Saturday 30 October 2021

કોરોના,2020 થી 2021,આપણે શું શીખ્યા?


  • કોરોના,2020 થી 2021,આપણે શું શીખ્યા?

     Lessons from COVID-19 in the Education Sector — Observatory | Institute for  the Future of Education

              હમણાં છાપામાં એક સર્વે વાચ્યો કે કોરોના દરમિયાન સ્ત્રીઓએ અપડેટ થઈ સૌથી વધુ નવું નવું શિખ્યું. અહી આપણે ફેમિનીઝમની વાત નથી કરવી. પણ મિત્રો એક સવાલ આપણે સૌ આપણી જાતને પુંછી શકીએ કે આપણે આ સંઘર્ષકાળ દરમિયાન કઈ નવું શીખ્યા? અપ-ડેટ થયા કે પછી? આમપણ આ સમય દરમિયાન આપણને સૌથી વધુ મોકો આપણી જાત સાથે રહેવાનો મળ્યો છે. તો આપણે એ જાતને નવી ઊંચાઈ તરફ લઈ ગયા કે નહી? તમે આ પ્રશ્નો તમારી જાતને પુંછીને આગળનું વાચજો. તમે ખુદ ઘણુબધું લખી શકશો. પણ અત્યારે તો તમારે મારુ લખેલું જ વાચવું રહ્યું.

        2020ની સાલમાં માર્ચ મહિનો એક નવું એંડિંગ લઈને આવેલો. આમ તો માર્ચ મહિનો એટલે આપણાં આખા વર્ષના નાણાકીય હિસાબોના સરવૈયાનો મહિનો. આપણે આખા વર્ષ દરમિયાન શું મેળવ્યું ?તેનો હિસાબ આ માહિનામાં થતો હોય છે. પણ આ માર્ચ પહેલીવાર આપણાં સૌ માટે લોકડાઉન લઈને આવેલો. 24મી માર્ચ-2020 ની રાત્રે આપણાં આદરણીય વડાપ્રધાને આપણને 21 દિવસનું પ્રથમ લોકડાઉન આપેલું. બધુ જ બંધ. અત્યંત જરૂરી ના હોય ત્યાં સુધી ઘરની બહાર નહી નિકળવાનું. બહાર જઈએ તોપણ સોસિયલ ડિસ્ટન્સ રાખવાનું અને હાથને સેનેટાઈઝ કરતાં રહેવાનુ. માસ્ક પહેરીને નીકળવાનું. રસ્તાઓ સુમશાન, ગલીઓ ખાલી, કામ વિના બહાર નીકળે એને પોલીસના ડંડા ખાવા પડે. એક ગામથી બીજા ગામ જવા પણ વિઝા લેવા પડે. જે લોકો જ્યાં હતા ત્યાં ને ત્યાં જ ઊભા રહી જવું પડ્યું. ધંધા બંધ. આપણે તો ટોળાના માણસો અને ટોળાથી જ દૂર થઈ જવું પડ્યું. ( જે લોકોને કશાનું વ્યસન હતું, તેઓની હાલત તો સૌથી વધુ ખરાબ થઈ ગયેલી.) ટી.વી. અને અન્ય સોસિયલ મીડિયા પર કોરોનાના આંકડા જોતાં રહેવાનુ અને ડરીને ઘરની અંદર પુરાઈ રહેવાનુ. વચ્ચે દીવા પણ પ્રગટાવ્યા. બધા તહેવારોની ઉજવણી પણ બંધ! અરે આપણે ગરબા ના રમ્યા! આપણે સામાજિક પ્રસંગો પણ ના ઉજવી શક્યા! આપણે જાણે પેરેલાઇઝ્ડ થઈ ગયા!

      આ સમય દરમિયાન માનવજાતના ઈતિહાસમાં પ્રથમવાર ધર્મસ્થાનો પણ બંધ રહ્યા! ( જાણે પરમ શકિતએ  ખુદ સમજાવ્યું કે મને તમે શોધો છો, ત્યાં તો હું હોતો જ નથી!). પરીક્ષાઓ પણ બંધ, બસ માત્ર ખુલ્લા હતા દવાખાના,મેડિકલો, કરિયાણું, અને ડેરીઓ. ( જાણે આપણને સમજાવવા કે ખરેખર આપણાં માટે જીવવા કઈ કઈ જરૂરિયાતો જરૂરી છે?). ઘણા લોકોને આ સમય દરમિયાન પોતાનું વતન યાદ આવ્યું અને તેઓ રાતોરાત ચાલીને પણ નીકળી ગયા. આપણે ધાર્યું ના હોય એવું બધુ જ જાણે આપણી જિંદગી સાથે થઈ ગયું. ખરું રમખાણ તો ઘરમાં થયું. બહાર નીકળવાની મનાઈ એટલે બધા ઘરમાં ને ઘરમાં! ઘર ખાલી ખાલી હતા તે ભરાઈ ગયા. બાળકો સ્કૂલે સચવાતા તે ઘરમાં,ઓફિસે જતાં પુરુષો પણ ઘરમાં, ટૂંકમાં બધા જ ઘરમાં!!!! છેલ્લા થોડા વર્ષોમાં પહેલીવાર એવું બન્યું કે આપણે બધા 24 કલાક એકસાથે એક જ ઘરમાં અને જે ધમાલ થઈ, થોડા દિવસો તો એવું લાગ્યું કે ઘરમાં સાથે એક છત નીચે રહી શકાશે કે કેમ? આપણે બનાવેલા દરેક પ્લાનિંગ પર આ મુશ્કેલીએ ઠંડુ પાણી રેડી દીધું. દૂર રહેલા આપણાં સગા-સંબંધીઓની ચિંતાએ આ મુશ્કેલીને વધુ ઘેરી બનાવી દીધી. આપણને એ ફીલ થયું કે “ ધરતીનો છેડો એટલે ઘર”

     જો કે સમય જતાં આપણે ઘરમાં સાથે રહેતા પણ શીખી ગયા. કોરોનાએ ભલે સોસિયલ ડિસ્ટન્સ આપ્યું,પણ ઈમોશનલ ડિસ્ટન્સ ઘટી ગયું! અરે વર્ક પણ ફ્રોમ હોમ થઈ ગયું. ઘણા બાળકોને પહેલીવાર ઘરમાં નવું વાતાવરણ જોવા મળ્યું. આપણાં દેશના સૈનિકો ડોકટર્સ અને પોલીસ બની ગયા. ઘણા ડોકટર્સ પણ શહિદ થયા. ઘણા ડોકટર્સે પોતાનું સર્વસ્વ દર્દીઓની સારવારમાં લગાવી દીધું. લોકડાઉન ને લીધે જેઓને બે ટંક ખાવાના ફાંફા હતા, તેઓને ભોજન આપવા માટે પણ અનેક સંસ્થાઓ આગળ આવી. ઘણી બધી સામાજિક સંસ્થાઓ એ પણ લોકોની સેવા કરવા માટે પોતાનું સંપૂર્ણ જોર લગાવી દીધું. તો ઘણા બધા લોકોએ દવા,ઈંજેકશન, અને ઓક્સિજનના કાળાબજાર પણ કર્યા. તો કોઈ જગ્યાએ વૃદ્ધોએ પોતાના શ્વાસો એટલે કે વેન્ટિલેટર કોઈ યુવાનને આપીને તેઓને નવજીવન પણ આપ્યું.

    સાથે સાથે આર્થિક નુક્સાનીઓ પણ ચાલુ થઈ ગઈ. મહિનાઓ સુધી અમુક ધંધાઓ બંધ રહ્યા. લોકો માટે કુટુંબનું ભરણ-પોષણ કરવું પણ અઘરું થઈ પડ્યું. એક આશ્ચર્ય એ પણ થયું કે ખેતી સાથે જોડાયેલા રહેલા લોકોને ઓછું આર્થિક નુકસાન થયું. ( કદાચ આપણને ઈશ્વર સમજાવવા માંગતા હશે કે આપણે જમીન સાથે જોડાયેલા માણસો જ છીએ!) રોજનું કમાઈને રોજ ખાવાવાળા લોકો માટે આ સમય સૌથી વધુ કપરો હતો. માત્ર ભારતમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં આ પરિસ્થિતિ હતી. ઈટલી, બ્રિટન,અમેરિકા, બ્રાઝિલ વગેરે  જેવા દેશોમાં તો પરિસ્થિતી અત્યંત ખરાબ હતી. હજી પણ ઘણા દેશો કોરોનાથી પ્રભાવિત છે જ! પ્રથમ અને બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના સગા-સંબંધી ગુમાવ્યા. એ ઈમોશનલ આઘાતમાથી તો હજી પણ આપણે બહાર આવી શક્યા નથી. વર્ષો વીતી જશે, કોરોના સાવ ખતમ પણ થઈ જશે પણ એણે આપણાં સૌના જીવનમાં ઊભો કરેલો ખાલીપો આપણને પૂરતા વાર લાગવાની. શિક્ષણ ક્ષેત્રે, કોરોનાને લીધે ઓનલાઈન શિક્ષણ આવ્યું અને સાથે અનેક સવાલો પણ લાવ્યું. જે સવાલોના જવાબ હજી સુધી મળી શક્યા નથી. ( જો કે કોરોનાને લીધે ઘણા બધા શિક્ષકો અને અધ્યાપકો લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં પણ થયા) જે લોકોએ પોતાની આવકના સ્ત્રોતો ગુમાવ્યા, તેમણે નવા સ્ત્રોતો શોધી પણ લીધા. આપણે આપણી આસપાસ નજર કરીશું તો સમજાશે કે કેટલા નવા નવા રસ્તાઓ આ સમય દરમિયાન આપણે આપણી માટે ખોલી દીધા છે.

      મારે તમને પણ એ દિશામાં જ લઈ જવા છે. કોરોના એક એવો સંઘર્ષકાળ લઈને આપણાં સૌના જીવનમાં આવ્યો કે આપણામાં બદલાવ જરૂરી બની ગયો. છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જે ઇચ્છતા હતા તે નવરાશ અને જાત સાથે એક મુલાકાત કરવાનો મોકો આપણને આ સમય દરમિયાન મળ્યો. આ સમયે આપણને જે બોધપાઠ આપ્યા આપણે એમાથી કશું શિખીને અપડેટ થયા કે નહી એ આપણે આપણી જાતને ખાસ પૂછવાનું છે. જોઈએ કેટલાક બોધપાઠ,,,

    જીવનમાં આરોગ્ય સૌથી અગત્યની બાબત છે. પહેલું સુખ તે જાતે નર્યા

    કુટુંબ આપણાં સૌના જીવનના વર્તુળનું કેન્દ્ર છે, જેના વિના આપણે આપણાં જીવનની ત્રિજ્યાઓ ખેંચી શકતા નથી.

    ધર્મસ્થાનોમાં દાન આપવા કરતાં કોઈ ગરીબ વ્યક્તિને કે સામાજિક સંસ્થાને મદદ કરવી વધુ જરૂરી છે.

    માનવતાથી મોટો કોઈ ધર્મ નથી.

    સાચવેલા સંબંધોથી વિશેષ કોઈ સંપતિ નથી.

    પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, જો લડતા રહીશું તો એને પણ પાર કરી શકીશું.

    જેઓ સતત કશું નવું શિખતા રહે છે, તેઓ ફરિયાદો કરતાં પ્રયાસોને વધુ મહત્વ આપે છે.

    ગૃહિણી કેવી રીતે મકાનને ઘર બનાવે છે?

    એકલા એકલા કોઈપણ મુશ્કેલીનો સામનો થઈ શકતો નથી, પણ સમૂહમાં રહીશું તો ગમે તેવી મુશ્કેલીઓનો સામનો થઈ શકશે.

    હજી તમારા મુજબ પણ કોઈ બોધપાઠ હશે. તો એમાથી શિખતા રહીએ અને આ સંઘર્ષકાળનો સામનો કરતાં રહીએ. કોઈપણ સંઘર્ષકાળ આપણામાં રહેલું શ્રેસ્ઠ લાવે છે. એ આપણાં પણ નભે છે કે આપણે તેને તક માનીને આગળ વધીએ છીએ કે અવરોધ માનીને અટકી જઈએ છીએ. જેઓ આ સમય દરમિયાન કશું શીખ્યા છે, તેઓ આગળ પણ સતત અપડેટ થતાં રહેશે. ઘણા બધા લોકોએ આ સંઘર્ષનો સુંદર રીતે સામનો કર્યો છે. આપણે પણ શીખી લઈએ કારણકે જીંદગીની પરીક્ષામાં માસ-પ્રમોશન નથી હોતું! કેમ ખરું ને?

     હવે કોરોનાની ત્રીજી લહેર નહી, પણ આપણાં સૌના જીવનમાં ખુશીઓની લહેર આવે એવી પ્રાર્થના સાથે,

    સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ!

    લાઈક,કમેંટ,શેર....

      જેઓ સમય સાથે અપડેટ નથી થતાં તેઓ આઉટ ઓફ ડેટ થઈ જતાં હોય છે.

     



No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...