Sunday 24 October 2021

હજી આજે પણ બિલાડીના ગળે ઘંટ બાંધવાવાળું કોઈ મળ્યું નથી!!!

 

   હજી આજે પણ બિલાડીના ગળે ઘંટ બાંધવાવાળું કોઈ મળ્યું         નથી!!!

 Who will tie the bell on the cat's neck - YouTube

      આજે જ્યારે આસપાસની અને દેશની પરિસ્થિતી જોઈએ છીએ, તો નાનપણની એક વાર્તા યાદ આવી જાય છે. એક ગામમાં એક શેરીમાં  ઘણા બધા ઊંદરો રહેતા હતા. નાના, મોટા, વૃદ્ધ એમ દરેક પ્રકારના ઊંદરો રહેતા હતા. શરૂ શરૂમાં તેઓને કોઈ તકલીફ નહોતી, બધા મોજથી રહેતા હતા.  પણ એક દિવસ એ ગામની એ શેરીમાં એક બિલાડી આવી. બિલાડીને તો આટલા બધા ઉંદર જોઈ મજા આવી ગઈ. તે એકદમ દબાતા પગલે રોજ આવતી અને ઉંદરને મારીને ખાઈ જતી. બિલાડી એટલી સાવધાન રહેતી કે ઉંદર ગમે તેટલા છટકવાનો પ્રયાસ કરે કોઈને કોઈ ઉંદર તો પકડાઈ જ જતો. દિવસે દિવસે બિલાડીનો ત્રાસ વધવા લાગ્યો. અંતે એક દિવસ બધા ઉંદરોએ આ બિલાડીનો ત્રાસ દૂર કરવા શું કરવું? એ નક્કી કરવા એક મીટિંગ બોલાવી. ( આપણે પણ કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા આવી જ મીટિંગ્સ ભરતા હોઈએ છીએ!!)  બિલાડીનો ત્રાસ દૂર કરવા ઘણાએ અલગ અલગ ઉપાયો સૂચવ્યા. એમાથી એક ઉપાય બધાને ગમી ગયો. એ ઉપાય હતો, બિલાડીના ગળે ઘંટ બાંધવાનો! બધા હા હા કરવા લાગ્યા. પણ એક વૃદ્ધ ઉંદરે કહ્યું ઉપાય સારો છે, પણ બિલાડીના ગળે ઘંટ બાંધશે કોણ? અને બધા એકદમ ચૂપ થઈ ગયા.

  આપણે આપણને નડતી સમસ્યાઓ સામે આ જ કરતાં હોઈએ છીએ. સમસ્યાઓ ઉકેલવા માટે કોઈને કોઈએ તો પહેલ કરવી જ પડે છે. પણ પહેલ કરે કોણ? એ પ્રશ્ન દરેક ક્ષેત્રમાં ઉદભવતો રહે છે! આપણે બધા જ આ સમસ્યાઓ વિષે ચર્ચા કરતાં રહીએ છીએ, પણ તેનો ઉકેલ લાવવા માટે જે પહેલ કરવી પડે એ કરતાં હોતા નથી. બધા ને ખબર છે, સામાજિક અને ધાર્મિક દૂષણો દૂર કરવા કોઈને કોઈએ તો પહેલ કરવી જ પડે છે. પણ કરે કોણ એ શાશ્વત પ્રશ્ન છે.

  આ દેશમાં મોટા ભાગના એમ કહે છે કે ભ્રષ્ટાચાર છે, લાગવગ છે, ભ્રૂણ-હત્યાઓ થાય છે, બળાત્કારો થાય છે, જ્ઞાતિવાદ છે, કોમવાદ છે, પ્રદેશવાદ છે, ગરીબી છે, બેકારી છે, ગામડાઓ હજી વિકસિત નથી, અમુક વિસ્તારોમાં માથાભારે લોકોનો ત્રાસ છે, ધર્મના નામે ઝઘડા થતાં રહે છે, હજી અમુક વિસ્તારોમાં અશ્પૃશ્યતા છે, બાળ-લગ્નો પણ થાય છે, અંધશ્રદ્ધા પણ છે, દેશના પ્રતિભાશાળી લોકોને આગળ આવવાની તકો નથી મળતી, રમતવીરોને તકો નથી મળતી, કૂ-પોષણ છે, વગેરે વગેરે હજી તો લાંબુ લિસ્ટ છે. આપણી સમસ્યાઓનું!! પણ આપણે માત્ર લિસ્ટ જ તૈયાર કરીએ છીએ, તેને દૂર કરવાના ઉપાયોની ચર્ચા કરીએ છીએ, પણ પહેલ કરવાની વાત આવે ત્યારે આપણે ખસી જતાં હોઈએ છીએ. આ બધી જ બિલાડીઓના ગળે ઘંટ બાંધવાની પહેલ કોઈ કરતું નથી.

  કોઈ સરકારી કે ખાનગી ઓફિસોમા આપણું કામ થતાં વાર લાગે કે ના થાય છતાં કરાવવું હોય તો આપણે શું કરતાં હોઈએ છીએ? ખુદને પુંછી લેવું. એ લોકો લાંચ કે રિશ્વત લે છે, પણ આપે છે કોણ? દેશમાં વધી ગયેલા ભ્રષ્ટાચાર વિષે ચર્ચાઓ બધા કરતાં રહે છે, પણ તેની સામે લડવાની વાત આવે ત્યારે બધા જ.... અરે હકીકત તો એ છે કે બાળકોને બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવવાની ભલામણ માતા-પિતા જ કરતાં હોય છે! પોતાના સંતાનોને ભ્રષ્ટાચારની એ.બી.સી.ડી. જ તેઓ શીખવતા હોય છે. ગમે તે રીતે સંતાનોને એડમિશન અપાવવા માતા-પિતા જ હવાતિયાં નાખતા હોય છે. શિક્ષણની હાટડીઓ તેમણે ખોલી પણ ગ્રાહક બનીને આપણે પણ ગયા જ ને! બાળકને તો આપણે જે શીખવીએ એ જ તે શીખે છે, અગર તો આપણને જોઈને શીખે છે! ભ્રષ્ટાચાર એવું કેન્સર છે, જેને દૂર કરવા રેઝ લેવા પડે પણ આ માટે પહેલ કરે કોણ! આપણે સૌ આ સિસ્ટમનો વિરોધ કરવાને બદલે તેનો જ એક ભાગ બની રહી ગયા છીએ. હું મારુ કામ કરાવવા ભ્રષ્ટાચાર નહી જ કરું... કરે છે કોઈ પહેલ?

      હવે વાત કરીએ બીજી આવી જ સમસ્યાની, ભ્રૂણ-હત્યા આ શબ્દ સાંભળીએ ત્યાં જ શરીરમાં કંપારી છૂટી જવી જોઈએ. ( જો આપણે માનવ હોઈએ તો!) પણ એવું નથી થતું. જેમ કોઈ રીઢો ગુનેગાર ઠંડે કલેજે કોઈનું ખૂન કરી નાખે એમ જ કુટુંબના સભ્યો ભેગા મળીને આ કામને ઠંડે કલેજે પાર પાડતા હોય છે! ભ્રૂણ-હત્યા એ દીકરીને દૂધપીતી કરવાના કુરિવાજનું આધુનિક સ્વરૂપ છે. ખબર પડે કે ગર્ભમાં દીકરી ઉછરી રહી છે, એટલે તેના અસ્તિત્વને ત્યાં ને ત્યાં જ ખતમ કરી દેવાનું. આ દૂષણ એ ભણેલા લોકોનું આભૂષણ છે. તેઓ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી ભ્રૂણ-હત્યા કરતાં રહે છે. ગર્ભ-પરીક્ષણ કરવું એ ગુનો બને છે, અહી એવું કોઈ પરીક્ષણ કરવામાં આવતું નથી. આવું બોર્ડ આપણે દરેક દવાખાનામાં વાંચીએ છીએ,પણ એવા કેટલા દવાખાના હશે, જ્યાં આ પરીક્ષણ નહી થતું હોય? તેઓ પરીક્ષણ કરે છે, કારણકે આપણે કરાવીએ છીએ. હાલતા એવા દવાખાના પકડાય છે, જ્યાં આ અધર્મ થતું હોય છે. તેઓ પકડાય છે, પણ છૂટી જતાં હોય છે. અને આપણે કોઈ બીજા દવાખાના તરફ વળી જતાં હોઈએ છીએ. મોટા ભાગના રાજ્યોમાં દીકરાઓની સરખામણીએ દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. આટઆટલા પ્રયત્નો છતાં! હવે આપણે જ નક્કી કરીએ કે આ કુરિવાજના ગળે ઘંટ કોણ બાંધશે? સિસ્ટમને બદલવા પહેલા આપણે બદલાવવું પડે છે!

       આવું જ વલણ સ્ત્રીઓ સાથે થતાં બળાત્કારો બાબતમાં જોવા મળે છે. બળાત્કાર એવું દૂષણ છે,જે સ્ત્રીઓને તેઓના અસ્તિત્વથી અલગ કરી દેતું હોય છે. આપણા દેશમાં સેકંડે સેકંડે ગણવા પડે એવી રીતે બળાત્કારો થતાં રહે છે. બળાત્કાર બાદ સ્ત્રીઓને મારી પણ નાખવામાં આવે છે, અમુક પ્રદેશોમાં આ કુરિવાજથી લોકો એટલા ડરે છે કે દીકરીઓને સાંજે અમુક સમય થયા બાદ ઘરની બહાર પણ નીકળવા દેવામાં આવતી નથી. છાપામાં ગેંગ-રેપ ના કિસ્સાઓ રોજ છાપાની કાળી શાહીને વધુ કાળી કરતાં રહે છે. દરેક નિર્ભયાના નસીબમાં ન્યાય નથી હોતો! કેટલીક સ્ત્રીઑ તેની નજર સામે જ પોતાની સાથે બળાત્કાર કરનારને ખુલ્લેઆમ ફરતા જોઈ રહે છે. અને રોજ રોજ મરતી રહે છે. પોતાની સાથે થયેલા બળાત્કારને સાબિત કરવા સ્ત્રીઓએ વારંવાર પોતાના અસ્તિત્વ સાથે રેપ કરવો પડે છે. આ દૂષણ સામે લડવાને બદલે મોટા ભાગના લોકો પોતાની દીકરીને આ અન્યાય ચૂપચાપ સહન કરી લેવાનું કહેતા હોય છે! અહી પણ ઘંટ બાંધવાવાળું કોઈ નથી....

            આપણું સમસ્યાઓ તરફનું આવું વલણ જ આપણને કોઈપણ સમસ્યાના ઉકેલ તરફ જવા નથી દેતું. આ બધી સમસ્યાઓ વારંવાર આપણા દેશના અસ્તિત્વને હર્ટ કરતી રહે છે. પણ આપણે હજી પણ આ સમસ્યાઓના ગળે ઘંટ બાંધી શક્યા નથી. અહી તો માત્ર આપણે બે-ત્રણ સમસ્યાઓની જ વાત કરી છે. જો આપણે બધી સમસ્યાઓ વિષે લખીશું તો તો શબ્દો ઓછા પડી જશે. આ બધી સમસ્યાઓ ઉકેલી ના શકાય તેવી નથી, પણ આપણે પહેલ કરતાં ડરીએ છીએ, એટલું જ નહી, જે લોકો પહેલ કરે છે, તેઓને પણ મદદ કરતાં નથી. અહી લડનાર એકલો/એકલી થઈ જતા હોય એવું લાગ્યા કરે છે.

 વળી આપણે એવું પણ વલણ ધરાવીએ છીએ કે કોઈપણ સમસ્યા જ્યાં સુધી મને નથી નડતી ત્યાં સુધી એ મારી સમસ્યા જ નથી. પગ તળે રેલો આવે ત્યારે જ આપણે એ સમસ્યાની મુશ્કેલી અનુભવવા લાગીએ છીએ. સમસ્યાઓ સામે સમસમીને મૌન રહી જવાની આપણને સૌને આદત પડી ગઈ છે. આ સઘળી સમસ્યાઓ લાંબા સમયથી આપણા દેશને પજવી રહી છે, પણ આપણે તેને દૂર કરવાની પહેલ કરવાનું જ જાણે ભૂલી ગયા છીએ.

        આ બધી સમસ્યાઓ સામે લડવા પહેલ કરે એવા વ્યક્તિઓની આજે ખાસ જરૂર છે. છે કોઈ?? ફરિયાદો કરનાર તો ગલીએ ગલીએ છે, બહાનાઓ કાઢનાર રસ્તે રસ્તે ઊભાછે.બસ સમસ્યાઓસામે ઘંટ બાંધનાર જોઈએ છીએ.

લાઈક, કમેંટ, શેર........

          દુનિયામાં સમસ્યા છે, સમસ્યાનું કારણ છે અને સમસ્યાનો ઉકેલ છે.

                                                           ભગવાન બુદ્ધ

 

No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...