સમાનતા, સર્વોદય અને આપણું બંધારણ

શાળામાં પ્રજાસતાક દિવસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓ સુંદર મજાની કૃતિઓ રજૂ કરી રહ્યા છે. તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અપાઈ રહ્યા છે. હમણાં થોડીવાર પહેલા ફરકાવેલો ધ્વજ આકાશમાં લહેરાઈ રહ્યો છે. દેશના બંધારણને લઈને સુંદર મજાના વક્તવ્યો માઈકને ગજવી રહ્યા છે.
ને શાળાથી થોડે દૂર રહેલી ચાની દુકાને કેટલાક બાળકો ચાની કીટલી લઈને દોડા-દોડી કરી રહ્યા છે. ને શાળાની સામે રહેલા ઉકરડામાથી કેટલાક બાળકો ઉકરડામાથી કશુંક શોધી રહ્યા છે. ને સામેની બિલ્ડિંગમાં કામ કરી રહેલા મજૂરોના બાળકો પૈસાના અભાવે નિશાળોમાં ભણી નથી શકતા એટલે બહારથી જ આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે.
આવા બાળકો માટે મોટા થઈને ‘રાષ્ટ્રીય પર્વ’ કે ‘રાષ્ટ્રીયતા ની શું કિંમત હોવાની? આપણે આપણા બંધારણમાં સમાનતા,સ્વતંત્રતા અને બંધુતા જેવા આદર્શો અપનાવ્યા છે, પણ દેશમાં હજી એ આદર્શોનું અમલીકરણ થઈ શક્યું નથી. હજી આજે પણ 76માં ગણતંત્ર દિવસે પણ આ દેશમાં એવા કરોડો બાળકો છે, જેઓને પાયાની સુવિધાઓ મળી નથી રહી.
તેઓના માતા-પિતા પાસે એટલી પણ આર્થિક સગવડો નથી કે તેઓ પોતાના બાળકોને શિક્ષણ તો દૂર પણ ખોરાક, પોષક અને રહેઠાણની સુવિધાઓ પણ આપી શકતા નથી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના લીધે તેઓ પોતાના બાળકોને બહુ નાની ઉંમરે કામે લગાડી દેતાં હોય છે. યુનિસેફ અને આંતરરાષ્ટ્રીય મજૂર સંઘના 2023ના એક સર્વે મુજબ ભારતમાં 5 થી 17 વર્ષની ઉંમરના આશરે 1.5 મિલિયન બાળકો અને કિશોરો જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે.
જે રાષ્ટ્ર તેઓ સુધી જીવનની પાયાની સુવિધાઓ પણ નથી પહોંચાડી શકતું, તે રાષ્ટ્ર પ્રત્યે તેઓને શું લાગણી થવાની? વળી આવા બાળકોને જરૂરી શિક્ષણ ના મળતું હોવાથી તેઓ દેશની પાયાની સમસ્યાઓને સમજી શકતા નથી. દેશના વર્તમાન પ્રવાહોને સમજી શકતા નથી. જે ઉંમરે તેઓને માત્ર ભણવાનું હોય, તે ઉંમરે તેઓ મજૂરીની ભઠ્ઠીમાં શેકાઈ જતાં હોય છે.
ખાલી પેટ કોઈપણ સારા વિચારોને ગ્રહણ કરી શકતું નથી. ભૂખના પિરામિડની ટોચે આવા બાળકો માટે ભૂખમરો રોજનો કાર્યક્રમ બની જાય છે. દેશભક્તિના ગીતો આવા બાળકોમાં કોઈપણ પ્રકારનું જુનુન પેદા કરી શકતા નથી. અરે જેઓ પાસે પોતાની જિંદગીનું જ કોઈ બંધારણ નથી તેવા લોકો માટે દેશના બંધારણનું શું મૂલ્ય રહેવાનુ?
સામાજિક પ્રસંગોએ આવા બાળકો બીજા લોકોની એંઠી થાળીમાથી ખાવાનું ખાતા હોય છે. શિક્ષણથી દૂર આવા બાળકો આરોગ્યની સુવિધાઓથી પણ એટલા જ દૂર હોય છે. ધનિક કુટુંબોમા બાળકોને છીંક આવી જાય તો પણ દોડા-દોડી થઈ જતી હોય છે. ને આ બાળકોના મોટા રોગોની સારવાર માટે પણ તેઓના માતા-પિતા પાસે પૈસા નથી હોતા.
આ આર્થિક અસમાનતા બંધારણ ઘડાયા બાદ ઘટવાને બદલે વધતી જ ગઈ છે. એક વર્ગના બાળકો પાસે જમવાના એટલા બધા વિકલ્પો છે, કે શું ખાવું? અને શું ના ખાવું એ પ્રશ્ન છે, અને બીજા વર્ગના બાળકોને જમવું છે, પણ કોઈ વિકલ્પો જ નથી. રોજ સવારે ઘરેથી બે પ્રકારના બાળકો નીકળે છે. એકના ખભ્ભા પર શિક્ષણનો થેલો છે, અને બીજાના ખભ્ભા પર કચરાનો થેલો છે.
આપણી આસપાસ નજર કરીશું તો જોઈ શકાશે કે લગભગ દરેક ક્ષેત્રોમાં બાળકો અને કિશોરો કામ કરી રહ્યા છે. રમવાની ઉંમરે તેઓ કામનો બોજો લઈને ફરી રહ્યા છે. આપણે આવા બાળકોને જોઈને ક્યારેક થોડા પૈસા આપી દેતાં હોઈએ છીએ. પણ આવા બાળકોના શિક્ષણ કે બેટર જીવન વિષે આપણે ક્યારેય કોઈ ઠોસ કદમ ઉઠાવતા નથી. તેઓનું બાળપણ મજૂરીની ધૂળમાં એવું રગદોળાય જાય છે કે પછી સિગ્નલની લાઈટોમાં ખોવાય જાય છે.
ગાડી સાફ કરતાં બાળકોને જોઈને, જે રમકડાંથી તેઓ રમી શકે એમ હોય છે, તે રમકડાં બીજા બાળકો માટે વહેંચતા બાળકોને જોઈને, થતી અસરો ઘર સુધી પણ ટકતી નથી. આવા બાળકો કૂ-પોષણનો પણ ભોગ બનતા હોય છે. શિયાળાની ઠંડીમાં ઠૂંઠવાઈને કે પછી ઉનાળાની ગરમીમાં શેકાઈને જીવતા આ બાળકો માટે મોટા મોટા ભાષણોની નહી પણ કોઈ નક્કર કામોની જરૂર છે.
આપણે એટલા બધા હકારાત્મક થઈ ગયા છીએ કે આપણને શાઈન કરતી વસ્તુઓ અને ઘટનાઓ જ દેખાય રહી છે, ગરીબ બાળકોનો અંધકાર આપણે આંખ સામે હોવા છતાં જોઈ શકતા નથી. સરકાર કશું કરતી નથી એવું નથી, પણ જે કાઇપણ કરે છે, તે આવા લોકો સુધી પહોંચતું નથી!


