ સહન કરવું પડતું હોય છે. ઘણીવાર તો આવા બનાવોને લીધે આખે આખા કુટુંબો વિખરાઈ જતાં હોય છે. હમણાં હમણાં આપણે છાપામાં મહેંદી અને સચીનનો કિસ્સો વાંચી જ રહ્યા છીએ. શિવાંશના નામ પાછળ અનાથ શબ્દને જોડી દેનાર એ સંબંધોને શું કહેવું? દસ મહિનાના એ બાળકને માના પાલવ અને પિતાના છત્રને બદલે અનાથાશ્રમની દીવાલો મળી!
આ તો વાત થઈ વ્યક્તિગત સંબંધોની, દુનિયામાં ધર્મના નામે, વિસ્તારના નામે અને મહત્વાકાંક્ષાના નામે પણ લોકોના ખૂન થતાં રહે છે. તો વળી અમુક દેશોમાં લોકોના ચામડીના રંગના આધારે પણ રક્ત રેડાતું રહે છે. સૌથી વધુ દર્દ તો ત્યારે થાય જ્યારે લોકો ધર્મના નામે એક-બીજાનું લોહી રેડતા રહે છે! આપણો ઇતિહાસ જોઈશું તો ખ્યાલ આવશે કે આપણે સૌથી વધુ લોહી ધર્મના નામે જ રેડ્યું છે. ધર્મની સ્થાપના માનવતાના રક્ષણ માટે થઈ છે, આપણે સૌ એ વાત જ જાણે ભૂલી ગયા છીએ. દેશના ભાગલા સમયની વાત હોય કે ધર્મસ્થાનોના ઝઘડા હોય કે પછી ધર્મના સાચા સ્વરૂપને સમજી ના શકવાની આપણી ઝડતા હોય કે જેહાદના સાચા અર્થને આપણે જીવનમાં ના ઉતારી શકતા હોય! આપણે લડતા રહીએ છીએ અને લોહીની નદીઓ વહાવતા રહીએ છીએ.
આજે પણ આપણે રોજ છાપામાં વાંચીએ છીએ, શ્રીનગર, જમ્મુ-કશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યાઓ થતી રહે છે. હમણાં જ થોડા દિવસો પહેલા સ્કૂલના એક આચાર્ય અને શિક્ષકની હત્યાઓ થઈ હતી! લોકોના જીવનની પ્રત્યેક ક્ષણ પર જાણે આતંકવાદનો પડછાયો હોય તેવું લાગતું રહે છે. આતંકવાદીઓ ધર્મના નામે જેહાદને આગળ કરી લોકોની હત્યાઓ કરતાં રહે છે. શું કોઈ ધર્મ આવી ક્રૂરતા શીખવે ખરી? નિદા ફાજલીજી એ એક સરસ કવિતા આપણને આપી છે, ‘તેરે હોતે કોઈ કિસીકી જાન કા દુશ્મન ક્યો હો? જીને વાલો કો મરને કી આસાની દે મૌલા’ એમાં પણ જ્યારે આપણે આપણાં દેશના સૈનિકોની શહાદતના સમાચાર વાંચીએ છીએ એ દરેક કુટુંબની વેદના અને દર્દ આપણને ભીંજવી દે છે જેમણે પોતાના ઘરનો આધાર ગુમાવ્યો હોય છે. જેઓ આપણી ખુશીઓ અને સલામતી માટે પોતાનો જીવ ગુમાવી દેતાં હોય છે.
આઝાદી મેળવ્યા બાદ વિસ્તારની લડાઈમાં આપણે આપણાં સેંકડો સૈનિકો ગુમાવ્યા છે, અને સેંકડો લોકોએ પણ પોતાના જીવ અને જીવંતતા ગુમાવી દીધી છે. ઘણા લોકોને તો રાતોરાત પોતાના ઘર છોડી ‘રેફયુજી’ બનવું પડ્યું છે! અરે આ આતંકવાદીઓ નાના નાના ફૂલોને પણ મૂરઝાવી નાખતા હોય છે. ધર્મ આપણને જીવતા શીખવે, બીજાને મદદ કરતાં શીખવે કે પછી કોઈને મારી નાખતા? આ પ્રશ્નોનો જવાબ આપણે શોધવાનો છે! આજે પણ દુનિયાના અનેક વિસ્તારોમાં ધર્મના નામે લોકો લડતા રહે છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતાં રહે છે. આપણે કોઈ છાપામાં બોમ્બ અને દારૂગોળાના ધુમાડામાં જીવતા બાળકની તસવીરને જોઈને અરેરાટી અનુભવી લેતા હોઈએ છીએ, પણ એ અનાથ બાળક આખી જિંદગી માટે પોતાના માતા-પિતાની લાગણીથી વંચિત રહી જતું હોય છે. એ ધુમાડો કેટલાયે બાળકોને મા-બાપ વિહોણા અને મા-બાપને સંતાનો વિહોણા કરી દેતું હોય છે. પણ છતાં આપણે ધર્મના નામે કે વિસ્તારના નામે લડવાનું છોડી શકતા નથી હોતા!
અફઘાનિસ્તાનમાં છેલ્લા પંદર દિવસમાં મસ્જિદમાં બે બોમ્બ-બ્લાસ્ટ થયા. આ ઘટનામાં 200 જેટલા લોકો માર્યા ગયા. એવા તો કેટલાયે લોકો દુનિયાભરમાં પોતાના પ્રાણ ગુમાવતાં રહે છે. શું આપણે નક્કી કરી લીધું છે કે લોકોના મૃત્યુને સાવ સસ્તું બનાવીને જ જંપવું છે! અરે અમુક લોકો તો ધર્મના નામે એટલા ઝડ બની જતાં હોય છે કે તેઓ ધર્મના નામે સ્ત્રીઓને જીવતે જીવ મારી નાખતા હોય છે. ધર્મના નામે તેઓ સ્ત્રીઓની સ્વ-તંત્રતા પર કાપ મૂકી દેતાં હોય છે. અરે સ્ત્રીઓને હસવું કે ના હસવું એ પણ તેઓ જ નક્કી કરી લેતા હોય છે. ધર્મના નામે લોકો પર કેવા અત્યાચારો થતાં રહે છે, આપણે સૌ જાણીએ જ છીએ. એ સમાચારો એટલા રૂટિન બની ગયા છે, કે આપણે પણ આવા સમાચારો પ્રત્યે પત્થર જેવા બની ગયા છીએ.
આપણે બે વિશ્વ-યુદ્ધો અને નાના મોટા કેટલાયે યુદ્ધોમાથી પસાર થઈ ગયા છીએ. એ યુદ્ધોએ આપણને માનસિક રીતે પણ બહુ મોટું નુકસાન પહોચાડ્યું છે. બીજા વિશ્વ-યુદ્ધ બાદનું મોટાભાગનું સાહિત્ય યુદ્ધની વેદનામાથી પ્રગટ્યું છે. એ વાંચીએ તો પણ ખ્યાલ આવે કે આપણે શા માટે શાંતિથી નથી રહેતા? ઈશ્વરે આટલું સુંદર જીવન આપ્યું છે, તો શા માટે તેને જાળવી નથી શકતા? શું આપણે ઇતિહાસમાથી કશું શિખતા નથી? કે પછી આપણે સંવેદના અને સ્પંદનો ગુમાવી દીધા છે?
ઈશ્વરના શ્રેસ્ઠ સર્જનને આપણે ઈશ્વરના અસ્તિત્વ
સાથે સંકળાયેલા ધર્મના નામે કચડતા રહીએ છીએ. આપણી અંદરના આંસુઓ સુકાય ના જાય. બસ હવે
અટકી જઈએ. જીવીએ અને બીજાને જીવવા દઈએ એનાથી મોટો કોઈ ધર્મ નથી! વળી આપણાં દેશમાં તો દહેજ અને ભ્રૂણ-હત્યા જેવા સામાજિક દૂષણોને લીધે પણ જીવનનો અંત આવતો રહે છે. પણ એ વાત ફરી ક્યારેક!!!
No comments:
Post a Comment