આપણને માત્ર માહિતીની જરૂર છે કે વિચારોની પણ!

માહિતીનો ધોધ ચારેતરફથી વહી રહ્યો છે. ગૂગલ પોતાની સાઈટ પર રોજ નવા સાડા ત્રણ લાખ નવા પેજિસ ઉમેરે છે. ગૂગલને દર સેકંડે 40000 સર્વિસ રીકવેસ્ટ મળે છે. જેને આખા દિવસમાં કન્વર્ટ કરીએ તો 3.5 અબજ જેટલી થાય છે. આ માહિતી ગૂગલના જુદા જુદા સ્ત્રોતો જેવા કે યુ-ટ્યુબ, ગૂગલ મેપ અને ગૂગલ મેઈલ દ્વારા મેળવાતી હોય છે. આજે કોણ એવું હશે જે આખા દિવસમાં એકવાર ગૂગલની કોઈ પ્રોડક્ટ કે પછી સોસિયલ મીડિયાની કોઈપણ એક એપ્લીકેશન કે સાઇટનો ઉપયોગ નહી કરતું હોય! એકલા ભારતમાં 535.8મિલિયન વોટ્સએપ યુઝર્સ છે. જ્યારે ઇનસ્ટાગ્રામ યુઝર્સ 385.35મિલિયન છે. ટ્વિટર અલગ, ફેસ-બૂક અલગ, અને બીજી સાઇટ્સ અને એપ્લીકેશન્સ અલગ!
રોજ અખૂટ માહિતી આપણાં પર થોપવામાં આવી રહી છે. એ માહિતીમાથી કેટલી સાચી? કેટલી ખોટી? એ અંગે જો કે આપણી પાસે કોઈ માહિતી નથી. અગાઉ સારા વિચારો આપણાં સુધી પહોંચાડનાર આપણાં ‘ઇન્ફ્લુઅન્સર્સ’ ગણાતા. અને હવે જુદી જુદી સાઇટ પર સારું ખરાબ ગમે તેવું કન્ટેન્ટ આપનાર આપણાં ‘ઇન્ફ્લુઅન્સર્સ’ બની ગયા છે. આપણને જીવન કેમ જીવવું એ સમજાવનાર પોતે આપઘાત કરી રહ્યા છે. કેમ બોલવું એ શિખવનારની પોતાની જીભ સ્લીપ થઈ રહી છે. સવારના ઊઠવું કેમ? ત્યારથી લઈને રાત્રે સુવા કેવી રીતે જવું? એ બધાના જ વિડિયોઝ આપણાં મોબાઇલની મેમરીને ફૂલ કરતાં રહે છે. કેટલું બધુ એવું મોબાઇલની મેમરીમાં પડેલું છે, જેને આપણે વગર જોઈએ કે વગર વાંચ્યે ફોનની મેમરીમાથી ડીલિટ કરી નાખતા હોઈએ છીએ.
બધાને માહિતી જોઈએ છીએ, પણ સાચી માહિતી ક્યાં છે? અને કઈ છે? એની તો વીકેપીડિયાને પણ ખબર નથી. લોકો સર્ચ કરીને જે માહિતી મેળવે છે. એની સત્યતાની કોઈ સાબિતી નથી. હકીકત તો એ છે કે હવે નવી કોઈ બાબત આવવાની હોય, તો તેના વિષે સાચું ઓછું, પણ ભ્રમ ફેલાવી એવી માહિતી વધુ ફેલાઈ રહી છે. એ.આઈ. વિષે થઈ રહેલી ચર્ચાઓ આનું તાજું ઉદાહરણ છે. વળી આજકાલ સૌથી વધુ ભયજનક બાબત એ છે કે એ માહિતીનો ઉપયોગ લોકો કેવી રીતે કરશે? ખુદ આપણે સૌ પણ આપણાં પાસે આવેલી માહિતી સાચી છે કે ખોટી? સારી છે કે ખરાબ? તે જાણ્યા વિના બીજાને ફોરવર્ડ કરતાં રહીએ છીએ!
રોગોની માહિતી તો જે રીતે સોસિયલ મીડિયાઝ પર શેર થઈ રહી છે, લાગે છે હવે કોઈને ડોકટર્સની જરૂર જ નહી પડે. થોડા મહિનાઓ પહેલા બિહારમાં કોઈએ યુ-ટ્યુબ પર જોઈને કોઈનું ઓપરેશન કરી નાખેલું! જેના હાથમાં જે વિષયનું કન્ટેન્ટ આવે, લોકો આડેધડ વાઇરલ કરી રહ્યા છે. ગૃહિણીઓ રસોઈના, ઘરડાઓ રોગોના ઉપચારોમાં, પુરુષો ધંધાના અને શેરબજારના, બાળકો કાર્ટૂન અને રીલ્સમાં, યંગ-જનરેશન વાઇરલ થવાના ફીવરમાં કે પછી ઇન્ફ્લુઅન્સર્સની વાતોમાં એટલા બધા ગૂંચવાઈ ગયા છે કે એનાથી પડતી ગૂંચો ઉકેલાઈ જ નથી રહી.
યુ-ટ્યુબ તો ‘મહાકુંભ’ કરતાં પણ મોટું સ્થાન બની ગયું છે. જ્ઞાનની સરવાણી તેમાં વહેતી જ રહે છે. લોકો ડૂબકી મારતા જ જાય છે, પણ ખરેખર સાચુ જ્ઞાન મેળવવું જોઈએ તે નથી મળી રહ્યું. કારણકે જે માહિતી તેઓ આપે છે, એ સાચી છે કે ખોટી? તેની કોઈ ખાતરી નથી. જ્ઞાન-ગુરુઓ, ઇન્ફ્લુઅન્સર્સ, ક્રીએટર્સ, ટીચર્સ, ટ્રાવેલિગ બ્લોગર્સ, વગેરે વગેરે દ્વારા રજૂ થતું કન્ટેન્ટ લોકોને વધુ ને વધુ કંફ્યૂઝ કરી રહ્યું છે. બધા આજે ભલે માહિતીના પ્રવાહ તરફ દોડી રહ્યા હોય, પણ હકીકત તો એ છે કે જેટલી જરૂર આપણને માહિતીની છે, એટલી જ જરૂર આપણને ‘સારા-વિચારોની’ પણ છે.
મેળવેલી માહિતીનો શ્રેષ્ઠ ઉપયોગ વિચારો દ્વારા જ શકય બની શકશે. આભાસી દુનિયાએ રચેલી માહિતીની જાળમાથી આપણને વિચારો જ બહાર લાવી શકશે. માહિતીએ આપણાં જીવનમાં જે તણાવ, ચિંતા, અને ડીપ્રેશન ઊભું કર્યું છે, તેને વિચારો જ શાંત કરી શકશે. આભાસી મીડિયા પરની અર્થહીન માહિતીને આપણે આપણાં ઉપનિષદો, પુરાણો અને વિચારકોના વિચારો થકી જ સાર્થક કરી શકીશું.
