સંબંધોની સાચવણ અને આપણે

જિંદગીમાં સંબંધો એટલા બધા બટકણા ના હોવા જોઈએ કે તેને વારંવાર સાચવવા પડે! સંબંધો આપણે ખુશ રેહવા જોડતા હોઈએ છીએ, નહી કે સાચવી રાખવા. ઘણા લોકો સાથે જોડાયા પછી એને કે આપણને સમજાય કે આને તો વાતવાતમાં ખોટું લાગી જાય છે. કઈ પણ કહીએ તો એને તેઓ એટલું બધુ સીરિયસલી લઈ લેતા હોય છે કે બીજી વાર તેઓ સાથે વાત કરતાં પણ ડરવું પડે છે. હા એ વાત સાચી કે દરેક વ્યક્તિઓમાં અહમ, ઇર્ષ્યા, વગેરે વગેરે થોડા ઝાઝા પ્રમાણમા હોય છે. પણ જો એ પ્રમાણ વધુ પડતું હોય અને તેને લીધે એ સંબંધ આપણને વધુ પડતો ડિસ્ટર્બ કરતો હોય તો સમયસર એ સંબંધથી દૂર થઇ જવું જોઈએ.
સંબંધોમાં ‘ઈમોશનલ’ થવું જરૂરી છે, પણ ઓવર ઈમોશનલ થઈને કોઈ પર કે આપણા પર થતાં ‘ઈમોશનલ અત્યાચાર’ ને સહન ના કરવો જોઈએ. લાગણીઓ થકી આપણને કોઈ કે આપણે કોઈને બ્લેકમેલ ના કરવા જોઈએ. આ નકારાત્મક લાગણીઓથી બને તેટલા દૂર રહેવું જોઈએ.
હકીકત તો એ છે કે જિંદગીના ફૂલને ખીલવવા માટે લાગણીઓ સૂર્યપ્રકાશ જેટલી જ જરૂરી છે. પણ એ લાગણીઓ કુણા તડકા જેવી હોવી જોઈએ. નહી કે બાળી નાખતા બપોર જેવી. લાગણીઓને ભલે આપણે માપી શકતા નથી પણ પામી તો શકીએ જ છીએ. જો માતા-પિતા એવું માને કે આપણે સંતાનોને એટલા માટે સાચવીએ કે જેથી મોટા થઈને તેઑ આપણે આમ સાચવશે ને તેમ સાચવશે તો એ સંબંધ નહી પણ વેપાર છે. ઘણા માતા-પિતા પોતાના સંતાનોને પોતાના સપનાઓ પૂરા કરવાનું મશીન સમજે છે, એ પણ.... એક ડીલ જ કહેવાય ને!
અને સામા છેડે સંતાનો એવું માને કે જો માતા-પિતા આપણને સંપતિ અને વારસો ના આપી શકે તો એ માતા-પિતા સાથે અમારે કોઈ સંબંધ નથી એ તો સાવ ખોટું! આપણી આસપાસ નજર કરીશું તો સમજાશે કે મોટાભાગના સંબંધો આવા જ કોઈ ને કોઈ બંધનોથી બંધાયેલા છે. અને એ તાંતણાને આપણે ખેંચતા જ રહીએ છીએ. તૂટી જાય તો પરાણે સાંધતા રહીએ છીએ, થીગડું મારતા રહીએ છીએ.
આવા બટકણા સંબંધોની ચિંતામાં આપણે સમાજને જોડી દઈએ છીએ અને પછી જે ધમાસાણ થાય છે, તેને લીધે મન કચરાપેટી જેવુ બની જતું હોય છે. હવે આ સંબંધોને આપણે સમાજને ત્રાજવે તોલીને દૂ:ખી થતાં રહીએ છીએ. ઘણા પતિ-પત્ની અરસ-પરસ પ્રેમ ના હોવા છતાં એકબીજા સાથે આખી જિંદગી કાઢી નાખતા હોય છે, જીવતા નથી યાદ રાખજો.
લાગણીઓ આપણી અંદર રહેલું જીવંત તત્વ છે. તેને પરાણે કોઈ સાથે જોડી શકાતી નથી. સંબંધોના મૂળમાં સ્નેહ અને શ્રદ્ધા હોય છે. જે સંબંધોના વૃક્ષને મજબૂત બનાવે છે. તેને સમાજના માપદંડો સાથે બાંધીને આપણે ટાઈટ રીતે બંધાઈ જતાં હોઈએ છીએ. ઘણા લોકો તો આવા બંધનોમાં એવા ઝકડાઈ જતાં હોય છે કે શ્વાસ પણ લઈ શકતા નથી!
આપણે એ નથી સમજી રહ્યા કે જે નજીક છે, તે સંબંધો એટલા મજબૂત હોવા જોઈએ કે ગમે તેવી મુશ્કેલીઓ સામે પણ ટકી રહેવા જોઈએ. આપણે તિરાડો ખુલ્લી રાખીએ છીએ, ત્યારે એમાં કોઈ એન્ટર થવાની હિંમત કરે છે. એના કરતાં જે કઈ અંગત છે, તેને એટલું અંગત રાખીએ કે એમાં કોઈ એન્ટર જ ના થઈ શકે.
આ બટકણા સંબંધોને જાળવી રાખવા આપણે બહારના લોકોનો સાથ લેતા હોઈએ છીએ. જેના લીધે સંબંધો એટલા બધા ચેરાઈ જતાં હોય છે કે લાગણીઓ જ નિર્જીવ થઈ જતી હોય એવું લાગ્યા કરે છે. દરેક સંબંધોનું સીક્રેટ હોય છે, જે આપણે જાળવવાનું હોય છે. પણ આપણે તો એમાં પણ બીજાને એન્ટર કરી દેતાં હોઈએ છીએ, ને પરિણામે આપણાં સંબંધોનું મેનેજમેંટ કોઈ બીજા પાસે ચાલ્યું જતું હોય છે.
આવું શા માટે થવા દેવું? આપણાં સંતાનોને આપણે શા માટે ના સમજાવી શકીએ? બે વ્યક્તિઓ વચ્ચેના સંબધોને શા માટે સાર્વજનિક બનાવી દેવા? સંબંધો આપણે જોડીએ છીએ, તો તેને નિભાવતા પણ આપણને જ આવડવું જોઈએ. કોઈ બીજા કહે એમ આપણે એ સંબંધોને શા માટે નિભાવવા?
સંબંધો રફ એન્ડ ટફ હોવા જોઈએ. સમય સાથે એ વધુને વધુ મજબૂત બનવા જોઈએ. પરિસ્થિતી, સમય અને સંજોગો સાથે એ વહેતા રહેવા જોઈએ. સંબંધ બંધન નથી, કે આપણે બંધાઈ જઈએ. એ તો ખુલ્લા આકાશ જેવા હોવા જોઈએ. જેમાં આપણે મોજથી હળવા થઈ શકીએ.
પીંજરુ સોનાનું હોય તોપણ કોઈને ગમતું નથી. માટે દરેક સંબંધોને ખીલવા અવકાશ આપતા રહો...
આવજો અને જીવજો
Happy living!!!

No comments:
Post a Comment