તમારા બાળકોને ઓળખો,જાણો અને સમજો.....
તમારા બાળકોને ઓળખો,જાણો અને સમજો. સૌપ્રથમ તો તેને અમુક ઉંમર બાદ નિશાળે મોકલી જ દેવા જોઈએ, એ પૂર્વગ્રહમાથી બહાર આવી જાવ. સાત વર્ષની ઉંમરે સરકારે બાળક પહેલા ધોરણમાં હોવું જોઈએ, એવી જાહેરાત કરી છે, તો શા માટે બાળકોને બહુ વહેલી ઉંમરે નિશાળે મોકલી દેવા? બીજાના બાળકો જાય છે એટલે કે પછી બાળકો ઘરે સચવાતા નથી એટલે!
સાત વર્ષે બાળક શાળામાં પ્રવેશ મેળવે, ત્યાં સુધીમાં તેને તેના આસપાસના પર્યાવરણમાથી જે શીખે એ શીખવા દઈએ. આપણે પણ રમત, રમતમાં તેઓને ઘણું બધુ શીખવી શકીએ એમ છીએ. નાનપણમાં આપણે તેઓને જે કઈ શીખવીએ છીએ, એની અસરો આખી જિંદગી તેઓની સાથે રહેતી હોય છે. માટે એક મજબૂત અને ટકાઉ બાળપણ તેઓને આપીએ કે જેથી તેઓ એને પાયા પર રાખી પોતાની જીંદગીની ઇમારત મજબૂત ચણી શકે.
આમપણ અત્યારે ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સને લીધે બાળકોનું બાળપણ એકાદ સ્ક્રીન પૂરતું મર્યાદિત થઈ ગયું છે. સ્ક્રોલ કરવા સિવાય તેઓ બીજું કશું જ નથી કરી રહ્યા. એટલે સૌથી પહેલા તો તેઓને બને તેટલા ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સથી દૂર રાખીએ. આપણે મોટા ભાગે તેઓને સાચવવા અને તેઓ તોફાન ના કરે એટલા માટે ગેઝેટ્સને સોંપી દેતાં હોઈએ છીએ. અને પછી એ ગેઝેટ્સ જ આપણાં બાળકોને આપણાથી દૂર લઈ જતાં હોય છે. યાદ રહે, તેઓ માંગતા નથી, આપણે જ આપી દેતાં હોઈએ છીએ. હકીકત તો એ છે કે આજે આપણે બાળકોને બધુ જ આપી રહ્યા છીએ, સિવાય કે સમય! માટે તેઓને સમય આપો, જેથી બાળકોને અને બાળકોમાં રહેલી અભિયોગ્યતાઓને સમજી શકીએ.
બીજાના બાળકો સાથે બાળકોની સરખામણી કદી ના કરીએ. દરેક બાળકની ક્ષમતા અલગ અલગ હોય છે, માટે પહેલા તમારા બાળકને શું ગમે છે? તેને શેમાં રસ છે, એ નક્કી કરી લ્યો અને પછી તેઓને જુદા જુદા ક્લાસીસ તરફ દોડાવો. બીજાના બાળકો જે તે ક્લાસીસમાં જાય છે, એટલે મારુ બાળક પણ જવું જ જોઈએ, એ તો બાળકો સાથે રીતસરની જબરદસ્તી છે. અને બાળકો સાથે જે ક્ષેત્ર બાબતે આપણે જબરદસ્તી કરીશું, તેઓને તેના પ્રત્યે નફરત થઈ જવાની!
બહુ નાની ઉંમરે જો આપણે તેઓને નિશાળે મોકલી દઇશું, તો ભણવા પ્રત્યે પણ તેઓને અણગમો થઈ જવાનો. હવે તો એટલી નાની ઉંમરે બાળકોને નિશાળે મોકલી દેવાનો ટ્રેન્ડ ચાલ્યો છે કે બાળક નામની કળી ખીલે એ પહેલા જ મૂરઝાય જતી હોય છે. ભારતનું ભાવી વર્ગ-ખંડોમાં મૂરઝાય રહ્યું છે, તે એટલું ભીંસમાં જીવી રહ્યું છે કે નાનપણમાં જ માથે ભણતરના ભાર નીચે સાવ દટાઈ ગયું છે.
ભાર વગરનું ભણતર એક કલ્પના માત્ર બનીને રહી ગયું છે. રોજ સવારે માહિતીઓનો થેલો લઈને નીકળી પડતું બાળક એ માહિતીના ભાર નીચે એવું તો દટાઈ જાય છે કે શેરીઓ પણ તેઓની રમતો વગર સુની સુની થઈ ગઈ છે. નિશાળેથી આવીને હજી તો થાક ઉતરે કે ના ઉતરે, એ ટ્યુશનમા જવાની તૈયારીમાં લાગી જતું હોય છે. ટ્યુશનમાથી આવીને મમ્મીએ ગોઠવેલા એકાદ ક્લાસીસ તો તેઓની રાહ જોઈએ બેઠા જ હોય છે, જેમાં મને-કમને તેઓને જવું જ પડે છે. બાળકોને એટલા વ્યસ્ત રાખો કે એ તોફાન કરે જ નહી! કેમ ખરું ને?
અરે તેઓને તોફાન કે ધિંગામસ્તી કરવા દઈએ, તો જ આપણને તેઓમાં રહેલી શક્યતાઓ અને ક્ષમતાઓની ખબર પડશે, નહી તો આપણે તેઓને હમેંશા આપણે દોરેલા રસ્તે જ લઈ જઈશુ. તેઓને કોઈ નવો રસ્તો કંડારવાનો મોકો નહી આપી શકીએ. આપણે આપણાં બાળકોને જે રસ્તે લઈ જવાની કોશીશો કરતાં રહીએ છીએ, તે આપણે પણ નક્કી કરેલા નથી હોતા. એ તો સમાજે નક્કી કરેલા ધારા-ધોરણો છે, માપદંડો છે, જે મેળવવા આપણે બાળકો પાસેથી તેઓનું બાળપણ છીનવી રહ્યા છીએ.
મોટા થઈને શું કરશો? અરે યાર તેઓને થોડા મોટા તો થવા દઈએ. જે બાળપણ ઈશ્વરે તેઓને જીવવા આપ્યું છે, તે તો તેઓને જીવવા દઈએ. સૌથી મહત્વની વાત એ છે કે તેઓને કુદરતી રીતે ખીલવા દઈએ. તમે માર્ક કરજો, કોઈ એક ફૂલ બીજી ડાળી પરનું ફૂલ ખીલી ગયું હોય તો હવે મારે પણ ખીલી જવું પડશે, એવી સરખામણી કે બિનજરૂરી હરીફાઈમાં પડતાં હોતા નથી!
દર વર્ષે કેટલા ઉજ્જવળ ભવિષ્યો માતા-પિતાની અપેક્ષાઓને લીધે આત્મ-હત્યાના માંચડે ચડી જતાં હોય છે. શા માટે બાળકો પર આટલું બધુ દબાણ ક્રીએટ કરવું, કે સંતાનો એ દબાણમાં કચડાઈ મરે! સમય આવ્યે તેઓ પણ તેઓની જવાબદારી સમજીને જિંદગીમાં પોતાનો રસ્તો શોધી લેશે, બસ તેઓને જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપતા રહીએ અને બાકીનું તેઓ પર છોડી દઈએ.
બાળકોનો ઉછેર એક એવી શ્રદ્ધા છે, જેને આધારે આપણે જીવંત હોઈએ છીએ. માટે બાળકોને એવી રીતે ઉછેરીએ કે તેઓ આપણી સાથે ખીલેલા રહે, આપણી સાથે બધુ જ શેર કરે.... તેને રમતવીર બનવું હોય તો બનવા દઈએ, ચિત્રકાર બનવું હોય તો બનવા દઈએ, કોઈ બીજી કલાના ક્ષેત્રે જવું હોય તો જવા દઈએ.
જે જે માતા-પિતાએ પોતાના બાળકોને આમ ખીલવા દીધા છે, તે બાળકોની મહેંક આજે દુનિયામાં પ્રસરી જ રહી છે. તેઓ અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધ્યા જ છે. યાદ કરો થોમસ આલ્વા એડિશનને જેઓને નિશાળવાળા એ કાઢી મૂક્યા હતા, પણ તેઓની માતાની શ્રદ્ધાને લીધે તેઓ દુનિયાના મહાન વૈજ્ઞાનિક બની શક્યા. બસ આપે પણ આપણાં બાળકોની ક્ષમતાઓ અને નબળાઈઓ પર એવી જ શ્રદ્ધા રાખવાની છે.
આપણે તેઓને સફળ થતાં ના શીખવી શકીએ તો કઈ નહી, પણ બસ જીવતા શીખવી શકીએ તો પણ ઘણું! દરેક બાળકમાં કોઈને કોઈ વિશેષતા, ક્ષમતા અને શક્યતાઓ હોય છે, બસ આપણે તેને યોગ્ય દિશામાં લઈ જવાની હોય છે..... પણ બળજબરીથી નહી ને નહી જ ......